32 વર્ષ સુધી શિક્ષક દંપતી તરીકેની નોકરી કર્યા પછી પ્રકૃતિના ઋણને ઉતારવા માટે દિનેશભાઈ તેમજ તેમના ધર્મપત્ની દેવિન્દ્રાબહેને ખુદના પૈસે ૩ એકર જમીન ખરીદી અને તે જગ્યાને એક નાનકડા જંગલમાં પરિવર્તિત કરી દીધી.
આજે અમે એવા દંપતીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે નિવૃત્તિની વયે કલ્પી ના શકાય તે હદે પ્રકૃતિ વિષયક કામ કરીને સાબિત કરી બતાવ્યું છે કે જયારે તમારો ઈરાદો, તમારું મનોબળ કંઈક સારું કરવા માટે મક્કમ હોય છે ત્યારે જિંદગીના કોઈ પણ પડાવ પર તમે તમારી ઈચ્છાઓને સિદ્ધ કરી શકો છો.
દિનેશભાઈ તથા દેવિન્દ્રાબહેને પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામ ખાતે ‘નિસર્ગ નિકેતન’ના નામે એક એવી જગ્યાનું નિર્માણ કર્યું છે કે જ્યાં જૈવ વિવિધતા ખોબલે ખોબલે ફૂલી ફાલી છે. આજે તે જગ્યા ખાતે વૃક્ષો પશુ-પક્ષીઓ અને જીવ જંતુઓનો સારી એવી સંખ્યામાં કાયમી વસવાટ છે જે દરેકની સાર સંભાળ આ દંપતી છેલ્લા 20 વર્ષથી કરતું આવ્યું છે અને જૈફ વય છતાં નિયમિત તેઓ આજે પણ આ દિશામાં કાર્યરત છે. તેઓ બસ એટલું જ કહે છે કે તેમને સમી, હારીજ, રાધનપુર, પાટડી, દસાડાની સમૃધ્ધિ બાબતનું ગૌરવ હતું અને એ જાળવવા માટે જ તેમણે સમગ્ર જિંદગી સમર્પિત કરી.
ધ બેટર ઇન્ડિયા સાથે વિસ્તારપૂર્વક વાત કરતાં આ દંપતીએ શરૂઆતથી લઈને અત્યાર સુધીની દરેક માહિતી ઝીણવટ પૂર્વક જણાવી. તો ચાલો માણીએ આગળના સંવાદને.

‘નિસર્ગ નિકેતન’નો વિચાર ક્યાંથી આવ્યો?
દિનેશભાઇ જણાવે છે કે,”મેં મારું શિક્ષણ નાનાભાઈ ભટ્ટ તથા મનુભાઈ પંચોલી દ્વારા સ્થાપિત લોકભારતી સંસ્થામાંથી પ્રાપ્ત કરેલ છે અને તેથી ભણતરના સમયથી જ મને વૃક્ષો અને પશુ પક્ષીઓ પ્રત્યે અનહદ લાગણી હતી. જયારે 1984 માં ભયંકર દુકાળ પડ્યો ત્યારે મારા આ ‘વઢિયાર’ પંથકમાં ખુબ જ પશુ પક્ષીઓના મૃત્યું થયા હતાં અને આ જીવોને ખુબ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે અમે બંને શંખેશ્વર ખાતે શિક્ષક તરીકેની નોકરી કરતા હતા અને તે જ સમયે અમે નિર્ણય લીધો કે નિવૃત્તિ પછીનું અમારું સમગ્ર જીવન આ અબોલ જીવોની સાર સંભાળમાં વ્યતીત કરીશું. આગળ જતા તે વચનને પૂરું કરવા ઈ.સ. 1999 માં શંખેશ્વર-બેચરાજી હાઇવે પર આવેલ ધનોરા ગામ ખાતે અમે ૩ એકર જમીન ખરીદી પરંતુ હજી અમારી નિવૃતિને આઠથી નવ વર્ષની વાર હતી.
આ પણ વાંચો: મળો અમૃત પાટીદારને, જેમણે 36 વર્ષમાં જાહેર જગ્યાઓ પર પોતાના ખર્ચે વાવ્યા 6 લાખ ઝાડ-છોડ

જમીન ખરીદ્યા પછી શરૂઆત કંઈ રીતે કરી?
આ પ્રશ્નનો જવાબ આપતા આ દંપતી જણાવે છે કે,” સૌ પ્રથમ તો અમે આટલા વર્ષોથી માનવજાત દ્વારા થતાં પર્યાવરણના હનન બાબતે તે ભૂમિની માફી માંગી અને અંતરમનથી પ્રાર્થના કરી કે આ એક ઉમદા કાર્ય માટે અમારા પર તારા આશીર્વાદ બનાવી રાખજે.
આગળ તેઓ જણાવે છે કે, સૌ પ્રથમ ત્યાં અમે ઘઉં અને બાજરી વાવી અને જે કઈ પણ ઉત્પાદન થયું તે ગામમાં નિઃશુલ્ક વેંચ્યું. ત્યારબાદ સૌપ્રથમ અમે 300 લીંબુના છોડની રોપણી કરી જેથી ભૂંડ જેવા પ્રાણીઓ તેને ખાય નહિ તથા ચકલીઓ પોતાના ઈંડા આ છોડવાઓમાં રહેલા કાંટાની વચ્ચે માળા બનાવીને મૂકી શકે. શરૂઆતમાં સંપૂર્ણ જગ્યા ખુલ્લી હતી અને તેના કારણે થોડી મુશ્કેલી પણ પડતી હતી. એક દિવસ એક કચ્છના સજ્જને સામે ચાલીને કાંટાળી વાડ કરી આપી. આગળ જતા તો મેં આ જમીનની ફરતે એક મજબૂત દિવાલનું નિર્માણ કરી દીધું. ત્યારબાદ 2007માં જયારે અમે નિવૃત થયા તે સમયે મળેલા દસ થી બાર લાખ રૂપિયાને આ સંકલ્પને વધારે સુદ્રઢ રીતે પૂરો કરવા માટે અર્પણ કર્યા સાથે સાથે ભૌતિક સુખ સુવિધાઓનો ત્યાગ કરીને ફક્ત પ્રકૃતિના સાનિધ્યમાં જ રહેવાનો બંને જણે નિર્ણય કર્યો. આ નિર્ણયના કારણે લગભગ 14 વર્ષ સુધી અમે વીજળી જેવી સુવિધા તથા કોઈ પણ જાતના સામાજિક સંપર્ક વગર જૈવ વિવિધતાને પોષવામાં, સારું સારું વાંચન કરવામાં તથા બીજી સારી એવી પ્રવૃતિઓમાં ગાળ્યા. તે સમય દરમિયાન અમે ફક્ત નિસર્ગ નિકેતન ખાતે જ રહ્યા ત્યાંથી કોઈ દિવસ બહાર નીકળ્યા નહીં.

નિસર્ગ ખાતે તમે કેવા પ્રકારના વૃક્ષો વાવ્યા?
બંને જણાવે છે કે, સૌપ્રથમ તો વિવિધ પ્રકારના પક્ષીઓને જે વૃક્ષો પસંદ હોય છે તેવા પ્રકારના વૃક્ષોની વાવણી કરવામાં આવી જેમકે પોપટને ગોરસ આંબલી અને આંબલી ગમે, ચકલીને વાંસ ગમે, કાગડા તથા હોલાને ખીજડો ગમે, દરજીડાને કરંજ ગમે વગેરે. આનો આશય એટલો જ કે પક્ષીઓ પોતાના ગમતા મનગમતા વૃક્ષો દ્વારા અહીંયા આકર્ષાઈ પોતાના માળા બનાવી ઈંડા મૂકે તથા આગળ જતાં કાયમી વસવાટ માટે પ્રોત્સાહિત થાય.
આ પણ વાંચો: સ્મશાનમાં જતાં બધાં ડરતાં, ત્યાં માંડલના યુવાનોએ 1500 વૃક્ષ વાવી બનાવ્યું હરિયાળુ, લોકો આવે છે પિકનિક માટે
અત્યારે કેટલા પ્રકારની જૈવ વિવિધતા છે આ જગ્યા પર?
આ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે અત્યારે લગભગ વિવિધ પ્રકારના 7000 જેટલા વૃક્ષો છે. જીવ જંતુઓની વાત કરીએ તો 5000 જેટલા કાન ખજૂરા, 150 જેટલી ગરોળીઓ, ઘો, કાચબા, શેરા, વીંછી, વીંછણ, નોળીયા, ખિસકોલી વગેરે છે તથા પક્ષીઓમાં મોર, પોપટ, હોલા, સુગરી, સમડી, ચીબરી, ઘુવડ, કલકલિયો, બુલબુલ વગેરે છે.

કોઈ વિશેષ માવજત આપો છો તેવું પૂછતાં દિનેશભાઇ જણાવે છે કે અમે પાસેની રૂપેણ તથા બનાસ નદીમાંથી રેતીની ઢફલીઓ અને છાણીયા ખાતરને અહીંયા પાથરીએ છીએ જેથી પક્ષીઓ તેમાં સેક લઈને સ્કિનના રોગો તેમજ બીજા કોઈ સંલગ્ન રોગોથી બચીને પોતાના આરોગ્યને જાળવી રાખે. અહીંયા વિવિધ માળાઓ માટે વિવિધ સગવડ ઉભી કરવામાં આવે છે. નિસર્ગ નિકેતનની સૌથી વિશેષ બાબત એ છે કે અહીંયા દિવ્યાંગ પક્ષીઓની સાર સંભાળ ખુબ સારી રીતે કરવામાં આવે છે. જો કોઈ પક્ષીને વેટરનરી ડૉક્ટરની જરૂર જણાય તો તેમની સારવાર પણ કરાવવામાં આવે છે.
આગળ તેઓ પક્ષીઓના ચણ બાબતે વાત કરતા જણાવે છે કે દરરોજ લગભગ 80 કિલોની આસપાસ ચણ આપવામાં આવે છે. જેમાં 20 કિલો ઘઉં, 20 કિલો બાજરી, 20 કિલો જુવાર તથા 20 કિલો ચોખા હોય છે. તેઓ કહે છે કે અત્યાર સુધી 85 લાખ રૂપિયા સુધીનું ચણ અમે પક્ષીઓને આપેલ છે. 90 ટાકા ચણ ખેડૂતો પાસેથી જ ખરીદવામાં આવે છે. જુવાર ભરૂચથી તથા ચોખા બાવળા થી મંગાવવામાં આવે છે. કેટલાક હિતેચ્છુ વેપારી મિત્રો પણ તેમાં મદદ કરે છે. અહીં દિવ્યાંગ પક્ષીઓ માટે રોજ સવારે 5 કિલો રોટલીઓ બનાવી અલગથી ચણ તરીકે આપવામાં આવે છે.

વૃક્ષોનો ઉછેર કંઈ રીતે કર્યો?
તેઓ કહે છે કે અમે તો ફક્ત રોપા લાવીને તેને કોઈ પણ જગ્યાએ ખાડો ખોદી રોપી દેતા અને નિયમિત પાણી આપતા બસ, બાકી કોઈ પણ પ્રકારના જૈવિક કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર વૃક્ષોને પોતાની રીતે જેમ જંગલમાં ઉગે છે તેમ જ ઉગવા દીધા છે. પોતાના આ અર્ધ સૂકા વિસ્તારમાં તેમને આ સ્થિતિ સુધી પહોંચવા માટે ખુબ સંઘર્ષ પણ કરવો પડ્યો છે. તેઓ કહે છે કે નિસર્ગ નિકેતનની સ્થાપનાના દસ વર્ષ બાદ જે પ્રમાણેનું પરિણામ અમને જોઈતું હતું તે પ્રાપ્ત થયું એ સમય દરમિયાન ઘણી વખત નિષ્ફળતા પણ હાથ લાગી તથા નિરાશા પણ સાંપડી. પરંતુ આજે નિસર્ગ નિકેતન એક એવી જગ્યાએ છે કે જે હજારો લોકો માટે પ્રેરણાનું એક મજબૂત ઉદાહરણ બનીને ઉભું છે. પ્રકૃતિ માટે કંઈક કરવા માંગતા ઘણાં લોકો માટે તે એક ગહન અભ્યાસનો વિષય પણ બન્યું છે.

તમારાં આ પ્રયત્નોથી આજુબાજુના વિસ્તારમાં કેટલો ફરક આવ્યો છે?
બંને જણ આ પ્રશ્નના જવાબમાં એટલું જ કહે છે કે અમારો વિસ્તાર અર્ધ શુષ્ક પ્રદેશ છે જ્યાં પાણીની તંગી અને વાતાવરણમાં શુષ્કતા નિરંતર જોવા મળે છે એટલે જ તો ‘વઢિયાર’ ને ધૂળિયા પ્રદેશના નામથી પણ ઓળખવામાં આવે છે પરંતુ હું અંગત રીતે કહું તો અત્યાર સુધી મેં આ પ્રદેશમાં દોઢ લાખ કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કર્યું છે. અમારા બન્ને ની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને આસપાસના ઘણા લોકો હવે વૃક્ષારોપણ જેવી પ્રવૃતિઓ કરવા પ્રેરાયા છે. નિસર્ગ નિકેતનમાં ઉગાડેલા લીંબુના ઝાડમાંથી ઉત્પાદિત લીંબુઓના રસ પીવાને કારણે ઘણાં લોકોની પથરી કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ વગર આપોઆપ નીકળી ગઈ છે. જેથી આસપાસના ખેડૂતો પણ હવે આ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરાયા છે. નિકેતનની મુલાકાત લેતા દરેક વ્યક્તિને તથા દેશના ભવિષ્ય એવા બાળકોને અમે સંકલ્પ પણ લેવડાવીએ છીએ કે વધુ નહીં તો ફક્ત પાંચ ઝાડવાંઓ રોપીને તેને ઉછેરી કુદરત તરફની તમારી ફરજને ચોક્કસથી અદા કરજો જ ને તેનું પરિણામ સરસ એવું મળી રહ્યું છે.

અત્યારે દિનેશભાઇ અને તેમના પત્નીની ઉંમર 72 ને વટાવી ચુકી છે અને તેઓએ હવે નિસર્ગ નિકેતન ખાતે હિતેચ્છુની મદદથી એક કાયમી રખેવાળ રાખ્યો છે જે ખુબ સારી રીતે આ જગ્યાની સાર સંભાળ રાખે છે. આ દંપતી હાલ અત્યારે બેચરાજી ખાતે છેલ્લા ૩-4 વર્ષથી નિવાસ કરે છે એને દરરોજ પોતાની ગાડી લઈને આખો દિવસ નિસર્ગ નિકેતન ખાતે જ ગાળે છે.
જો તમારે તેમના આ કાર્ય વિશે વધારે જાણવું હોય તો તમે નિઃસંકોચ પણે તેમનો સંપર્ક નીચે આપેલ નંબર કોલ કરીને કરી શકો છો.
9099010771, 9099010772
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ગુટખા ખાવાનું છોડી એ રૂપિયા ભેગાં કર્યા અને તેમાંથી 7 વર્ષમાં વાવ્યા 1 હજાર ઝાડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.