દેશી બીજ એકત્ર કરીને જીત્યા ઘણા એવોર્ડ્સ, ખેતી માટે છોડી હતી સરકારી નોકરી
ખેડૂત સુદામે 19 વર્ષમાં 1000થી વધુ જાતનાં બીજ એકત્ર કરીને સંગ્રહ કર્યા છે અને પોતાની બીજ બેંક પણ ખોલી છે. જેના માટે તેમને આજ સુધીમાં ઘણા અવૉર્ડ્સ પણ મળી ચૂક્યા છે.

બરગઢ (ઓડિશા) જિલ્લાના કાટાપાલી ગામના ખેડૂત સુદામ સાહુએ 2001માં શોખ તરીકે બીજ એકત્ર કરવાનું શરૂ કર્યું. પરંતુ આજે આ કાર્ય તેમના જીવનનું એક મિશન બની ગયું છે. તેઓ પોતાના વિસ્તારના ખેડૂતોને ખેતીમાં સ્વદેશી બિયારણનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. બીજ રક્ષક સુદામે છેલ્લા 19 વર્ષમાં 1000થી વધુ જાતના બીજ એકત્રિત અને સંગ્રહિત કર્યા છે. તેમણે બરગઢમાં પોતાની બીજ બેંક પણ ખોલી છે.
દર વર્ષે, તેના સંગ્રહમાં વધારો કરવા ઉપરાંત, તે યુવાન ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે તાલીમ આપવા માટે પણ કામ કરી રહયા છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા, તેમણે કહ્યું, “લગભગ દર બીજા દિવસે કોઈ ને કોઈ વ્યક્તિ મારો સંગ્રહ જોવા અથવા ખેતી વિશે પૂછવા માટે મારા ખેતરમાં આવે છે. મને ખુશી છે કે લોકોમાં, સ્વદેશી બીજ વાપરવાનું વલણ વધી રહ્યું છે, જે થોડા સમય પહેલા સંપૂર્ણપણે ઘટ્યું હતું.”
તેમની બીજ બેંકના બીજને વર્ષ દર વર્ષે સાચવવા માટે, તેઓ તેમની ખેતી પણ કરે છે. તે દર વર્ષે 500-500 જાતોનાં છોડનું વાવેતર કરે છે અને તેમના બીજ દર વર્ષે તૈયાર કરે છે. આ ઉપરાંત, તેમણે પોતાના પ્રયોગોનો ઉપયોગ કરીને ડાંગરના બીજની છ નવી જાતો પણ વિકસાવી છે. જેમાંથી ચાર પેટન્ટ અને નામ સાથે તૈયાર છે.
નોકરીને બદલે ખેતી પસંદ કરી
ખેતી પ્રત્યેના તેમના જુસ્સા વિશે વાત કરતા, 49 વર્ષીય સુદામ કહે છે, “2001માં મને સરકારી નોકરીની ઓફર પણ મળી. કારણ કે મારા ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેથી જ મારા પિતા ઇચ્છતા હતા કે હું નોકરી કરું. તેમ છતાં, તેમની ઇચ્છા વિરુદ્ધ જઈને, મેં ખેતી કરવાનું નક્કી કર્યું.” જોકે સુદામના પિતા ખેતીમાં રસાયણોનો ઉપયોગ કરતા હતા. પરંતુ તે બિયારણ એકત્રિત કરવાનો અને ઓર્ગેનિક ખેતી માટેનો તેમના શોખનો શ્રેય પોતાના દાદાને આપે છે. તે કહે છે, “2001માં મેં ખેતી કરવાનું નક્કી કર્યું ત્યાં સુધીમાં મારા દાદા નહોતા. તેથી હું વર્ધા (મહારાષ્ટ્ર) ખાતે આવેલ ગાંધી આશ્રમ ગયો અને ઓર્ગેનિક ખેતીની તાલીમ લીધી. તે સમય દરમિયાન મને દેશી બિયારણના ફાયદાઓ વિશે જાણવાની તક મળી અને તેને અલગ અલગ જગ્યાએથી એકત્ર કરવાનું શરૂ કર્યું.”
તેમણે પાછા ઘરે પાછા આવીને નજીકના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી શીખવવાનું શરૂ કર્યું. તેઓ જુદા જુદા ગામોમાં પણ જત હતા અને જ્યાં પણ તેમને દેશી બિયારણ મળતું ત્યાંથી તે લઇ આવતા હતા. આ સિવાય તેઓ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, બંગાળ જેવા રાજ્યોમાં પણ બીજની શોધમાં જતા હતા. આમ વર્ષ 2012 સુધીમાં તેમણે દેશી ડાંગરના બિયારણની 900 જાતો એકઠી કરી હતી. ત્યારબાદ, તેમણે કઠોળ અને શાકભાજીના બીજ વિશે પણ શીખવાનું શરૂ કર્યું.

ઘરે જ બનાવી વિશાળ બીજ બેંક
હાલમાં, સુદામના બીજ ભંડારમાં ડાંગરના બીજની 1000 જાતો, શાકભાજીની 65 જાતો, કઠોળની 16 જાતો અને તેલીબિયાનો સમાવેશ થાય છે. આ સિવાય, છેલ્લા કેટલાક વર્ષોમાં, તેમણે ક્રોસ અંકુરણ દ્વારા ડાંગરના બીજની છ નવી જાતો પણ બનાવી છે. તેઓ દાવો કરે છે કે તેમની બનાવેલી જાતોમાં ઘણા ઔષધીય ગુણધર્મો હાજર છે.
તેમણે પોતાના ઘરના પહેલા માળે પોતાની બીજ બેંક સ્થાપી છે. જ્યાં, આશરે 800 ચોરસ ફૂટ વિસ્તારની દિવાલો પર બીજને અલગ પોટ્સમાં લટકાવવામાં આવે છે.
સુદામે કહ્યું, “મેં 2008 માં અન્ય રાજ્યોના ખેડૂતોને પણ ઓર્ગેનિક ખેતીની તાલીમ આપવાનું શરૂ કર્યું. જેણે મને બીજ સંગ્રહ વધારવામાં મદદ કરી. જે કોઈ મારી પાસેથી શીખવા આવતા, હું તેમને તેમના ગામના દેશી બીજ લાવવા કહેતો. આ રીતે, એક્સચેન્જ દ્વારા જ, મેં 40 ટકા બીજ જમા કર્યા છે.”
તેઓ દર વર્ષે લગભગ 150 તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ પોતાના વિસ્તારમાં કાળા ચોખાની ખેતી માટે પણ લોકોને પ્રેરિત કરી રહ્યો છે. જેના માટે તે ખેડૂતોને બિયારણ પણ આપે છે. તેઓ માને છે કે આપણા દેશી કાળા ચોખા વધુ પૌષ્ટિક છે. તેમના સંગ્રહમાં કાળા ચોખાની 14 જાતો પણ શામેલ છે.
સુદામે સ્વદેશી બીજના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. તેમના પ્રયાસોને જોતા આ વર્ષે તેમને ‘જગજીવન રામ ઇનોવેટિવ ફાર્મર’ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

અંતે સુદામ કહે છે, “હું મારો આ ખજાનો મારા સુધી મર્યાદિત કરવાને બદલે વધુ ખેડૂતો પાસે પહોંચાડવા માંગુ છું. હું ખેડૂતોને તેમની પોતાની બીજ બેંક સ્થાપવામાં પણ મદદ કરી રહ્યો છું. જે કોઈ મારી પાસેથી બીજ માંગે છે, હું તેને બીજ આપું છું. જેથી મહત્તમ સંખ્યામાં દેશી બીજ વાપરી શકાય.”
તમે સુદામની બીજ બેંક વિશે વધારે જાણવા માટે તેને 97768 78711 પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: કિશન દવે
આ પણ વાંચો: એન્જીનિયર બનાવવા લાગી અળસિયાનું ખાતર, વાર્ષિક કમાણી થઈ 15 લાખ રૂપિયા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.