Search Icon
Nav Arrow
Milk Bag Projects
Milk Bag Projects

7.5 લાખ દૂધની ખાલી થેલીઓને કચરામાં જતા રોકી ચૂકી છે આ ત્રણ બહેનપણીઓ

મુંબઈની ત્રણ સખીઓ હંસૂ પારડીવાલા, કુંતી ઓઝા અને ચિત્રા હિરેમઠે 2019 માં મિલ્ક બેગ પ્રોજેક્ટની શરૂઆત કરી, જેમાં તેઓ અલગ-અલગ સોસાયટીઓમાંથી દૂધની કોથળીઓ ભેગી કરીને તેને રિસાઈકલ કરાવે છે.

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબજ વાયરલ થઈ હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે દૂધનું પેકેટ ખોલતી વખતે, તમારે તેને ખૂણામાંથી પુરેપુરું ન કાપવું જોઈએ, પરંતુ તેને સામાન્ય કાપો જેથી કોથળીનો નાનો કટકો પણ કચરામાં જાય નહી. કારણ કે પ્લાસ્ટિકના પેકેટના આ નાના ટુકડાઓ પણ પર્યાવરણ અને આપણા પ્રાણીઓ-પક્ષીઓ માટે હાનિકારક છે.

આજકાલ શહેરોમાં લગભગ તમામ ઘરોમાં પેકેટમાં દૂધ આવે છે. હવે કલ્પના કરો કે જો પ્લાસ્ટિકના પેકેટનો તે નાનો ટુકડો દરરોજ દરેક ઘરમાંથી પર્યાવરણમાં જઈ રહ્યો છે, તો તેની અસર કેટલી મોટી હશે. ઘણા લોકોએ આ સોશિયલ મીડિયા પોસ્ટને નજરઅંદાજ કરી હશે, પરંતુ મુંબઈમાં આ એક પોસ્ટને કારણે કેટલીક મહિલાઓએ સાથે મળીને એક અનોખું અભિયાન શરૂ કર્યું છે.

મુંબઈમાં રહેતી કુંતી ઓઝા, હંસુ પારડીવાલા અને ચિત્રા હિરેમઠેએ 2019માં‘Milk Bag Project’ ની શરૂઆત કરી હતી. આ મહિલાઓએ પહેલા તેમના પોત-પોતાના ઘરથી તેની શરૂઆત કરી અને પછી તેમની સોસાયટીમાં લોકોને જાગૃત કર્યા. હવે મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી લોકો તેમને ખાલી દૂધના પેકેટ મોકલે છે, જે રિસાયક્લિંગ એકમોને મોકલવામાં આવે છે.

તેમના આ અભિયાન વિશે વાત કરતા, કુંતી ઓઝાએ કહ્યું, “અમે બધાએ એક વોટ્સએપ ફોરવર્ડ જોયું, જેમાં જણાવ્યું હતું કે જો દૂધના પેકેટનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણે પ્રદૂષણને ઘણા અંશે અટકાવી શકીએ છીએ. તે મોટું કામ નથી. તમારે ફક્ત એક નાની આદત બદલવાની જરૂર છે. અમે બધાએ આ વિશે અમારી વચ્ચે ચર્ચા કરી અને પછી વિચાર્યું કે આ કામ સાથે મળીને કેમ ન કરવું જોઈએ.”

આ તમામ મહિલાઓ પહેલાંથી જ પર્યાવરણ સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપન ક્ષેત્રે કામ કરી રહી છે. હંસુ ‘હર ઘર, હરા ઘર’ સંગઠન સાથે સંકળાયેલ છે, કુંતી ‘સ્વચ્છ મુંબઈ ફાઉન્ડેશન’ સાથે સંકળાયેલી છે અને ચિત્રા ‘કચરા મુક્ત ભારત’ સાથે સંકળાયેલી છે. આ મહિલાઓએ કહ્યું, “અમે એક જ વિસ્તારમાં રહીએ છીએ અને અમારું કાર્યક્ષેત્ર પણ લગભગ સમાન છે. એટલા માટે અમે વારંવાર અમારા વિસ્તારમાં કચરાના વ્યવસ્થાપન વિશે લોકોને જાગૃત કરતા રહીએ છીએ. જ્યારે અમે દૂધના પેકેટ ધરાવતી પોસ્ટ જોઈ ત્યારે અમે વિચાર્યું કે આ વખતે પણ આ પ્રોજેક્ટ સાથે મળીને કરીએ.”

Recycle Plastic

પોતાના ઘરથી શરૂઆત કરી, પછી લોકોને જોડ્યા

તેઓએ પહેલા આ કામની શરૂઆત તેમના ઘરેથી કરી અને સાથે મળીને એક વીડિયો બનાવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે તમારે કેવી રીતે દૂધનું પેકેટ કાપવું અને પછી તેને ધોવું, સૂકવવું અને તેને એકત્ર કરવાનું ચાલુ રાખવું. દર મહિને તેમની ટીમ લોકોના ઘરોમાંથી ખાલી દૂધના પેકેટ એકત્રિત કરશે અથવા જો કોઈ તેને જાતે મોકલવા માંગશે તો મોકલી શકે છે. આ પેકેટો એકત્રિત કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં રિસાયક્લિંગ એકમોને પહોંચાડવામાં આવે છે. ચિત્રાએ કહ્યું, “અમે આ વીડિયો અમારા સોસાયટી ગ્રુપ્સ અને અન્ય વોટ્સએપ ગ્રુપમાં મુકીએ છીએ જેથી શક્ય તેટલા લોકોને ખબર પડે.”

જોકે તેમનો માર્ગ એટલો સરળ નહોતો. કારણ કે જો લોકોને જાગૃત કરવામાં આવે તો પણ તેમની આદતો બદલવી સરળ કામ નથી. પરંતુ તેઓએ સાથે મળીને કામ કર્યું અને ધીમે ધીમે તેમને અન્ય લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળવા લાગ્યો. ત્યારબાદ તેમણે એક રિસાયકલરનો સંપર્ક કર્યો. પરંતુ સમસ્યા એ હતી કે રિસાયકલ કરનારાઓ નાની માત્રામાં કચરો લેતા નથી. તેથી થોડા સમય માટે તેમણે પોતાની પાસે આ દૂધના પેકેટ એકઠા કરવા પડ્યા. આ મહિલાઓએ સાથે મળીને એક સ્થળ શોધ્યુ, જ્યાં તેઓએ પેકેટ એકત્ર કરવાનું શરૂ કર્યું.

જ્યારે વધારે માત્રામાં પેકેટ થઈ જાય છે, ત્યારે તેઓ તેને રિસાયકલરને મોકલે છે. તેમણે ઉમેર્યું, “જ્યારે અમે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે અમે જોયું કે કચરો વીણનારા પણ દૂધના પેકેટ એકત્રિત કરતા નથી. કારણ કે કદાચ તેઓ જાણતા નથી કે તેઓ તેને વેચી પણ શકે છે.”

Recycle Plastic

અત્યાર સુધીમાં સાડા સાત લાખથી વધુ દૂધના પેકેટ એકત્રિત કર્યા છે

હંસુ કહે છે કે તેમનો પ્રોજેક્ટ લગભગ દસ મહિના સુધી સારો રહ્યો અને દર મહિને લોકો તેની સાથે જોડાવા લાગ્યા. પરંતુ 2020માં લોકડાઉન દરમિયાન તેમનું કામ અટકી ગયું. આવી સ્થિતિમાં, તેમણે લોકોને તેમના ઘરે ખાલી દૂધના પેકેટ એકત્ર કરવાનું ચાલુ રાખવાની સલાહ આપી. જો કે, કોરોના મહામારીમાં, લોકો અન્ય ઘણી સમસ્યાઓની સામે સંઘર્ષ કરી રહ્યા હતા. તેથી તેમણે થોડો સમય બ્રેક લીધો. પરંતુ જલદી જ પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ, તેમણે ફરી એક વખત જોરશોરથી પોતાનું કામ શરૂ કર્યું.

મિલ્ક બેગ પ્રોજેક્ટની ટીમે અત્યાર સુધીમાં દૂધના સાડા સાત લાખથી વધુ પ્લાસ્ટિકના પેકેટને કચરામાં જતા અટકાવ્યા છે. તેમણે આ તમામ પેકેટ રિસાયક્લિંગ એકમોને આપ્યા છે. “સૌ પ્રથમ આ પેકેટો આ એકમોમાં સારી રીતે ધોવાઇ જાય છે. આ પછી સૂકવવામાં આવે છે અને મશીનમાં નાના-નાના ટુકડા કરવામાં આવે છે. આ પછી પ્લાસ્ટિક ગ્રાન્યુલ્સ બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવે છે. આ રિસાયકલ કરેલા પ્લાસ્ટિક ગ્રાન્યુલ્સનો ઉપયોગ કચરાની થેલીઓ બનાવવાથી લઈને બીજા ઘણા ઉત્પાદનો બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.”તેમણે કહ્યુ.

Reuse Milk Bags

ઉલ્લેખનીય છે કે પર્યાવરણને પ્રદૂષિત કરવામાં સૌથી મોટો ફાળો પ્લાસ્ટિકનો છે. આંકડા અનુસાર, વિશ્વમાં ઉત્પન્ન થતા પ્લાસ્ટિકમાંથી લગભગ 79% આપણા પર્યાવરણને પ્રદૂષિત કરે છે. આમાંથી, માત્ર 9% રિસાયકલ કરી શકાય છે. જો આપણે ભારતની વાત કરીએ તો આપણા દેશમાં પણ રિસાયક્લિંગ બહુ મોટા પાયે કરવામાં આવતું નથી. પરંતુ જો વધુ ને વધુ પ્લાસ્ટિકનો કચરો રિસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે તો નવા પ્લાસ્ટિકનું ઉત્પાદન ઘણા અંશે ઘટાડી શકાય છે. સાથે જ પર્યાવરણમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ પણ મોટા પાયે ઘટશે. આવી સ્થિતિમાં આ મહિલાઓનો આ પ્રોજેક્ટ આ દિશામાં એક નાનું પણ મહત્વનું પગલું છે.

તેમના અભિયાન વિશે જાણીને, અન્ય શહેરોના લોકો પણ તેમનો સંપર્ક કરી રહ્યા છે. “અન્ય ઘણા શહેરોના લોકો દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો અને કહ્યું કે તેઓ પણ આ અભિયાનમાં જોડાવા માંગે છે. અમે આ બધા લોકોને એટલું જ કહીએ છીએ કે તમે તમારા ઘરમાંથી શરૂઆત કરો અને પછી તમારા વિસ્તારના લોકોને જાગૃત કરો. એક-એક પગલુ આગળ વધો અને તમારા પોતાના વિસ્તારમાં આ પ્રોજેક્ટને રેપ્લિકેટ કરો. ત્યારે જ આપણે પરિવર્તન લાવી શકીશું, ”તેમણે અંતમાં કહ્યું.

જો તમને આ કહાની ગમી હોય અને તમારા વિસ્તારમાં આ કાર્ય કરવા માંગો છો તો તમે themilkbagproject@gmail.com પર તેમનો સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: કિશન દવે

આ પણ વાંચો: ભઠ્ઠીમાં નહીં, તડકામાં સુકવીને બનાવેલી ઈંટોથી બની છે આ ઘરની દિવાલો, જાણો શું છે તેના ફાયદાઓ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon