આજના જમાનામાં તમે ઑર્ગેનિક રીતે વાવેલ, કુદરતી પદ્ધતિઓની મદદથી સૂકવીને આપણી દેશી ઘંટીમાં દળેલ મસાલા વિશે સાંભળ્યું છે? આવું તો દાદી પાસે સાંભળ્યું હોય, પરંતુ આજના જમાનામાં આ રીતે બનેલ મસાલા, ઔષધીઓ વગેરે મળવું ખરેખર બહુ મુશ્કેલ છે. પરંતુ વલસાડની આ મહિલાએ પોતાના ઉપયોગ માટે કરેલ આ શરૂઆત આજે સફળ ગૃહઉદ્યોગમાં પરિણમી છે અને નિયમિત 13 લોકોને રોજગારી પણ મળે છે. એટલું જ નહીં, આસપાસના ઑર્ગેનિક ખેતી કરતા લોકોને સારા ભાવ પણ મળવા લાગ્યા છે.
આજે અમે વાત કરી રહ્યા છીએ વલસાડ જિલ્લાના અટગામમાં રહેતા અમિતા પટેલની જેઓ પોતાના ગૃહ ઉદ્યોગ થકી લોકોના સ્વાદ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખી જાતે જ ઓર્ગેનિક વસ્તુઓ બનાવી શુદ્ધ અને ઓર્ગેનિક વસ્તુઓ બનાવી તેનું વહેંચાણ કરી રહ્યા છે. અમિતાબેને પહેલા આ કામની શરુઆતમાં ઘર માટે કરી હતી. ત્યારે તેઓ જાતે જ વસ્તુઓ બનાવવા હતા. બાદમાં આસપાસના લોકોને ખબર પડતા પૂછપરછ કરવા લાગ્યા અને આ બધાં ઉત્પાદનો ગમતાં ઓર્ડર પણ આપવા લાગ્યા. જેથી ધીરેધીરે આ ગૃહઉદ્યોગની શરૂઆત થઈ ગઈ. અમિતાબેનને આ કામ કરતા આજે 10 વર્ષ થઈ ગયા છે. જેમાં હાથની ઘંટીથી દળેલ વસ્તુ, કેમિકલ મુક્ત વસ્તુઓ, હર્બલ ઓષધીઓનું વેચાણ કરવામાં આવે છે. જેમાં ઘણી બધી યુનિક આઈટમ્સ પણ છે, જો ક્યાંય પણ મળતી નથી.
આ પણ વાંચો: આ જોડીએ પાણી-પુરીને બનાવી પોતાની બ્રાંડ, ઉભો કર્યો કરોડોનો બિઝનેસ

કેવો રહ્યો અનુભવ?
જોકે, છેલ્લા 10 વર્ષમાં તેમને આ કામમાં ઘણો સુધારો પણ જોવા મળ્યો છે. તેમણે ગ્રાહકોના ફીડબેક અને પોતાની રીતે ધીરે ધીરે વસ્તુઓની ગુણવત્તામાં પણ ફેરફાર કરતા રહ્યા જેથી તેમની બધી પ્રોડક્ટ આજે દેશભરમાં વહેંચાઈ રહી છે. અમિતાબેન હળદર, સૂંઠ, ગંઠોડા, ટોમેટો કેચઅપ, બધા મસાલાઓને જાતે જ તૈયાર કરાવે છે. તેઓ પોતાના ખેતરમાં હળદર, આદુ, સૂંઠ, કેરીનું ઉત્પાદ કરે છે અને બીજી વસ્તુઓનો બીજા ખેડૂતો પાસે તૈયાર કરાવડાવે છે.

ખેડૂતોને કેવો ફાયદો મળે છે?
અમિતા બેનના આ કામથી ખેડૂતોને પણ ઘણો ફાયદો થાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ ખેડૂતને કહેવામાં આવ્યું કે, તમે ઓર્ગેનિક મગનું ઉત્પાદન કરો તો બિયારણ પણ અમિતાબેન આપે છે અને બાદમાં જેટલો પણ માલ તૈયાર થાય તે બધો તેઓ જ ખરીદી લે છે અને માર્કેટ કરતા ભાવ પણ સારા આપે છે. બધી વસ્તુના ભાવ પણ એડવાન્સમાં જ નક્કી કરી લેવામાં આવે છે. તેમાં એવુ પણ નથી કે માર્કેટમાં આ ભાવ ચાલે છે તો, તે જ ભાવમાં જ વસ્તુ આપો. તેઓ જાતે જ સારા ભાવ નક્કી કરી ખેડૂતોને ફાયદો થાય તે રીતે કામ કરે છે. જેથી ખેડૂતોને પણ માર્કેટ રેટ કરતા ભાવ સારા મળે છે અને સરળતાથી બધો માલ પણ વહેંચાઈ જાય છે.

વસ્તુઓનું વેંચાણ આ રીતે કરવામાં આવે છે
અમિતાબેન પોતાની બધી ઓર્ગેનિકની પ્રોડક્ટનું વેંચાણ ઓર્ગેનિક શોપ અને એક્ઝિબિશન દ્વારા કરે છે. જેમાં તેઓ આખા દેશમાં અલગ-અલગ જગ્યાએ જઈ એક્ઝિબિશન કરી લોકો સુધી સારી અને શુદ્ધ વસ્તુ પહોંચાડી રહ્યા છે. એકવાર ખરીધ્યા બાદ ગ્રાહકો પણ ફોન કરીને આ બધી વસ્તુ મંગાવે છે અને અન્ય લોકોને પણ આ અંગે જણાવે છે.
આ પણ વાંચો: 80% વિકલાંગ હોવા છતાં મહેસાણાનાં આ બહેન જાતે જ અથાણાં બનાવી કરે છે ડિલિવર પણ

સીઝનમાં વધુ લોકોને રોજગારી મળે છે
અમીતાબેનના આ ગૃહ ઉદ્યોગમાં દરરોજ 13 લોકો કામ કરે છે. જોકે, સીઝનમાં કામ વધુ હોવાથી 20 થી 25 લોકોને કામ કરવું પડે છે. કારણ કે, ત્યારે વસ્તુની માંગ વધારે હોવાથી કામ પણ વધી જાય છે. દેશભરમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં આ વસ્તુની માંગ વધારે હોવાથી ત્યાં વેચાણ વધારે થાય છે. અમિતાબેન કહે છે કે, ગ્રાહકો પણ કહે છે કે, વિસરાઈ ગયેલી વસ્તુ હવે ફરીથી પરત મળવા લાગી છે.
જ્યારે અમિતાબેનને પૂછવામાં આવ્યુ કે, આ ફાર્મ શરૂ કરવાનું પાછળનું કારણ શુ હતું? તો તેમણે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, જ્યારે તેમણે રાજલ દિક્ષિતને સાંભળ્યા ત્યારે તેમની પાસેથી તેમને પ્રેરણા મળી કે, લોકોને કંઈક સારુ ખવડાવવું છે અને વિચાર કર્યો કે, આવુ કંઈક કરવું જોઈએ બાદમાં તેમણે આ કામની શરૂઆત કરી.

અમીતાબેન કહે છે કે, તેમની બધી વસ્તુ બજાર કરતા ઘણી અલગ છે. ધારો કે, બજારમાં મળતી હળદરને બોઈલ કરે ઓવન કરે અને બાદમાં તેના ગાંઠીયા તૈયાર થાય પણ અમારી હળદરને ધોઈને 40 થી 45 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે અને એકદમ લો ટેમ્પરેચર વાળી ઘંટીમાં દળવામાં આવે છે, જેથી તેના વિટામિન, મિનરલ્સ બધુ જળવાઈ રહે છે.
જો તમે પણ દેશી પદ્ધતિથી બનાવેલ શુદ્ધ ઑર્ગેનિક વસ્તુઓ અંગે જાણવા કે ખરીદવા ઈચ્છતા હોવ તો અમિતાબેનને 96625 82835 નંબર પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: અમદાવાદી મા-દીકરીની જોડી લોકોને જાતે બનાવીને ખવડાવે છે પસંદ અનુસાર હેલ્ધી મિઠાઈઓ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.