સવારથી સાંજ શાળામાં ઓતપ્રોત રહેનાર ધર્મેન્દ્રભાઈ માંડ સાંજે 8 વાગે નવરા પડ્યા ત્યાં અમને પણ તેમની સાથે વાત કરવાની તક મળી.
સંસ્કૃત ભાષા સાથે ભાગવત પુરાણમાં પીએચડી કરનાર મૂળ કડી તાલુકાના વિનાયકપુરા(હનુમાનિયા) ગામના વતની અને અત્યારે તેની બાજુના જ ગામ ધરમપુર ખાતે આવેલ શ્રી ટી. ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રભાઈ આજે શિક્ષક તરીકેની તેમની કામગીરીને કારણે મારા તમારા જેવા દરેક લોકોના માટે એક પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે તો ચાલો જાણીએ તેમના અને તેમની આગવી કાર્યશૈલીના વિશે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા ધર્મેન્દ્રભાઈએ પોતાની જિંદગી, શિક્ષક તરીકેની અત્યાર સુધીની સફર અને કામગીરી વિષે વિગતપૂર્વક જણાવતા દરેક પાંસાઓની ચર્ચા કરી હતી.
પિતાજીની પ્રેરણા અને પ્રોત્સાહનથી નાનપણથી જ વાંચનનો રહ્યો છે શોખ
ધર્મેન્દ્રભાઈ જણાવે છે કે,” પિતા કડી ખાતે સરકારી નિશાળમાં શિક્ષક હતા. દર મહિને તેઓ પોતાના પગારમાંથી પુસ્તકો માટે મારા, મારા નાનાભાઈ અને મારી માતા માટે અલગથી બજેટની ફાળવણી કરતા અને તેના કારણે જ અત્યારે અમારા ઘરે લગભગ 7500 જેટલા પુસ્તકોનું એક અલાયદું પોતાનું પુસ્તકાલય છે. આમ વાંચન અને પુસ્તકો સાથેનો મારો નાતો નાનપણથી જ છે. તેઓ કહે છે કે, ચોક્કસ પણે પિતાજી અને પુસ્તકોએ મારા જીવન ઘડતરમાં એક મહત્વનો ભાગ ભજવ્યો છે.

સપનું ક્લાસ 1/2 અધિકારી બનવાનું હતું પણ પિતાજીએ કહેલી એક વાતના કારણે શિક્ષક બની રહેવાનું પસંદ કર્યું
ધર્મેન્દ્રભાઈ જણાવે છે કે,” પેહલાંથી જ મારે જીપીએસસી પાસ કરીને ક્લાસ 1/2 અધિકારી બનવું હતું અને મારી સમગ્ર તૈયારી પણ તે તરફ જ હતી અને હું તેમાં ચાર વખત ઉત્તીર્ણ પણ થયો પરંતુ એક દિવસ પિતાજી સાથે થયેલી ચર્ચાએ મારા નિર્ણય માટે મને ફરી વિચારતો કરી દીધો. પિતાજી એ કહ્યું કે ધર્મેન્દ્ર, અધિકારી જ્યાં સુધી નિવૃત ન થાય ત્યાં સુધી જ સાહેબ હોય છે પરંતુ એક શિક્ષક તેના મૃત્યુ પછી પણ સાહેબ તરીકે જ લોકોના હૃદયમાં હંમેશને માટે એક અચળ સ્થાન પામતો હોય છે. તેઓએ સાથે સાથે એ પણ જણાવ્યું કે, દેશમાં ક્રાંતિ માથા ફોડવાથી નહીં પણ માથા ફેરવવાથી જ આવશે અને એટલા માટે જ એક શિક્ષક તરીકે તમે દેશરૂપી આ વૃક્ષના મૂળ તરીકે રહેલા બાળકોનું એક ચોક્કસ નક્કર દિશામાં માથું ફેરવી શકવા સક્ષમ હોવ છો જે આગળ જતા વૃક્ષમાં નવી કુંપળોને પાંગરવામાં પોતાનું યોગદાન આપે છે. બસ આ વાત મારા દિલમાં ઘર કરી ગઈ ને આગળ જતા મેં પિતાજીના પગલે શિક્ષક બનવાનું પસંદ કર્યું.
આગળ ધર્મેન્દ્રભાઈ પોતાની શિક્ષક તરીકેની સફર અને તે દરમિયાન મળેલા અનુભવો તથા તેમને અમલમાં મુકેલા કામો વિષે અમને જણાવે છે.
શિક્ષક તરીકેની સફર
કડી તાલુકાના મેર્ડા – આદરજ ગામે શેઠ આર. એચ. હાઈસ્કૂલ ખાતે ધર્મેન્દ્રભાઈ ઈ.સ. 2005માં શિક્ષક તરીકે જોડાયા. પોતાના વર્ગખંડને એક નાનકડા રાજ્ય સાથે સરખાવતાં ધર્મેન્દ્રભાઈએ કહ્યું કે એક વર્ગ શિક્ષક તરીકે મેં મારા વર્ગખંડને જ ચાર ભાગમાં વિભાજીત કરીને દરેક ભાગ માટે એક એક પ્રતિનિધિ નીમ્યો અને તે ચારેય પ્રતિનિધિઓની કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે એક વિદ્યાર્થીને મોનિટર બનાવ્યો. આ પાંચ પ્રતિનિધિ અને હું એમ છ જણ નિયમિત રૂપે મિટિંગ ગોઠવીને વર્ગના દરેકે દરેક વિદ્યાર્થીના શિક્ષણથી લઇ અંગત સમસ્યાઓ સુધીનું નક્કર નિર્ણયો દ્વારા નિરાકરણ લાવતા જેથી કોઈપણ બાળકનું ભણવાનું અધવચ્ચેથી ના છૂટે. આમ અમે બાળકના હૃદય સુધી તેની લાગણીઓ સુધી પહોંચીને તેઓને શિક્ષણ પ્રત્યે રુચિ જગાવી એક ચોક્કસ ધ્યેય સુધી પહોંચાડવામાં મદદ કરતાં.
મેર્ડા – આદરજથી જ ધર્મેન્દ્રભાઈએ બીજી રચનાત્મક પ્રવૃતિઓ પણ શરુ કરી જેમ કે, તેમણે અને તેમની ટિમ એ વિદ્યાર્થીઓને વાંચનમાં રુચિ જગાડવા માટે “બાલસેતુ” ના નામે બાળકો માટેનું એક સામાયિક શરું કર્યું. આ સામાયિકને પ્રકશિત કરવા માટે કેટલોક સમય તો ધર્મેન્દ્રભાઈ જીપીએસસીના કલાસ પણ લેતા અને તેમાંથી મળેલી પુરેપુરી અવાકને સામાયિકના નિભાવ ખર્ચમાં ઉમેરતા. આ ઉપરાંત તેમને બીજા ઘણા હિતેચ્છુઓ તરફથી સારા એવા પ્રમાણમાં મદદ મળી રહેતી. “બાલસેતુ”ની દર મહિને 1000 પ્રતોનું વિતરણ વિનામૂલ્યે સમગ્ર ગુજરાતમાં થતું હતું.
આ સિવાય તેઓ કહે છે કે તેમણે શાળામાં સરકાર તરફથી મળતા પરિપત્રો સિવાય સ્વેચ્છાએ બીજી પણ ઘણી બધી રચનાત્મક પ્રવૃતિઓની શરૂઆત કરાવી.
તેમને 2019થી ધરમપુર ગામથી આચાર્ય તરીકેની જવાબદારી મળી. ત્યાં પણ તેમણે પોતાની આગવી કાર્યશૈલીથી અનેક વિદ્યાર્થીહિત માટેના કામ શરું કર્યા. જેમ કે ત્યાં તેમણે વિદ્યાર્થીઓને મોબાઈલ ફોનના બિનજરૂરી ઉપયોગના અતિરેકથી વાળવા માટે દરેક વર્ગખંડમાં જ વર્ગ પુસ્તકાલય બનાવડાવ્યું જેમાં 100 થી 150 પુસ્તકો દરેક વર્ગખંડને ફાળવ્યા. આ ઉપરાંત બુધવારના છેલ્લા પીરિયડને પુસ્તકાલય પીરિયડ કરી દીધો જેમાં વિદ્યાર્થીઓને ઈતર વાંચન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. રીસેસના સમયે અને સ્કૂલમાં આવતા જતા પણ બાળકોમાં જિજ્ઞાસા અને રચનાત્મકતા વિકસે તે આશયે શાળાની લોબીમાં જ માઈન્ડ ગેમ્સ અને પઝલના ડિસ્પ્લે ગોઠવ્યા સાથે સાથે ઇન્ડોર ગેમ્સ જેવી કે ચેસ વગેરે માટે એક અલગથી રૂમ પણ ફાળવવમાં આવ્યો. રોજ સવારે પ્રાર્થનામાં દસ મિનિટ ગુરુ જ્ઞાન માટે ફાળવાવનું શરું કરવામાં આવ્યું જેમાં રોજ અલગ અલગ વિષયોથી વિદ્યાર્થીઓને અવગત કરાવાવમાં આવતા ઉદા. તરીકે સોમવારે સાહિત્ય મંગળવારે વિજ્ઞાન વગેરે જેથી તેમનામાં તે વિશે વધારે જાણવણી ઉત્કંઠા વધે.

ફરતું પુસ્તકાલય
ધર્મેન્દ્રભાઈના દરેક કાર્યોમાં સૌથી રચનાત્મક જો કોઈ કાર્ય હોય તો તે છે ફરતું પુસ્તકાલય. અંગત લોકોની મદદ અને દાનથી તેમણે ફરતાં પુસ્તકાલયનો પ્રારંભ કર્યો. આ માટે ઘણાં સેવાભાવી લોકોએ મદદ પણ કરી જેમ કે દક્ષાબહેન કરીને એક હિતેચ્છુએ તો પુરા એક લાખના પુસ્તકો શાળાને ભેંટ આપ્યા. દર પંદર દિવસે ગ્રંથપાલ તથા વિદ્યાર્થીઓની એક ટિમ સ્વયં એ પુસ્તકોની ટ્રોલીને ખેંચીને ગામની શેરીએ શેરીએ ફરે છે અને ગામના લોકોને વાંચન માટે પ્રોત્સાહિત કરે છે. આમ આ ફરતાં પુસ્તકાલયથી વાંચનનો લાભ ફક્ત વિદ્યાર્થીઓ પૂરતો સીમિત ન રહેતા ગામના લોકો સુધી પણ પહોંચ્યો. હજી તો ધર્મેન્દ્રભાઈનું સપનું આ ફરતા પુસ્તકાલયને વાંચન માટેની એક હરતી ફરતી વાનમાં પરિવર્તિત કરવાનું છે જેથી તાલુકાના દૂરના ગામો સુધી પણ વાંચનના આ અશ્વમેઘને પહોંચાડી શકાય.
લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ સુધી રૂબરૂ ન પહોંચી શક્યા તો શાળાને નવું રૂપ આપ્યું તથા સમગ્ર લોકડાઉન ત્યાં જ પસાર કર્યું
ધર્મેન્દ્રભાઈ ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતાં જણાવે છે કે, લોકડાઉન વખતે તેમણે શાળાના ઉજ્જડ પડેલા મેદાનમાં ઘાસ તથા ઝાડવાંઓ વાવીને સમગ્ર જગ્યામાં લીલોતરી પાથરી દીધી. આ કામ તેઓએ આખા લોકડાઉન દરમિયા દરરોજ કર્યું. શાળાની દીવાલો પર ચિત્રો દોરાવી તેને બોલતી કરી તથા વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યેની લગન જળવાઈ રહે તે માટે હાથેથી લખેલ મટિરિયલને બાળકો સુધી પહોંચાડ્યા.
લોકડાઉન ખુલતાં વિદ્યાર્થીઓનું કઈ રીતે સ્વાગત કર્યું તે પૂછતાં તેઓએ હસીને એટલું જ કહ્યું કે “માસ્ક”થી. નજીકમાં જ એક સેવાભાવી સંસ્થાને વિંનંતી કરતા તે સંસ્થાએ દરેક વિદ્યાર્થી માટે કાપડનું માસ્ક બનાવી આપ્યું જેથી કરીને બાળકોમાં જાગૃકતા ફેલાવી શકાય અને તેમના શિક્ષણને તેમની તંદુરસ્તી સાથે આગળ વધારી શકાય.

વિદ્યાર્થીઓ તથા વાલીઓના અભિપ્રાય
ધર્મેન્દ્રભાઈ જણાવે છે કે,” આ શિક્ષક તરીકેની નોકરીએ મને લોકોના હૃદય સુધી પહોંચવા માટે ખુબ વિશાળ તકો પુરી પાડી છે. તેમણે પોતાને થયેલા લાગણીસભર અનુભવો માંથી એક કિસ્સાની વાત કરતાં જણાવ્યું કે, પોતાની એક ભૂતપૂર્વ વિદ્યાર્થિનીના લગ્ન કરવામાં આવ્યા તે પછી એક દિવસ તે વિદ્યાર્થિનીની સાસુએ ધર્મેન્દ્રભાઈને ફોન કરીને કહ્યું કે જયારે મેં મારી પુત્રવધૂને પૂછ્યું કે તારા આટલા હકારાત્મક તથા નિખાલસ વ્યક્તિત્વ તથા વિકાસનું કારણ શું છે તો તેને ફક્ત તમારું જ નામ આપ્યું માટે જ આજે હૂં તમને ફોન કરવા માટે પ્રેરાઈ જેથી આવી પુત્રવધુના ગુરુનો હું હૃદયપૂર્વક આભાર માની શકું. અવાજમાં એક લાગણી સાથે ધર્મેન્દ્રભાઈ આ રીતે મળેલ સન્માનને પોતાની જિંદગીની સાર્થકતા ગણે છે અને કેમ ના ગણે શિક્ષક માટે આ જ તો સૌથી મોટો પુરસ્કાર છે.

તમે પણ આ જિંદાદિલ શિક્ષક તથા તેમની શાળાની મુલાકાત બેધડક લઈ શકો છો અને તેમની સાથે મુલાકાત કેળવીને ઘણું શીખી પણ શકો છો. આશા રાખીએ કે એક દિવસ સમગ્ર દેશમાં ધરમપુરની શાળાની જેમ જ શિક્ષાનો આ યજ્ઞ હજી વધારે તેજથી પ્રજ્વલિત થાય ને આપણને તથા આવનારી પેઢીને ઉજળી કરે.
આ પણ વાંચો: કલાક વહેલા આવી જાતે જ શાળાની સફાઈથી લઈને બધાં કામ કરે છે સૌરાષ્ટ્રના આ આચાર્ય
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.