કોરોનાકાળમાં જ્યા શાળાઓ બંધ છે, ત્યાં 18 વર્ષીય આ દિવ્યાંગ વ્યક્તિ દરરોજ 2 કિમી ચાલીને ગામનાં બાળકોને ભણાવવા માટે જાય છે.
“મને ભણવાનું ખુબ જ ગમે છે, હું માનું છું કે દરેકને શિક્ષણનો સમાન અધિકાર હોવો જોઈએ. પછી ભલે તે પછી છોકરો કે છોકરી દિવ્યાંગ હોય કે ગરીબ.” આ કહેવું છે, ચતરા (ઝારખંડ) ના 18 વર્ષીય ઉપેન્દ્ર યાદવનું. હાલમાં તે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેમનું સપનું IAS બનવાનું છે. પરંતુ બારમા ધોરણ સુધી ભણવું પણ તેના માટે સરળ નહોતું. જણાવી દઈએ કે, ઉપેન્દ્ર નાનપણથી જ જમણા હાથ અને પગથી અપંગ છે.
તેમ છતાં, તેઓ પોતે વાંચે છે ને સાથે સાથે આસપાસના ગામોના 60 જેટલા ગરીબ બાળકોને વિના મૂલ્યે ભણાવવાનું કામ પણ શરૂ કર્યું છે. કોરોનાના સમયગાળા દરમિયાન આ તમામ બાળકોનું શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે તેમની પાસે ઓનલાઇન વર્ગો દ્વારા અભ્યાસ કરવા માટે મોબાઈલ નહોતાં. પણ આજે આ બધાં જ બાળકો ઉપેન્દ્ર સરના ક્લાસમાં આવીને રોજ કંઈક ને કંઈકે નવું શીખી રહ્યા છે. ગયા વર્ષે ઉપેન્દ્રએ માત્ર બે-ત્રણ બાળકોને ભણાવવાથી શરૂઆત કરી હતી. પરંતુ આજે સંખ્યા વધીને ૬૦ જેટલી થઈ ગઈ છે, જેમાં 40 છોકરીઓનો પણ સમાવેશ થાય છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા ઉપેન્દ્ર કહે છે, “મારી પાસે ભણતાં મોટાભાગના બાળકોના માતા-પિતા વધારે કંઈ ઝાઝું ભણેલા નથી. પરંતુ બાળકોનાં વાંચન પ્રત્યેનાં જુસ્સાને જોઈને, મને તેમને ભણાવવું સારું લાગે છે.”

બાળકોને કોરોનાના કપરા કાળમાં શિક્ષણ સાથે જોડ્યાં
ઉપેન્દ્ર તેમના ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. તેમને વાંચનનો ખૂબ શોખ હતો, પરંતુ પોતાની અપંગતાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમનો જમણો હાથ કામ કરતો ન હોવાથી, તે ડાબા હાથથી લખે છે. તો લાકડીના ટેકે શાળાએ જવા-આવવા માટે પણ ઘણો સમય લાગતો હતો. તેમણે કોઇપણ ટ્યુશન વગર પોતાની મહેનતથી દસમાની પરીક્ષા પાસ કરી હતી.
લોકડાઉન દરમિયાન, તેમણે જોયું કે બાળકો અભ્યાસ કરી શકતા નથી. આ વાત તેઓને ખૂબ પરેશાન કરતી હતી. તેમણે તેમના પરિવાર અને સંબંધીઓના બાળકોને પોતાના ઘરમાં અને આસપાસ ભણાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ ગામના ઘણા બાળકો તેમની પાસે ભણવા આવવા લાગ્યા. જ્યારે બાળકો થોડા હતા, ત્યારે તેઓ પોતાના ઘરે દરેકને ભણાવતા હતા. પરંતુ જેમ જેમ બાળકોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ તેમણે ગામની જૂની શાળામાં ભણાવવાનું શરૂ કર્યું. ઉપેન્દ્ર જણાવે છે કે, “અત્યારે વરસાદની ઋતુમાં શાળાની છત પરથી પાણી પડે છે,અને તળિયું પણ તૂટેલું-ફુટેલું છે. જોકે મૈં સ્વખર્ચે શાળાની દિવાલ પર બોર્ડ બનાવડાવ્યું છે, પરંતુ અન્ય સુવિધાઓ આ બાળકોને હું આપી શકું તેમ નથી.”
ઉપેન્દ્ર સ્કૂલમાં બોર્ડ બનાવવા માટે અને ચોક જેવી જરૂરિયાતો માટે સરકાર તરફથી મળતા 1 હજાર રૂપિયાની વિકલાંગ સહાયતાનો ઉપયોગ કરે છે.

IAS બનવાનું સપનું
ઉપેન્દ્ર આવતા વર્ષે બારમા ધોરણની પરીક્ષા આપશે. તેમનું સપનું આઇએએસ અધિકારી બનવાનું છે. જેના માટે તેઓ તૈયારી પણ કરી રહયા છે. દરરોજ વહેલી સવારે જાગે છે અને બાળકોને ભણાવવા માટે શાળાએ જાય છે, અને પાછા આવીને પોતે પોતાના ધ્યેય માટે અભ્યાસ પણ કરે છે. તે કહે છે, “આ બાળકોને જોઈને મને વધુ વાંચવાની ઇચ્છા થાય છે. બાળકો મને તેમની પ્રેરણા માને છે, અને હું આ બાળકોને મારી. બધા બાળકો મારા માટે જે આદર ધરાવે છે તે મને નિરંતર વધુ સારું કરવા માટે પ્રેરિત કરે છે. જોકે શરૂઆતમાં ઘણા લોકોએ તેમની મજાક ઉડાવી હતી, પરંતુ ત્યારબાદ જેમ જેમ બાળકોની સંખ્યા વધવા લાગી, તેમ તેમ ઘણા લોકો તેની મદદ માટે આગળ આવવા લાગ્યા. હવે લોકો સવારે સ્કૂલે જતાં સ્કૂટર પર ઉપેન્દ્રને લિફ્ટ પણ આપે છે.
અત્યારે ઉપેન્દ્ર સાહેબના આ વર્ગમાં ધોરણ 1 થી 9ના બાળકો ભણવા આવે છે. મહત્વની વાત એ છે કે ઝારખંડ રાજ્ય ના આવા અંતરિયાળ વિસ્તારમાં ઉપેન્દ્ર છોકરીઓને શિક્ષિત કરવા પર વધુ ભાર મૂકે છે. તેથી જ તેમની પાસે આવતા 60 બાળકોમાંથી 40 તો ફક્ત છોકરીઓ છે. તેમજ તેમના તમામ નાના ભાઈ -બહેનો પણ વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે જો મારી પાસેથી ભણ્યા પછી આ બાળકોના જીવનમાં થોડો પણ બદલાવ આવશે તો હું ખૂબ જ ખુશ થઈશ. છેલ્લે પોતાની વાત પુરી કરતાં તેઓ કહે chhe કે શિક્ષણની મદદથી આ તમામ બાળકો શું દેશના કોઈ પણ ખૂણે અવિરત અભાવમાં જીવતા કોઈપણ બાળકો પોતાની આર્થિક સ્થિતિને સુધારી શકે તેમ છે.
ધ બેટર ઇન્ડિયા આ પ્રયાસો માટે ઉપેન્દ્રને દિલથી સલામ કરે છે.
સંપાદન: કિશન દવે
આ પણ વાંચો: દરરોજ 25 કિલોનાં લોટની રોટલીઓ બનાવીને, ભરે છે 300થી વધારે રખડતાં શ્વાનોનું પેટ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.