મુંબઈ સ્થિત ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) નિર્માતા રાફ્ટ મોટર્સ તેનું નવું ઈ-સ્કૂટર લોન્ચ કરવા માટે તૈયાર છે. તેઓ દાવો કરે છે કે તેની લાંબી બેટરી રેન્જ સ્થાનિક બજારમાં હાલના ઈ-સ્કૂટરને સખત સ્પર્ધા આપશે. આ ભારતમાં સૌથી લાંબુ ચાલતું ઇલેક્ટ્રિક સ્કૂટર હશે. રાફ્ટ મોટર્સ અનુસાર, આ સ્કૂટર સિંગલ ચાર્જ પર 480 કિમીનું અંતર કાપી શકે છે. INDUS NX માટે બુકિંગ 2 નવેમ્બરથી શરૂ થયું છે.
રાફ્ટ મોટર્સ તેના ઈ-સ્કૂટર INDUS NX ના ત્રણ મોડલ બજારમાં લોન્ચ કરશે-
બેઝ મોડલઃ પોર્ટેબલ 48V 65Ah લિથિયમ-આયન બેટરીવાળા આ સ્કૂટરની રેન્જ 156 કિમી હશે. તેની એક્સ-શોરૂમ કિંમત 1,18,500 રૂપિયા છે.
મિડ-રેન્જ: 48V 135Ah પોર્ટેબલ બેટરી લગાવવામાં આવશે. આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 324 કિમી સુધી જઈ શકે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 1,91,976 રૂપિયા છે.
હાઇ-એન્ડ: 9.6 KWH ની ક્ષમતા સાથે ડ્યુઅલ-બેટરી વિકલ્પ, જે એક ચાર્જ પર 480+ કિમી સુધીની રેન્જ આપી શકે છે. તેની કિંમત 2,57,431 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
આ તમામ વેરિઅન્ટ્સ 1 લાખ કિમી (ત્રણ વર્ષની) વોરંટી અને ઇન-હાઉસ એસેમ્બલ લિથિયમ-આયન બેટરી સાથે આવશે. કંપની શરૂઆતથી જ આ બેટરીનું ઉત્પાદન કરી રહી છે.
ચાર્જિંગ વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી
રાફ્ટ મોટર્સના કો-ફાઉન્ડર પરિવેશ શુક્લાએ ધ બેટર ઈન્ડિયાની સાથે વાત કરતી વખતે જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય એક એવી બેટરી રેન્જવાળું ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર બનાવવાનો હતો જેમાં સવારોને ચાર્જિંગ વિશે ચિંતા કરવાની જરૂર ન પડે. INDUS NX એ આવું જ એક ડબલ બેટરી સ્કૂટર છે. ફૂટબોર્ડની નીચે ફિક્સ્ડ થયેલ તેની 48V 135 Ah ક્ષમતાની ફિક્સ્ડ બેટરી સિંગલ ચાર્જ પર 325 કિમીનું અંતર કાપે છે.

તેને તાત્કાલિક ચાર્જ કરવાની જરૂર નથી. તેમાં 48V 65Ahની ક્ષમતા સાથે બીજી પોર્ટેબલ બેટરી લાગેલી છે. એકવાર ફિક્સ્ડ બેટરી ડિસ્ચાર્જ થઈ જાય, પછી રાઇડરે મિનિએચર સર્કિટ બ્રેકર (MCB) પર સ્વિચ કરવું પડશે અને સ્કૂટર EV પોર્ટેબલ બેટરી પર ચાલવાનું શરૂ કરશે. હવે તમે કોઈપણ મુશ્કેલી વિના 156 કિમી અને તેનાથી આગળની મુસાફરી કરી શકો છો. હવે તમારે રસ્તામાં તમારી EV બેટરી ખતમ થઈ જવાની પરેશાનીનો સામનો કરવો પડશે નહીં.”
કંપનીના બીજા સહ-સંસ્થાપક રાકેશ સાલ્વે કહે છે, “ઈ-સ્કૂટરની સાથે, અમે 10 amp ચાર્જર પણ ઓફર કરી રહ્યા છીએ. આ સાથે, INDUS NX ને 100 થી 150 કિમી સુધી ચાર્જ કરવામાં લગભગ ત્રણથી ચાર કલાકનો સમય લાગશે. પરંતુ જો ગ્રાહકો ઈચ્છે તો તેઓ અમારી પાસેથી 30 amp ફાસ્ટ ચાર્જર પણ ખરીદી શકે છે. તેના માટે 15000 રૂપિયાનું અલગથી પેમેન્ટ કરવું પડશે. આ ચાર્જર માત્ર 6 કલાકમાં વાહનને સંપૂર્ણ ચાર્જ કરી દેશે.”
થેફ્ટ એલાર્મ અને ચાઈલ્ડ-સેફ પાર્કિંગ મોડ જેવી સુવિધાઓ
INDUS NX ને રિવર્સ ગિયર, થેફ્ટ એલાર્મ, કીલેસ-સ્ટાર્ટ, રિમોટ-લોકિંગ, ચાઈલ્ડ-સેફ પાર્કિંગ મોડ અને 45 kmphની ટોપ સ્પીડ જેવી સુવિધાઓ પણ મળે છે. રાફ્ટ મોટર્સની શરૂઆત વર્ષ 2016માં રાકેશ સાલ્વે અને અભિનવ શુક્લા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે તેઓ ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે હેલ્મેટ અને સેફ્ટી ગાર્ડ બનાવતા હતા.
પરંતુ જ્યારે સરકારે વર્ષ 2018માં ફોર વ્હીલર્સ માટે સેફ્ટી ગાર્ડના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે તેમનું તમામ ધ્યાન ભારતમાં ઉભરતા EV સેક્ટર તરફ ગયું. તેણે 2017માં ઈલેક્ટ્રિક વાહનો માટે પ્રોડક્ટ્સ બનાવવાની શરૂઆત કરી હતી. અગાઉ આ બંને લીડ એસિડ બેટરી સાથે કામ કરતા હતા.
પરંતુ તે કામ ઇવીના ઇંધણ ખર્ચમાં બચત કરતું ન હતું. પાછળથી 2017માં, તેઓએ લિથિયમ ફેરો-ફોસ્ફેટ બેટરીને એસેમ્બલ કરવાનું શરૂ કર્યું અને ગ્રાહકોને એક લાખ કિમી વોરંટી ઓફર કરનાર ભારતમાં પ્રથમ સાહસ બન્યું. પરિવેશ કહે છે, “આનાથી અમારા ગ્રાહકોનો ઉત્પાદન પ્રત્યે વિશ્વાસ વધારવામાં મદદ મળી છે. અમારી બેટરીને કારણે ગ્રાહકોએ 2021માં 1.25 લાખ કિમી સુધી તેમના ઇલેક્ટ્રિક વાહનો ચલાવ્યા છે.”
આખા ભારતમાં 550થી વધુ ડીલરશીપ
રાકેશે કહ્યું, “પરિવેશ અને મેં લગભગ પાંચ વર્ષ પહેલાં આ સાહસ શરૂ કર્યું હતું. એક વર્ષની અંદર, અમને સમજાયું કે ઓટોમોબાઈલ ઉદ્યોગ, ખાસ કરીને EV સેગમેન્ટ, તદ્દન પડકારજનક છે. આ સાથે આગળ વધવા માટે હંમેશા નવા વિચારો અને સુધારાઓની જરૂર રહેશે.
તેણે કહ્યું, “સમય જતાં, રાફ્ટ મોટર્સની દિશા અને ચહેરો બદલાઈ ગયો. આજે અમે સમગ્ર ભારતમાં 550 થી વધુ ડીલરશીપમાં હાજરી ધરાવીએ છીએ. પરંતુ અમે હજુ પણ પોતાને એક સ્થાપિત સ્ટાર્ટઅપ કહીએ છીએ.” રાકેશ પાસે 15 વર્ષથી વધુનો કોર્પોરેટ અનુભવ છે જ્યારે પરિવેશ ઓટોમોબાઈલ ઉદ્યોગના જૂના ખેલાડી છે.
એપથી ચાલતું પોર્ટેબલ ચાર્જિંગ સ્ટેશન
લિથિયમ ફેરો-ફોસ્ફેટ બેટરી પછી, કંપનીએ EV ટુ વ્હીલરમાં હાથ અજમાવ્યો. તેઓ માર્કેટમાં એવા ઈ-સ્કૂટર્સ લાવ્યા, જેની બેટરી રેન્જ 60 થી વધુ લગભગ 125 કિમી હતી. જોકે, ભારતમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કમી અને સરેરાશ બેટરી રેન્જ હજુ પણ ચિંતાનો વિષય છે. પરિવેશ મુજબ, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને કારણે દેશમાં ચાર્જિંગ સ્ટેશન ઓછા છે. પરિણામે ઈવી કંપનીઓ ખોટમાં ચાલી રહી છે. આ સમસ્યાને દૂર કરવા માટે, રાફ્ટ મોટર્સે પોર્ટેબલ ચાર્જિંગ સ્ટેશન બનાવ્યું છે. જેના માટે ગ્રાહકે 5000 રૂપિયા વધારાનો ખર્ચ કરવો પડશે.
પરિવેશે જણાવ્યુ, “આ પોર્ટેબલ ચાર્જિંગ સ્ટેશન એપ દ્વારા સંચાલિત છે અને તેને કોઈ ચોક્કસ સ્થાન અથવા ચોક્કસ વ્યક્તિની જરૂર નથી. એપ પર કોડ સ્કેન કર્યા પછી, તમારે એક કલાકના ચાર્જિંગ માટે માત્ર 25 રૂપિયા ચૂકવવા પડશે. આ પોર્ટેબલ ચાર્જર માર્કેટમાં જનરલ સ્ટોરથી લઈને ઓફિસ કોમ્પ્લેક્સ અને મોલ્સ સુધી ગમે ત્યાં લગાવી શકાય છે. આ પોર્ટેબલ ચાર્જિંગ સ્ટેશન લગભગ એક મહિના પહેલા જ લોન્ચ કરવામાં આવ્યું છે. અમે છેલ્લા છ-સાત મહિનાથી આના પર કામ કરી રહ્યા છીએ અને 2 નવેમ્બરથી અમારા ગ્રાહકો સુધી તેને પહોંચાડવાનું શરૂ કરીશું. જો કે અમારા નવા ઈ-સ્કૂટર INDUS NX માટે આ પોર્ટેબલ ચાર્જિંગ સ્ટેશનની કોઈ જરૂર નથી. પરંતુ અન્ય EV કંપનીઓ આનો લાભ લઈ શકે છે.”
રસ્તો હજી લાંબો છે
હાલમાં, આ ઈ-સ્કૂટર્સનું મુંબઈમાં વસઈ-ઈસ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે. પરંતુ તેમની વિચારસરણી થોડી અલગ છે. મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટને બદલે તેઓ નાના એકમો સ્થાપવાનું લક્ષ્ય રાખે છે. તેઓ ઈચ્છે છે કે દરેક 10 જિલ્લામાં એક નાનું ઉત્પાદન એકમ હોય. તેની પાછળ પણ એક કારણ છે.
રાકેશ કહે છે, “EVની સાથે ચાર્જરને પણ રિપેરીંગની અને સ્પેરપાર્ટની જરૂર પડે છે. ગ્રાહકોની આસપાસ આ તમામ સુવિધાઓ પૂરી પાડવાની અમારી જવાબદારી બને છે. બજારમાં શોધખોળ કર્યા પછી પણ ઇવી ટેકનિશિયનો મળતા નથી. વાસ્તવમાં, આપણું એજ્યુકેશન સિસ્ટમ વિદ્યાર્થીઓને EV વિશે શીખવતી જ નથી.”
તેમણે વધુમાં ઉમેર્યું, “આ નાના એકમોમાં, અમે સ્થાનિક લોકોને ઇલેક્ટ્રિક વાહનોને ફિક્સિંગ, સર્વિસિંગ અને રિપેરિંગની તાલીમ પણ આપીશું. જ્યાં સુધી પ્રશિક્ષિત ટેકનિશિયન ન હોય ત્યાં સુધી અમારો વ્યવસાય સફળ થઈ શકે નહીં. આજે, ગ્રાહકોને ડર છે કે જો તેમનું EV રસ્તા પર ખરાબ થઈ જશે, તો તેઓ તેને તેમની નજીક ક્યાંય પણ ઠીક કરી શકશે નહીં. માત્ર સંબંધિત કંપનીના ટેકનિશિયન જ તેને ઠીક કરી શકે છે, બીજું કોઈ નહીં.”
ઇવી રિપેરિંગ માટે 30 દિવસની તાલીમ પણ
ઇવી રિપેર કરવા અથવા તેની માહિતી આપવા માટે, રસ ધરાવતા લોકોને 30 દિવસની તાલીમ પણ આપવામાં આવશે. આ માટે 99 રૂપિયાની ફી ચૂકવવી પડશે. પરિવેશ કહે છે, “ટ્રેનિંગ પછી તે વ્યક્તિ ઈચ્છે તો અમારી સાથે જોડાઈ શકે છે અથવા પોતાનું સર્વિસ સેન્ટર ખોલી શકે છે અથવા અન્ય કોઈ EV કંપનીના શોરૂમમાં પણ કામ કરી શકે છે.”
હાલમાં, રાફ્ટ મોટર્સ કર્ણાટકમાં બેંગલુરુ અને બેલ્લારી, ડિંડીગુલ (તામિલનાડુ), વલસાડ (ગુજરાત), મધ્ય પ્રદેશમાં રાયસેન અને છિંદવાડા, ઓરિસ્સામાં ગંજમ અને કેન્દ્રપારા અને પંજાબમાં સંગરુરમાં નાના એકમો સ્થાપી રહી છે.
પરિવેશનો દાવો છે કે આ તમામ એકમો 10 નવેમ્બર, 2021 સુધીમાં કામ કરવાનું શરૂ કરી દેશે. તેઓ માર્ચ 2022 સુધીમાં આવા 100 યુનિટ ચાલુ કરવાનું લક્ષ્ય રાખે છે. તેમની આ કંપની કોઈપણ બાહ્ય ભંડોળ વિના કામ કરી રહી છે. હવે જોવાનું એ રહે છે કે રાફ્ટ મોટર્સ તેના દાવાઓ પૂરા કરવામાં સક્ષમ છે કે નહીં.
મૂળ લેખ: રિંગચેન નોરબૂ વાંગચુક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 50 રૂપિયામાં 1000 કિલોમીટર ચાલી શકે છે પુણે સ્થિત EV કંપનીની ઈ-સાયકલ, મોબાઈલ ફોનની જેમ થાય છે ચાર્જ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.