યશરાજ ચરણ અને તેમનો આખો પરિવાર છેલ્લા 25 વર્ષથી માનવતા અને જીવદયાનો ઉત્તમ દાખલો બેસાડી રહ્યા છે. યશરાજ, તેની પત્ની અને ચાર બાળકો સવારે અને સાંજે ગામના કૂતરાઓને ખવડાવવા માટે પોતાનું યોગદાન આપે છે. તેના ઘરમાં દરરોજ કૂતરાઓને ખવડાવવા માટે લગભગ 250 રોટલીઓ અને ઘઉંના લોટની 6 કિલોની લાપસી બનાવવામાં આવે છે. આ પરિવારે તેને બનાવવા માટે એક મહિલાને પણ રાખી છે.
આ રીતે, દરરોજ તે પ્રાણીઓને ખવડાવવા માટે આશરે 25 કિલો લોટનો ઉપયોગ કરે છે. આ તમામ કામો માટે ચારણ પરિવાર દર મહિને 30 થી 35 હજારનો ખર્ચ કરે છે.
યશ રાજને પ્રાણીઓ માટે ખાસ પ્રેમ છે, તેમણે 37 વર્ષ સુધી વન વિભાગમાં કામ કર્યું છે. તે પહેલા ફોરેસ્ટ ગાર્ડ અને પછી ફોરેસ્ટર એટલેકે વનપાલ તરીકે કામ કરતા હતા. ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા તે કહે છે, “મારા બે કાકાઓ વન વિભાગમાં કામ કરતા હતા. હું બાળપણમાં તેમની પાસેથી પ્રાણીઓ વિશે સાંભળતો હતો, ત્યારથી હું પ્રાણીઓ સાથે પ્રેમમાં પડ્યો. આજે મારી એક દીકરી અને નાનો દીકરો પણ વન વિભાગમાં નોકરી કરે છે.”
યશરાજે તેની નોકરી દરમિયાન શિકાર થવાથી ઘણા જંગલી પ્રાણીઓ, જેમ કે નીલગાય, જંગલી ભૂંડ, શિયાળ વગેરેને બચાવ્યા છે. તે વર્ષ 2017માં નિવૃત્ત થયા, ત્યારબાદ પણ તેણે શિકાર અટકાવવા માટે વિભાગને મદદ કરવાનું ચાલુ રાખ્યું. તેની પુત્રી સોનલ કહે છે, “હું ફોરેસ્ટ ગાર્ડ તરીકે કામ કરું છું અને મારા પિતાને જંગલનું સારું જ્ઞાન છે. કયું પ્રાણી ક્યાં છે? ક્યાં શિકાર થઈ શકે છે? તે સમયાંતરે મને મદદ કરતા રહે છે.”

ગામના 300 કૂતરાઓને ખવડાવે છે
જંગલી પ્રાણીઓની સાથે તે ગામના કૂતરાઓની હાલતથી પણ પરેશાન હતા. જેના કારણે તેમણે દરરોજ કૂતરાઓને રોટલી ખવડાવવાનું કામ શરૂ કર્યું. જે અચાનક એક દિવસ શરૂ થયુ. યશ રાજ ઓફિસથી આવ્યા બાદ રોજ ફરવા જતા હતા. એક દિવસ તેમણે જોયું કે કૂતરાના નાના બચ્ચાં તેમની માતા સાથે ખૂબ જ દયનીય હાલતમાં હતા. કારણ કે તેમની માતા પણ તેમના બાળકોને છોડીને ખોરાક લાવવા જઈ શકી ન હતી. તેથી તે પણ ભૂખી અને નબળી થઈ ગઈ હતી. યશરાજે તે દિવસે તેમને બિસ્કિટ ખરીદ્યા અને ખવડાવ્યા. પણ બીજા દિવસે તેણે તેની પત્નીને ત્રણ કે ચાર રોટલીઓ બનાવવા કહ્યું. આ રીતે તે તેમને દરરોજ રોટલીઓ આપવા લાગ્યા.
ધીમે ધીમે કૂતરાઓની સંખ્યા વધવા લાગી. પહેલા ચાર પછી 10 અને આજે આ પ્રક્રિયા વધીને 250 રોટલી થઈ ગઈ છે. રોટલીની સાથે, કુતરાઓ માટે લોટની લાપસી પણ તેના ઘરે બનાવવામાં આવે છે. સવારે તેનો પુત્ર કૂતરાઓને રોટલીઓ ખવડાવવા જાય છે, પછી સાંજે તેની પુત્રી અને પત્ની તેને લાપસી ખવડાવે છે. તો યશરાજ સસલા, હરણ અને શિયાળ જેવા નાના પ્રાણીઓને બિસ્કિટ ખવડાવવા માટે દરરોજ જંગલમાં જાય છે. આ માટે તે દર મહિને લગભગ પાંચ હજારની કિંમતના બિસ્કિટ પણ ખરીદે છે.

રોટલીઓ લાકડાના ચુલા પર બને છે
યશરાજનાં ઘરમાં આટલી બધી રોટલીઓ બનાવવાની વ્યવસ્થા તેમની પત્ની રમાબેન ચરણ સંભાળે છે. પછી તે મિલમાંથી પીસવામાં આવેલો લોટ મેળવવાનો હોય કે ચૂલો સળગાવવા માટે લાકડાની વ્યવસ્થા કરવાની હોય. તે ખાતરી કરે છે કે રોટલીઓ બનાવવા માટે જરૂરી સામગ્રી દરરોજ ઉપલબ્ધ રહે. જોકે અગાઉ માત્ર તેની પુત્રી રોટલી બનાવતી હતી. પરંતુ જેમ જેમ રોટલીઓની સંખ્યા વધવા લાગી, તેમણે બીજી મહિલાને નોકરી પર રાખી.
રમાબેન કહે છે, “મારા પતિની જીવદયા જોઇને, મેં પણ તેમની સાથે જોડાવાનું નક્કી કર્યું. આજે મારા ચાર બાળકો પણ આ અબોલની સેવા કરવામાં અમારી મદદ કરે છે. આ સિવાય હું કીડીઓને લોટ પણ ખવડાવું છું.”

તે પોતાના ઘરમાં પ્રાણીઓ માટે જરૂરી દવાઓ પણ રાખે છે. જ્યારે ગામમાં કોઈ પ્રાણીને નાની-મોટી ઈજાઓ થાય છે, ત્યારે તે તેમની સારવાર પણ કરે છે. રમાબેન કહે છે, “અમે આ બધી વસ્તુઓ માટે ક્યારેય પૈસાની ચિંતા કરતા નથી. તીર્થયાત્રા પર જવા કે મંદિર વગેરેની મુલાકાત લેવાને બદલે, અમે આ એબોલ પશુઓનું પેટ ભરવાને જ સાચી ઉપાસના માનીએ છીએ. જો કોઈ કારણોસર આ કામ એક દિવસ માટે પણ ચૂકી જાય તો અમને ખૂબ જ દુ:ખ થાય છે.”
તેમના ગામના 38 વર્ષીય વિરમ ગઢવી કહે છે, “ચારણ પરિવાર અમારા બધા માટે પ્રેરણારૂપ છે. તેમના કારણે આજે, અમારા ગામની સાથે, નજીકના ઘણા ગામોના કૂતરાઓને પૂરતો ખોરાક મળી રહ્યો છે. ઉપરાંત, જ્યારે પણ તે અમને કોઈ મદદ માટે બોલાવે છે, ત્યારે અમે ખુશીથી તેની મદદ કરીએ છીએ. તેમણે ગામમાં શિકાર રોકવામાં પણ ઘણો ફાળો આપ્યો છે.”
ચારણ પરિવારના આ તમામ પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: બેકાર ગ્લૂકોઝની બોટલો અને માટલાંમાંથી બનાવી સિંચાઈ પ્રણાલી, ગામ આખામાં વાવ્યા 500 છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.