કહેવાય છે ને કે, જેને હરિયાળીનો શોખ છે, તેને કોઈ બંધન નથી નડતાં, કોઈ મર્યાદા નથી નડતી. તેઓ તેમનો રસ્તો ગમેત્યાંથી શોધી જ કાઢે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ દાહોદ જિલ્લાના માંડ 1000 લોકોની વસ્તી ધરાવતા કુંડા ગામના શિક્ષક પ્રકાશભાઈ કિશોરી અંગે. જેઓ ગામથી 2 કિમી દૂર હિરોલા ગામની પ્રાથમિક શાળામાં ફરજ નિભાવે છે.
આમ તો ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ આજે પણ અહીં શિક્ષણનું પ્રમાણ 50% જેટલું જ છે. પરંતુ વનવિભાગ અને પ્રકાશભાઈ જેવા કેટલાક પ્રકૃતિપ્રેમી લોકોના કારણે આજે આ વિસ્તારમાં લોકો પ્રકૃતિ બચાવવાના પ્રયત્નો કરે છે, વૃક્ષો વાવતા થયા છે, અને પ્રાણીઓનો બિનજરૂરી શિકાર પણ નથી કરતા.
જોકે આપણે જો પ્રકાશભાઈના ઘરને જોઈએ તો, ઘરમાં જંગલ છે કે જંગલમાં ઘર એ જ સમજવું મુશ્કેલ પડે. વાત ઘરના ધાબાની હોય કે પછી આંગણની, એક ખૂણો પણ એવો ન મળે, જ્યાં હરિયાળી ન હોય.

પ્રકાશભાઈને બાળપણથી જ હરિયાળીનો ખૂબજ શોખ છે. એટલે તેઓ પહેલાંથી જ્યાં જગ્યા મળે ત્યાં ઝાડ-છોડ તો વાવતા જ હતા, પરંતુ છેલ્લાં 8-10 વર્ષથી તેમણે તેમના આ શોખને ભરપૂર ખીલવ્યો છે. તેમના ધાબામાં તમને સફેદ ચંદનના ઝાડથી લઈને 6 પ્રકારના એડેનિયમ, 24 પ્રકારના ગુલાબ, 6 પ્રકારની બારમાસી, 6 પ્રકારની મનીવેલ, 6 પ્રકારનાં પ્રોટોન, 5 પ્રકારનાં પોલિયસ, 5 પ્રકારનાં જાસૂદ, 3 પ્રકારની લીલી, રાજાપૂરી કેરીની કલમ સહિત 200 પ્રકારના ઝાડ છોડ વાવ્યા છે, જે તેઓ કુંડાં, ટબ, ગ્રોબેગ્સ વગેરેમાં વાવે છે.
આ પણ વાંચો: માતાનો પ્રકૃતિ પ્રેમ જોઈએ દીકરીએ ઘરમાં વાવ્યા અનેક છોડ, સૂર્ય ઊર્જાનો સ્માર્ટ રીતે કરે છે ઉપયોગ

બારેય મહિના ઘરે જ ઉગેલાં શાકભાજી
તેમના કિચન ગાર્ડનમાં તમને વાલોળ, રીંગણ, દૂધી, મરચાં, ભીંડા, હળદર, કારેલાં, ગલકાં સહિતની બધી જ શાકભાજી વાવી છે, જેથી તેમને આખા વર્ષ દરમિયાન ઘરે ઑર્ગેનિક રીતે વાવેલ શાકભાજી મળી રહે છે.
દેશીથી લઈને વિદેશી ફળો ઉગે છે કિચન ગાર્ડનમાં
પ્રકાશભાઈના ગાર્ડનમાં 3 પ્રકારનાં જામફળ, ચીકુ, દાડમ, સીતાફળ, દેશી અને હાઈબ્રિડ આંબળાં, થાઈલેન્ડની બે જાતનાં જાંબુ (લાલ અને સફેદ), રામફળ, કમરખ, ખટુંબડાં, સફરજન, કેરી સહિતનાં બધાં જ ફળ વાવેલ છે અને તેમના પરિવારની સાથે-સાથે સગાં-સબંધીઓને પણ ફળ-શાકભાજી મળી રહે છે.

આટલા અંતરિયાળ વિસ્તારમાં પણ તમને આટલી અલગ-અલગ જાતના ફળ-ફૂલના રોપા કેવી રીતે મળી રહે છે, એ બાબતે પૂછતાં પ્રકાશભાઈએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “જ્યારે તમને કોઈ વસ્તુનો શોખ હોય ત્યારે રસ્તો તમને જાતે જ મળી રહે છે. હું જ્યારે પણ બહાર નીકળું ત્યારે ચારેય બાજુ અવલોકન કરતો હોઉં છું અને આજુ-બાજુ કઈં નવું દેખાય, જે મારી પાસે ન હોય તો તરત જ પૂછપરછ કરી હું તેનો છોડ લાવું. મારા આ શોખ અંગે મારા મિત્રો સંબંધીઓ પણ જાણતા થઈ ગયા છે, એટલે એ લોકો પણ ક્યાંય જાય અને કોઈ નવો રોપો દેખાય તો મારા માટે ચોક્કસથી લઈ આવે છે. તાજેતરમાં જ મારા એક મિત્ર જાપાનિઝ મેન્ગોનો રોપો લાવ્યા હતા, જેની કેરીનો એક કિલોનો ભાવ 2 લાખ 70 હજાર છે. તો તેઓ મારા માટે પણ એક રોપો લઈને જ આવ્યા હતા. બસ આ જ રીતે મારું આ કલેક્શન બન્યું છે અને ધીરે-ધીરે આ સતત વધતું જ જાય છે, કારણકે મારો શોખ પણ આમાં દિવસે-દિવસે વધતો જ જાય છે.”
આ પણ વાંચો: અમદાવાદનો મોહ છોડી આર્કિટેકે ગામડામાં બનાવી ઈકો-ફ્રેન્ડલી ઑફીસ અને ઘર, વાવે છે ઘર માટે ફળ-શાકભાજી પણ

ઘર અને ઘરની આસપાસ આટલી હરિયાળીના કારણે તમના ઘરની અંદરનું તાપમાન પણ બહારના વાતાવરણ કરતાં 3-4 ડિગ્રી ઓછું જ રહે છે, જેના કારણે ગરમાં ગરમી પણ બહુ ઓછી લાગે છે. તો પક્ષીઓ માટે તો નંદનવન છે તેમનું ઘર. મોરથી લઈને ચકલીઓ, કાબર, બુલબુલ, દરજીડો સહિત અનેક પક્ષીઓ આવે છે અહીં. તેમના માટે પ્રકાશભાઈ જાતે જ હાર્ડબોર્ડમાંથી માળા બનાવે છે તો માટલી આકારના માળા બજારમાંથી પણ લાવે છે, જેથી પક્ષીઓ અહીં સુરક્ષિત રહી શકે.
પ્રકાશભાઈના ઘરે ગાય પણ છે. એટલે પરિવારને ઘરની ગાયનું દૂધ, ઘી, છાસ બધુ તો મળે જ છે સાથે-સાથે ઝાડ-છોડ માટે છાણિયું ખાતર પણ મળી રહે છે. આ ઉપરાંત તેઓ ઝાડનાં ખરેલાં પાંદડાંમાંથી કંપોસ્ટ ખાતર પણ બનાવે છે. આ ઉપરાંત તેઓ જીવામૃત પણ બનાવે છે. જેથી તેમના બધા જ ઝાડ, છોડ, વેલ બારેયબાસ હરિયાળા રહે છે અને તેનો વિકાસ પણ બહુ સારો થાય છે.

વરસાદના પાણીનું એક ટીંપુ પણ નથી બગડતું
ઘર બનાવતી વખતે જ તેમણે રેન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સેટ કરાવી છે.. ચોમાસા પહેલાં એકવાર ધાબાને બરાબર ધોઈ દે છે, જેથી વરસાદ સમયે ચોખ્ખુ પાણી સીધુ જમીનમાં ઉતરે છે. જેથી પાણી નદી-નાળાંમાં વહી જતું અટકે છે અને ભૂસ્તર ઊંચુ આવે છે. અને આસપાસના વિસ્તારને મીઠું પાણી પણ મળી રહે.
આ ઉપરાંત તેઓ એ ખાસ પ્રયત્ન કરે છે તેમના ઘરેથી પ્લાસ્ટિક લેન્ડફિલ્ડમાં ન જાય. તેમના ઘરે ભૂલથી કોઈ પ્લાસ્ટિક આવી ગયું હોય તો તેઓ તેમાં રોપા બનાવીને તૈયાર કરે છે અને ઘરે જે પણ મિત્રો સંબંધીઓ આવે અને તેમને વાવવાની ઈચ્છા હોય તેમને ચોક્કસથી રોપા આપે છે.
પ્રકાશભાઈની પત્ની, દીકરો અને બંને દીકરીઓને પણ પ્રકૃતિ સાથે એટલો જ પ્રેમ છે. દરેક કામમાં તેઓ પ્રકાશભાઈની સાથે જ હોય છે અને તેમનાથી શક્ય એટલી મદદ પણ કરે છે.
આ પણ વાંચો: એસી તો દૂરની વાત, ઘરમાં કેટલાય મહિનાઓ સુધી પંખો ચલાવવાની પણ જરૂર નથી પડતી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.