Search Icon
Nav Arrow
Gujarati Food Online
Gujarati Food Online

પૌત્રના આકસ્મિક એક્સિડન્ટ બાદ 77 વર્ષિય ગુજ્જુ દાદીએ શરૂ કર્યો નાસ્તાનો વ્યવસાય

મુંબઇ સ્થિત ઉર્મિલા આશેર તેમના પૌત્ર હર્ષ સાથે ગુજરાતી નાસ્તા માટેનું સ્ટાર્ટઅપ ‘ગુજ્જુ બેન ના નાસ્તા’ ચલાવે છે, જે અથાણાં, થેપલા, ઢોકળા, પુરણ પોળી, હલવો, સાબુદાણા ખીચડી, ફરાળી પેટીસ અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ વેચે છે.

સિત્તોતેર વર્ષિય ઉર્મિલા જમનાદાસ શેઠનો દિવસ દરરોજ સવારે 5.30 વાગે જ શરૂ થઈ જાય છે.

બંને દીકરા અને દીકરી ગુમાવ્યા બાદ આ ગુજરાતી દાદીએ મુંબઈવાસીઓને ગરમાગરમ થેપલાં, ઢોકળાં, પૂરણપોળી, હલવો, સાબુદાણા ખીચડી, ફરાળી પેટીસ, તેમજ અથાણાં ખવડાવી પૌત્ર સાથે ઊભો કર્યો બિઝનેસ. આજે રોજના 70 ઑર્ડર મળે છે તેમને.

તેઓ પોતાની પુત્રવધૂ રાજશ્રી અને પૌત્ર હર્ષ માટે ચા અને નાસ્તો બનાવે છે, અને પછી તે નાસ્તો કરતાં-કરતાં છાપું વાંચે છે. આ પછી, તેઓ મુંબઈભરના રહેવાસીઓ દ્વારા આપવામાં આવેલા ઓર્ડરને પૂરો કરવા માટે નાસ્તા તૈયાર કરવાનું શરૂ કરે છે. જેઓ આ  ગુજ્જુબેનના હાથે બનાવેલ નાસ્તા પાછળ ફિદા છે.

રાજશ્રી સહિત બીજા બે લોકોની મદદથી તેઓ બપોરથી નોંધાયેલા ઓર્ડરને ડિલીવર કરવાનું શરૂ કરે છે. આમ જોવા જઈએ તો, હોમમેઇડ ફૂડ બિઝનેસ ચલાવતી કોઈપણ મહિલાની દિનચર્યા જેવી જ આ દિનચર્યા જણાય છે. પરંતુ ઉર્મિલાબાની વાત અલગ એ રીતે છે કે આટલી 77 વર્ષની જૈફ વયે દુર્ઘટના, પીડા અને સંઘર્ષથી ભરેલા જીવનને દફનાવવા માટે તેઓએ પોતાનું અલાયદું એક સાહસ શરૂ કર્યું છે.

Gujarati Food

ઉર્મિલાબાની પુત્રી જ્યારે તે અઢી વર્ષની હતી ત્યારે જ આકસ્મિક રીતે એક બિલ્ડિંગ પરથી પડી જતાં તેનું નિધન થયું હતું. વર્ષો પછી, તેમના બે પુત્રો પણ એક મગજની ગાંઠને કારણે અને બીજો હૃદયરોગને કારણે મૃત્યુ પામ્યા. હવે તેણીનો પૌત્ર હર્ષ તેમના સુખ દુઃખનો સાથી હતો.

હર્ષે 2012 માં એમબીએ પૂર્ણ કર્યું, અને ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઓમાન દેશના મંત્રાલય સાથે કામ કર્યું. 2014 માં, તેણે કોન્સ્યુલેટ્સ સાથે ભાગીદારી કરીને કોર્પોરેટ ગિફ્ટ અને મર્ચેન્ડાઇઝનું સાહસ શરૂ કરવા માટે નોકરી છોડી દીધી.

જો કે, 2019 માં એક દુર્ઘટના ઘટી, જ્યારે તેનો એક અકસ્માત થયો અને તેને પોતાનો ઉપરનો હોઠ ગુમાવ્યો. તેઓ ધ બેટર ઇન્ડિયાને કહે છે કે, “અકસ્માતે મને વિકૃત કરી દીધો, અને મારે શસ્ત્રક્રિયા કરાવવી પડી. એ પછી મને ભાગ્યે જ કોઈ ઓળખી શકે તેવી પરિસ્થતિનો સામનો કરવો પડ્યો, અને ત્યારબાદ હું ડિપ્રેશનમાં આવી ગયો. મેં ઘરની બહાર નીકળવાનું ટાળ્યું. હું 2016 થી મારા પરિવાર અને મારી જાતને આર્થિક રીતે ટકાવી રહ્યો હતો, પરંતુ તે અચાનક અટકી ગયું.”

એક મજબૂત સ્થિર હાથનો ટેકો
આ વ્યક્તિગત મુસીબત વિશ્વવ્યાપી COVID-19 રોગચાળા પછી આવી હતી. “વૈશ્વિક રોગચાળાની સ્થિતિ વધુ ખરાબ થતાં મેં વ્યવસાય ગુમાવવાનું શરૂ કર્યું. ફેબ્રુઆરી 2020 સુધીમાં મારે દુકાન બંધ કરવી પડી, ”તે ઉમેરે છે.

હર્ષની દાદી તેની પીડા અને વેદનાની પ્રથમ સાક્ષી હતી. “મેં તેને કહ્યું કે તેણે ફક્ત તેના ઉપરનો હોઠ અને વ્યવસાય ગુમાવ્યો છે, પરંતુ મેં ત્રણ બાળકો ગુમાવ્યા છે, અને તેમ છતાં હું હજી પણ મજબૂત છું. મેં તેને ખાતરી આપી કે હું મારો તમામ ટેકો આપીશ, ”ઉર્મિલાબા કહે છે.

2020 માં, ઉર્મિલાબા અને હર્ષે ધીમે ધીમે ફરી પગભર થવા માટે ‘ગુજ્જુ બેનના નાસ્તા’ની શરૂઆત કરી. આ વ્યવસાય આજે બંનેને મહિને 3 લાખ રૂપિયાની કમાણી કરાવી આપે છે.

માર્ચથી દરરોજ, ચર્ની રોડની પડોશમાં રહેતા લોકો તાજી અને મોઢામાં પાણી લાવનારી ગુજરાતી વાનગીઓની સુગંધથી ભીંજાઈ જાય છે. આ સુગંધ સ્વિગી અને ઝોમેટો સહિતના ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પર મળતા ઓર્ડરોની ભરમાર દ્વારા શહેરના વિવિધ ખૂણાઓમાં દૂર દૂર સુધી પ્રવાસ કરે છે.

હર્ષ કહે છે કે આ વિચાર તેને માર્ચમાં આવ્યો, એક દિવસ જ્યારે તેની દાદી અથાણું તૈયાર કરી રહી હતી. “મેં તેને પૂછ્યું કે શું તે તેને મોટી માત્રામાં તૈયાર કરી શકે છે, અને સાથે સાથે એ પણ સૂચવ્યું કે અત્યારે શરૂઆતમાં આ વાનગીઓને ગ્રાહકોનો પ્રતિભાવ ચકાસવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ મૂકી શકીએ.”

Gujarati Food

અથાણાં પહેલા જ પ્રયાસે સફળ રહ્યા
“મારા મિત્રો અને નજીકના પરિચિતોને હંમેશા મારી દાદીએ બનાવેલ વાનગીઓ ભાવી હતી. પરંતુ મને ક્યારેય ખ્યાલ નહોતો કે ઘણા લોકો તેના માટે પાગલ થઈ જશે. અમે 500 કિલો અથાણાં વેચ્યા અને વાનગીઓની યાદીમાં થેપલા, ઢોકળા, પુરણ પોળી, હલવો, સાબુદાણા ખીચડી, ફરાળી પેટીસ અને આવી અન્ય વસ્તુઓ ઉમેરવાનું શરૂ કર્યું.

ઉર્મિલાબાએ રસોડાનો હવાલો સંભાળ્યો અને વિવિધ વાનગીઓ બનાવવાની શરૂઆત કરી, જ્યારે હર્ષની માતા અને અન્ય મિત્રોએ ઓર્ડર પેકેજિંગ અને મેનેજ કરવામાં મદદ કરી.

“મારી દાદી દિવસમાં 14 કલાક કામ કરે છે, અને કેટલીકવાર તો સતત છ કલાક સુધી ખડે પગે કામ કરે છે. તેણીની સહનશક્તિ અકલ્પનીય છે. અમે દરરોજ લગભગ 30-35 ઓર્ડર પૂરા કરીએ છીએ, તેમાંથી દરેક દાદી દ્વારા જ તૈયાર કરાય અને તેમના દ્વારા જ આ વાનગીઓની ગુણવત્તાની ચકાસણી કરાઈ આગળ મોકલાવાય છે,” તે કહે છે.

હર્ષ કહે છે, “જેમ જેમ બિઝનેસ વધતો ગયો, તેમ મેં 10 લાખનું રોકાણ કરવા માટે અન્ય બે મિત્રો સાથે ભાગીદારી કરી અને ઓક્ટોબરમાં ઘરની નજીક ઈંટ અને મોર્ટાર દ્વારા બનેલ  દુકાન શરુ કરી.”

દરેકની પોતાની રસોઈની એક અલગ શૈલી હોય છે
હર્ષ કહે છે કે જ્યારે બિઝનેસ સ્થિર થઈ રહ્યો છે, ત્યારે તેમને વધુ વર્કફોર્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. “અમે નાના પાયે શરૂઆત કરી છે અને તેને હજી વધારે સ્કેલ અપ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. અહીંયા એક નાની રસોડાની જગ્યા અને મર્યાદિત લોકો જ છે જે એક સમયે ત્યાં કામ કરી શકે છે. રોજ 70 થી વધુ ઓર્ડરની ડિમાન્ડ હોય છે પરંતુ અમે તેને પરિપૂર્ણ કરી શકતા નથી,” તે ઉમેરે છે.

તેઓ સમજાવે છે કે તેઓ જે 3 લાખ રૂપિયા કમાય છે તેમાંથી મોટાભાગના ભાડા, પગાર અને ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પર કમિશનમાં જાય છે. “જે બાકી વધે છે તે 90,000 રૂપિયાની આસપાસ હોય છે, જે કાચો માલ ખરીદવા અને પરિવારના ભરણ પોષણ પાછળ ખર્ચવામાં આવે છે. હાલ એટલો બધો કોઈ નફો નથી. પરંતુ માત્ર ઓર્ડર વધવાથી જ તે લોકોને આ બાબતે નક્કર પરિણામ માટેનું સારું એવું પ્રોત્સાહન મળશે.

જોકે, ઉર્મિલાબાને જેમને આજે લોકો ગુજ્જુબેન તરીકે પ્રેમથી બોલાવે છે, તેમને કોઈ આર્થિક ચિંતા નથી. “મને ખબર નથી કે વ્યવસાય કેટલો કમાય છે પરંતુ મારું કામ ગ્રાહકો માટે તાજું અને ગુણવત્તાયુક્ત ભોજન રાંધવાનું છે. રસોઈ એ મારો જુસ્સો છે, અને રસોડામાં 12 કલાકથી વધુ સમય પસાર કર્યા પછી પણ મને થાક લાગતો નથી. મને અન્ય લોકો પાસેથી જુદી જુદી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવનું શીખવું પણ ગમે છે, અને તે માટેનો ઉત્સાહ ક્યારેય સમાપ્ત નથી થતો. ક્યારેક, હર્ષને અડધી રાતે ભૂખ લાગે છે, અને હું રસોડામાં તેના માટે કંઈક તૈયાર પણ કરી આપું છું. પરંતુ મને બપોરે મારી જાતને તાજગી આપવા માટે 4.30 વાગ્યાની ચાની જરૂર તો રહે જ છે,” હસતાં-હસતાં કહે છે.

ઉર્મિલાબા કહે છે કે તેમની વાનગીઓ માટે કોઈ ગુપ્ત રેસીપી નથી. “દરેક વ્યક્તિ પાસે ખોરાક તૈયાર કરવાની પોતાની શૈલી હોય છે. મારી પાસે પણ છે. ઘણા પ્રસંગોએ મિત્રો મને તેમના ઘરે અથાણું બનાવવા આમંત્રણ આપે છે. હું તેમને સામગ્રી ખરીદવા અને તેમના ઘરે તૈયાર કરવા કહું છું. મારી વિશેષતા કાચી કેરીનું અથાણું અને બીજું છાલ વગરનું અથાણું બનાવવાની છે, જે વૃદ્ધો માટે ચાવવાનું સરળ બનાવે છે. ઉર્મિલાબા ખાતરી આપે છે કે તેમના અથાણાં લગભગ ત્રણ વર્ષ સુધી ટકી શકે છે.

તારદેવના નેવિલ ગોટલા તેમના નિયમિત ગ્રાહક છે અને તેઓ કહે છે કે ગુજ્જુબેન દ્વારા બનાવેલી દરેક વસ્તુ તેમની પ્રિય છે. “હું એકવાર આ વિસ્તારમાં મુલાકાત દરમિયાન દુકાનમાં આવ્યો, અને પછી ઝોમેટો પરની સૂચિ જોઈ, તેથી મેં કેટલીક વાનગીઓનો ઓર્ડર આપવાનું નક્કી કર્યું. ત્યારથી, મેં મેનૂ પર ઓફર કરેલી દરેક વસ્તુનો ટેસ્ટ કર્યો છે. તેમના સ્વાદ અથવા ગુણવત્તા વિશે કોઈ શંકા નથી, ”તે ઉમેરે છે.

Gujjuben Na Nasta

જ્યારે તેમના ખોરાકની લોકપ્રિયતા અને ગ્રાહકો તેને કેટલો પ્રેમ કરે છે તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે ઉર્મિલાબાએ જવાબ આપ્યો કે, “હું ઇચ્છું છું કે લોકો પૌષ્ટિક ખોરાક ખાય. મારી જનરેશનમાં, અમે ખૂબ જ પૌષ્ટિક અને ઓછા ભેળસેળયુક્ત ખોરાકને આરોગતા. ઘણા યુવાનો આજકાલ ફાસ્ટ ફૂડ પસંદ કરે છે અથવા રેસ્ટોરાંમાંથી ઓનલાઈન ઓર્ડર આપે છે. હું સમજું છું કે હાલના કામ તણાવપૂર્ણ છે અને લોકો દિવસ પછી થાકી પાકીને ઘેર આવે ત્યારે તેમના માટે ભોજન રાંધવું મુશ્કેલ બની જાય છે, પરંતુ ખોરાક અને વ્યક્તિગત સ્વાસ્થ્ય પર સમાધાન થઈ જ ના શકે, ”તેણી ભાર મૂકીને કહે છે.

તેઓ બીજો પણ એક સંદેશ આપે છે. “ મેં મારા બાળકોને તેઓ જયારે સાવ નાની ઉંમરના હતા ત્યારે જ ગુમાવ્યા હતા. હું ક્યારેય નકારતી નથી કે હું તેમને દરરોજ યાદ નથી કરતી. પણ હું રડી શકતી નથી. હું આગળ વધી, અને લોકોએ તે જ કરવાનું શીખવું જોઈએ. તેથી જ હું હર્ષને મદદ કરવા માંગતી હતી અને જ્યારે તેને સૌથી વધુ જરૂર હોય ત્યારે તેને યોગ્ય માર્ગદર્શન તથા પ્રોત્સાહન આપવા માંગતી હતી. એકબીજાને ટેકો આપવાથી જ જીવન સરળ બને છે, ”ઉર્મિલાબા કહે છે.

ગુજ્જુ બેનના નાસ્તામાંથી નાસ્તો મંગાવવા માટે, અહીં ક્લિક કરો.

મૂળ લેખ: હિંમાશુ નિત્નાવરે

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: જમીનની ઉપર નહીં પરંતુ નીચે બનાવ્યુ છે આ યુવકે પોતાના સપનાનું ઘર, વાંચો આ હૉબિટ હોમની ખાસિયત

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon