તેઓ કહે છે કે તમે જેવી સંગતમાં રહો છો તેવા જ તમે બની જાઓ છે. કદાચ એટલા માટે જ બાળકોને મહાપુરુષોની વાર્તાઓ વાંચવા અને તેમના વિશે જાણવા માટે કહેવામાં આવે છે. જેથી તેઓ તેમનામાંથી પ્રેરણા લઈને સારું કામ કરી શકે. બરગઢ(ઓરિસ્સા)ના એક નાનકડા ગામ સમલેઈપાદરના રહેવાસી જલંધર પટેલની સાથે પણ એવું જ કંઈક થયું.
જલંધરનું બાળપણ, ઓરિસ્સાના જાણીતા સ્વતંત્ર સેનાની પાર્વતી ગિરીની મહાનતાની વાર્તાઓ સાંભળીને વીત્યું. પાર્વતી ગિરીની સમાજસેવાથી પ્રેરિત થઈને તેઓ હંમેશાથી જરૂરિયાતવાળા લોકો માટે કંઈક કરવા માંગતા હતા. પોતાની આ ઈચ્છાને પુરી કરવા માટે તેઓ આજે પોતાની મહેનતથી ફક્ત પોતાના ગામનાં જ નહીં પરંતુ તેમની પાસે અવવાવાળા દરેક નિ:સહાય વૃદ્ધોની દેખભાળ કરી રહ્યા છે. તેઓએ તે બધા માટે એક નાનકડો વૃદ્ધાશ્રમ પણ બનાવેલ છે.
જલંધર પાસે ચાર એકરનું ખેતર છે, જેમાં તેઓ ગલગોટા, ચોખાની ખેતી કરે છે. તેના સહારે જ તેઓ પોતાના પરિવાર તથા સાથે રહેવાવાળા વૃદ્ધોની દેખભાળ કરે છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા તેઓ કહે છે કે, આજ મારી પાસે પૈસાની બચત નથી થતી, હું જેટલું પણ કમાઉ છું તે પૂરેપૂરું ખર્ચ થઇ જાય છે. કોઈક કોઈક વાર તો લોન પણ લેવી પડે છે. પરંતુ તેમ છતાં મેં ક્યારેય વૃદ્ધાશ્રમને બંધ કરવા માટે નથી વિચાર્યું. જેટલા પણ લોકો મારી પાસે આવે છે, હું અને મારો પરિવાર તેમની રાજી ખુશીથી સાર-સંભાળ રાખીએ છે.

કેવી રીતે આવ્યો આશ્રમ ખોલવાનો વિચાર?
જલંધર નાનપણથી જ પાર્વતી ગિરી દ્વારા કરવામાં આવેલ સમાજ સેવાના કાર્યોથી ખુબ પ્રભાવિત હતા. તેઓ વર્ષોથી પાર્વતી ગિરીની જયંતિ(19 જાન્યુઆરી) પર ગરીબ અને નિ:સહાય લોકોને કરિયાણુ તેમજ જરૂરી સામાન આપતા હતા. વર્ષ 2016માં તેમણે વિચાર્યું કે એક દિવસની મદદ કર્યા પછી પણ આ વૃદ્ધોને તો પૂરું વરસ રસ્તાના કિનારે દયનિય હાલતમાં રહેવું પડે છે. તેમના રહેવા માટે પણ વ્યવસ્થા કરવી જ જોઈએ.
લગભગ એક વર્ષ સુધી પૈસા ભેગા કર્યા પછી તેમણે 2017માં પાર્વતી ગિરીના નામથી જ વૃદ્ધાશ્રમ બનાવ્યું. ત્યારે તેમણે 10 થી 15 લોકોના રહેવા માટે રૂમ બનાવ્યા અને છ લોકો સાથે આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી. આજે આ આશ્રમમાં 25 લોકો રહી રહ્યા છે. તેઓ તેમના રહેવાની સાથે-સાથે તેમના ખાવા-પીવા અને દવોનો ખર્ચો પણ ઉઠાવે છે. તેમનો પૂરો પરિવાર આ વૃદ્ધોની સાર સંભાળ રાખવા માટે સાથ આપે છે. બીમાર થાય ત્યારે તેમની સેવા કરવાની હોય કે ખાવાનું ખવડાવવાનું હોય તો સમગ્ર પરિવાર ખુશી-ખુશી એ કામ કરે છે.

જેમનું કોઈ નથી તેમના સાથી છે જલંધર
તેમણે જણાવ્યું કે અહીંયા સૌથી વધારે એ લોકો રહે છે જેમનો કોઈ પરિવાર નથી. કોઈક કોઈકવાર તો કેટલાક વૃદ્ધ ઘરથી કંટાળીને કે કોઈક પારિવારિક ઝગડાના કારણે પણ તેમની પાસે આવે છે પરંતુ અમે તે લોકોને સમજાવીને પાછા મોકલી દઈએ છીએ.
આશ્રમમાં રહેતા વૃદ્ધોની ઉંમર 70 થી 90 વર્ષની આસપાસ છે. એટલા માટે તે બધા શારીરિક રૂપથી નબળા છે અને તે લોકોની વધારે દેખભાળ રાખવી પડે છે. બીમાર થાય ત્યારે જલંધર તેમને બરગઢની મોટી હોસ્પિટલોમાં પણ લઇ જાય છે. આશ્રમમાં રહેતા કોઈ વૃદ્ધના મૃત્યુ પર તેઓ પોતાના પરિવારના સભ્યની જેમ જ તેમનો અગ્નિસંસ્કાર પણ કરે છે.
વૃદ્ધાશ્રમમાં રહેતા એક દિવ્યાંગ વૃદ્ધ મહિલા જણાવે છે કે,” મારો પોતાનો કોઈ પરિવાર ન હતો. હું મારા ભત્રીજાના ઘરે રહેતી હતી. પરંતુ મારી આ હાલત ના કારણે તેઓ નહોતા ઇચ્છતા કે હું તેમની સાથે રહું. ત્યારે જ મને આ આશ્રમ વિશે જાણ થઇ અને હું અહીંયા ચાલી આવી. મારા દીકરાની ઉંમરનો જલંધર એક પિતાની જેમ મારી સેવા કરે છે.
હાલ તો આ આશ્રમમાં 13 મહિલાઓ અને 12 પુરુષ રહે છે.

પૂરો પરિવાર આપે છે સાથ
જલંધર જયારે કામમાં વ્યસ્ત રહે છે તો તે દરમિયાન તેમની પત્ની અને દીકરો નિયમિત રૂપે આશ્રમમાં જાય છે. તેમનો પુત્ર વિકાસ પટેલ હાલ ‘બેચલર ઓફ સોશિયલ વર્ક’ માં સ્નાતક કરી રહ્યો છે. વિકાસ આગળ ચાલીને પોતાના પિતાના આ કામમાં સાથ આપવા માંગે છે. ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા વિકાસ કહે છે કે અમે ઇચ્છીએ છીએ કે વધુમાં વધુ ફક્ત પોતાના પૈસાથી જ આ લોકોની સેવા કરીએ.
તેમ છતાં તેમને ગામના કેટલાક લોકો પાસેથી સીધુ તેમજ શાકભાજી માટેની મદદ મળતી રહે છે. જલંધરે જણાવ્યું કે આશ્રમને ચલાવવા માટે મહિનાનો ચાલીસ હાજરનો ખર્ચો આવે છે.
આપણે બધા જીવનમાં કોઈકને કોઈક હસ્તીથી પ્રભાવિત હોઈએ જ છીએ પરંતુ જલંધર જેવા ઘણાં જ જૂજ માણસો હોય છે જેઓ પોતાના વિચારોને પોતાની જિંદગીનો હિસ્સો બનાવે છે. તેઓએ પાર્વતીગિરીના જીવન માંથી ન ફક્ત પ્રેરણા જ લીધી પરંતુ તેમના આદર્શોને અપનાવ્યા પણ ખરા. આજ તેઓ પોતાના ગામમાં બીજા લોકો માટે એક આદર્શ રૂપ બની ગયા છે.
આશા છે કે તમને પણ તેમનાથી જરૂર પ્રેરણા મળી હશે. તમે જલંધર સાથે વાત કરવા કે તેમને મદદ કરવા માટે 9937121317 પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કલાક વહેલા આવી જાતે જ શાળાની સફાઈથી લઈને બધાં કામ કરે છે સૌરાષ્ટ્રના આ આચાર્ય
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.