પેટલાદના સેજલભાઈ કંસારાએ અત્યારે ઘરની પાછળના ભાગમાં એટલો સુંદર બગીચો અને ઝૂંપડી બનાવી છે કે, દર વીકેન્ડમાં તેઓ તો ત્યાં પિકનિક કરી જ શકે છે, સાથે-સાથે સગાં-સંબંધીઓ અને પડોશીઓ પણ તેનો લાહવો લે છે.
જોકે આ સુંદર બગીચો બનાવવા પાછળનું કારણ તો આનાથી પણ અદભુત છે. સેજલભાઈના ઘરની પાછળના ભાગમાં જગ્યા તો વર્ષોથી પડી હતી પરંતુ સમયના અભાવના કારણે ખાસ કઈં કરી શકતા નહોંતા. બસ માત્ર શોખ પૂરતા કોઈ-કોઈ ઝાડ વાવી લેતા. તો સેજલભાઈના પિતા ગવર્નમેન્ટ ઑફિસર હતા અને તેમની પહેલાંથી આ જગ્યામાં સુંદર ગાર્ડન બનાવવાની ઇચ્છા હતી, પરંતુ શક્ય નહોંતુ બન્યું અને તેમના અવસાન માદ સેજલભાઈએ આ અંગે વિચારવાનું શરૂ કર્યું.
આ દરમિયાન કોરોનાના કારણે લૉકડાઉન શરૂ થઈ જતાં સેજલભાઈને ભરપૂર સમય પણ મળ્યો. એટલે સેજલભાઈએ માત્ર ઝાડ છોડવાવવાની જગ્યાએ એટલી સુંદર જગ્યા બનાવવાનું વિચાર્યું કે, તેમની સાથે-સાથે અન્ય લોકો પણ અહીં પ્રકૃતિની નજીક રહી શકે. સૌથી પહેલાં તો તેમણે ઘરની પાછળ રહેલ આખી જગ્યાને બરાબર સાફ કરી. ત્યારબાદ આ પથરાળ જગ્યા હોવાથી ખોદીને ત્યાં વ્યવસ્થિત માટી નાખી. ત્યારબાદ એવા કયા ઝાડ છોડ વાવવા જેનાથી પ્રકૃતિને મદદ મળી શકે, પક્ષીઓ આવીને મજા લઈ શકે એ બાબતે ઈન્ટરનેટ પર બધુ સર્ચ કર્યું અને એ પ્રમાણે છોડ લાવવાના શરૂ કર્યા.

ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે, કઈંક એવું કરવું છે કે, શહેરની વચ્ચે પણ ગામડાનો અનુભવ થઈ શકે. એટલે તેમણે વચ્ચે એક સુંદર ઝુંપડી બનાવી. ત્યારબાદ ચારેય બાજુ લગભગ કુલ 60 ફૂટની દિવાલ છે, આ દિવાલનો સદઉપયોગ કરતાં તેમણે તેના પર ચિત્રકામ કરવાનું નક્કી કર્યું, જે તેમને તેમના પિતા તરફથી વારસામાં મળી છે. બહુ વિચાર્યા બાદ ડાંગમાં જોયેલ વાર્લી આર્ટ કરવાનું નક્કી કર્યું, જેમાં તેમને સાથ આપ્યો તેમની બંને ભત્રીજીઓ ખુશી અને માહીએ. ત્રણેય જણાંએ ભેગાં થઈએ દિવાલ પર સુંદર વાર્લી આર્ટ કંડારી, સાથે-સાથે બજારમાંથી માટલાં લાવ્યા અને તેના પર તેમની બંને ભત્રીજીઓએ વાર્લી આર્ટ કરી.
આ પણ વાંચો: સ્વાસ્થ્ય માટે ડૉક્ટર કપલ બન્યું ખેડૂત, ધાબામાં 3 લેયરમાં વાવ્યાં 30+ શાક, 10+ ફળ અને ઔષધીઓ
આ સમગ્ર કામ ચાલતું હતું આ દરમિયાન તેમને ઝાડ-છોડ વાવવાનું તો શરૂ જ રાખ્યું હતું, જેથી સમયસર તે પણ મોટાં થઈ જાય. અહીં ઉમરાનું ઝાડ તો પહેલાંથી જ હતું, જે પક્ષીઓને ખૂબજ પ્રિય હોય છે. આ ઉપરાંત તેમણે કડવો લીમડો, આસોપાલવ, પારિજાત, જાંબુ, કરેણ, જામફળ, આમળાં વગેરે રોપ્યાં જેથી પક્ષીઓને ખોરાક પણ મળી રહે અને તેઓ ત્યાં માળા પણ બાંધી શકે.

ત્યારબાદ તેમણે ધ્યાન કેંદ્રિત કર્યું એવા ફૂલછોડ પર, જેનાથી પતંગિયાં આકર્ષિત થાય અને આવે. જેના માટે તેમણે વાવ્યા પેન્થસ, એગ્ઝોરા, બારમાસી, ગુલાબ, મોગરો સહિતના ફૂલોના છોડ વાવ્યા, જેથી નાના-નાના જંતુઓ અને પતંગિયાં આકર્ષાઈને આવે. દર અઠવાડિયે અલગ-અલગ નર્સરીમાં જાય અને સારા-સારા છોડ લઈ આવે. જ્યાંથી તેઓ વિવિધ ફૂલની વેલ પણ લાવ્યા છે અને અત્યારે તે બહુ સારી રીતે વધી રહી છે.
હવે વારો આવ્યો આ બધા જ ઝાડ-છોડની સંભાળ માટે યોગ્ય ખાતરની. અત્યારે તો તેઓ ગાર્ડનમાં જે પણ પાંદડાં પડે તેને નિયમિત ભેગાં કરી તેમાંથી ખાતર બનાવે છે પરંતુ શરૂઆતમાં કર્યું ખાતર વાપરવું એ પણ સંશય હતો એટલે ખેડુતની સલાહથી વર્મી કંપોસ્ટ ખાતર લાવવાનું શરૂ કર્યું. અત્યારે તેઓ દર 15 દિવસે બધા જ ઝાડ-છોડને ખાતર આપે છે, જેથી ઝાડ-છોડનો વિકાસ પણ અદભુત થાય છે.

પિતા તો હયાત નથી પરંતુ તેમના જન્મદિવસ પર તેમણે આ સુંદર જગ્યાને બનાવીને લોકોને બતાવવાનું નક્કી કર્યું. તેમના પિતાનું નામ રજનીકાંત છે એટલે તેમના પિતાના નામ પરથી જ તેમણે રજની ઉપવન નામ આપ્યું આ સુંદર જગ્યાને.
આ પણ વાંચો: સિમેન્ટના જંગલ સમા અમદાવાદમાં મીનલબેનનું ઘર છે હરિયાળું,મહેમાનોને પણ ગિફ્ટમાં મળે છે છોડ
શરૂઆતથી લઈને અત્યાર સુધીની સફર અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, પહેલાં આ અંગેની જાણકારીના અભાવે ઘણા છોડ બળી પણ ગયા, છતાં હિંમત ન હાર્યા. જાણકાર લોકોની સલાહ અને ઈન્ટરનેટ પર સર્ચ કરી તેમણે માહિતી એકઠી કરી. બધા છોડને નિયમિત વર્મી કંપોસ્ટ આપતા રહ્યા. સાથે-સાથે લીમડાનો ખોળ પણ આપ્યો, જેથી વિકાસ પણ સારો થાય અને ફંગસ, જીવાતનો ભય ન રહે. આ ઉપરાંત જીવાતથી છૂટકારો મેળવવા માટે તેઓ ડુંગળીનું પાણી, લીમડાનું પાણી છાંટે છે.

અત્યારે તેમના બગીચામાં ફૂલછોડની સાથે-સાથે તુલસી, કુંવારપાઠું, અપરાજિતા, નાગરવેલ, અજમો, 3-4 પ્રકારના જાસુદ, મીઠો લીમડો સહિતની ઔષધીઓ પણ વાવી છે, જેનો ઉપયોગ તેઓ તો કરે જ છે, સાથે-સાથે પડોશીઓને પણ તેનો લાભ મળી રહે છે.
એકાદ મહિનામાં તેઓ અહીં શાકભાજી અને અન્ય ઔષધીઓ પણ વાવવાની તૈયારી કરી રહ્યા છે.
હવે તેમના ઘરમાં જ્યારે પણ સગાં-વહાલાં કે મિત્રો આવે, બધા ભોજન તો રજની ઉપવનમાં જ લે છે. આ ઉપરાંત હવે આ બધા છોડમાંથી આજુ-બાજુ બીજ ખરે અને નવા છોડ તૈયાર થાય, તેને તેઓ જે પણ લોકો વાવી શકે તેમને આપે છે. આ ઉપરાંત જેમને હજુ ન આવડતું હોય, તેને તેઓ કુંડામાં વાવીને તૈયાર પણ કરી આપે છે.
બીજી સૌથી મહત્વની વાત એ પણ છે કે, મોટાભાગે તેમણે એવા છોડ વાવ્યા છે, જે પ્રકૃતિ માટે ઉપયોગી નિવડે અને તે કાયમી હોય. એક સમયે અહીં 50-60 ચકલીઓ જોવા મળતી હતી, પરંતુ ધીરે-ધીરે શહેરમાંથી ચકલીઓ લગભગ ગાયબ જ થઈ રહી છે. પરંતુ એકબાર બે-ત્રણ ચકલીઓ દેખાતાં તેમને પાછી ખેંચી લાવવા માટે તેમણે આ ઉપવનમાં માળા પણ લગાવવાનું શરૂ કર્યું.

સેજલભાઈનો જનરલ સ્ટોર છે અને તેમની પાસે બિસ્કિટની એજન્સી પણ છે, એટલે ત્યાંથી વધારાનાં બોક્સ લઈ આવે છે અને તેમાંથી માળા બનાવે છે. આ ઉપરાંત કુંભાર પાસેથી માટીના માળા પણ બનાવે છે.
સેજલભાઈનો પરિવાર પણ તેમની જેમજ પ્રકૃતિપ્રેમી છે. તેમનાં માતા રોજ આસપાસનાં 10 કૂતરાં માટે સવાર સાંજ જાતે જ રોટલી-ભાખરી બનાવે છે અને તેમને ખવડાવે છે.
પિતાના જન્મદિવસ પર પિતાની યાદમાં બનાવેલ સેજલભાઈનું આ ઉપવન ખરેખર અદભુત છે. પક્ષીઓ અને પતંગિયાં માટે તો આ જગ્યા અદભુત છે જ, સાથે-સાથે પરિવાર અને મિત્રો માટે રવિવારનું પિકનિક પ્લેસ પણ છે. જો તમે આ અંગે વધુ જાણવા ઈચ્છતા હોય તો તેમના ફેસબુક પેજ પર જોઈ શકો છો.
આ પણ વાંચો: ધાબે વાવેલ અડેનિયમ, બોગનવેલ, ગુલાબ, ગેંદા, વૉટર લીલી જેવાં ફૂલોએ અપાવ્યા અનેક પુરસ્કાર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.