જેમ આપણે મનુષ્યના સારા સ્વાસ્થ્ય અને સ્વસ્થ શરીર માટે પોષણયુક્ત ખોરાક જરૂરી છે. ઠીક તે જ રીતે, છોડને પણ ઉગવા માટે યોગ્ય પોષક તત્વોની જરૂર હોય છે. ઘણી વખત, સૂર્યપ્રકાશ અને યોગ્ય પાણી આપ્યા પછી પણ છોડ યોગ્ય રીતે વિકસિત થતા નથી. કેટલીકવાર છોડ ઊંચા અને ધાંટા બને છે, પરંતુ તેમાં ફળો અને ફૂલો આવતા નથી, તેનું કારણ પોષણનો અભાવ છે.
છોડને પોષક તત્વો પહોંચાડવાનો સૌથી સહેલો રસ્તો તેમાં ખાતર ઉમેરવું. આજકાલ બજારમાં ઘણા પ્રકારનાં ખાતર ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ લોકો તેમના છોડને હર્યોભર્યો અને વધુ ફળદાયી બનાવવા માટે કરે છે. પરંતુ ગાર્ડનિંગ એક્સપર્ટ કહે છે કે ઘરે પણ ખાતર ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકાય છે. ઘરે તૈયાર કરેલ ખાતર સંપૂર્ણપણે જૈવિક હોવાની સાથેસાથે સસ્તું પણ હોય છે.
આ માટે તમે, તમારા રસોડાના કચરાનો ઉપયોગ કરી શકો છો. શાકભાજી અને ફળોની છાલમાં આવા ઘણા પોષક તત્વો હોય છે, જેના ઉપયોગથી છોડ ઝડપથી વિકસે છે અને ફૂલો અને ફળોની ઉપજ પણ સારી થાય છે. છેલ્લા પાંચ વર્ષથી મેરઠમાં છેલ્લા પાંચ વર્ષથી બાગકામ કરી રહેલી સુમિતા સિંહે ધ બેટર ઈન્ડિયાને કહ્યું કે તે ઘરે જ જૈવિક ખાતર બનાવે છે.
સુમિતા સિંહ કહે છે, “લગભગ બધી શાકભાજી અને ફળોની છાલમાં કોઈને કોઈ કે પોષક તત્વો હોય છે. પરંતુ એક સુપરફૂડ માનવામાં આવતા કેળાની છાલનો ઉપયોગ છોડના વિકાસ માટે ખૂબ જ સારો છે. તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટની સાથે ઘણાં અન્ય સુક્ષ્મ પોષકતત્ત્વો હોય છે.”
સુમિતાએ ધ બેટર ઈન્ડિયા સાથે કેળાની છાલમાંથી ખાતર કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે ઘણી જાણકારી શેર કરી છે:

પ્રવાહી ખાતર તરીકે કરો ઉપયોગ
સુમિતા જણાવે છે કે કેળાની છાલનો ઉપયોગ જુદી જુદી રીતે કરી શકાય છે. સૌથી સહેલો રસ્તો, પ્રવાહી ખાતર તરીકે તેનો ઉપયોગ કરવો. આ માટે ચારથી પાંચ કેળાની છાલ પાણીમાં નાંખો અને બે કે ત્રણ દિવસ ઢાંકી રાખો. બાદમાં, આ પાણીને સાદા પાણીમાં ભેળવી દો અને છોડ માટે ખાતર તરીકે વાપરો. એ ધ્યાન રાખો કે જો તમે એક લિટર પાણીનું પ્રવાહી ખાતર બનાવી રહ્યા છો, તો છોડમાં ચાર ગણું પાણી ઉમેરો.

ખાતર બનાવવાના ડબ્બામાં તૈયાર કરો ખાતર
પ્રવાહી ખાતર સિવાય, બીજી પદ્ધતિ એ છે કે તેને ખાતરના ડબ્બામાં ઉમેરીને ખાતર તૈયાર કરવું. આ માટે, તમે કેળાની છાલને ખાતર બનાવવાના ડબ્બામાં નાખી દો. તમે તેને રસોડાના અન્ય કચરા અને સૂકા પાંદડા સાથે ભેળવીને ખાતર બનાવી શકો છો. કેળાની છાલમાં નજીવું નાઇટ્રોજન હોય છે, જ્યારે તમે તેને ખાતર બનાવવાના ડબ્બામાં નાખો તો તે બાકીના પાંદડા અને છાલની સાથે નાઇટ્રોજનયુક્ત બની જશે. છોડના વિકાસ માટે નાઇટ્રોજન પણ જરૂરી હોય છે. આ રીતે બનાવવામાં આવતા ખાતરને તમારા છોડમાં સમયાંતરે નાખી શકાય છે.

સુકવીને કરો ઉપયોગ
કેળાની છાલનો ઉપયોગ કરવાની ત્રીજી અને સૌથી શ્રેષ્ઠ રીત તેમને સૂકવીને વાપરવી છે. આ માટે સૌ પ્રથમ, કેળાની છાલને તડકામાં સૂકવી દો. લગભગ એક અઠવાડિયામાં, તે સંપૂર્ણપણે સુકાઈ જશે. આ સુકાયેલા પાંદડાનો મિક્સરમાં પાઉડર બનાવો અને બસ થઈ ગયું તમારા છોડ માટે ખાતર તૈયાર!. તમે તેને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. તમે આ પાવડર મહિનામાં એક કે બે વાર અથવા છોડની જરૂરિયાત મુજબ તમારા છોડમાં ઉમેરી શકો છો.
આ પાવડર નાખતા સમયે, કુંડામાંથી થોડી માટી કાઢી નાંખો, સુકાયેલ કેળાના પાવડર નાખો અને ફરી ઉપર માટી નાખી દો.
સુમિતા કહે છે કે કેળાની છાલ સુકાવીને પાવડર બનાવવાની તેનો ઉપયોગ એ શ્રેષ્ઠ રીત છે.

કઈ બાબતનું ધ્યાન રાખવું
સુમિતાનું કહેવું છે કે કેળાની છાલમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોવાથી ફૂગ થવાની સંભાવના પણ વધી જાય છે. વરસાદના દિવસો અને ઠંડા વાતાવરણમાં કેળાની છાલના ખાતરનો ઉપયોગ ન કરવો જોઈએ તે ધ્યાનમાં રાખવું. કેટલાક લોકો કેળાની છાલને સીધા કુંડામાં મૂકે છે, આમ કરવાથી કેળાની છાલ માટીમાં ભળતા સમય લાગે છે, તમે કુંડાની માટીની અંદર, તમે કેળાના નાના-નાના ટુકડા કરીને નાખી શકો છો, પરંતુ જો ત્યાં સૂર્યપ્રકાશ ન આવતો હોય તો આમ કરવાથી બચવું.
જો તમને પણ ગાર્ડનિંગના શોખીન છો અને તમારા બગીચાના છોડમાં ફળો અને ફૂલો ઓછા આવે છે, તો પછી એકવાર કેળાની છાલનો ઉપયોગ ચોક્કસપણે કરી જુઓ.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: #DIY: તમે પણ આ છ રીતે ફૂલ-ઝાડ માટે બનાવી શકો છો પૉટિંગ મિક્સ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.