અબોલ જીવો માટે આપણને લાગણી કે અનુભુતી તો હોય જ છે પરંતુ ભાગ્યે જ કોઈ પોતાની મેળે તે પ્રાણીઓ માટેની લાગણીને એક અભિયાન અને પોતાની જિંદગીના એક અભિન્ન અંગ તરીકે સ્થાન આપવામાં સફળ થાય છે.
આજે આપણે વાત કરી રહ્યા છીએ પાલનપુર ખાતે પોતાના પ્રાઇવેટ ક્લીનીકની સાથે સાથે રખડતા કુતરા તેમજ બીજા ગમે તે પ્રાણીઓની વિનામૂલ્યે સારવાર કરી આપવા માટે પેટ ફાઉન્ડેશન ચલાવનાર વેટરનરી ડૉક્ટર પ્રતીક પંચાલની. તો ચાલો તેમની સાથે થયેલી વાતચીતના અંશોને આગળ સવિસ્તાર જાણીએ.

તમને આ પેટ ફાઉન્ડેશન શરુ કરવાનો વિચાર કંઈ રીતે આવ્યો?
પ્રતિક આ પ્રશ્નનો ઉત્તર આપતા જણાવે છે કે, “જયારે હું વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતો હતો તે દરમિયાન મારી સોસાયટી કે આજુબાજુ શેરીના કુતરા અથવા બીજા કોઈ પ્રાણીઓને સારવારની જરૂર રહેતી. તેથી તે સમયે હજી હું વેટરનરી ડૉક્ટર બનવા માટેની પ્રોસેસમાંથી પસાર થઇ રહ્યો હોવાથી જાતે જ એક અનુમાનિત સારવાર ન કરતા જાણકાર ડૉક્ટરોને કોલ કરી મદદ માટે વિંનંતી કરતો પણ હંમેશા કંઈક ને કંઈક બહાના હેઠળ જે તે પ્રાણીની સારવાર થતી જ ના અને અમુક સમયે તો ખુબ નકારાત્મક જવાબો પણ મળતા. આમ આ પ્રકારના અનુભવોએ મને તથા મારા અમુક મિત્રોને આગળ જતા આ પ્રાણીઓ માટે નક્કર કંઈક કાર્ય કરવા માટે દ્રઢ સંકલ્પ લેવા પ્રોત્સાહિત કર્યા જેનું પરિણામ આ પેટ ફાઉન્ડેશન છે.
આ પેટ ફાઉન્ડેશનની સ્થાપના ક્યારે અને કંઈ રીતે થઇ?
તેઓ જણાવે છે, “આશરે 5 વર્ષ પહેલા એટલે કે 2016 માં મેં તથા મારા મિત્રોએ ફેસબુક પર માહિતી શેર કરી એક અભિયાનની શરૂઆત કરી જેમાં પાલનપુર શહેરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રાણી બીમાર હોય તો અમને જણાવવા માટે કહેવામાં આવ્યું. ટૂંક સમયમાં ધીરે ધીરે લોકોનો પ્રતિસાદ સારો એવો વધવા લાગ્યો અને અમે પણ દરેક જગ્યાએ જાતે જઈને કૂતરાઓની તેમ જ બીજા પ્રાણીઓની સારવાર કરવા લાગ્યા. અને ઘણા જીવદયા પ્રેમીઓએ જાતે જ જે તે જરૂરિયાતમંદ પ્રાણીઓને અમારી પાસે લાવવાનું શરુ કર્યું.
બનાવ્યું એક શેલ્ટર હાઉસ
પ્રતિકભાઈ ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા જણાવે છે કે, થોડા સમય પછી ડોર ટૂ ડોર ટ્રીટમેન્ટની સાથે સાથે અમારા દ્વારા એક જગ્યા પણ ભાડે રાખવામાં આવી જેમાં જે તે પ્રાણીની જો માંદગી માટેની સારવાર માટે વધુ સમય થતો હોય તો તેવા દરેક પ્રાણીને ત્યાં રાખવાની શરૂઆત કરવામાં આવી. તેમના ઓપરેશનથી લઇને તે જ્યાં સુધી ફરી સાજું થઇ ને હરતું ફરતું ના થાય ત્યાં સુધી તેના રહેવા, જમવા, સફાઈ, કપડાં દરેક બાબતની ચોક્કસ કાળજી રાખવાની શરુઆત કરવામાં આવી. અને તે માટે એક વ્યક્તિની પગાર પર નિમણુંક પર કરવામાં આવી જે આ બધી જ બાબતોનું ચોકસાઈ પૂર્વક ધ્યાન આપે.
ક્યારેય ડોનેશન માટે નથી કરી માંગણી
પ્રતીક ને આ બધી પ્રક્રિયાઓ માટે ખર્ચો કંઈ રીતે મેનેજ કરો છો તે પ્રશ્ન કર્યો તો તેઓ કહે છે કે, શેલ્ટર હાઉસ બનાવ્યા પછી મહિનાનો ખર્ચો લગભગ 60 થી 70 હજારની આસપાસ આવતો હતો જે તેમના તથા તેમની આસપાસના મિત્રવર્તુળ દ્વારા યથાશક્તિ રકમ જમા કરાવીને એકઠો કરવામાં આવતો અને તેમાંથી જ આ બધાનું સંચાલન થતું. કોઈક વખતે અમારી સારવારથી ખુશ થઇ જે તે લોકો દ્વારા 100, 200, 500 રૂપિયાનું અનુદાન મળી રહે છે જેની અમે પાવતી દ્વારા નોંધ પણ રાખીએ છીએ. પરંતુ ક્યારેય અમે કોઈ દિવસ આ કાર્ય કરવા માટે ઘરે-ઘરે જઈને કે કોઈને સામેથી કહીને ફાળો નથી ઉઘરાવતા.

કોરોના સમય દરમિયાન પડેલી મુશ્કેલીઓ
તેઓ આગળ જણાવે છે કે જયારે કોરોના કાળ શરૂ થયો ત્યારે જે તે સંજોગોના કારણે તેમને શેલ્ટર હાઉસ બંધ કરવું પડેલું જે હજી પણ તે જ સ્થિતિમાં છે. પરંતુ અમે ડોર ટૂ ડોર સારવાર આપવાની પ્રક્રિયા હજી પણ જાળવી રાખી છે અને શેલ્ટર હાઉસમાં થતા દરેક ઓપરેશનને હવે મારા પોતાના ક્લિનિકમાં કરીએ છીએ પણ તે પછીની કાળજી રાખવાની કોઈ વ્યવસ્થા અત્યારે હાલ અમારી પાસે નથી તો તેની જવાબદારી જે તે વિસ્તારના લોકો જે પ્રાણીઓને અમારી પાસે લઈને આવે છે તેમને સોંપીએ છીએ.
શરુ કર્યું મફત રસીકરણ અભિયાનન
પ્રતીક પંચાલ જણાવે છે કે અમે તે પછી તો હડકવા અને બીજા અમુક રોગો જે સંસર્ગજન્ય છે અને પ્રાણીઓમાંથી મનુષ્યને પણ થઇ શકે એવા હોય છે તે માટેનું ની:શુલ્ક રસીકરણ અભિયાન પણ શરુ કર્યું જેમાં અમારા દ્વારા પાલનપુર વિસ્તારના બની શકે તેટલા પ્રાણીઓને રસી આપવામાં આવી હતી.
પક્ષીઓની સારવાર માટે પણ કરે છે કેમ્પ
આગળ તેઓ જણાવે છે કે પ્રાણીઓની સાથે સાથે અમે ઉત્તરાયણ તો ઠીક પણ તે પછી પણ અવાર નવાર પક્ષીઓની વિનામૂલ્યે સારવારના કેમ્પ રાખીએ છીએ અને તે દરમિયાન દરેક પક્ષી પ્રેમી આસપાસના ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર માટે અમારી પાસે લઈને આવે છે. કેમ્પની પુર્ણાહુતી વખતે મારા ક્લિનિક પર ગમે ત્યારે સેવાભાવી તથા કરુણા દાખવનાર દરેક વ્યક્તિને નિઃસંકોચ પણે જરૂરિયાત વાળા નધણિયાત પ્રાણી અને પક્ષીઓને સારવાર અપાવડાવવા માટે લઇ આવવાની વિંનંતી પણ કરવામાં આવે છે.

આ સિવાય પ્રતિકભાઈને તેમના શહેરની વિવિધ શિક્ષણ સંસ્થાઓ તેમ જ બીજી કોઈ સંસ્થાઓમાં પશુ પક્ષીઓ પ્રત્યે થતા અત્યાચારો ન કરવા અને વિદ્યાર્થીઓ તથા નાગરિકોમાં તે બાબતે જાગરૂકતા લાવવા માટે અવારનવાર વ્યાખ્યાન આપવા માટે પણ બોલાવવામાં આવે છે અને આમ દરેક રીતે આ વ્યક્તિ પોતાનાથી શક્ય તમામ પ્રયત્નો દ્વારા આ કરૂણારૂપી ઝુંબેશને પ્રજ્વલિત રાખી રાખ્યા છે.
તેમના આ પેટ ફાઉન્ડેશનના આ કાર્યોની જાણ જે તે સમયના પાલનપુરના કલેક્ટરને થતા તેમણે સામેથી પ્રતિકભાઈ તેમજ તેમની સાથે તે માટે સ્વેચ્છાએ કાર્ય કરનાર દરેક વ્યક્તિની મુલાકાત લઇ શુભેચ્છા પાઠવી હતી. આ સિવાય કોઈક વખત તેમનું આ સંગઠન વન વિભાગની મંજૂરી મેળવી વન્ય પ્રાણીઓની પણ સારવાર કરતુ હોય છે જે ખરેખર આવકારદાયક પહેલ છે.
આમ, ચંદ્રકાન્ત બક્ષીની આ ધરા પર હજીએ એવા જોમવંતા અને ઝુઝારુ, જીવદયા પ્રેમી યુવાનો છે જે કોઈ પણ જાતની આશા કે અપેક્ષા વગર પોતાની આવડત અને પુરુષાર્થ દ્વારા અબોલ જીવોની સેવા કરી રહ્યા છે. ધ બેટર ઇન્ડિયા ટીમ આ પહેલ માટે પ્રતિકભાઈ તેમજ તેમના સાથીઓને અભિનંદન પાઠવે છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સુરતના આયુર્વેદિક ડૉક્ટરે હોસ્પિટલમાં વાવી ઑર્ગેનિક શાકભાજી, રીત છે એકદમ હટકે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.