દેશમાં ખેડૂતો હવે પારંપરિક ખેતીની સાથે અલગ-અલગ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી કરે છે. જેમાં ઓછા ખર્ચા અને મહેનત સામે મબલક કમાણી પણ થાય છે. ત્યારે હળવદના શિવપુરા ગામના પ્રશાંતભાઈ ચનિયારા અને તેમના 68 વર્ષિય પિતા અશોકભાઈ ચનિયારા કુલ 85 વિઘાના ખેતરમાંથી 60 વિઘાના ખેતરમાં છેલ્લાં 10-12 વર્ષથી બાગાયતી ખેતી કરી મબલક કમાણી કરી રહ્યા છે. એટલું જ નહીં બંને પિતા-પુત્ર પોતાની વાડીએથી જ બાગાયતી ખેતીમાંથી ઉપજનું વેચાણ કરી રહ્યા છે. આમ બંને પિતા-પુત્રએ બાગાયતી ખેતીમાં અન્ય ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણ પણ પુરુ પાડ્યું છે. આજે કેટલાય ખેડૂતો તેમની પાસે માર્ગદર્શન પણ લેવા માટે આવે છે.
પ્રશાંતભાઈએ તેમના વ્યસ્ત સમય વચ્ચે ધ બેટર ઇન્ડિયા સાથે માહિતીસભર વાતચીત કરી હતી. જેમાં પ્રશાંતભાઈએ બાગાયતી ખેતીમાં થતો ખર્ચો, મહેનત અને ઉપજ અંગે જીણવટપૂર્વક માહિતી આપી હતી. જે અમે અહીં તેમના શબ્દશઃ રજૂ કરી રહ્યા છીએ.

બાગાયતી ખેતી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
પ્રશાંતભાઈએ જણાવ્યું કે, ”પહેલાંથી અમને અલગ-અલગ ખેતી કરવાનો શોખ હતો. અને અમારી જમીન પણ બાગાયતી ખેતી માટે અનૂકુળ હતી. એટલે અમે અલગ-અલગ જગ્યાની નર્સરીમાંથી છોડ લાવ્યા અને 2.5 વિઘામાં કાજુ, 10 વિઘામાં લીંબુડી, 7 વિઘામાં જામફળ, 3 વિઘામાં ચીકુ અને 40 વિઘામાં આંબાનું વાવેતર કર્યું. આમ આ રીતે અમે બાગાયતી ખેતી કરવાનું શરૂ કર્યું.”
આ પણ વાંચો: ડાંગના ખેડૂતે ખેતી સાથે ખેતરમાં જ જાતે તળાવ બનાવી શરૂ કર્યું મત્સ્ય પાલન, આવક થઈ ત્રણઘણી
કેટલા વર્ષથી બાગાયતી ખેતી કરો છો?
આ અંગે જણાવ્યું કે, ”આમ તો, મારો આખો પરિવાર છેલ્લાં 40થી વધુ વર્ષથી ખેતી કરી રહ્યો છે. પણ, છેલ્લાં 10-12 વર્ષથી અમે બાગાયતી ખેતી કરવાનું શરૂ કર્યું છે. અમે કેરી, ચીકુ, જામફળ, લિંબુ, દાડમ અને કાજુની ખેતી કરીએ છીએ.”

જામફળની ખેતી વિશે જણાવશો?
પ્રશાંતભાઈએ જામફળની ખેતી અંગે વાત કરતાં કહ્યું કે, ”જામફળની ખેતી કરવા માટે અમે જૂનાગઢથી 400 રોપા લાવ્યા હતાં. અત્યારે બે વર્ષના જામફળના ઝાડ થયાં છે. જેથી હાલ મીડિયમ સાઇઝના જામફળ થાય છે. એક જામફળનું વજન ઓછામાં ઓછું 300, 400 કે 600 ગ્રામ સુધીનું હોય છે. આ ઉપરાંત જે ઝાડમાં ફાલ વધારે હોય તેમાં ઓછી સાઇઝના જામફળ થાય છે અને જેમાં ફાલ ઓછો હોય તેમાં મોટી સાઇઝના જામફળ થાય છે.”
વાવેતરમાં શું શું ધ્યાન રાખવું પડે છે?
પ્રશાંતભાઈએ જણાવ્યું કે, ”આમ તો, વાવેતરમાં ખાસ કંઈ ધ્યાન રાખવું પડતું નથી. પણ જ્યારે ઝાડમાં ફાલ આવે ત્યારે તેમાં નિયમિત દવા છંટકાવ કરવો પડે. કારણ કે, ફ્રુટ હોવાને લીધે તેમાં જીવાત આવવાની ખૂબ જ શક્યતા હોય છે. આ ઉપરાંત અમે ઓર્ગેનિક ખાતર જ વાપરીએ છીએ.”
આ પણ વાંચો: કેરી રસિયાઓને આખુ વર્ષ કેસરનો રસ અને 10 પ્રકારના આમ પાપડ ખવડાવી આવકમાં વધારો કર્યો કચ્છી ખેડૂતે
કાજુની ખેતી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો અને કેવી રીતે શરૂઆત કરી?
પ્રશાંતભાઈએ કાજુની ખેતી અંગે વાત કરતાં કહ્યું કે, ”અમે પાંચ વર્ષ પહેલાં ગોવા ફરવા માટે ગયાં હતાં. આ દરમિયાન હું ત્યાંના બગીચા પણ વિઝિટ કરવા ગયો હતો. ત્યાંના લોકો સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, તમારી જમીનની માટી કેવી છે? તેમને મેં કહ્યું કે, અમારી માટી રેતીવાળી છે. આ પછી તેમને મને કહ્યું કે, તમારે પાણી ખેતરમાં ભરાવવું ના જોઈએ અને ઢાળવાળી જમીન હોવી જોઈએ. કારણ કે, કાજુની ખેતીમાં તેના ઝાડને પાણી ખૂબ જ ઓછું જોઈએ છે.”

”કાજુની ખેતીમાં ટ્રાય કરવા માટે અમે પહેલાં 500 છોડ લાવ્યા અને તેને 5 વિઘામાં વાવ્યા હતાં. આ પછી અમે અઢી વિઘામાં કાજુના ઝાડ રાખ્યા અને બીજા અઢી વિઘામાં અમે ઝાડ કાઢી નાખ્યા હતાં. અઢી વિઘામાં જે કાજુ વાવેલાં છે તેની અમે ચોક્કસ માવજત કરીએ છીએ. જેને લીધે તેમાં સારું રિઝલ્ટ મળે છે.”
”કાજુનો સારો પાક આવતાં આમ તો ચાર વર્ષનો સમય લાગે છે. જોકે, અમે ચાર વર્ષે કાજુનો પાક લીધો નહોતો અમે પાંચ વર્ષે સારો ફાલ ફાલ આવ્યા પછી લીધો હતો.”
”કાજુની ખેતી નવી જનરેશને કરવા જેવી છે. કારણ કે, કાજુના ઝાડને મેઇન્ટેઇન કરવાની કંઈ જરૂર પડતી નથી. આ ઉપરાંત કાજુના ઝાડને પાણી પીવડાવવાની પણ જરૂર પડતી નથી. જો ટપક સિંચાઈ પદ્ધતિ હોય તો કંઈ જ કરવાની જરૂર પડતી નથી. જો ધોરિયાથી પાણી પીવડાવતાં હોય તો ઉનાળામાં કાજુના એક ઝાડને 5-10 લીટર પાણી પીવડાવું પડે છે. આમ એક મહિનામાં એક જ વાર પાણી પીવડાવવું પડે છે. કાજુના ઝાડ એસિડીક હોય છે. જેને લીધે ઝાડ પર કાજુ આવ્યા પછી પંખી પણ તેને ખાય નહીં. કારણ કે, ઝાડમાંથી સફેદ કલરનું દ્રવ્ય નીકળતું હોય છે. અને કાજુના પાકની પ્રોસેસ કર્યા પછી જ તેનો ઉપયોગ થાય છે.”

બાગાયતી ખેતીમાં ખર્ચો કેટલો થાય છે?
આ અંગે વાત કરતાં કહ્યું કે, ”અમારે કુલ 85 વિઘાનું ખેતર છે. જેમાં અમે 60 વિઘામાં બાગાયતી અને બીજા 25 રૂટિન ખેતી કરીએ છીએ. બાગાયતી ખેતીમાં એક વિઘે 5થી 6 હજારનો ખર્ચો થાય છે.”
બાગાયતી ખેતીમાં થતી ઉપજ કેવી રીતે વેચો છો?
પ્રશાંતભાઈએ આ અંગે જણાવ્યું કે, ”અમે અમારી વાડીએથી જ દરેક ઉપજનું વેચાણ કરીએ છીએ. અમારા ગ્રુપમાં જ વેચાઈ જાય છે. આમ અમને બાગાયતી ખેતીમાં ખર્ચો બાદ કરતાં વર્ષે 15-20 લાખ રૂપિયાની કમાણી થાય છે.”
અન્ય ખેડૂતો પણ માર્ગદર્શન લેવા માટે આવે છે.
અંતમાં પ્રશાંતભાઈએ કહ્યું કે, ”અમારી પાસે ઘણાં ખેડૂતો માર્ગદર્શન લેવા માટે આવે છે. બાગાયતી ખેતીમાં શરૂઆતમાં ખર્ચો કરવો પડે છે. જોકે, કેટલાક ખેડૂતોની આવક સીમિત હોવાને લીધે તે બાગાયતી ખેતી કરતાં ડરે છે. બાગાયતી ખેતી અંગે ગવર્મેન્ટ ઘણી સહાય અને સબસિડી આપી રહી છે. પરંતુ કેટલાક ખેડૂતો આ અંગે જાગૃત નથી.”
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી? જાણો અમદાવાદના કાર્ડિયોલોજિસ્ટ અને ખેડૂત ડૉ.દિનેશ પટેલ પાસેથી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.