આંજનેય સૈનીએ 13 વર્ષ પહેલા ડ્રાઇવિંગ શીખી હતી. સામાન્ય દિલ્હીવાસીઓની જેમ તેમને પણ મુસાફરી કરવાનો શોખ છે. જ્યારે પણ તેમને તક મળે છે, ત્યારે તેઓ હિમાચલ, લદ્દાખ જેવા સુંદર સ્થળોની યાત્રા પર નીકળે છે. તેમની તાજેતરની મુસાફરીનું સ્થળ હિમાલયની ઊંચાઈ પર આવેલું એક ઠંડું રણ સ્પીતી વેલી હતું, જે તેમને ખૂબ ગમ્યું. આંજનેયે આ પ્રવાસને ટાટા નેક્સન ઇલેક્ટ્રિક એસયુવી સાથે સાકાર કર્યો. તેમણે આ કાર દ્વારા કુલ 1,900 કિમીનું અંતર કાપ્યું હતું.
આંજનેય 13 જૂનના રોજ મિત્રો સાથે લદ્દાખની રોમાંચક યાત્રાએ ગયા હતા. સોનીપત, કરનાલ અને ચંદીગઢ થઈને ડ્રાઇવિંગ કરી તેઓ શિમલા પહોંચ્યાં. તેમનું લક્ષ્ય હીકીમમાં વિશ્વની સૌથી ઊંચે આવેલ પોસ્ટ ઓફિસ અને પછી કાઝા ખાતે પેટ્રોલ પંપ સુધી પહોંચવાનું હતું.
સ્પીતિ તેની સુંદરતા તેમજ રફ વાતાવરણ માટે જાણીતી છે. તેને ઊંચાઈ પર આવેલું ઠંડું રણ પણ કહેવામાં આવે છે. ઠંડા બર્ફીલા પવન વચ્ચેના ખરબચડા રસ્તાઓ એટલા સાંકડા છે કે ક્યારે કઈ દુર્ઘટના થઇ જાય ખબર જ ના રહે.
પ્રવાસ ઘણું શીખવે છે
ખતરનાક રસ્તાઓ અને ચાર્જિંગ પોઇન્ટ વગરની આવી ખતરનાક મુસાફરીમાં ઇલેક્ટ્રિક કાર દ્વારા જવું ખરેખર એક સાહસિક પગલું હતું. તો તેમાં ઘણું જોખમ પણ હતું. પરંતુ સૈનીએ માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવા અને યાત્રા પૂર્ણ કરવાનું મન બનાવી લીધું હતું.

ઘર છોડતા પહેલા તે આ બધા માટે માનસિક રીતે તૈયાર હતા. ક્યાં રોકાવવું, ક્યાં કાર ચાર્જ કરવી, તેનું સંપૂર્ણ આયોજન હતું અને આ આયોજનના આધારે નાન-નાની અડચણો સાથે તેમણે પોતાની સંપૂર્ણ સફર સફળતાપૂર્વક ખેડી.
સૈનીએ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું, “આ મારી અત્યાર સુધીની સૌથી પડકારજનક અને રોમાંચક યાત્રા રહી છે. મારી મુસાફરીના પાંચ દિવસોમાં, હું ઘણું શીખ્યો અને તેની સાથે જ આગળ વધવાની યોજના બનાવી. ઇલેક્ટ્રિક યુનિટથી, કાર કેટલી દૂર જશે? આ અંગે ચિંતા તો હતી જ, રિજનરેટિવ બ્રેકિંગ અને ઇલેક્ટ્રિક કાર જોવાની લોકોના આતુરતા, આ બધું મારા માટે સંપૂર્ણપણે નવું હતું. તેણે મારા રોડટ્રીપમાં નવા પરિમાણો અને અનુભવો ઉમેર્યા.”
જતા પહેલા તૈયારી
ટાટા નેક્સન એક ચાર્જ પર 312 કિલોમીટરની રેન્જને આવરી શકે છે અને બેટરીને સંપૂર્ણ ચાર્જ થવા માટે લગભગ 8 કલાકની જરૂર પડે છે. સૈની જાણતા હતા કે તેમણે થોડી ધીરજ અને આયોજન સાથે જવું પડશે. તે પોતાની મર્યાદા જાણતા હતા અને તેના માટે માનસિક રીતે તૈયાર થયા બાદ જ પ્રવાસ પર નીકળ્યા હતા.
ઇલેક્ટ્રિક કાર તેમને ડ્રાઇવિંગની ઘણી સૂક્ષ્મતા શીખવતી હતી. સૈની કહે છે, “જો આસપાસના વિસ્તારમાં કોઈ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય તો, ડ્રાઈવર માટે ધીમે વાહન ચલાવવું જરૂરી છે. જો તમે 80 કિમી પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવો છો, તો તમે નેક્સનથી એક જ બેટરી ચાર્જ પર 200 કિલોમીટરનું અંતર કાપી શકશો.

તેમણે કહ્યું, “કારની ગતિને નિયંત્રણમાં રાખીને, હું આ બેટરીથી 320 કિમીનું અંતર કાપવામાં સફળ રહ્યો. ટેકરીઓના માર્ગ પર, તે સરેરાશ 180 કિ.મી. જેટલું અંતર કાપી શકતા હતા. હવે આટલી ઓછી સ્પીડમાં, ઘણા વાહનો તમને ઓવરટેક કરશે જ પરંતુ તેનાથી શું ફરક પડી જવાનો છે.”
બેટરી બચાવવા માટે, સ્પીડ ઓછી રાખો
ઇલેક્ટ્રિક વાહનની બેટરી ઝડપથી ખલાસ થતી અટકાવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે વાહનની ઝડપ ઓછી રાખવી અને અચાનક બ્રેકિંગ કરવાનું ટાળવું. સૈનીનું ધ્યાન મુખ્યત્વે એનર્જી રિજનરેશન દ્વારા બેટરી ઓપ્ટિમાઇઝેશન પર હતું.
તે કહે છે, “મેં રિજનરેટિવ બ્રેકિંગ માટે એવા રસ્તા જોયા, જ્યાં ચઢાણ ન્યૂનતમ હોય જેથી ઓછી બેટરીથી પણ અમે લાંબા અંતરને કાપી શક્યા. ઊંચાઈએ પેટ્રોલથી ચાલતા વાહનની શક્તિ ઓછી થઈ જાય છે, પરંતુ EV સાથે આવી કોઈ સમસ્યા નથી. ”
આ પછી, તેમણે હોટલોમાં ફોન કર્યો અને ચાર્જિંગ સુવિધા વિશે પૂછ્યું. જેથી પાછળથી કોઇપણ પ્રકારની સમસ્યા ન થાય. ચાર્જ કરવા માટે, તેમણે પોતાની સાથે એક અર્થિંગ કીટ અને 15-amp ચાર્જર રાખ્યું હતું. એપની મદદથી તેમને ત્રણ ડીસી (ડાયરેક્ટ કરંટ) ચાર્જિંગ સ્ટેશનો – સ્ટેટિક, ટાટાઝેડ અને ફોર્ટિયમ વિશે ખબર પડી. આ ત્રણેય સ્ટેશન તેમના માર્ગ પર હતા.
એ જાણકારી સાથે કે ઢાબા અને રેસ્ટોરન્ટમમાં AC(ઑલ્ટરનેટિવ કરંટ)થી ચાર્જિંગ ધીમું થાય છે તેમણે એવી રીતે રોકાવવાનું આયોજન કર્યું કે તેમને અને તેમના મિત્રોને ખાવાનો, સૂવાનો કે આરામ કરવાનો સમય મળે અને કારની બેટરી પણ ચાર્જ થાય.
ઘણી લાંબી યાત્રા હતી આ
સૈની અને તેમના મિત્રો બે વાહનો સાથે આ લાંબી મુસાફરી પર નીકળ્યા. જેમાંથી એક ઇલેક્ટ્રિક હતું અને બીજું પેટ્રોલ પર ચાલતું હતું. કારણ કે તેમને આ માર્ગના વીડિયો શૂટ કરવાના હતા અને આમ પણ બ્લોગિંગ માટે ઘણો બધો સમાન પણ થઇ જ જાય છે.

તેથી એક જ કાર દ્વારા જવું શક્ય ન હતું. આથી ત્રણેય તેમના બે વાહનો સાથે સવારે પાંચ વાગ્યે દિલ્હીથી નીકળ્યા. તેમની કાર સંપૂર્ણ ચાર્જ હતી અને દિલ્હીથી શિમલાની 12 કલાકની મુસાફરી આરામથી પૂર્ણ થઇ.
અત્યાર સુધીનો પ્રવાસ સરળ હતો. પરંતુ વાસ્તવિક ડ્રાઇવિંગ ટેસ્ટ ખીણની શરૂઆત પછી જ શરુ થયો. ખીણની ટેકરીઓ પર ઉભું ચઢાણ હતું અને આ માટે સૈનીએ ટેકરીઓ પર ડ્રાઇવિંગના તમામ નિયમોનું પાલન કર્યું હતું.
તે કહે છે, “એક ટકા બેટરીનો ઉપયોગ એક ચઢાવ પરના રસ્તા પર એક કિલોમીટરના અંતર માટે થાય છે, જ્યારે ઉતારતા રસ્તા પર, તેટલી જ બેટરી ચાર કિલોમીટરના અંતરને આવરી લે છે. ગતિ ઉર્જાને કારણે સ્ટોપ-પેડલ-એક્સિલરેટર મારું સૂત્ર બન્યું.
આયોજન સાથે, બેટરી ચાર્જ કરીને આગળ વધતા રહો
ચંદીગઢથી શિમલા પહોંચ્યા ત્યાં સુધી તેમની કારમાં માત્ર 20 ટકા બેટરી બાકી હતી. તેમણે શિમલા ખાતે છ કલાકનો સ્ટોપેજ લીધો અને વાહન ચાર્જ કર્યું. હવે કારની બેટરી 60 ટકા હતી. આનો અર્થ એ થયો કે તેઓ 126 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ સરળતાથી રામપુર પહોંચી શકશે.
સૈનીએ કહ્યું, “40 ટકા રસ્તો ઉતારતા ઢાળ પર હતો, તેથી અમે 30 ટકા બેટરીને રિજનરેટ કરવામાં સક્ષમ હતા. જ્યારે અમે રામપુર પહોંચ્યા ત્યારે અમારી પાસે હજુ 40 ટકા બેટરી બાકી હતી. અમે રસ્તાની બાજુના ઢાબા પર બે કલાક રોકાયા અને વાહનને 20 ટકા ચાર્જ કર્યું. ફરી એકવાર અમારી બેટરી 60 ટકા ચાર્જ પર હતી. રાત્રે અમે થોડો બ્રેક લીધો અને બે કલાક ચાર્જિંગ પર કાર છોડી દીધી. તે પછી અમે રાત્રિભોજન કર્યું અને થોડો આરામ પણ કર્યો. આખી રાત ડ્રાઇવિંગ કર્યા પછી, સવારે રેકોંગ પીઓ પહોંચ્યા. હવે વાહનમાં માત્ર 10 ટકા બેટરી બાકી હતી.
તેમણે કિન્નૌરની લીલીછમ ખીણોમાં છ કલાક આરામ કર્યો અને બેટરી 80 ટકા ચાર્જ કર્યા બાદ નાકો જવા રવાના થયા. અહીંથી નાકોનું અંતર લગભગ 101 કિલોમીટર હતું. નાકોમાં તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ હતું અને રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા હતા. તેમ છતાં કારે અમને બિલકુલ પરેશાન ન કર્યા પરંતુ હવે માત્ર 13 ટકા બેટરી જ બાકી હતી.
નાકોમાં બે કલાકનો વિરામ લીધા પછી, કારને 30 ટકા ચાર્જ કરી અને પછી ચાંગો જવા રવાના થયા. ચાંગો અહીંથી 26 કિલોમીટર દૂર હતું. રસ્તાઓ ઉતારવાળા હતા, તેથી હજુ પણ 20 ટકા બેટરી બચી હતી. તેમના તમામ મિત્રોએ એક હોટલમાં રાત રોકાવાનું નક્કી કર્યું અને તેઓએ કારને સંપૂર્ણ ચાર્જ કરી.
ખરાબ વાતાવરણમાં પણ ના છોડ્યો સાથ
બીજા દિવસે સવારે તે સ્પીતિ વેલીની રાજધાની કાઝા જવાના હતા. લગભગ 120 કિમી ડ્રાઇવ કર્યા પછી પણ, તેમના વાહનમાં 42 ટકા બેટરી બાકી હતી. તેમણે લગભગ 3 વાગ્યે એક હોટલમાં તપાસ કરી અને બીજા દિવસે તેમની કાર વિશ્વમાં સૌથી ઊંચાઈ પર આવેલા પેટ્રોલ પંપ અને પોસ્ટ ઓફિસ ખાતે પહોંચી ગઈ હતી.

સૈની કહે છે, “હવે અમે ઊંચાઈ પર હતા, અહીં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હતું. હવામાન ખરાબ થઈ રહ્યું હતું. બરફવર્ષા પણ થઈ રહી હતી. પરંતુ મને ગાડીની બેટરી અને બાકી રહેલી મુસાફરીના રસ્તા અંગે બિલકુલ ચિંતા ન હતી, હું નિશ્ચિત હતો. કારણ કે મેં 18 ટકા બેટરીમાં 68 કિલોમીટર આવરી લીધું હતું.
“પાછા ફરતી વખતે, અમારો ચાર્જિંગ સ્ટોપ રામપુર ખાતે હતો. કારને 70 ટકા ચાર્જ કર્યા બાદ અમે શિમલા જવા રવાના થયા. શિમલા અહીંથી 110 કિમી દૂર હતું. શિમલાથી ચંદીગઢ પહોંચવાનો રસ્તો ઢાળવાળો છે. અહીં મારી કાર વધુ સારી કામગીરી આપી રહી હતી. અમે ચંદીગઢથી કરનાલ પહોંચ્યા અને એક કલાકનો વિરામ લીધો. કારની બેટરી પણ ચાર્જ કરી, તે હવે 40 ટકા ચાર્જ થઈ ગઈ. ઘરે પહોંચ્યા પછી પણ, 20 ટકા બેટરી બાકી હતી. જ્યારે અંતે મેં એસ (સ્પોર્ટ્સ) મોડ પર કાર ચલાવી.
મુસાફરીને લગતી કેટલીક રસપ્રદ વાતો
અમે આ યાત્રામાં બે વાહનો લીધા હતા. મારી પાસે ઇલેક્ટ્રિક કાર હતી અને મિત્રો પાસે પેટ્રોલ કાર હતી. જ્યાં મિત્રોએ 1900 કિમીના અંતર માટે પેટ્રોલ પર લગભગ 18 હજાર રૂપિયા ખર્ચ્યા, ત્યાં મારી કારમાં ખર્ચો ફક્ત બે હજાર રૂપિયા જ હતો. જે પણ હોટેલ અને રેસ્ટોરન્ટમાં સૈનીએ તેમની કાર ચાર્જ કરી હતી, તેમણે તેને યુનિટ દીઠ ચૂકવણી કરી હતી.
સૈની કહે છે, “કારની કિંમત પ્રતિ કિલોમીટર 1 રૂપિયા આવી. એકંદરે આ સફર ખૂબ જ આર્થિક રીતે પરવડે તેવી હતી. તેનાથી પણ વધુ મહત્વનું એ હતું કે તે પર્યાવરણને અનુકૂળ પણ હતી.” આ યાત્રાની શ્રેષ્ઠ યાદોમાંની એક તેમની કાર જોવાની લોકોની ઉત્સુકતા હતી. તે જ્યાં પણ જતા, લોકો તેમનું સ્વાગત કરતા. પોલીસકર્મીઓએ પણ તેમને સંપૂર્ણ સન્માન આપ્યું.
લોકોએ EV તરફ રસ દાખવ્યો
સૈની કહે છે, “રેસ્ટોરન્ટના માલિકો, સ્થાનિક લોકો, પ્રવાસીઓ અથવા પોલીસ – બધા એ જાણવા માંગતા હતા કે અમે ચાર્જિંગ સ્ટેશન વગર દિલ્હીથી સ્પીતી સુધીની આ સફર કેવી રીતે પૂરી કરી રહ્યા છીએ. જ્યારે અમે ઢાબા પર અમારી કાર ચાર્જ કરતા હતા, ત્યારે લોકો ખૂબ ખુશ થતા હતા. હોટેલવાસીઓએ પણ સંપૂર્ણ સહકાર આપ્યો. આ બતાવે છે કે લોકોને EVs માં કેટલો રસ છે. ”
છેવટે, આંજનેયે ખુશીથી પોતાની આગામી સફર વિશે વાત કરી. થોડા દિવસો પહેલા જ તે નેક્સસ લઈને દિલ્હી થી ગોવા રોડ ટ્રીપ પર ગયા હતા. તેમણે લગભગ ચાર રાજ્યો પાર કર્યા અને તેમની યાત્રા પણ ખૂબ જ રોમાંચક રહી. જો તમે તેમની ગોવા યાત્રા વિશે જાણવા માંગતા હોવ, તો તેમને અહીં અનુસરો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 700 રૂપિયામાં 1500 કિલોમીટરનો પ્રવાસ! યુગલ પાસેથી મેળવો સૌથી સસ્તી યાત્રાની ટિપ્સ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.