Search Icon
Nav Arrow
Best Teacher
Best Teacher

રમતાં-રમતાં બાળકો ગણિતના અઘરા દાખલાઓ ઉકેલી નાંખે, એટલે આ હિન્દીનાં ટિચરે કર્યા છે ઘણા આવિષ્કાર

ભુજ, ગુજરાતનાં આ શિક્ષક પોતાની કળા અને રચનાત્મકતાનો ઉપયોગ કરીને બાળકોને શીખવાડે છે ગણિત

गुरु गोविंद दोऊ खड़े, काके लागूं पाय। बलिहारी गुरु आपने, गोविन्द दियो बताय।।

શાળામાં કોલેજમાં ભણવાથી લઈને જીવનના મૂલ્યો શીખવા માટે, દરેકને માર્ગદર્શકની જરૂર હોય છે. ઉપરોક્ત લખેલાં દોહામાં ગુરુની મહાનતા ખૂબ જ સાચી રીતે વર્ણવવામાં આવી છે. એક શિક્ષક ઇચ્છે છે કે તેનું જ્ઞાન પોતાના સુધી જ સીમિત ન રહે, પરંતુ તેના વિદ્યાર્થીઓ સુધી પહોંચે. માતાપિતાની જેમ, આપણી સફળતાથી આપણા શિક્ષકને પણ ખુશી મળે છે. આ માટે તે ઘણા પ્રયત્નો પણ કરે છે.

આજે અમે તમને ભુજ (ગુજરાત) ના આવા જ એક શિક્ષક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે બાળકોને ભણાવવાનું માત્ર પોતાની ફરજ જ નહીં પરંતુ તેમનાં જીવનનું લક્ષ્ય માને છે.

ભુજની હિતેન ધોળકિયા પ્રાથમિક શાળામાં શિક્ષક ‘અશોક પરમાર’, ગણિત શીખવવાની પોતાની આગવી રીત માટે જાણીતા છે. માત્ર તેના શાળાના બાળકો જ નહીં, પણ તેની યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ દ્વારા, તે અન્ય બાળકોને પણ ગણિત શીખવામાં મદદ કરી રહ્યા છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા, તે જણાવે છે, “બાળકોને ભણાવવા અને વિકાસ માટે મારી પાસે ત્રણ મુખ્ય સિદ્ધાંતો છે. પહેલું ભૌતિક વાતાવરણ છે, બીજું પ્રવૃત્તિ છે- બેઝ લર્નિંગ અને ત્રીજો વિષયથી થોડું અલગ છે- સર્વાંગી વિકાસ પર કામ કરવું.”

આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને, તે 1998થી બાળકોને ભણાવે છે. જોકે તે શાળામાં ભાષા (Language)ના શિક્ષક છે અને મુખ્યત્વે બાળકોને હિન્દી અને ગુજરાતી શીખવે છે. પરંતુ મનપસંદ વિષય ગણિત હોવાથી, તે ગણિત પણ ભણાવી રહ્યા છે અને આ વિષયને લગતી ઘણી પ્રવૃત્તિઓ પણ કરે છે.

આ પણ વાંચો: આગામી પઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા ભુજના શિક્ષકે શરૂ કરી ઝુંબેશ

Best Teacher

બાળકોનું ભવિષ્ય નિર્માણ છે, જીવનનું લક્ષ્ય

અશોકના પરિવારમાં તેનો ભાઈ અને ભાભી બંને શિક્ષક છે. આ પારિવારિક વાતાવરણ જોઈને તેણે અભ્યાસ દરમિયાન શિક્ષક બનવાનું નક્કી કર્યું હતું. ડો.આંબેડકર યુનિવર્સિટીમાંથી બી.એડ. સ્નાતક થયા પછી, તે 1998થી સરકારી શાળામાં શિક્ષક તરીકે કાર્યરત છે. અગાઉ તેઓ કચ્છના મુન્દ્રા જિલ્લાની શાળામાં ભણાવતા હતા, પરંતુ 2008માં તેમની બદલી બાદ તેઓ ભુજની હિતેન ધોળકિયા પ્રાથમિક શાળામાં શિફ્ટ થયા.

તેમણે આ શાળાને ભુજની સૌથી ખાસ શાળા તરીકે ગણાવી છે. કારણ કે 2001માં ભૂકંપ પછી આ શાળા કર્ણાટક સરકાર દ્વારા ભુજના એક આશાસ્પદ બાળક હિતેન ધોળકિયાની યાદમાં બનાવવામાં આવી હતી, જેનો પાયો ડો.એપીજે અબ્દુલ કલામે નાખ્યો હતો.

જોકે, અશોક અહીં ભાષાના શિક્ષક હોવા છતાં, તેઓ 2005થી સ્ટેટ રિસોર્સ ટીમના સભ્ય તરીકે પણ કાર્યરત છે. આ અંતર્ગત તેઓ રાજ્યના પ્રાથમિક વર્ગ માટે ગણિતનું પુસ્તક લખી રહ્યા છે. અત્યાર સુધી તેમણે ગણિત પર 55 પુસ્તકો લખ્યા છે.

આ પણ વાંચો: દરરોજ લાકડીનાં સહારે ચાલીને ગામમાં પહોંચે છે, જેથી ભણાવી શકે 60 જરૂરિયાતમંદ બાળકોને

Best Teacher Ever

રમતાં-રમતાં શીખવાડે છે ગણિત

મોટાભાગના બાળકોને ગણિત એક મુશ્કેલ વિષય લાગે છે. આવી સ્થિતિમાં અશોક સર દ્વારા કરવામાં આવેલા ઘણા ઈનોવેશંસ ગણિતને સરળ બનાવે છે. તેઓ કહે છે, “બાળકોની તર્ક શક્તિ જેટલી સારી હશે, આ વિષય એટલો સરળ બનશે. એટલા માટે મેં 40 તર્ક આધારિત રમતો રચી છે, જેના દ્વારા બાળકો સૌથી મોટા પ્રશ્નોને સરળતાથી હલ કરી શકે છે.”

તેમના દ્વારા બનાવવામાં આવેલા આ 40 બોક્સને રાજ્ય સરકારના ઇનોવેશન ફેસ્ટિવલમાં ખૂબ પ્રશંસા મળી. હવે તે રાજ્ય સરકારની મદદથી અન્ય શાળાઓ માટે પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે કાર્યરત છે. આ ઉપરાંત, તેમણે પ્રવૃત્તિ શીખવા માટે ઘણા કાર્યક્રમો પણ તૈયાર કર્યા છે. જેમાંથી 3 ડી સાપ-સીડી બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે. સાથે જ તેમણે શાળામાં એક STEM લાઇબ્રેરી પણ બનાવી છે, જેમાં બાળકો વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતને લગતી પ્રવૃત્તિઓ અને પુસ્તકો વાંચી શકે છે. તે લોકડાઉન દરમિયાન પણ બાળકોના ઘરે આ બોક્સ લાઇબ્રેરી પ્રોવાઈડ કરતા હતા.

તેના જ્ઞાનને ‘ક્લાસથી માસ સુધી’ લઈ જવા માટે, તેઓ વર્ષ 2013થી પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવી રહ્યા છે. જ્યાં તેઓ બાળકોને સરળ રીતે ગણિતના પાઠ ભણાવે છે.

તેમની શાળામાં ધોરણ 8ની વિદ્યાર્થીની ‘વયા ઇલ્કા ઇસ્માઇલ’ કહે છે, “મારા માટે ગણિત ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ અશોક સરે અમારા માટે તે ખૂબ જ સરળ બનાવ્યું છે. અમે ક્લાસની બહાર પ્રવૃત્તિઓ કરીને ગણિતનો અભ્યાસ કરીએ છીએ. લોકડાઉન દરમિયાન પણ, તે અમારા ઘરમાં એક્ટિવિટી બોક્સ અને પુસ્તકો પહોંચાડતા હતા.”

Best Teacher In The World

અશોક સર ઘણી કળાઓમાં કુશળ છે

ગણિતની સાથે સાથે અશોક સર ચિત્રકામ અને ઘણા સંગીતનાં સાધનો વગાડવામાં પણ નિષ્ણાત છે. તે કહે છે, “જો શાળાનું ભૌતિક વાતાવરણ સારું હશે, તો બાળકો ખુશીથી અભ્યાસ કરવા આવશે. તેથી જ મેં વિચાર્યું કે સ્કૂલની દિવાલો, બારીઓ અને દરવાજા પર સુંદર કલાકૃતિઓ બનાવવી જોઈએ. બાળકોએ પણ તેને ખૂબ પસંદ કર્યુ.”

તે સ્કૂલમાં ક્લાસિસ ખતમ થયા બાદ, જાતે પોતાના હાથોથી આ કલાકૃતિઓને બનાવવાનું કામ કરે છે. આ ઉપરાંત, તે બાળકોને સમયાંતરે વિવિધ સાધનો વગાડવાનું શીખવે છે અને શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો તૈયાર કરવા જેવી વસ્તુઓ પણ કરાવે છે. તે આ કામ શાળાના સમગ્ર સ્ટાફની મદદથી કરે છે. ગણિતના શિક્ષક ન હોવા છતાં, તેમનો રસ જોઈને, આચાર્યએ તેને ભણાવવાની પરવાનગી આપી છે. તે માને છે કે મારા સાથી શિક્ષકોના ટેકા વગર મારા માટે કંઈ પણ કરવું સહેલું ન હોત.

ઘણા પુરસ્કારોથી કરાયા સન્માનિત

તેમના દ્વારા ગણિત વિષયમાં બનાવેલા ઘણા વિડીયો રાજ્ય શિક્ષણ વિભાગની સાઇટ પર પણ જોવા મળે છે. લોકડાઉનમાં હોમ લર્નિંગ માટે બનાવેલા તેમના વીડિયો દૂરદર્શન પર પણ ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેની પાસે ગણિત કોયડાઓ સાથે સંબંધિત ફેસબુક પેજ પણ છે. જ્યાં તે વર્ષોથી પોતાના બનાવેલા કોયડાઓ રજૂ કરે છે, જે દેશ -વિદેશના લોકો સુધી પહોંચે છે.

આ પણ વાંચો: જ્યાં જેસીબી પણ પાછું પડતું હતું ત્યાં આ શિક્ષક દંપતિએ ઊભુ કર્યું નંદનવન, શાક, ફળો અને ઔષધી બધુ જ ઘરમાં

તે ભણાવવાને માત્ર પોતાની નોકરી નથી માનતા, પણ તેને પોતાના જીવનનો એક ભાગ માને છે. આ જ કારણ છે કે તેમનો આખો દિવસ આવા જુદા જુદા કોર્સ મટિરિયલની રચના કરવામાં અને તેને બાળકો સુધી પહોંચાડવામાં વિતાવે છે.

Happy Teachers Day

તેમના સતત પ્રયત્નો માટે તેમને ઘણા પુરસ્કારો પણ મળ્યા છે. ઈનામની રકમ પોતાના પર ખર્ચવાને બદલે, તે બાળકો માટે કેટલીક નવી શોધ કરવામાં કરે છે.

વર્ષ 2019માં, તેમને ગુજરાત વિજ્ઞાન એકેડમી તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો. તે જ વર્ષે તેમને કચ્છના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો. આઇઆઇએમ અમદાવાદ ખાતે યોજાનાર ઇનોવેશન ફેરમાં તેમના એક્ટિવિટી બોક્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

વર્ષ 2020માં ગુજરાતના રાજ્યપાલે તેમને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત કર્યા. તો, આ વર્ષે પણ, શિક્ષક દિવસ પર, તે દેશના કેટલાક પસંદ કરેલા શિક્ષકો સાથે રાષ્ટ્રીય સન્માન મેળવવા જઈ રહ્યા છે.

તેમના વિદ્યાર્થીઓ પ્રત્યેની તેમની જવાબદારી અને મહેનત જોઈને એમ કહેવું ખોટું નહીં હોય કે અશોક પરમાર જેવા શિક્ષકો સાચા અર્થમાં દેશના ભાવિનું નિર્માણ કરવાનું કામ કરી રહ્યા છે. પોતાના કામ પ્રત્યેનાં લગાવ અને શિક્ષક તરીકે પોતાની જવાબદારીનું યોગ્ય રીતે નિર્વહન કરનારા શિક્ષક અશોક પરમારને ધ બેટર ઈન્ડિયા સલામ કરે છે.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: 45 વર્ષથી ભુજમાં મફતમાં સંસ્કૃત ભણાવે છે રિટાયર્ડ પ્રોફેસર, 40 વર્ષ નાગરિક સંરક્ષણ કચેરીમાં સેવા બદલ મળ્યો રાષ્ટ્રપતિ અવોર્ડ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon