Search Icon
Nav Arrow
EV

EVનો છે જમાનો! આ ઈ-સાયકલને એકવાર ચાર્જ કરો અને 100 કિમી ફરો નોનસ્ટોપ

35,000 રૂપિયાની આ ઈ-સાયકલમાં મળે છે ઓફ-રોડ રાઈડિંગ, પિલિયન રાઈડિંગ અને હિલ રાઈડિંગની સુવિધાઓ

ગયા વર્ષે શરૂ થયેલં દિલ્હી સ્થિત ‘વોલ્ટ્રો મોટર્સ'(Voltro Motors) નામના એક EV સ્ટાર્ટઅપ, જે હાર્લે ડેવિડસન(harley davidson electric bike)ની જેમ બનેલાં, પોતાના ઈલેક્ટ્રિક મોટરસાઈકલનાં પ્રોટોટાઈપ સંસ્કરણને લોન્ચ કરવાનું જ હતુ, કે તે સમયે દેશભરમાં 24 માર્ચ 2020નાં રોજ લૉકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી હતી.

વોલ્ટ્રો મોટર્સના સ્થાપક અને સીઈઓ, પ્રશાંતાને તેમની યોજનાઓ બંધ કરવી પડી. કારણ કે, આ સંજોગોમાં, તેમના ઇલેક્ટ્રિક મોટરસાયકલોના ઉત્પાદન માટે સત્તાવાર મંજૂરી મેળવવી મુશ્કેલ થઈ ગયુ હતુ.

પરંતુ પ્રશાંત અને તેની ટીમે નિષ્ક્રિય બેસવાને બદલે એવું કંઈક વિકસાવવાનું નક્કી કર્યું કે જેને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI) અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી (ICAT) જેવી સંસ્થાઓની સત્તાવાર મંજૂરીની જરૂર ન પડે. જે થોડા મહિના પછી ‘વોલ્ટ્રોન ઇ-સાયકલ’ તરીકે ઉભરી આવ્યું.

માત્ર 35,000 રૂપિયાવાળી આ ઈ-સાયકલમાં બેટરી રેન્જ 100 કિ.મી.ની છે, તેમજ ઓફ-રોડ રાઈડિંગ(ઉબડ-ખાબડ વિસ્તારમાં સવારી), પિલિયન રાઇડિંગ (પાછળની સીટની સવારી) અને હિલ રાઇડિંગ (ડુંગરાળ વિસ્તારોમાં સવારી) જેવાં શાનદાર ફિચર્સ પણ છે.

Electrical cycle

બેટર ઈન્ડિયા સાથેની એક ખાસ વાતચીતમાં પ્રશાંત કહે છે, “ઇલેક્ટ્રિક સાયકલ બનાવતા પહેલા મેં આ માટેના બજારનો સર્વે કર્યો અને સમજવાનો પ્રયત્ન કર્યો કે પર્યાવરણને અનુકૂળ અને અફોર્ડેબલ હોવા છતાં, ભારતમાં આ ઇલેક્ટ્રિક સાયકલો માંગ કેમ ઓછી છે? આનું એક કારણ એ પણ હતું કે મોટાભાગની ઈ-સાયકલમાં પૂરતી રેન્જ નથી. આજે બજારમાં મોટાભાગની ઇ-સાયકલની બેટરી 25 થી 35 કિ.મી.ની છે, જે ક્યાંક ક્યાંક ગ્રાહકોના મનમાં સંકોચ અને ચિંતાની લાગણી પેદા કરે છે.”

પ્રશાંત જણાવે છે, “અમારી ઇ-સાયકલ એકવાર ચાર્જ થવા પર 100 કિ.મી.ની રેન્જ આપે છે.”

બજારમાં જોવા મળતા મોટાભાગની ઇ-સાયકલો સાથેની બીજી સમસ્યા એ છે કે તેમાંના કોઈપણમાં પિલિયન રાઇડિંગની વિશેષતા નથી. મોટાભાગની ઇ-સાયકલો ફક્ત એક જ સવારી માટે બનાવવામાં આવે છે.

પ્રશાંત જણાવે છે, “બાળકોને સ્કૂલે જવા માટે, માતાપિતાએ તેમને શાળાએ છોડીને પાછા લઈને આવવામાં, કરિયાણા અને ખાદ્ય પદાર્થોની હોમ ડિલીવરી કરવામાં, ગામમાં આવવા-જવામાં, સેલ્સ તથા ફિલ્ડ જોબ સાથે જોડાયેલાં લોકોનાં આવવા-જવામાં અને ઓફિસ આવવા-જવામાં સરળતા રહે, આ વાતોને ધ્યાનમાં રાખીને જ, આ ઈલેક્ટ્રિક સાયકલનું નિર્માણ કરવામાં આવ્યુ છે.”

પુલો, પહાડો અને ઉબડ-ખાબડ જગ્યાઓ ઉપર ચડાઈ

ભારતમાં મોટાભાગની ઇ-સાયકલની નબળાઇ એ છે કે તેઓ પુલ અને ટેકરીઓ પર ચડવા માટે એટલી સક્ષમ નથી. કારણ કે, તેમની પાસે પૂરતી ઉર્જા નથી. આ ઇ-સાયકલથી ઉંચી ટેકરીઓ અથવા પુલો પર ચડવા માટે, મુસાફરોને મોટર સાથે પેડલ પણ મારવા પડે છે.

પ્રશાંત આ કડીમાં સમજાવે છે, “આ ખૂબ જ ધ્યાન આપવા યોગ્ય વસ્તુઓ છે, કારણ કે તેઓ ઇ-સાયકલિંગના હેતુને ખૂબ જ નબળી બનાવે છે. તેના સમાધાન માટે, અમે મોટરના પ્લેસમેન્ટના આધારે ઇ-સાયકલ બનાવવાની બે પદ્ધતિઓ અપનાવી છે. મોટાભાગની ઇ-સાયકલોમાં, ઉત્પાદકો ‘હબ મોટર્સ’ લગાવે છે, જેને વ્હીલના કેન્દ્રમાં ફીટ કરવામાં આવે છે. જે ખૂબ જ કાર્યક્ષમ રીતે ઉર્જાનું સંચારણ કરતું નથી. તેના બદલે, અમે મિડ ડ્રાઇવ જેવી મોટર રજૂ કરી છે જે ચક્રના કેન્દ્ર સાથે જોડાયેલ નથી. આ મોટર સાયકલની ફ્રેમમાં અલગથી ફીટ થઈ છે. આ ઉપરાંત, ત્યાં એક સાંકળ છે જે દાંતેદાર ચક્ર ચલાવે છે, જે વીજળીનું પ્રસારણ ખૂબ જ ઝડપી બનાવે છે. અમે વિશ્વના ખૂબ ઓછા ઇ-સાયકલ ઉત્પાદકોમાંના એક છે જે આવી સિસ્ટમનો ઉપયોગ કરે છે.”

Electrical Cycle

પરંતુ,જો તમે ‘મિડ-ડ્રાઇવ મોટર્સ’ દ્વારા સંચાલિત ઇ-સાયકલને જોશો, તો તમે જાણશો કે તેમની કિંમત લગભગ 1,90,000 રૂપિયા છે. હવે સવાલ એ ઉભો થાય છે કે વોલ્ટ્રો મોટર્સે તેમની ઇ-સાયકલની કિંમત કેમ ઓછી રાખી છે? પ્રશાંત જણાવે છે, “મિડ-ડ્રાઇવ મોટર્સ ખૂબ ખર્ચાળ છે. જ્યારે આપણે ડીસી ડ્રાઇવ (મોટર) નો ઉપયોગ કરી રહ્યા છીએ, જે મિડ-ડ્રાઇવ મોટરની જેમ કાર્ય કરે છે. સાથે જ, આ ઇ-સાયકલની કિંમતમાં પણ ભારે ઘટાડો કરે છે. અમારો ઉદ્દેશ ભારતીય બજારમાં આપણી વર્તમાન સમસ્યાઓ હલ કરીને ઇ-સાયકલની ખરીદીને વધુ સરળ બનાવવાનો છે.”

વોલ્ટ્રો મોટર્સની ટીમે મણિપુરની ટેકરીઓમાં ઇ-સાયકલનું પરીક્ષણ કર્યું હતું અને દહેરાદૂનથી મસૂરી જવાની અને પાછા આવવાની યાત્રા પણ કરી હતી. પ્રશાંત વધુમાં કહે છે, “પરંતુ ઉદાહરણ તરીકે, લદ્દાખ જેવા પર્વતીય સ્થળો, જ્યાં રસ્તાઓ તીવ્ર ઢાળવાળા હોય છે. મને આવા રસ્તાઓની કાર્યક્ષમતા વિશે ખાતરી નથી. જો કે, તે નૈનિતાલ, મસૂરી વગેરે જેવા સ્થળોએ નિયમિત હિલ રાઇડિંગ માટે સલામત છે. આ ઇ-સાયકલ અહીંના રસ્તાઓ પર સરળતાથી દોડી શકે છે.”

સ્પેરપાર્ટ્સ અને અન્ય વિશેષતાઓ

ભારતીય બજારમાં ઇ-સાયકલ ઉત્પાદનમાં મોટો હિસ્સો ધરાવતા મોટાભાગના ઉત્પાદકોએ એક ચાર્જ પર 25 કિ.મી.થી 45 કિ.મી. સુધીની બેટરી રેન્જ ધરાવતી ઇ-સાયકલનું ઉત્પાદન કર્યું છે. ઉપરાંત, તેમની પાસે પિલિયન રાઇડિંગનો વિકલ્પ નથી. જેના કારણે તેઓ પહાડો પર અસરકારક રીતે ચાલી શકતી નથી. તેમ છતાં, તેમની કિંમત લગભગ 34,000 થી 55,000 રૂપિયા છે. તો, વોલ્ટ્રોન ઈ-સાયકલ વધુ સારી સુવિધાઓની સાથે ગ્રાહકો માટે ઘણી અફોર્ડેબલ પણ છે. દિલ્હી સ્થિત આ સ્ટાર્ટઅપ્સ દ્વારકા સેક્ટર -24માં તેમના પ્લાન્ટમાંથી આ ઇ-સાયકલનું ઉત્પાદન કરી રહ્યા છે.

પ્રશાંત દાવો કરે છે કે, “ઈ-સાયકલનાં સ્પેર પાર્ટ, ભારતનાં સાયકલ સ્પેરપાર્ટ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઓળખાતા ‘લુધિયાણા’ માંથી મંગાવવામાં આવે છે. માત્ર મોટર દક્ષિણ કોરિયાથી આયાત કરવામાં આવે છે. અમે અમારી વિશેષ જરૂરિયાતો મુજબ પંજાબના ભટિંડા સ્થિત એક કંપનીમાંથી બેટરી મંગાવીએ છીએ. આ ઇ-સાયકલ 24 વોલ્ટની 30ah લિથિયમ-આયન બેટરી દ્વારા સંચાલિત થાય છે, જે સંપૂર્ણ ચાર્જ થવામાં માત્ર ત્રણ કલાકનો સમય લે છે. આ બેટરી ઘરના કોઈપણ ઇલેક્ટ્રિકલ સોકેટ અથવા સોકેટ સાથે જોડાયેલ એક્સ્ટેંશન કોર્ડથી પણ ચાર્જ કરી શકાય છે.”

આ ઇ-સાયકલનો સૌથી મોટો અને સ્પષ્ટ ફાયદો એ છે કે પ્રદૂષણમાં ભારે ઘટાડો કરવાનો છે. પ્રશાંત કહે છે, “સ્કૂટર અથવા મોટરસાયકલથી 100 કિ.મી.ની મુસાફરી કરવા માટે 3 લિટર પેટ્રોલનો ઉપયોગ કરવાની તુલનામાં, ઇ-સાયકલ ચાર્જ થવા માટે લગભગ 700 વોટ પાવર વાપરે છે. આ સિવાય સ્કૂટર અથવા મોટરસાયકલ દ્વારા 100 કિ.મી.ની મુસાફરી કરવાનો ખર્ચ આશરે 240 રૂપિયા છે, જ્યારે આ મુસાફરી માત્ર ચાર રૂપિયામાં વૉલ્ટ્રોન ઇલેક્ટ્રિક સાયકલથી થઈ શકે છે અને 236 રૂપિયાની બચત થઈ શકે છે.”

આ ઇ-સાયકલનું દિલ્હીના રસ્તાઓ અને પુલો પર બહોળા પ્રમાણમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, દિલ્હીમાં તેમના પ્લાન્ટથી નોઇડા, નહેરુ પ્લેસ અને માનેસર સુધીના પુલો દ્વારા આ ઇ-સાયકલ ચલાવીને તેની ચકાસણી કરવામાં આવી છે.

પ્રશાંતનો દાવો છે કે ભારતીય સેના હાલમાં વોલ્ટ્રોન ઇ-સાયકલનું પણ પરીક્ષણ કરી રહી છે. આર્મી તેની ‘હરિત પહેલ’ના ભાગ રૂપે આ ઇ-સાયકલોનો સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઈ-સાયકલ્સનો ઉપયોગ ફાઇલોને એક ઓફિસથી બીજી ઓફિસમાં લઈ જવા અને અન્ય સામાન્ય કાર્યો સરળતાથી કરવા માટે કરવામાં આવશે.

આર્મીની વિનંતી પર, તેઓએ આ ઇ-સાયકલમાં ‘રિવર્સ બીપ’ નામનું બીજું લક્ષણ ઉમેર્યું છે. આ ઇ-સાયકલમાં એલઇડી લાઇટ બાર દ્વારા બેટરીનો ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે. જ્યારે આ બેટરીનો સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે ત્યારે આ બધી લાઈટબાર ચમકી જાય છે. ડ્રાઈવર સાયકલ ચલાવવાનું શરૂ કરે છે, ત્યારે તેના દ્વારા મુસાફરી કરેલા અંતરને આધારે લાઇટ બાર બંધ થાય છે. જ્યારે છેલ્લી લાઇટ બાર બચી જાય છે, ત્યારે બીપ જેવા અવાજ સતત વાગવા લાગે છે. જે ડ્રાઇવરને કહે છે કે ઇ-સાયકલ હવે ફક્ત 10-15 કિ.મી.ની મુસાફરી કરી શકે છે. આ તે સંકેત છે જે દર્શાવે છે કે તેને ફરીથી ચાર્જ કરવાની જરૂર છે.

પ્રશાંતા આગળ વધુમાં કહે છે, “આ ઇ-સાયકલની ઘણી સુવિધાઓમાંની એક ઓટો ઇ-બ્રેક કટ-ઓફ છે. જેવી તમે આ બ્રેક લગાવો છો, આ ફીચર મોટરને બંધ કરી દે છે. આ ચાલકને પડતા બચાવે છે. બેટરીને સ્વસ્થ રાખે છે અને ‘ડિસ્ક બ્રેક પેડ’ લાંબી ચાલે છે. તેમાં ડ્રાઈવરની સલામતી સુનિશ્ચિત કરવા માટે ‘હેઝાર્ડ લાઇટ’ અને ‘બ્રેક લાઇટ’ પણ લગાવવામાં આવી છે, જે ડ્રાઇવરને રાત્રે મુસાફરી કરવાનું સરળ બનાવે છે. આ દ્વારા, જો કોઈ પીછેહઠ કરી રહ્યું છે તો તે જાણશે કે તેની સામે એક વાહન છે. મહત્તમ 25 કિમી પ્રતિ કલાકની ગતિવાળી આ ઇ-સાયકલ માટે, તમારે કોઈ લાઇસન્સ અથવા નોંધણીની જરૂર નથી અને તે બાળકો માટે પણ યોગ્ય છે. આ સાયકલને પૂરતી પકડ આપવા માટે, તેના પાછળના વ્હીલમાં 3 ઇંચનું ટાયર લગાવવામાં આવ્યુ છે.”

દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક 52 વર્ષીય પ્રશાંતા, જેમણે વેચાણ ક્ષેત્રે વિવિધ મલ્ટિનેશનલ કંપનીઓમાં 15 વર્ષ વિતાવ્યા છે અને તેના નામ પર ત્રણ પેટન્ટ છે, તેમના માટે આ એક રસપ્રદ પ્રવાસ રહ્યો છે.

છેવટે પ્રશાંત કહે છે, “અમે આ ઇવી સેક્ટરમાં ત્રણ વર્ષ કરતા વધારે સમયથી ઇ-મોટરસાઇકલ વિકસાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ ઇ-સાયકલના કારણે, અમે છેલ્લા છ મહિનામાં ચોક્કસપણે ‘ઇલેક્ટ્રિક મોબિલીટી સેગમેન્ટ’ માં થોડો ફાયદો થયો છે. આ ક્ષણે, અમે મર્યાદિત સ્રોત અને ખર્ચના આધારે અમારા ઉદ્યોગને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ, થોડા સમય પછી, અમે ભંડોળની સંભાવનાને શોધીશું. અમારું લક્ષ્ય એક એવું વાહન બનાવવાનું હતું જે ઇલેક્ટ્રિક સાયકલ અને સ્કૂટર વચ્ચે સારી પસંદગી સાબિત થાય. ઉપરાંત, જે ગ્રાહકોની જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે. આશા છે કે અમે તે લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે.”

મૂળ લેખ: રિનચેન નોરબૂ વાંગચુક

આ પણ વાંચો: એક સમયે પ્લેગમાં બરબાદ થયેલ સુરતની સિકલ બદલી છે દ્રઢ નિશ્ચયી આઈએએસ ઓફિસરે

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon