આજે અમે વાત કરી રહ્યા છે અમદાવાદની એક માતા-પુત્રીની જોડીની, જેઓ ઘરે જાતે જ, લોકોના સ્વાદ અને સ્વાસ્થ્ય અનુસાર મિઠાઈઓ બનાવી આપે છે અને સારી કમાણી પણ કરી રહ્યાં છે. એકવાર તેમની મિઠાઈ ખાધા બાદ તે નિયમિત તેમની પાસે જ આવે છે, જેના કારણે તહેવારોના સમયમાં તો માતા-પુત્રી આખો દિવસ વ્યસ્ત રહે છે, છતાં ક્યારેય ગુણવત્તા કે સ્વાદમાં સમાધાન નથી કરતા, અને આ જ તેમની ખૂબી પણ છે.
અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાં રહેતી ધરા કાપડિયાએ યુકેમાં ક્લિનિકલ રિસર્ચમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. ત્યાં ભણી થોડો સમય નોકરી કર્યા બાદ ધરા વતન પાછી ફરી અને પોતાનો આ નવો વ્યવસાય શરૂ કર્યો.
ધરા ભારત આવી કૉર્પોરેટ નોકરી કરવા નહોંતી ઈચ્છતી એટલે તેણે લોકોને રસાયણ રહિત ઉત્પાદનો ખવડાવવા માતા સાથે મળીને મેંગો જંક્શનની શરૂઆત કરી. માતા અમિતાબેન અત્યારે 65 વર્ષની ઉંમરે પણ દીકરી સાથે ખભેખભો મિલાવી હોંશેહોંશે કામ કરી રહ્યાં છે.

શરૂઆત કરી મેંગો જંક્શનની
વર્ષ 2017 માં તેમણે મેંગો જંક્શનની શરૂઆત કરી ત્યારે તેઓ ઉનાળામાં ખેડૂતો પાસેથી કાર્બાઈડ ફ્રી કેસર અને રત્નાગીરી હાફૂસ કેરી લાવી તેને લોકો સુધી પહોંચાડતા. આ દરમિયાન ધીરે-ધીરે તેમને ધ્યાનમાં આવ્યું કે, બજારમાં મળતી મીઠાઈઓમાં ગળપણનું પ્રમાણ વધુ હોય છે, જેથી ઘણા લોકો તો તેને સ્વાસ્થ્ય કારણોસર ખાઈ પણ નથી શકતા, તો વારંવાર તેમાં ભેળસેળના દાખલા પણ ધ્યાને આવતાં તેમણે ઘરે મિઠાઈ બનાવી તેનું આકર્ષક પેકિંગ કરી લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું.
ધરા અને અમિતાબેને 2019 માં તેમના દાદીની રેસિપિથી મથુરાના પેંડા ઘરે બનાવી લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું હતું. તો આ બે વર્ષના સમયમાં તેમની પાસે લગભગ 20 જેટલી મિઠાઈઓ મળી રહે છે.
પોતાના કામ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ધરા જણાવે છે, “વિદેશમાં રહીં ભણ્યા બાદ મને માર્કેટિંગની ઘણી સ્કીલ્સ અંગે ખબર પડી અને તેનો જ ઉપયોગ મેં અહીં પણ કર્યો. અમે જ્યારે કાર્બાઈડ ફ્રી કેરીનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે શરૂઆતમાં અખબારમાં જાહેરાત આપી હતી અને વિવિધ સોશિયલ મીડિયામાં પણ લોકો સુધી અમારી વાત પહોંચાડી હતી. તે જ ગ્રાહકોને અમે અમારા વૉટ્સએપ ગૃપમાં પણ જોડ્યાં અને તેમના સુધી અમારી મિઠાઈની વાત પણ પહોંચાડી. પછી તો જે-જે લોકો એકવાર અમારી મિઠાઈ ખાય તેઓ બીજા લોકોને કહે છે અને અમારા ગ્રાહકો આમ વધતા જાય છે.”

કસ્ટમાઈઝ્ડ સ્વીટની ઓફર
તેઓ ગ્રાહકની માંગ અનુસાર મિઠાઈ બનાવી આપે છે. જો ગ્રાહકને સુગરલેસ મિઠાઈ જોઈતી હોય તો તેને જરા પણ ખાંડ વગરની મિઠાઈ બનાવી આપે છે, તો કોઈ ગ્રાહક ઓછા ગળપણવાળી મિઠાઈ માંગે તો તેને એ અનુસાર બનાવી આપે છે. જો કોઈ ગ્રાહક વરખ વગરની મિઠાઈ માગે તો તેઓ તેને ઉપર વરખ લગાવ્યા વગર જ આપે છે. જો કોઈ ગ્રાહકને સામાન્ય સ્વાદ જોઈતો હોય તો તેને તે અનુસાર પણ બનાવી આપે છે.
આ ઉપરાંત તેઓ ડ્રાયફ્રુટ બૉલ અને ડ્રાયફ્રુટ જંક્સ પણ બનાવે છે. જેમાં તેઓ ખાંડ કે ગોળનો જરા પણ ઉપયોગ નથી કરતા. ખજૂરની મદદથી બનાવે છે. આ ઉપરાંત તેમાં ઘી કે તેલનો ઉપયોગ પણ નથી કરતા, જેથી બાળકોથી લઈને ડાયટ કૉન્શિયસ લોકો પણ તેને હોંશે-હોંશે ખાઈ શકે છે.

દેશ-વિદેશમાં પહોંચી તેમની મિઠાઈ
અત્યારસુધીમાં તેઓ અમદાવાદ, મુંબઈ, બરોડા, સુરત, ચેન્નઈ, નાસિક, કેરળ અને ચંડિગઢ સહિત દેશનાં ઘણાં શહેરોમાં તેમની મિઠાઈ પહોંચાડી ચૂક્યાં છે. આ ઉપરાંત તેઓ યુકે સુધી પણ તેમની મિઠાઈ પહોંચાડી ચૂક્યાં છે.
જેમાં તેઓ કાજુ કતરી, સુગરફ્રી ડ્રાયફ્રુટ ચંક્સ, મથુરાના પેંડા, ફ્રેશ ચૉકલેટ વૉલનટ ફજ, કોકોનટ બૉલ, ચટપટ્ટા નટ્સ, શેકેલા સૂકામેવા, સૉલ્ટ/બ્લેક પીપર નટ્સ સહિત અનેક મિઠાઈઓ મળી શકે છે. જેને તમે જાતે જઈને પણ ખરીદી શકો છો અને ઘરે ડિલિવરી પણ મેળવી શકો છો. અમદાવાદમાં તેઓ થર્ડ પાર્ટી ડિલિવરી મારફતે ગ્રાહકો સુધી પહોંચાડે છે, તો અન્ય શહેરો અને રાજ્યમાં તેઓ કુરિયર મારફતે ગ્રાહકની પસંદ અનુસારની મિઠાઈ બનાવીને મોકલે છે.
તેમની મિઠાઈઓ બાબતે તેમનાં ગ્રાહક સ્વેતા ઠક્કર જણાવે છે કે, મેંગો જંક્શનની બધી જ મિઠાઈઓમાં ખાંડ પ્રમાણસર હોય છે અને સ્વાદ ખૂબજ સરસ હોય છે. તેમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીની ગુણવત્તા પણ એટલી જ ઉત્તમ હોય છે. તો અન્ય એક નિયમિત ગ્રાહક કુંતલ શાહ જણાવે છે કે, હું મેંગો જંક્શનની વિવિધ મિઠાઈઓ નિયમિત ખરીદતો આવ્યો છું. તેમની દરેક મિઠાઈ અદભુત હોય છે. તેમાં પણ મથુરા પેંડા, કેસર પેંડા, માવા પેંડા, સુગર ફ્રી ડ્રાયફ્રુટ્સ બૉલ, કોકોનટ બૉલ્સ, કાજુ કતરી ઉપરાંત ચોકલેટ ફજ ખરેખર અદભુત હોય છે.

તો ચેન્નઈનાં તેમનાં ગ્રાહક સુમથી દ્વારકાનાથ જણાવે છે કે, ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ મળી રહે છે અહીં. જો તમે પણ તેમના ગ્રાહકોના રિવ્યૂ અને ઉત્પાદનો અંગે જાણવા ઈચ્છતા હોવ તો અહીં ક્લિક કરો.
જો ધરા અને અમિતાબેને બનાવેલ મિઠાઈ ખરીદવા ઈચ્છતા હોવ કે કઈંક જાણવા ઈચ્છતા હોવ તો તેમનો 099744 41002 પર સંપર્ક કરી શકો છો. આ સિવાય તેઓ તેમના ફેસબુકમાં પણ વિવિધ મિઠાઈઓ અંગે અપડેટ્સ આપતા રહે છે, જે તમે અહીં જોઈ શકો છો.
આ પણ વાંચો આ અમદાવાદી કન્યા કેળા, અનાનસ અને બિચ્છુ બૂટીના કચરામાંથી બનાવે છે ઈકો ફ્રેન્ડલી કાપડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.