“શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો”
આ વાક્યને સાર્થક કરે છે સૌરાષ્ટ્રના નાનકડા ગામ વડોદની પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ. ગિરીશભાઈ બાવળીયા 2018થી આચાર્ય તરીકે સેવા આપે છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ગિરીશભાઈએ કહ્યું, ” હું જ્યારે અહીં આચાર્ય તરીકે જોડાયો ત્યારે અહીં સુવિધાઓ તો બધી હતી, પરંતુ જરૂર હતી તેને સાચવવાની અને સંભાળ રાખવાની. અત્યારે પરિસ્થિતિમાં લગભગ 80% જેવો બદલાવ આવી ગયો. માત્ર 4000 લોકોની વસ્તી ધરાવતું આ ગામ ગરીબ પણ છે, તેથી અહીં સ્વચ્છતા પ્રત્યે પણ ખાસ સભાનતા નહોંતી. બસ એ જ દિવસથી મેં આ સ્થિતિને બદલવાનું નક્કી કર્યું અને છેલ્લા 3 વર્ષમાં મેં એક પણ રજા નથી લીધી, રવિવાર હોય કે વેકેશન, તહેવાર હોય કે કોરોનાનો કપરો કાળ, હું રોજ સવારે 9 વાગે શાળાએ પહોંચી જઉં છું અને 6 વાગે સુધી અહીં જ મહેનત કરું છું. મને મહેનત કરતો જોઈ બીજા શિક્ષકો અને બાળકો પણ જોડાવા લાગ્યા અને આજે અમારી શાળા ‘સ્કૂલ ઑફ એક્સિલેન્સમાં’ પણ પસંદગી પામી છે.”

સફાઈથી લઈને ગાર્ડનિંગ, બધુ જ કરે છે જાતે
ધોરણ 1 થી 8 સુધીની તેમની પ્રાથમિક શાળામાં અત્યારે તેમની સાથે 10 શિક્ષકો છે. ગિરીશભાઈએ અહીં આચાર્ય તરીકે જોડાયા એ દિવસથી જ ઝુંબેશ શરૂ કરી કે, ‘આપણું કામ આપણે જાતે જ કરવું.’ ગિરીશભાઈ જાતે જ શાળા સમયથી કલાક વહેલા આવી તેમની ઑફિસ, શાળા અને મેદાનને સાફ કરવા લાગ્યા. તેમને જોઈને ધીરે-ધીરે અન્ય શિક્ષકો અને બાળકો પણ જોડાવા લાગ્યા.
તેમનું માનવું છે કે, “જો બાળકો શાળામાં સ્વચ્છતાના પાઠ ભણશે તો તેમના ઘરે પણ સ્વચ્છતા રાખશે અને ગામમાં પણ સ્વચ્છતા રાખશે અને તો જ દેશમાં પણ સ્વચ્છતા રહેશે. અહીંથી જ તેઓ સભ્યતા, સંસ્કૃતિ અને શિસ્તના પાઠ પણ ભણે છે.”
આ પણ વાંચો: આગામી પઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા ભુજના શિક્ષકે શરૂ કરી ઝુંબેશ
કોઈ કામ નાનું નથી, આપણાં બધાં જ કામ આપણે જાતે જ કરવાં જોઈએ
ગિરીશભાઈ હંમેશથી એમજ કહે છે કે, કોઈપણ કામ નાનું નથી. વાત પછી સ્વચ્છતા-સફાઈની આવે કે સજાવટની, બધું જ આપણે જાતે જ કરવું જોઈએ. બાળકો પણ આપણને જોઈને જ શીખે છે. બાળકોમાં અનુકરણની શક્તિ ગજબની હોય છે, એટલે તેઓ આપણને જોઈને જ શીખે છે. શરૂઆતમાં બધાંને આ બધુ અજીબ લાગતું હતું, પરંતુ ધીરે-ધીરે બધા મારી સાથે જોડાતા ગયા. મને જાતે શાળામાં કચરા પોતા કરતા જોઈ બાળકો પણ જોડાવા લાગ્યા.

શરૂઆતમાં શાળામાં જગ્યા તો હતી, પરંતુ વૃક્ષારોપણ માટેની જાગૄતિ નહોંતી. એક સમયે શાળાની બહારની બાજુ જ્યાં માત્ર કચરાના ઢગલા હતા ત્યાં અત્યારે 70 ઘટાદાર વૃક્ષો છે. તો શાળાની અંદર પણ 144 કરતાં વધુ મોટા વૃક્ષો, એક આખો રોઝ ગાર્ડન અને 125 જેટલા અન્ય ફૂલછોડ વાવીને તૈયાર કર્યા છે. શાળાની આખી કાયાપલટ જોઈ હવે ગામલોકો પણ સહયોગ આપવા લાગ્યા છે.
તો હવે શાળાઓ શરૂ થઈ રહી છે ત્યાં ગિરીશભાઈએ એક આખુ કિચન ગાર્ડન અને ઔષધ પાર્ક બનાવવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. જેથી બાળકોને મધ્યાહન ભોજનમાં પૌષ્ટિક ભોજન આપી શકાય.

ગામ ગરીબ હોવાથી મોટાભાગના બાળકોને શૈક્ષણિક સામગ્રીની પણ તકલીફ પડે છે. જેના નિવારણ માટે ગિરીશભાઈ આસપાસના દાતાઓને તેમની શાળામાં આમંત્રિત કરે છે અને તેમને પોતાની કામગિરી બતાવે છે. તેઓ દાતાઓ પાસેથી કોઈપણ પ્રકારનો આર્થિક સહયોગ નથી લેતા, પરંતુ તેની જગ્યાએ બાળકો માટે વિવિધ વસ્તુઓની મદદ લે છે, જેથી તેમની શાળાનાં બાળકોને અત્યારે કોઈપણ જાતની શૈક્ષિક સામગ્રીની તકલીફ નથી પડતી. ખેડા જિલ્લાના કલેક્ટર સાહેબથી લઈને બીજા ઘણા લોકો સમયાંતરે શાળાની મુલાકાત લે છે અને બાળકોની જરૂરિયાતની સામગ્રી પૂરી પાડે છે.
આ ઉપરાંત તેમણે શાળામાં બાળકો મજા કરી શકે અને માનસિકની સાથે-સાથે શારીરિક વિકાસ પણ થઈ શકે એ માટે રમતનાં સંસાધનો પણ વસાવ્યાં છે. બાળકોને માત્ર પુસ્તકમાં સમજાવવાની જગ્યાએ પ્રેક્ટિકલ સમજાવવા માટે રોબો મોડેલ, તોપ, સૌર મંડળ જેવાં બીજાં ઘણાં મોડેલ્સ પણ શાળામાં બનાવ્યાં છે, જેથી બાળકોને સરળતાથી સમજાય.
આ પણ વાંચો: રાજકોટના જીતુભાઈએ શરૂ કર્યું ગુરૂકુળમ, કુદરતના સાનિધ્યમાં મફતમાં આપવામાં આવે છે રોજગારલક્ષી શિક્ષણ
કોરોનાકાળમાં પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તેની તેમણે પૂરેપૂરી તકેદારી રાખી છે. જેમના ઘરે સ્માર્ટફોન છે તેમને ઓનલાઈન ભણાવે છે અને જેમના ઘરે નથી તેમના માટે ખાસ શેરી શિક્ષણની વ્યવસ્થા કરી છે. અલગ-અલગ શિક્ષકો તેમના વિષય પ્રમાણે ત્યાં જઈને ભણાવે છે.

બાળકોને ઉત્સાહથી ફરીથી આવકારવા માટે તેમણે બીજી પણ એક તૈયારી કરી રાખી છે. તેમની શાળાના જ જીગ્નેશભાઈ ધોળકિયાએ અહીં આખા વિસ્તારમાં ન હોય એટલા સુંદર થ્રીડી પેઈન્ટિંગ કર્યાં છે, જેથી બાળકો આકર્ષાઈને શાળામાં આવે.
માત્ર બાળકો જ નહીં, પરંતુ ગામલોકો માટે પણ તેઓ ખૂબજ મદદરૂપ થાય છે. કોરોનાકાળ દરમિયાન આખી શાળાના શિક્ષકોએ ઘરે-ઘરે જઈને જાગૃતિ અભિયાન કર્યું છે, જેના પરિણામ સ્વરૂપે તેમના ગામમાં આજે 80% લોકોએ કોરોનાની રસી લઈ પણ લીધી છે.
સમાજને જરૂર છે આવા જ શિક્ષકોની. ધ બેટર ઈન્ડિયા સલામ કરે છે તેમના પ્રયત્નોને. જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે તેમનો સંપર્ક કરવા ઈચ્છતા હોવ તો તેમને ફેસબુક પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: ઓનલાઈન શિક્ષણના સમયમાં ઝૂંપડપટ્ટીનાં બાળકો માટે વડોદરાના યુવાને શરૂ કરી ‘સ્ટ્રીટ સ્કૂલ’
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.