આજે આપણે વાત કરી રહ્યા છીએ જૂનાગઢમાં વર્ષોથી એક સંસ્થા દ્વારા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોને મદદ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરીને કામ કરતી એવી બે બહેનો વિશે કે જેમને મળીને અને તેમના કાર્યને જોઈને ખરેખર આપણને લાગે કે પરમાર્થના કામ કરવામાં હજી પણ હળાહળ કળિયુગ હોવા છતાં માનવતા નથી મરી પરવારી.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ચલાવતા નીલમબેન તેમજ રેખાબેને તેમના પોતાના કાર્ય તેમજ આશય પ્રત્યે ખુબ જ વિગતવાર જણાવ્યું. અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે આ સંસ્થા સ્થાપનાર બંને બહેનોમાંથી નીલમબેન 80 ટકા વિકલાંગ છે. અને તેમની સારવાર માટે જયારે બંને બહેનો 2009 માં રાજસ્થાનમાં એક-દોઢ વર્ષ રોકાયા તે દરમિયાન તેમણે ત્યાં મંદ બુદ્ધિવાળા બાળકોને જોઈ ઈચ્છા થઇ કે આ લોકો માટે પણ કંઈક નક્કર કરીએ.

2012 માં શરુ કરી સંસ્થા
નીલમબેનની બે વર્ષની સારવાર બાદ જયારે રેખાબેન અને બંને ઘરે આવ્યા ત્યારે તેમણે પોતાના પિતાની સમક્ષ દિવ્યાંગ છોકરીઓ માટે કંઈક નક્કર કરવું જ છે તેનો પ્રસ્તાવ મુક્યો અને આમ પિતાની મંજૂરી તેમજ મદદ લઇ તેમણે સૌ પ્રથમ જૂનાગઢ શહેરના દોલતપર વિસ્તારમાં પોતાની મેળે જ સંસ્થાની શરૂઆત કરી. આ દરમિયાન તેઓ શરૂઆતમાં ગામડે-ગામડે જતા અને આ રીતે કોઈ બાળકીઓ હોય તો શોધતા. આમ તેઓને આવી બે બાળકીઓ મળી જેને તેઓ પોતાની સાથે તેમની સંસ્થામાં લાવ્યા અને આ મંદબુદ્ધિ બાળકીઓની સેવા શરુ કરી. દોલતપર ખાતે તેઓ સવા વર્ષ જેવું રોકાયા અને ત્યારબાદ ત્યાંથી તેઓ વડાલ ગામ ખાતે સ્થાનાંતરીત થયા.
વડાલ ગામમાં તેઓ બંને 5 વર્ષની આસપાસ રોકાયા અને આ દરમિયાન તેમની બાળકીઓની સંખ્યા પણ વધી. આ બાળકીઓમાં બિનવારસી બાળકીઓ પણ હતી જેઓને તેઓ પોતાની સાથે પોતાની પાસે સંસ્થા ખાતે રહેવા અને સારવાર કરાવવા માટે લઈને આવ્યા.

અહીં રહેવા દરમિયાન અને સંસ્થાને આટલા વર્ષો થયા હોવા છતાં તે દરમિયાન આ બંને બહેનોએ કોઈ દિવસ કોઈ પાસે સામેથી ચાલીને પૈસાની માંગણી ન કરી કે ન કોઈ દિવસ તે નામે ફંડ ઉઘરાવ્યું પરંતુ તેઓ પોતાના પિતાની મદદથી અને આપમેળે જે કમાણી કરતા તેમાંથી જ સંસ્થાની બધી જ જરૂરિયાતો સંતોષતા હતા. સાથે તેઓ દરરોજ કોઈ સ્ટાફ વગર બાળકોને જાતે જ નવડાવવા ધોવડાવવા અને બધી જ દૈનિક જરૂરિયાતો સંતોષાતા,અને આ સાથે જ તેઓ તેમને ભણવા માટે પણ મોકલતા. આ દરમિયાન તે બંને બહેનોનો એક જ ધ્યેય કે કોઈ જોડે એક રૂપિયો પણ નહિ માંગીએ.
વડાલમાં તેઓ 5 વર્ષ રહ્યા અને ત્યારબાદ ધોરાજી રોડ પર આવેલ માખીયાળા ખાતે સ્થાનાંતરીત થયા. સમય જતા તેમના કાર્યને જોઈને ઘણા સેવાભાવી લોકોએ સામેથી ચાલીને બહેનોની મદદ કરવા માંડી અને જોત જોતામાં અત્યારે આ બંને બહેનો પાસે 40 દીકરીઓ છે જેમની તેઓ ખુબ જ સરસ રીતે સાર સંભાળ લઇ રહ્યા છે.

છે 9 મહિનાથી લઈને 51 વર્ષ સુધીની દીકરીઓ
તેઓ આગળ કહે છે કે અત્યારે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ખાતે 40 જેટલી દીકરીઓ છે જેમાં 9 થી લઈને 51 વર્ષ સુધીની ઉંમરનો સમાવેશ થાય છે. હવે તો લોક સહયોગથી આ સંસ્થા માટે એક સારી એવી રહેવાની વ્યવસ્થા પણ ઉભી થઇ ગઈ છે અને સાથે સાથે ટૂંક સમયમાં જ ત્યાં સ્કૂલ પણ શરુ થઇ જશે.
2012 માં શરુ થયેલી આ આ પહેલમાં શરૂઆતમાં જે બાળાઓ હતી તેમની ઉંમર અનુક્રમે 5 અને 12 વર્ષની હતી તેઓ અત્યારે મોટી તો થઇ જ ગઈ છે પરંતુ રેખા બહેન એન નીલમ બહેનની હૂંફમાં વિકસેલી તે અત્યારે જાતે જ બીજી બાળાઓનું ધ્યાન રાખવા માટે પણ સક્ષમ બની છે.

આ જે દીકરીઓ છે તેમના માટેનો દૈનિક નિત્યકર્મ નક્કી જ હોય છે જેમાં સવારે વહેલા ઉઠતાની સાથે જ ગરમ પાણી આપવાનું ત્યારબાદ તેઓ તેમની કુદરતી હાજત પતાવે પછી ફ્રેશ કરી તેમને નાસ્તો કરાવડાવવનો. તે પછી સૌને નવડાવી સ્કૂલ મોકલવાની અને સ્કૂલ પછી વિવિધ નેચરલ થેરાપીઓ દ્વારા તેમની સારવાર શરુ કરવાની. એ પછી થોડો સમય આર્ટ અને ક્રાફ્ટમાં આપવાનો અને ફરી સાંજે 3 વાગે નાસ્તો કરાવી ફરી તેમની સાફ સફાઈ કરી એક ડાન્સ સેશન રાખવાનું. એ પછી રાત્રી ભોજન આપી થોડો સમય ટીવી જોવા માટે ફાળવવાનો અને અને છેલ્લે દરેકને નિયમિત સમયે સુવડાવી દેવાની.
તે બંને બહેનો કહે છે કે હાલ આ નિત્યક્રમને જાળવવા અને સંસ્થાની વિવિધ જવાબદારીઓનું વાહન કરવા માટે 15 લોકોનો સ્ટાફ રાખ્યો છે પરંતુ જયારે અમે આની શરૂઆત કરી હતી ત્યારે અમે બધું અમારી જાતે જ કરતા હતા અને તે દરમિયાન અમને ખુબ મુશ્કેલીઓ પણ પડી છે જેમ કે, દીકરીઓ માટે ઘણી વાર રાત દિવસ જાગતા રહેતા, અમુક દીકરીઓ તો હાથ પકડે પછી તેને મૂકે જ ના, તેઓ બહારથી એટલી હાયપર થઈને આવેલી હોય તો તેમને અમુક સમયે સાચવવી પણ ખુબ ભારે પડતી.

નોટબંધી અને જીએસટી અને કોરોનના સમય વખતે થોડી તકલીફ પડી
બંને બહેનોને આટલા વર્ષ દરમિયાન કોઈ આર્થિક સંકટનો સામનો કરવાનો થયો કે નહિ તેમ પુછતા તેમને જણાવ્યું કે જયારે અમે નાના પાયે કરેલી શરૂઆતને એક મોટા પાયા પાર લાવીને ઉભા ત્યારે નોટબંધી અને જીએસટી વખતે થોડો સમય બહારના લોકો દ્વારા ડોનેશન આવતું બંધ થઇ ગયું અને અહીંયા અમે એક મોટા પાયે 15 લોકોના સ્ટાફ સાથે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તે કામ કરતા લોકોનો પગાર અને વગેરેની ચુકવણી તેમની એક સારી એવી આદત કે તેઓ પાસે જે કઈ પણ દાન આવતું તેમાંથી અમુક રકમ ભવિષ્યમાં આકસ્મિક કંઈક જરૂર પડે તો તે આશયે બચાવી રાખતા અને તે બચાવેલા 8 લાખ આસપાસના રૂપિયા દ્વારા જ અમે સંસ્થાને આ બે વર્ષ તેમજ કોરોનાના કપરા કાળ દરમિયાન ટકાવી રાખી. પરંતુ હવે સ્થિતિ ફરી સારી થઇ છે. અને અમે હવે આ 40 દીકરીઓમાંથી 100 દીકરીઓ થાય અને તેમની નિસ્વાર્થ ભાવે ખુબ કાળજી પૂર્વક સેવા કરી તેમની જીંદગીમા સારો એવો સુધાર લાવી શકીએ તે બાબતે આગળ વધવા માંગીએ છીએ.
આ બંને બહેનોએ આ સંસ્થાની શરૂઆતમાં કોઈ પાસે કંઈ જ માંગ્યું નથી પરંતુ આગળ જતા ધીરે ધીરે ખુબ લોક સહયોગ સામેથી જ મળી રહ્યો છે. અને હા અત્યાર સુધી તેઓએ કોઈ દિવસ સરકારી ગ્રાન્ટ નથી લીધી પણ ધીરે ધીરે લોકોને જાણ થતા મદદ મળવા લાગી.

છેલ્લે તેઓ ફક્ત એટલું કહે છે કે, તમારી નીયત જ તમારું ભાગ્ય નક્કી કરે છે. અને અમે સમાજ, ઘર પરિવારથી કટ ઓફ થઇ ગયા, અને બસ મંડી પડ્યા, રૂઢિચુસ્તતા તથા નકારાત્મકતાને ઓળંગીને એક કામ હાથમાં લીધું અને તેમાં ડગ્યા વગર આત્મબળ તથા સ્વાભિમાન જાળવી રાખી આગળ વધ્યા. અને હજી પણ વધતા રહીશું.
જો તમે પણ આ સંસ્થાને મદદ કરવા કે તેના વિશે હજી વધારે જાણવા ઇચ્છતા હોવ તો અહીંયા ક્લિક કરો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ગુજરાતથી ઉત્તરાખંડની 42 દિવસની રોડ ટ્રીપ: 6 વર્ષની દીકરી અને માતાના અનુભવો સાથે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.