“ઘણીવાર મુસાફરી કરતી વખતે જ્યારે આપણે જંગલોની આજુબાજુથી પસાર થઈએ, ત્યારે આપણે ઘણી વાર રસ્તાની બાજુમાં ઘણા વાંદરાઓને બેઠેલા જોઇએ છીએ. જો તમે ધ્યાનથી જોશો, તો તમે સમજી શકશો કે આ વાંદરા આવતા-જતા લોકોને જોવા માટે નહીં, પરંતુ તેમને કોઈ કંઈક ખાવાનું આપી દે, તેની રાહમાં બેઠાં હોય છે. કારણ કે ઘટતા જંગલો અને જળ સ્ત્રોતના અભાવને કારણે પ્રાણીઓ રહેણાંક વિસ્તારો તરફ આવે છે. તેઓ ફક્ત ખોરાકની શોધમાં હોય છે અને જો તમે તેમને ખોરાક આપો, તો તેઓ તમને કંઈ નહીં કરે,” 50 વર્ષીય બાશા મોહિઉદ્દીન કહે છે.
આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લાના રહેવાસી બાશા છેલ્લા 10 વર્ષોથી મૂંગા જાનવરો માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે. તેમના જીવનનો એક જ ઉદ્દેશ છે કે ‘જ્યાં સુધી શ્વાસ છે, ત્યાં સુધી પ્રાણીઓની સેવા કરતો રહીશ.’ તેથી જ તેમને જાણનારા લોકો હવે તેમને ‘પશુઓના મિત્ર’ કહે છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા બાશાએ ક્હ્યું કે તેમને બાળપણથી જ પ્રાણીઓ માટે લાગણી રહી છે. તેમને ફરક નથી પડતો કે સામે કયું પ્રાણી છે? તે કૂતરો હોય કે બિલાડી, અથવા ગાય, ભેંસ અને વાનર – તે બધા માટે સંવેદનશીલ છે.
એક મધ્યમવર્ગીય કુટુંબના બાશા, માત્ર 10મુ પાસ છે. તે કહે છે, “મેં સ્કૂલ પછી જ નોકરી શરૂ કરી દીધી હતી. ઘણાં વર્ષો કુવૈતમાં પણ કામ કર્યું. વર્ષ 2010 માં દેશમાં પાછો ફર્યો અને નાના સ્તર પર રીયલ એસ્ટેટનો ધંધો શરૂ કર્યો. હાલમાં, હું 2017 થી શહેરમાં મારું પોતાનું ફિટનેસ જિમ ચલાવી રહ્યો છું.

વાંદરાઓને તરસ્યા જોઈ સેવા શરૂ કરી
બાશા કહે છે કે વર્ષ 2011 માં જ્યારે તે શહેર નજીક એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે કેટલાક વાંદરાઓ જોયા. “તેમને જોતાં જ ખબર પડી કે તેઓ હેરાન થઈ રહ્યા છે. મેં જોયું કે તેઓ એક બોટલમાં વધેલું પાણી પીવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મારી પાસે બોટલમાં પાણી હતું. હું તેમને પાણી આપવા તેમની પાસે ગયો. જેવું મેં તેમને પાણી પીવડાવવાનું શરૂ કર્યું, તેમના વચ્ચે ઝગડો શરૂ થઈ ગયો કે પહેલા કોણ પાણી પીશે. આ દ્રશ્યએ મને અંદર સુધી ઝંઝોળી નાખ્યો. તે જ દિવસે મેં નક્કી કર્યું કે આ વાંદરાઓ માટે પાણીની વ્યવસ્થા કરીશ, ”તેમણે કહ્યું.
આ ઘટના પછીના પહેલા રવિવારે જ બાશા પાણીનો મોટો કેન ભરી તે જંગલમાં પહોંચ્યા, જ્યાં તેમણે વાંદરાઓને જોયા હતા. તેઓએ ત્યાં એક ખાડામાં પાણી ભરી દીધું અને પાણી ભરતાની સાથે જ ઘણા વાંદરાઓ આવ્યા અને પાણી પીવા લાગ્યા. વાંદરાઓની તરસ મટતા જોઇ બાશાને જે ખુશી મળી, તેનો મુકાબલો ભાગ્યે જ દુનિયાની બીજી કોઈ સુવિધા કરી શકે. તે કહે છે કે છેલ્લા 10 વર્ષોથી, તેમણે પોતાનો નિયમ બનાવ્યો છે કે દર રવિવારે તે 40 કિ.મી. માં ફેલાયેલા જંગલમાં જઈ પ્રાણીઓને ખવડાવે છે અને તેમના માટે પાણી પણ ભરે છે.
તેમના ઘરમાં કોઈ પ્રસંગ હોય કે બીજું કંઈ પણ કામ, આ નિયમ ક્યારેય બદલાતો નથી. બાશા કહે છે કે તેમણે પોતાના કેટલાક સારા સ્વભાવના મિત્રોની મદદથી જંગલમાં પાણી ભરવાની વ્યવસ્થા કરી છે. આ સિવાય, દર રવિવારે તે કેળા, લાડુ અથવા અન્ય કોઈ ખાદ્ય ચીજો લઈને જંગલમાં પહોંચી જાય છે. “હું સવારે 7.30 વાગ્યે ઘર છોડું છું અને પાછા આવતા સાંજનાં ત્રણ-ચાર વાગી જાય છે.” જંગલમાં, તેઓ માત્ર વાંદરાઓને જ નહીં, પણ ખિસકોલી, હરણ અને કીડીઓને પણ ખવડાવે છે. તે કીડીઓ માટે હંમેશા ખાંડ લઈને આવે છે.
પોતાની કમાણીથી ભરી રહ્યા છે પશુઓનું પેટ
તે શહેરમાં તેમના ઘરની આસપાસ નિયમિત રીતે બેઘર કૂતરા, બિલાડીઓ અને ગાયને પણ ખવડાવે છે. દરરોજ તે અઢળક મૂંગા પક્ષીઓ અને પ્રાણીઓને ખોરાક અને પાણી આપે છે. તેમણે જણાવ્યું કે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જ્યાં ગાયોનો સમૂહ હોય છે, તેઓ ત્યાં જઈને દરરોજ રોટલી ખવડાવી આવે છે. તે રોજ રાત્રે કૂતરાઓને પણ ખવડાવે છે.
બાશા કહે છે કે તે જે કમાય છે તેના લગભગ અડધા પ્રાણીઓ માટે ખર્ચ કરે છે. સૌથી સારી વાત એ છે કે તેમના પરિવારનો તેમને સંપૂર્ણ સહયોગ મળે છે. આ કામમાં તેમની પત્નીએ હંમેશાં તેમનો સાથ આપ્યો છે.

તેમની પત્ની નસરીન કહે છે, “બહારના પ્રાણીઓને ખવડાવવા ઉપરાંત, અમે અમારા ધાબા પર પણ પક્ષીઓ માટે દાણાં અને પાણી રાખીએ છીએ. કાગડા, પક્ષી, પોપટ જેવા ઘણા પક્ષીઓ સવારના 5:30 વાગ્યાથી અમારા ધાબા પર આવવાનું શરૂ કરી દે છે. આ પક્ષીઓનો અવાજ સાંભળીને જ મન ખુશ થઈ જાય છે.
લોકડાઉન દરમિયાન પણ બાશાએ પોતાનું કામ બંધ નહોતું કર્યું. તેમનું કહેવું છે કે લોકડાઉનની જાહેરાત થતાં જ તેમણે તરત શહેરના પોલીસ વહીવટનો સંપર્ક કર્યો અને મંજૂરી લઈ લીધી. તેમને કહેવામાં આવ્યું હતું કે તે બાઇક અથવા સ્કૂટર પર જઈને પ્રાણીઓને ખવડાવી શકે છે. આવી સ્થિતિમાં તે વધુ બે લોકોને પોતાની સાથે લઈ જતા હતા. તે બંનેની બાઇકમાં પેટ્રોલ વગેરે પણ બાશા જ પુરાવતા અને પશુઓને ખવડાવવાનો ખર્ચ પણ એ જ ઉપાડતા. તે કહે છે, “હું તેમને સાથે લઈ જતો જેથી અમે પ્રાણીઓ માટે શક્ય હોય તેટલો વધારે ખોરાક લઈ જઈ શકીએ. ભલે લોકડાઉનમાં મારું જીમ બંધ રહ્યું અને આવક બંધ થઈ ગઈ. પરંતુ પ્રાણીઓ માટે ખોરાક અટક્યો નહીં કારણ કે તે વધુ જરૂરી હતું.”
બાશાનું માનવું છે કે, “મારા હૃદયમાં પ્રાણીઓ પ્રત્યે જે પ્રેમ છે, તે જ કારણ છે કે મારી ઉપર હંમેશાં ઉપરવાળાની મૈહર રહે છે. આજ સુધી મેં કોઈ પણ પશુને મારી સામે ભૂખ્યા નથી રાખ્યા અને તેથી મારા ઘરમાં પણ ક્યારેય ખોરાકની અછત નથી થઈ.”
તેમણે તેમના કાર્ય માટે લોકોથી વાતો પણ સાંભળી છે, પરંતુ તેમ છતાં તેમનું મન ક્યારેય આ માર્ગથી ભટક્યું નથી. આ કાર્ય માટે તેમણે ક્યારેય કોઈની પાસેથી આર્થિક મદદ નથી લીધી. જો કોઈ પોતાની સ્વેચ્છાથી પ્રાણીઓની સેવા કરવા માંગે છે, તો તે તેમને ના નથી પાડતા.
ખરેખર, લાચાર અને નિરાધાર પ્રાણીઓ પ્રત્યેનો બાશાનો આ પ્રેમ આપણા બધા માટે પ્રેરણારૂપ છે. અમને આશા છે કે બાશાનો આ નિયમ આ રીતે ચાલુ રહે અને વધુ લોકો તેમની વાર્તા વાંચીને પ્રેરિત થાય. પશુઓના આ સાચા મિત્રને અમારી સલામ.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: આ મહિલાની હિંમતને સલામ: ગીરની પ્રથમ મહિલા ગાર્ડ જેણે 12 વર્ષમાં 1,000થી વધારે પ્રાણીઓને રેસ્ક્યૂ કર્યાં!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.