વર્ષ 2019માં, વરિષ્ઠ નાગરિકોના પુનર્વસવાટ અને કલ્યાણ માટે કામ કરતી એનજીઓ હેલ્પએજ ઇન્ડિયાએ વૃદ્ધોની ઘરેથી કાઢી મુકવા વિશે અને દુર્દશા વિશે ચોંકાવનારો અહેવાલ બહાર પાડ્યો હતો. ‘હોમ કેર ફોર ધ એલ્ડરલી: કોલ ટુ એક્શન’ શીર્ષક હેઠળના આ અહેવાલ મુજબ, ભારત વરિષ્ઠ નાગરિકોની બીજી સૌથી મોટી વસ્તી ધરાવે છે, જેમાંથી મોટાભાગના લોકો ખરાબ સ્વાસ્થ્ય, ઉપેક્ષા અને દુર્વ્યવહારથી પીડાય છે અને ગરીબીમાં જીવવા માટે મજબૂર છે.
બેંગલુરુ સ્થિત અન્ય સંસ્થા નાઈટીંગેલ્સ મેડિકલ ટ્રસ્ટ (NMT)ને જાણવા મળ્યું છે કે શહેરના નાગરિક સંસ્થાના અંદાજિત 25,000 બેઘર લોકોમાંથી 7500 વૃદ્ધ મહિલાઓ હતી જેમને તેમના બાળકોએ કાઢી મૂકી હતી. તે માત્ર સંખ્યાઓ નથી, પરંતુ શેરીઓમાં ભટકવા માટે ત્યજી દેવામાં આવેલી જીંદગી છે. તે એક વિચાર હતો જેણે અમદાવાદના ડોક્ટર દંપતિને હચમચાવી દીધા હતા. તેઓ આવા વડીલોને મદદ કરવા અને તેમના સ્તરે કંઈક કરવા માટે આગળ આવ્યા.
ડો.રાજેન્દ્ર ધમાણે અને ડો.સુચેતા ધમાણેએ વર્ષ 1998માં અમદાવાદના કાકાસાહેબ મહસ્કે હોમિયોપેથિક મેડિકલ કોલેજમાંથી ડિગ્રી મેળવી હતી. આ પછી તેમણે પોતાનું ક્લિનિક ખોલ્યું અને સમાજ માટે કંઇક કરવાનું નક્કી કર્યું. તેમણે નક્કી કર્યું કે તેઓ દર્દીઓની નિયમિત સંભાળ લેશે, અને મફત આરોગ્ય તપાસની શિબિરોનું આયોજન કરશે અને ગરીબ અને બેઘર લોકોને ભોજન પણ આપશે.
એક ઘટનાએ કામની દિશા બદલી નાખી
ડો રાજેન્દ્રએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “અમે હંમેશા સમાજ માટે કંઈક કરવા ઈચ્છતા હતા. વર્ષ 2000માં, અમે રસ્તા પર રહેતા નિરાધાર લોકોની મદદ કરવાનું નક્કી કર્યું. સેવા આપતી વખતે, અમને એવાં ઘણા વડીલોને મળ્યા, જેમના પરિવારોએ તેમને ઘરની બહાર ફેંકી દીધા હતા. તેમાંથી મોટાભાગના લોકોની માનસિક સ્થિતિ સારી નહોતી. તેઓ પોતાના ભોજનની વ્યવસ્થા પણ કરી શકતા ન હતા.”
તેણે આ સમસ્યાને ખૂબ જ ગંભીરતાથી લીધી. તેઓએ સાથે મળીને તે જ વર્ષે મોલી સેવા પ્રતિષ્ઠાન શરૂ કર્યું. તેમની NGOનું લક્ષ્ય એક દિવસમાં 90 જેટલા બેઘર લોકોને ભોજન આપવાનું હતું. પરંતુ 2007માં એક ઘટનાએ તેના કામ કરવાની દિશા બદલી નાખી.

40 વર્ષીય રાજેન્દ્ર કહે છે, “હું ક્લિનિકમાં જઈ રહ્યો હતો. રસ્તામાં તેમણે એક નિરાધાર મહિલાને ડસ્ટબિનમાંથી બચેલું ખાવાનું બહાર કાઢતી અને ગંદકી ખાતા જોઈ. હું તેની સ્થિતિથી ખૂબ દુખી થયો. મેં મારું ટિફિન તેની તરફ લંબાવ્યું. તે પળે બધું બદલાઈ ગયું હતું.”ઘરે આવ્યા પછી, રાજેન્દ્રએ તેની પત્ની સાથે આ વિશે વાત કરી અને ઘણા વિચાર-વિમર્શ પછી તેમને સમજાયું કે માત્ર જરૂરિયાતમંદોને ખવડાવવું પૂરતું નથી. હવે આપણે આનાથી વધુ આગળ વધવાનું છે. તેઓ નિરાધાર લોકોને સુરક્ષિત સ્થાન આપવાનું વિચારી રહ્યા હતા.
બેઘર વૃદ્ધ મહિલાઓની સ્થિતિ ખૂબ જ પીડાદાયક
બેઘર વૃદ્ધોની સમસ્યા જેવી દેખાય છે, તેનાં કરતાં વધારે ખરાબ છે. ડૉ. સુચિતાએ જણાવ્યુ,“માનસિક રૂપથી બિમાર જે મહિલાઓને ઘરમાંથી કાઢી મુકવામાં આવે છે. તેમને મદદની વધારે જરૂર હોય છે. બેઘર લોકોને ખાવાનું ખવડાવતી વખતે, ઘણી મહિલાઓએ પોતાની સુરક્ષા અને બળાત્કારની વાતો મારી સાથે શેર કરી હતી, જેની કોઈ ફરિયાદ નોંધાવામાં આવતી નથી.”
તેણી આગળ કહે છે, “જે મહિલાઓનું માનસિક સ્વાસ્થ્ય નબળું હોય છે તેઓ વધુ સંવેદનશીલ હોય છે. જો તે કોઈને તેના બળાત્કાર વિશે કહે છે અથવા પોલીસને જાણ કરવા માંગે છે, તો કોઈ તેના પર વિશ્વાસ કરતું નથી. આવા લોકોથી બચવા માટે, તે ઘણીવાર રાત્રે રસ્તાના ડિવાઈડર અથવા ગલીઓનાં ખૂણા પર સૂઈ જાય છે.”
એનજીઓમાં ઘણી મહિલાઓએ બળાત્કારની વાત કરી
આવી જ એક વૃદ્ધ પીડિતાએ કહ્યું, “થોડા વર્ષો પહેલા મારા પર બે પુરુષોએ બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે મેં તેને પોલીસમાં જાણ કરવાનું કહ્યું તો તેણે મને મારી નાખવાની ધમકી આપી. મારા પરિવારમાં કોઈ જીવતું નથી. મારો પુત્ર પણ મરી ગયો, મને આ કેન્દ્રમાં મારું નવું ઘર મળ્યું છે.”
ઘણા કિસ્સાઓમાં, પરિવારો માનસિક બીમાર મહિલાઓ અથવા સંબંધીઓને તેમના ઘરની બહાર ફેંકી દે છે, તેમની આર્થિક સ્થિતિ સારી હોવા છતાં, રસ્તાઓ ઉપર મરવા માટે છોડી દે છે. ડૉ. સુચેતા જણાવે છે,“જો સમયસર સારવાર મળે તો પરિસ્થિતિ વધુ ખરાબ થતી નથી. અમારો ઉદ્દેશ રસ્તાઓ ઉપરની નિરાધાર મહિલાઓને મદદ કરવાનો અને આવી સંભવિત ઘટનાઓ બનતા અટકાવવાનો છે.
તેમણે કહ્યું, “એક મહિલા હોવાને કારણે, આવી સમસ્યાઓ જોઈને, હું તેને કેવી રીતે અવગણી શકું? આવા ખોટા લોકોથી મહિલાઓને બચાવવા અને સારી સારવાર મેળવવા માટે તેમને ‘સ્થળ’ની જરૂર હતી. માનસિક સ્વાસ્થ્ય એક સંવેદનશીલ વિષય છે અને સમાજ સામાન્ય રીતે તેના પર ધ્યાન આપતો નથી. અમે આવી મહિલાઓની તમામ જરૂરિયાતો પૂરી કરવા અને તેમની તમામ તકલીફો દૂર કરવા માંગીએ છીએ.”
પિતાની મદદથી બનાવ્યું રહેણાંક કેન્દ્ર
ડૉક્ટર દંપતીએ આ દિશામાં કામ કરવાનું નક્કી કર્યું હતું. રાજેન્દ્ર મદદ માટે તેના પિતા બાજીરાવ પાસે ગયા. તેમના પિતા, એક નિવૃત્ત શિક્ષક, શહેરની હદમાં 673 યાર્ડ જમીન ધરાવતા હતા અને પછી પરસ્પર સંમતિથી જમીનને એક સુરક્ષિત સ્થળ અથવા 18 વર્ષથી વધુ ઉંમરના મહિલાઓ માટે રહેણાંક કેન્દ્રમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.
ડો.રાજેન્દ્રના જણાવ્યા મુજબ, તેઓ તમામ જરૂરિયાતમંદ મહિલાઓ માટે રહેવાની, ભોજન અને કપડાંની વ્યવસ્થા કરે છે. જેમની માનસિક સ્થિતિ સારી નથી અથવા બીજી કોઈ શારીરિક બીમારી છે, તેમની સારવાર કરવામાં આવે છે. તેમાંથી ઘણી મહિલાઓ તો જીવનભર તે જ કેન્દ્રમાં રહી જાય છે. પરિવારનાં લોકો સારવાર બાદ પણ સ્વીકાર કરતા નથી.
પોતાની દિનચર્યા વિષે જણાવતા તેઓ કહે છે, “સવારે 6 વાગ્યે દરેક વ્યક્તિ નાસ્તો કરવા માટે ઉઠી જાય છે. સ્વયંસેવકો તેમને મદદ કરે છે, જે દર્દીઓને વધુ કે વધુ વિશેષ સંભાળની જરૂર હોય તેમને અલગથી જોવામાં આવે છે. તેઓ રોજિંદા પ્રવૃત્તિઓમાં દરેક પગલા પર મદદ કરે છે.”

ઘરથી દૂર એક ઘર
આ સંસ્થાને ચલાવવા માટે, તેમને ઘણી સંસ્થાઓ તરફથી આર્થિક મદદ મળે છે. “સરકાર તરફથી કોઈ મદદ મળી નથી, કે તેઓએ ક્યારેય તેના માટે પ્રયત્ન કર્યો નથી,” તેમણે કહ્યું. અત્યાર સુધી બંનેએ 500થી વધુ મહિલાઓને મદદ કરી છે. કેન્દ્રમાં 350 જેટલી મહિલાઓ વધુ સારું જીવન જીવી રહી છે. કેટલાક વૃદ્ધાવસ્થા અથવા રોગને કારણે મૃત્યુ પામ્યા છે.
ડો.રાજેન્દ્ર કહે છે, “બળાત્કારનો ભોગ બનેલી કેટલીક સ્ત્રીઓ બાળકોને પણ જન્મ આપે છે. આજે અમે આવા 29 બાળકોનો ઉછેર કરી રહ્યા છીએ. તેઓ સુખી અને સલામત વાતાવરણમાં ઉછરી રહ્યા છે.” મોનિકા સાલ્વે, જે એક સમયે ગંભીર માનસિક બીમારીથી પીડાતી હતી, તે વર્ષ 2013માં કેન્દ્રમાં આવી હતી.
તે જણાવે છે, “હું માનસિક અને ભાવનાત્મક રીતે તૂટી ગઈ હતી. ખાનગી હોસ્પિટલ અને ડોક્ટરો પાસેથી પણ સારવાર મેળવવાનો પ્રયાસ કર્યો. પરંતુ બધું વ્યર્થ રહ્યુ હતું. આખરે મારા પરિવારે મને એકલી છોડી દીધી. આનાથી મારી માનસિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. પરંતુ હું નસીબદાર હતી કે મને સમયસર મૌલી સેવા પ્રતિષ્ઠાન વિશે જાણવા મળ્યું.”
સારા ઇરાદા પૂરતા નથી
મોનિકાએ એક વર્ષ સુધી લાંબી સારવાર લીધી અને આજે તે ડિપ્રેશનમાંથી બહાર આવી છે. મોનિકા કહે છે, “હવે મેં સંસ્થાની દૈનિક પ્રવૃત્તિઓમાં મદદ કરવાનું શરૂ કર્યું છે. ખરેખર, હું હવે તેનો એક ભાગ બની ગઈ છું. કેટલીક સ્ત્રીઓ તેમના બાળકોને સંભાળી શકતી નથી. તે માનસિક અથવા ભાવનાત્મક સ્તરે સ્થિર નથી. હું તેમના બાળકોનું પણ ધ્યાન રાખું છું. હું તેમને જીવનમાં આત્મનિર્ભર બનતા જોવા માંગુ છું.”
સામાજિક ક્ષેત્રમાં કામ કરતી વખતે, માત્ર સારા ઇરાદા પૂરતા નથી. ડો.રાજેન્દ્ર જણાવે છે કે સમાજ અને સરકારી એજન્સીઓનો વિશ્વાસ મેળવવામાં તેમને ઘણા વર્ષો લાગ્યા હતા. રાજેન્દ્ર યાદ કરે છે, “અમે પહેલા દિવસથી મહારાષ્ટ્રના મેન્ટલ હેલ્થ ઓથોરિટી સાથે અધિકૃત અને રજીસ્ટર્ડ હતા. પરંતુ જ્યારે અમે પરવાનગી લેવા માટે તેમની પાસે પહોંચ્યા ત્યારે અધિકારીઓએ અમારા ઇરાદાઓ પર જ સવાલ ઉઠાવ્યા અને અમારા પર શંકા પણ કરી.”
કેટલીકવાર અંતિમ સંસ્કાર કરવા અને મહિલાઓની તબીબી ઔપચારિકતા પૂરી કરવી એક પડકાર બની જાય છે. તેઓ કહે છે, “અધિકારીઓને મનાવવા અને તેમને તેમના કામ વિશે સમજાવવામાં ઘણા વર્ષો લાગ્યા છે. અમને અમારા પરિવારનો સંપૂર્ણ સહકાર મળ્યો છે,પરંતુ આસપાસના લોકોએ અમારી મજાક ઉડાવી અને અમારી સફળતા પર શંકા પણ કરી.”
સંસ્થાને આર્થિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ
ઘણી વખત એવી મહિલાઓ કેન્દ્રમાં આવે છે જેને તાત્કાલિક સારવારની જરૂર હોય છે. ત્યારે તેમને સારવારના ખર્ચ માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. આર્થિક મદદ માટે હંમેશા નવી સંસ્થાઓની શોધ રહે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે આ દંપતી હવે તેમની સંસ્થાને આર્થિક રીતે મજબૂત બનાવવાના મોડલ પર કામ કરી રહ્યું છે.
“અમે કેન્દ્રમાં ડેરી ફાર્મ અને બેકરી યુનિટ સ્થાપ્યું છે. આનાથી લોકોને રોજગારી પણ મળશે અને કેટલાક પૈસા પણ હાથમાં આવશે. આ સાથે, અમે તમામ મહિલાઓ માટે સમયસર દવાઓની વ્યવસ્થા કરી શકીશું અને તેમની યોગ્ય રીતે કાળજી પણ લેવામાં આવશે.” ગ્રાસ રૂટ લેવલ પર કામ કરતા, દરેક વ્યક્તિએ તે કામની અસરનું મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. કેટલીકવાર તમે જે પ્રયાસ કરો છો તે સમુદ્રમાં એક ટીપા જેવું લાગે છે. પરંતુ વાસ્તવમાં તે પરિવર્તનનું મોજું હોય છે.
ડૉક્ટર સુચેતા કહે છે,“ક્યારેક મને લાગે છે કે અમે માત્ર 500 મહિલાઓને મદદ કરી શકીએ છીએ. આપણે એકથી બે હજાર મહિલાઓના રહેવાની વ્યવસ્થા કરવી જોઈતી હતી. પરંતુ બીજી બાજુ ફરીથી મને લાગે છે કે આ મુદ્દાને મૂળમાંથી હલ કરવો જોઈએ જેથી અમારા જેવી સંસ્થાઓની જરૂર ન પડે. માનસિક રીતે પીડિત મહિલાઓને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ અને શેરીઓમાં છોડી દેવી, પરિવારના સભ્યોએ બંધ કરવું પડશે.”
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: અબોલ જીવોની તકલીફ જોઈ પાલનપુરના વેટરનરી ડૉક્ટરે શરૂ કર્યું ફ્રી ક્લિનિક
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો