રોજ સાંજે ચાલવા નીકળતી વખતે ફૂટપાથ પર ભીખ માંગતાં બાળકોને જોઈ બહુ દુ:ખ થતું મહેસાણાના જ્યંતિદાદાને અને પછી રોજ આ દ્રષ્યો જોઈ કઈંક એવું પગલું ભરવાનું નક્કી કર્યું, જેનાથી આ બાળકોને ભીખ ન માંગવી પડે અને ભવિષ્યમાં મહેનતનો રોટલો રળી શકે. બસ શરૂ થયું તેમનું અભિયાન. તેઓ આ બાળકોનું કાઉન્સેલિંગ કરે છે, તેમને ભણાવે છે, કઈંક રોજગાર કમાઈ શકે તેવી ટ્રેનિંગ અપાવે છે અને યોગ્ય ઉંમરે પરણાવે પણ છે.

આજે આપણે વાત કરી રહ્યા છીએ મહેસાણામાં નિવૃત જિંદગી વિતાવતા જયંતીભાઈ તથા તેમના ધર્મપત્ની અરુણાબેનની, જેઓ વર્ષોથી વિવિધ માનવતાવાદી પ્રવૃત્તિઓ પોતાના આત્મબળે અને લોક સહયોગથી કરી રહ્યા છે અને અત્યારે હજી પણ જૈફ વય હોવા છતાં પણ સંકળાયેલા છે.

ધ બેટર ઇન્ડિયાએ જયારે તેમનો સંપર્ક સાધ્યો ત્યારે જાણવા મળ્યું કે તેઓ એક કરતા પણ વધારે માનવતાવાદી ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા છે. તેમના પોતાના દ્વારા અમલમાં મુકાયેલા અને જે દ્વારા ઘણા બધા લોકોને લાભ મળે છે તેવા બે મુખ્ય અભિયાન વિશે તેમની સાથે વિગતવાર વાતચીત થઇ. આ બે મુખ્ય અભિયાનો અનુક્રમે ‘બાળ ભિક્ષુક મુક્ત શિક્ષિત સમાજ અભિયાન’ અને ‘અક્ષયરથ’ છે.
મૂળ મહેસાણા પાસેના નૂગોર ગામના વાતની એવા શ્રી જયંતિ દાદા આ બે અભિયાનન વિશે વાત કરતા પહેલા જણાવે છે કે પોતે વર્ષો સુધી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે સાથે સંકળાયેલા હતા અને પાંડુરંગ દાદા ઘણી વખત પાલનપુર ખાતે તેમના નિવાસસ્થાનમાં રોકાતા પણ હતા અને તેમની જ પ્રેરણાથી તેમણે જયારે તેઓ પાલનપુરમાં રહેતા ત્યારે ત્યાં અમીરગઢ નજીક આદિવાસી બાળકોના ઉથ્થાન પ્રવૃત્તિ બાબતે ખુબ સારું એવું કાર્ય પણ શરુ કરેલું જે આજે પણ કાર્યરત છે.

બાળ ભિક્ષુક મુક્ત શિક્ષિત સમાજ અભિયાન
આ અભિયાન બાબતે દાદા કહે છે કે, તેઓ શરૂઆતથી જ પાલનપુરમાં આદિવાસી સમાજના બાળકોના ઉથ્થાન ક્ષેત્રની પ્રવૃત્તિ સાથે જોડાયેલા જ હતા અને ત્યારબાદ પાલનપુરથી તેઓ મહેસાણામાં રહેવા માટે આવ્યા. શરૂઆતમાં જયારે તેઓ મહેસાણામાં ફરતા ત્યારે રસ્તા અને ફૂટપાથો પર એવા ઘણા બાળકો મળતા જેઓ ભીખ માંગીને કે બીજી કોઈ આચર કુચર રીતે પોતાની જિંદગી પસાર કરતા હતા અને તે બધું જોઈ જોઈને દાદાના અંતરાત્માને થતું કે આ બાળકોના ઉત્થાન માટે નક્કર કંઈક કરવાની તાતી જરૂરિયાત છે. અને તેથી જ તેમણે બાળ ભિક્ષુક મુક્ત શિક્ષિત સમાજ અભિયાનની શરૂઆત કરી.
આ અભિયાન અંતર્ગત તેમણે સૌપ્રથમ આવા જરૂરિયાત ધરાવતા બાળકોનું કાઉન્સેલિંગ શરુ કર્યું અને તે બધાને રહેવા માટેની અને બીજી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની પૂર્તીની સાથે સાથે તેઓ વ્યવસ્થિત થોડું ઘણું શિક્ષણ પણ લેતા થાય તે બાબત પર ધ્યાન રાખવાનું શરુ કરવામાં આવ્યું. પ્રથમ વર્ષે આ અભિયાન અંતર્ગત 45 જેટલા બાળકોને જોડવામાં આવ્યા. અને અત્યારે આ આંકડો
497 સુધી પહોંચ્યો છે.

આ અભિયાન દ્વારા શું ફાયદો થયો તે વિશે પૂછતાં જયંતિદાદા કહે છે કે હું એમ નથી કહેતો કે આ અભિયાન દ્વારા ઘણા બધા છોકરાઓ તેમની ક્ષમતા પ્રમાણે 10 કે 12 ધોરણ સુધીનો અભ્યાસ કરી જીવનનિર્વાહ માટે કમાણી માટેની અલગ અલગ વ્યવસાયિક ક્રિયાઓ શીખી ભીખ માંગવાને તિલાંજલિ આપી સન્માન પૂર્વક જિંદગી જીવવાનું પસંદ કર્યું. અત્યારે આ અભિયાન અંતર્ગત તૈયાર થયેલા બાળકો મોટા થઈને વિવિધ જગ્યાઓ પર કાર્ય કરી રહ્યા જેમાંથી કોઈક ડ્રાઈવર છે તો કોઈક રસોઈયો કોઈક પ્લમ્બર તરીકેનું કાર્ય કરે છે તો ઘણા બધા લોકો ચાની ટપરી પણ ચલાવે છે. અમુક લોકો એ તો કમાણીનો સંગ્રહ કરી પોતાના માટે નાનકડા એવા ઘર પણ વસાવ્યા છે.
તેઓ આગળ એ પણ કહે છે કે આ અભિયાન ફક્ત એટલે જ ન અટકતા તે મોટા થયેલા બાળકોના લગ્ન પણ કરાવી આપે છે જેમાં અત્યારે 122 જેટલા લગ્ન આ અભિયાન અંતર્ગત કરાવવામાં આવ્યા છે. તેઓ પોતાની રીતે વધુ કે વર પસંદ કરે છે અને અમે તેમના લગ્ન કરાવી આપીએ છીએ.

‘અક્ષય રથ’ અભિયાન
અક્ષય રથ અભિયાન અંતર્ગત આ દંપતી શહેરમાં તથા તેની આસપાસ 15 કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ પ્રસંગમાં જમવાનું વધતું હોય તો તેને સામેથી લઈ આવી જરૂરિયાત વાળા લોકોને તેમના છેક ઘરે જઈને વહેંચી આવે છે. આ અભિયાનની શરૂઆત પાછળની વાત પણ ખુબ રસપ્રદ છે.
એક વખત જયંતિ દાદા અને અરુણાબાને પોતાના એક સંબંધી મિત્રને ત્યાં લગ્નમાં જવાનું થયું ત્યારે તેમણે જોયું કે બધા જ લોકોના જમ્યા પછી મોટી માત્રામાં જમવાનું વધ્યું હતું અને જયારે તેમણે રસોઈયાને તે બાબતે પછ્યું કે આનું હવે તમે શું કરશો તો તેને જવાબ આપ્યો કે અમે ક્યાંક ખાડો ખોદીને તેને પધરાવી દઇશુ અથવા કચરામાં નાખી આવીશું, જે સાંભળીને અરુણબાને ખુબ આઘાત લાગ્યો અને તેમણે સામેથી ચાલીને પોતાના સંબંધી મિત્ર પાસેથી વધેલા આ ખોરાકની માંગણી કરીને કહ્યું કે તેને નાખવાની જગ્યાએ અમને આપી દો અમે તેનો સદુપયોગ કરીશું અને આ રીતે શરુ થઇ અક્ષય રથની શરૂઆત.

અક્ષય રથ અભિયાનને અત્યારે પાંચ વર્ષ ઉપર થવા આવ્યું છે અને શરૂઆતના એક દોઢ વર્ષ તો જયંતીભાઈ અને અરુણાબેન પોતાની ગાડીમાં જ જમવાનું એકઠું કરી બીજા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડતા હતા. અને તે સમય દરમિયાન જે મોટા મોટા વાસણોનો ઉપયોગ થતો તેને અરુણાબા પોતાની જાતે પોતાના હાથે સાફ કરતા હતા.ત્યારબાદ જયારે ધીમે ધીમે તેમણે ઘણા લોકો દ્વારા આ બાબતે મદદ મળવા લાગી ત્યારે તેમણે આ માટે એક દાતાની મદદથી ઇસુઝુ કેમ્પર ગાડી વસાવી અને હવે તે દ્વારા જ ભોજન એકઠું કરી લોકો સુધી પહોંચાડે છે. અત્યારે તેઓને દિવસના 500 થી 3000 લોકો જમી શકે તેટલું ભોજન મળી રહી છે. કોરોનાના કાળમાં જયારે આ અભિયાન એકદમ મંદ ચાલ્યું ત્યારે દાદાએ પોતાની રીતે રોજના 1000 લોકોને જમાડવાનું તો ચાલુ જ રાખીને આ અભિયાને જીવંત રાખ્યું હતું.
હાલ તેઓ બંને સવારથી લઈને રાત સુધી આ જ કાર્યમાં જોડાયેલા રહે છે. આટલી જૈફ વયે પણ લગભગ તેઓ દિવસના 14 કલાક આસપાસ કામગીરી કરે છે. આ સિવાય દાદા પર્યાવરણ ક્ષેત્રે પણ ઉમદા કામગીરી કરી રહ્યા છે. અને પોતાના વિસ્તારની આજુબાજુ ઘણા એવા વૃક્ષઓનું વાવેતર કરી તેનું જતાં વર્ષોથી કરતા આવી રહ્યા છે.

અને છેલ્લે તેઓ એટલું જ જણાવે છે કે મારા ગયા પછી પણ કોઈકને કોઈક દ્વારા આ રીતની કામગીરી ચાલુ રહે તે આશયે જ હું અત્યારે લોકોને હું જે કરી રહ્યો છે તે વિશે જણાવી રહ્યો છું નહીંતર આજ સુધી મેં ક્યારેય કોઈ જગ્યાએ આ બાબતને માટે કોઈ પાસેથી પૈસા કે એવું કઈ ઉઘરાવ્યું નથી કે નથી તે માટે કોઈ પ્રચાર કર્યો પણ એક હિતેચ્છુની સલાહને માન આપી આવો આશય ગુજરાતના નવ યુવાનો માં પણ પ્રગટે અને તે પણ કોઈક ને કોઈક રીતે સામાજિક સેવાના કાર્યમાં જોડાય તે હું ઈચ્છું છું.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 20 વર્ષથી ડૉક્ટર દંપતિ કરે છે સેવા, રસ્તે ભટકતી 500 અશક્ત મહિલાઓના બચાવ્યા જીવ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો