સામાન્ય રીતે ખેડૂતો ખેતી માટે જમીન તૈયાર કરવાથી લઈને, બીજ વાવવા અને પાકને પાકવા સુધી વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરે છે. જેથી ઉત્પાદકતા વધારે થાય અને નફો સારો રહે. જો કે, તાજેતરના સમયમાં, ઘણા ખેડૂતોનું ઓર્ગેનિક ખેતી તરફનું વલણ વધવા લાગ્યું છે. જેના કારણે તેઓ ઓર્ગેનિક જંતુનાશકો અને ખાતર વગેરેનો ઉપયોગ કરે છે. તો, ગુજરાતના ઘણા ખેડૂતો હવે ગાય આધારિત ઓર્ગેનિક ખેતી સાથે જોડાઈને સારો નફો મેળવી રહ્યા છે. ગાય આધારિત ઓર્ગેનિક ખેતીનો અર્થ છે,ગાય પાસેથી મળતા ગૌમૂત્ર, ગોબર અને દૂધનો ઉપયોગ ખેતીમાં કરવો.
આજે અમે તમને સુરતના આવા જ એક ખેડૂત અશ્વિન નારિયા સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેમણે ગાય આધારિત ખેતી અપનાવીને ખેતીનો ખર્ચ 80% સુધી ઘટાડી દીધો છે. વધુમાં, તે એક સલાહકાર પણ છે અને અન્ય ખેડૂતોને આ પ્રકારની ખેતી કરવામાં મદદ કરે છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા તેઓ કહે છે, “હું છેલ્લા 20 વર્ષથી આ પ્રકારની ખેતીમાં સંશોધન કાર્ય કરી રહ્યો છું. ગાય આધારિત અને પંચ સંસ્કારથી મેળવેલા પરિણામો પણ વૈજ્ઞાનિક રીતે સાબિત થયા છે. સાથે જ, આના ફાયદા તદ્દન આશ્ચર્યજનક છે.”

પંચ સંસ્કાર શું છે
અશ્વિન જણાવે છે, “સંસ્કારનો અર્થ છે કે આપણે આપણી કુદરતી પદ્ધતિઓ દ્વારા બીજ, જમીન, હવા, વનસ્પતિ અને પાણીને શુદ્ધ કરીને તેમાં સકારાત્મક ઉર્જા નાંખીએ છીએ. જેના કારણે ખેતીની ઉપજ પર ખૂબ સારી અસર પડે છે.”
ભૂમિ સંસ્કાર એટલે કે ખેડૂત ખેતી કરતા પહેલા જમીન તૈયાર કરે છે. એ જ રીતે, જમીન તૈયાર કરતા પહેલા, અશ્વિન નાળિયેર, લીમડો, જાંબુ, કેરી જેવા મોટા વૃક્ષો ખેતરની આસપાસ લગાવડાવે છે. આ ખેતરની અંદર એક મહાન ઇકો સિસ્ટમ તૈયાર કરે છે. જે પછી, જમીન તૈયાર કરવા માટે, તે ખેતરોમાં એકર દીઠ 50 લિટર ગૌમૂત્ર અને 10 લિટર એરંડા તેલનું મિશ્રણ નાંખે છે. આ સિવાય તે ગાયના છાણમાંથી બનાવેલી ગાયના છાણના ઉપલાની રાખને પણ જમીન પર છાંટે છે.
આ પણ વાંચો: 50 હજારની નોકરી છોડી રાજકોટના શિક્ષકે શરૂ કરી માટી વગરની ‘ભવિષ્યની ખેતી’, કમાણી મહિને 1.50 લાખ
તે જણાવે છે કે 26 ટકા સુધી ઓક્સિજન ગાયના છાણમાં જોવા મળે છે. તો, તેના ગોબરને બાળીને બનાવેલી રાખમાં ઓક્સિજનનું પ્રમાણ 54 ટકા છે. જે જમીનમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવાનું કામ કરે છે.

જમીનમાં બીજ રોપાય તે પહેલા બીજની વિધિ કરવામાં આવે છે. જેના માટે તે ખાસ બીજામૃત તૈયાર કરે છે. 10 લીટર પાણીમાં એક કિલો ગાયનું છાણ, એક લીટર ગૌમૂત્ર, 50 ગ્રામ ચૂનો, 100 ગ્રામ ગાયનું દૂધ, 100 ગ્રામ હળદરનાં મિશ્રણમાં બીજ 24 કલાક પલાળી રાખ્યા બાદ બીજ વાવવામાં આવે છે.
આ પછી, જળ સંસ્કાર કરવામાં આવે છે. ખેતીમાં ઉપયોગમાં લેવાતા પાણીના PH લેવલને સારું બનાવવા માટે કુશના ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે.
ચોથા સંસ્કાર વનસ્પતિ સંસ્કાર છે, જે પાકને જીવાતો અને અન્ય રોગોથી બચાવવા માટે કરવામાં આવે છે. આ માટે ખેડૂતો સામાન્ય રીતે જંતુનાશક દવાનો છંટકાવ કરે છે. પરંતુ અશ્વિન આ માટે માત્ર ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરે છે. તે 15 લિટર પાણીમાં 250 ગ્રામ ગાયનું દૂધ અને 100 ગ્રામ ગોળ ભેળવીને ખેતરોમાં છંટકાવ કરે છે. આ સિવાય, તે છંટકાવ માટે ઘણા પ્રકારના ઓર્ગેનિક જંતુનાશકો તૈયાર કરે છે.
છેલ્લા સંસ્કાર છે હવાના. આજે વાતાવરણમાં ફેલાયેલી અશુદ્ધ હવાથી ઘણી નવી બીમારીઓ થઈ રહી છે. તે ખેતીને પણ અસર કરે છે. આ માટે તે મેદાનમાં હવન કરે છે. હવનમાં ગાયના છાણના ઉપલા અને શુદ્ધ ઘીનો ઉપયોગ થાય છે. તેમણે કહ્યું કે હવનના ધુમાડામાંથી લગભગ 108 પ્રકારના ગેસ છૂટે છે, જે વાતાવરણમાં હાજર બેક્ટેરિયાને મારી નાખે છે.
આ બધી પદ્ધતિઓનો ઉપયોગ કરતા પહેલા તેમણે ઘણા સંશોધન પણ કર્યા છે. આ ઉપરાંત તેઓની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તપાસ પણ કરવામાં આવી હતી. જેથી તે લોકોને તેનું મહત્વ યોગ્ય રીતે સમજાવી શકે.
આ પણ વાંચો: કેરીના રસિયાઓને આખુ વર્ષ રસ ખવડાવે છે, જમીન માત્ર દોઢ વિઘો, છતાં અન્ય મહિલાઓને પણ આપે છે રોજગારી
માત્ર ચાર એકરમાં 39 પ્રકારની શાકભાજી ઉગાડે છે
જોકે અશ્વિન મૂળ સુરતનો નથી, પણ જામનગરના છે. પરંતુ તે છેલ્લા એક વર્ષથી સુરતમાં રહે છે. તેમણે કૃષિમાં B.Scની ડિગ્રી મેળવી છે. કૃષિ ક્ષેત્રે તેમના નવતર પ્રયોગો માટે, આ વર્ષે તેમને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, સુરત તરફથી એવોર્ડ પણ મળ્યો છે.

જામનગરમાં તેઓ પોતાના ખેતરમાં સમાન ખેતી કરતા હતા. સુરત આવીને તેમણે તેમના મિત્રના ખેતરમાં ખેતી કરવાનું શરૂ કર્યું. સાથે જ, તેઓ અન્ય ખેડૂતોને પણ આ પ્રકારની ઓર્ગેનિક ખેતીનું મોડેલ બનાવવામાં મદદ કરે છે.
પંચ સંસ્કાર ઉપરાંત, તે પંચસ્તરીય ખેતી પણ કરે છે, અને આખું વર્ષ ખેતરમાં કંઈક ને કંઈક ઉગાડતા રહે છે. તેમના ખેતરોમાં જમીનની અંદર ઉગતી શાકભાજી, નાના છોડ, વેલા અને સહેજ મોટા છોડથી લઈને ફળોના વૃક્ષો છે. તેઓ કહે છે કે મલ્ટિલેયર ખેતી સાથે, ખેડૂતો ઓછી જમીનમાં સમગ્ર વર્ષ દરમિયાન ખેતી કરીને સારો નફો મેળવી શકે છે. બીજી બાજુ, ઓર્ગેનિક ટેકનોલોજી અપનાવીને, ખર્ચ સંપૂર્ણપણે ઘટી જાય છે.
તાજેતરમાં જ, તેમને આફ્રિકા અને પોર્ટુગલમાં પણ આવા ખેતરો તૈયાર કરવાનું કામ મળ્યું છે. તેઓ કહે છે, “કેમકે ત્યાં કોઈ દેશી ગાય ન હોવાથી, અમે ગૌમૂત્ર અને બાકીની વસ્તુઓ ભારતમાંથી જ લઈ જઈશું.”
અશ્વિન ખરા અર્થમાં એક પ્રગતિશીલ ખેડૂત છે, જે ખેતીમાંથી મોટો નફો મેળવીને અન્ય લોકો માટે પ્રેરણા બની રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવવા માટે તમે 9824297255 પર અશ્વિન નારિયાનો સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી? જાણો અમદાવાદના કાર્ડિયોલોજિસ્ટ અને ખેડૂત ડૉ.દિનેશ પટેલ પાસેથી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.