છેલ્લા 3 વર્ષથી, સ્વચ્છતાના મામલે પ્રથમ ક્રમે આવેલા ઈન્દોર શહેરના 3 યુવા મિત્રોએ પ્રદૂષણને નાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે. આ મિત્રોએ વિશ્વનું પહેલું ફિલ્ટરવાળુ આઉટડોર એર પ્યુરિફાયર બનાવ્યું છે. આ પ્રોડક્ટને બજારમાં લોન્ચ કરવા માટે, તેણે ‘નોવોર્બિસ આઈટીસ પ્રાઈવેટ લિમિટેડ’ નામથી એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.
‘ધ બેટર ઈન્ડિયા’ સાથે વાત કરતી વખતે નોવોર્બિસનાં સંશોધન અને વિકાસના વડા, હર્ષ નિખરા જણાવે છે, “આ પ્રોજેક્ટ અમારા ત્રણેય મિત્રનો મિશ્ર પ્રયાસ છે. ગગન ત્રિપાઠી તકનીકી અને ઉત્પાદનના વડા છે અને દિવ્યાંક ગુપ્તા માર્કેટિંગ અને મેનેજમેન્ટ હેડ છે. અમે ત્રણેય મિત્રો ઇંદોરની એક્રોપોલિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને રિસર્ચમાં ઇલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન એન્જિનિયર્સના વિદ્યાર્થીઓ છીએ. અમે વિશ્વને કંઇક નવું આપવાના હેતુથી આ પ્યૂરીફાયરને ઈનોવેટ કર્યું છે.”
અભ્યાસ દરમિયાન જ આ મિત્રો વિચારતા હતા કે તેઓએ દેશ માટે કંઈક કરવું જોઈએ જેથી લોકોને મદદ મળી શકે અને તે એવું કંઈક હોવું જોઈએ જે બાકીના વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી શકે. તેમણે પહેલી શરૂઆત ઉર્જા ક્ષેત્રમાં કરી હતી. તેમણે વિન્ડ ટર્બાઇન પર કામ કર્યું, પરંતુ વધારે રોકાણ કરવાની સ્થિતિમાં ન હોવાને કારણે વધારે સફળતા મળી નહીં.

દિલ્હીમાં ધુમ્મસની ઘટનાથી લાગ્યો આંચકો
પરીક્ષાની તૈયારી કરતી વખતે, આ ત્રણેય મિત્રો નોટ્સ શેર કરતી વખતે વાત કરી રહ્યા હતા, ત્યારે અચાનક યમુના એક્સપ્રેસ હાઇવેનો એક વીડિયો મેસેજ તેમની પાસે આવ્યો, જેમાં 13 વાહનો એકબીજા સાથે ઝાકળ અને પ્રદૂષણને કારણે અથડાયા હતા. લોકોને ગાડીઓમાંથી બહાર આવવાનો મોકો પણ મળી રહ્યો ન હતો. તે ઘટના ત્રણેયને હચમચાવી ગઈ અને તેઓએ પોતાનું મન બનાવ્યું કે આ વિષય પર કામ કરવું જોઈએ.
ભાડે રૂમમાં 9 મહિના રહ્યા
તેમણે એર પ્યુરિફાયર બનાવવાનું વિચાર્યું અને તેના પર સંશોધન શરૂ કર્યું. ભણ્યા બાદ મળતા સમયને રિસર્ચમાં એડજસ્ટ ન કરી શકવાને કારણે દુખી થઈને આ ત્રણેય દોસ્તોએ વર્ષ 2018ની શરૂઆતમાં 9 મહિના માટે એક નાનો રૂમ ભાડે લીધો. કોલેજ પછી, તે અહીં સીધા જ એકત્રીત થતા અને તેની કલ્પનાઓને ઉડાન આપતા હતા.

તેણે અહીં પોતાનું પહેલું એર પ્યુરિફાયર બનાવ્યું, જે સંપૂર્ણ રીતે ઝીરો વેસ્ટમાંથી બનાવવામાં આવ્યું હતું. રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ (R&D) અને ટેકનોલોજી પર કામ કર્યા પછી, હવે તેમણે ડિસેમ્બર 2019માં બજારમાં ઉતર્યા હતા. અત્યાર સુધીમાં કુલ 80 હજાર એર પ્યુરિફાયર્સ વેચાયા છે. તેમના ઉત્પાદનો 16,000 થી 2 લાખની રેન્જમાં ઉપલબ્ધ છે. 16,000 રૂપિયાવાળા પ્યુરિફાયર બેંક્વેટ હોલ વગેરેના ઉપયોગ માટે અને 2 લાખ રૂપિયાના ચોકમાં હવાને શુદ્ધ કરવા માટે બનાવવામાં આવ્યા છે. કિંમત કામ અને સ્થળ પર આધારિત છે.
5 ઉત્પાદનો પર કામ કરે છે
આ દિવસોમાં આ યુવાનો તેમના સ્ટાર્ટઅપ્સ દ્વારા ઉદ્યોગો, કોર્પોરેટ ઓફિસ, સમારોહ અને એવી જગ્યા જ્યાં ભીડ એકત્રિત થાય છે ત્યાં ઉપયોગ માટે શુદ્ધ હવાના ઉપકરણો બનાવી રહ્યા છે. ટીમ હાલમાં આઉટડોર પ્યુરિફાયર્સ સહિત 5 પ્રોડક્ટ વેરિઅન્ટ્સ પર કામ કરી રહી છે. આ લોકો રેંટલ સિસ્ટમ પરના પોર્ટેબલ એર પ્યુરિફિકેશન સિસ્ટમ માટે પણ કામ કરી રહ્યા છે. આ સિસ્ટમનો ઉપયોગ દિલ્હીના પ્રગતિ મેદાનમાં વિવિધ કાર્યક્રમોમાં થઈ શકે છે. સામાન્ય રીતે દરેક શહેરમાં ઘણી ઘટનાઓ હોય છે જ્યાં તેનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે. હાલમાં, આ પ્યૂરીફાયર ઇન્દોરની એક્રોપોલિસ ઇન્સ્ટિટ્યૂટ અને પ્રેસ્ટિજ કોલેજમાં લાગેલાં છે.

બનાવી પોતાની ટેક્નોલોજી
નોવોર્બિસે તેની પોતાની ટેક્નોલોજી વિકસાવી છે. તેને આ યુવા ‛ઇલેક્ટ્રો-ફોટોનીક સ્ટિમ્યુલસ ડિટૉક્સીફિકેશન’ ટેક્નોલોજી કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ વિઝિબલ લાઈટ્સ, વીજળી અને નેનો સામગ્રીનું મિશ્રણ છે. આના દ્વારા, પ્રદૂષણના તમામ કણોને કેપ્ચર કરવામાં આવે છે. સાથે જ જેટલા ગેસેસ છે, તેને ખતમ કરી શકાય છે. આ ટેક્નોલોજી દ્વારા આવી કેટલીક ચીજો હવામાં મોકલવામાં આવે છે જે હવામાં જાય છે અને હવાને શુદ્ધ કરે છે, જેથી હવાની રેંજમાં વધુ વધારો થઈ શકે.
ટ્રાફિક સિગ્નલના ધુમાડાને બદલશે સ્વચ્છ હવામાં
જો કોઈ વ્યસ્ત ચાર રસ્તા પર થઈ રહેલાં પ્રદૂષણને શુદ્ધ હવામાં બદલવી હોય, તો આ ઉપકરણ (પ્યૂરીફાયર)નાં મલ્ટીપલ યૂનિટ્સ ચાર રસ્તા પર લગાવી દેવામાં આવશે. તે કેન્દ્રમાં અથવા જરૂરિયાત મુજબ કતારમાં લગાવી શકાય છે. સેંકડો લોકો તેમના વાહનો સાથે ટ્રાફિક સ્ક્વેર પર સિગ્નલની રાહ જોતા ઉભા હોય છે, તેથી જે ધુમાડો બહાર આવે છે તે લોકોમાં નહીં જાય, તેને આ પ્યૂરીફાયર દ્વારા શુદ્ધ કરવામાં આવશે અને ફરીથી વાતાવરણમાં છોડી દેવામાં આવશે.

પ્રદૂષણ ફેલાવતા ડીઝલ જનરેટરથી રાહત મળશે
ડીઝલ જનરેટર પ્રોજેક્ટ વિશે વાત કરતા, ગગન કહે છે, “તેમાંથી ઘણો કાળો ધુમાડો નીકળે છે અને ઘણા શહેરોમાં પ્રતિબંધિત છે.” લગ્ન સિવાય અન્ય ઘણી જગ્યાએ પણ તેનો ઉપયોગ થાય છે. ડીઝલ જનરેટરને કારણે શહેરમાં પ્રદૂષણ 30-40% વધી જાય છે. આ સમસ્યાના સમાધાન માટે, અમે એક ઉપકરણ બનાવ્યું છે જે તેનામાંથી નીકળતા કાળા ધુમાડાને શોષી લેશે. વાતાવરણમાંથી જે કણોને ડિવાઈસ દ્વારા પકડવામાં આવે છે, તેને બાદમાં કાળી શાહી તરીકે પણ વાપરી શકાય છે. તેઓ નિબ પેન, માર્કર, પ્રિંટર શાહી અથવા તેલ પેઇન્ટ્સમાં પણ વાપરી શકાય છે. જો વસ્તુઓનો ઉપયોગ પ્રકૃતિને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવે છે, તો પછી આનાથી વધુ સારું બીજું શું હોઇ શકે.”
મેંટર સમીર શર્મા નિભાવે છે ગુરૂનું દાયિત્વ
સ્ટાર્ટઅપ મેન તરીકે જાણીતા, ઇન્દોરના સમીર શર્મા ફ્રીમાં વિદ્યાર્થીઓ અને ઈનોવેટર્સને સ્ટાર્ટઅપ કરવામાં મદદ કરે છે. નોવોર્બિસ સ્ટાર્ટઅપ પણ તેની દેખરેખ હેઠળ સફળતાને સ્પર્શી રહ્યું છે. દિવ્યાંક કહે છે,
“સમીર સર અમને કઈ જગ્યાએ કેવી રીતે કામ કરવાનું છે, તે માટે પ્રોત્સાહિત કરે છે. શિક્ષકની જવાબદારી છે કે શિષ્યોને તે જરા પણ અહીં-તહીં ન થવા દે, આ મામલામાં તેઓ પુરી રીતે ખરા ઉતરે છે. પ્રોજેક્ટને પુરો કરવાની ડેડલાઈન પણ તે જ નક્કી કરે છે. તેઓ વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિક બનવાનું સ્વપ્ન બતાવે છે અને પ્રોજેક્ટ વેચવાથી લઈને વ્યવસાય કરવા સુધી શીખવે છે.”

ઘણા મોટા એવોર્ડ મળ્યા છે
આ ત્રણેય મિત્રોએ ઘણા મોટા સન્માન પણ જીત્યા છે. ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય દ્વારા દેશના ટોચના 5 ઈનોવેટર્સની યાદીમાં જોડાઇને તેમણે એવોર્ડ જીત્યો છે. મંત્રાલયે તેમને દક્ષિણ કોરિયા જવા માટે પણ પસંદ કર્યા હતા, જ્યાં તેમને ‘ગ્લોબલ ઇનોવેટર ફેસ્ટા’માં પસંદ કરવામાં આવ્યા હતા. હર્ષે નોવોર્બિસ વતી ભાગ લીધો હતો જ્યાં તેને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમમાં ભાગ લેવાની તક મળી હતી.
એટલું જ નહીં, યુએનડીપી અને નીતિ આયોગ દ્વારા આયોજિત ‘નેશનલ ઇનોવેશન ચેલેન્જ’માં પણ તેમને પહેલું ઇનામ મળી ચૂક્યુ છે. આ અંતર્ગત આ યુવાનોને મલેશિયા જઇને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક છે. આ સિવાય તેણે ઈંદોરની એસોચેમ સ્ટાર્ટઅપ લોન્ચપેડ સિરીઝ પણ જીતી છે. તેમને ‘EO- Global Student Entrepreneur Award’ જીતવાનો સન્માન પણ મળ્યુ છે. પરંતુ, શુદ્ધ હવાની ભેટ આપવા નીકળેલા આ યુવાનો દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણથી દુખી છે. હર્ષ કહે છે.
“આ સ્તર દિલ્હીમાં એટલું વધી ગયું છે કે તે જીવન જીવવાનાં સમયગાળાને 5 થી 7 વર્ષ સુધી ઘટાડી શકે છે. વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 12 શહેરોનો સમાવેશ થાય છે, તે ખુશીની વાત નથી. આ લીસ્ટમાં અગાઉ ચીનના ઘણા શહેરો હતા, પરંતુ હવે તેમાં સુધારો થયો છે. પ્રદૂષણને કાબૂમાં લેવા માટે અમારે હજી કામ કરવાનું છે, પરંતુ ધીરે ધીરે લોકોને વાત સમજાઈ રહી છે.”

શું તમે જાણો છો કે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ, ત્યાં આપણે 17 સિગારેટની બરાબર ધુમાડો શ્વાસ લેવાની સથે અંદર લઈ રહ્યા છીએ. જો ભારતમાં પ્રદૂષણને કારણે મૃત્યુ પામેલા લોકોની મહેનત માનવ સંસાધનોમાં વાપરવામાં આવે તો દેશને કેટલો ફાયદો થયો હોત. દિલ્હીના નાના બાળકોના ફેફસાં એટલા ખરાબ થઈ ગયા છે કે તેઓ સરળતાથી દમ જેવા રોગોનો શિકાર બની શકે છે. ડબ્લ્યુએચઓએ ત્યાં પ્રદૂષણના તમામ પાર્ટિકલને વર્ગ 1 કેટેગરીમાં મૂકી દીધા છે, એટલે કે તેની આસપાસ રહીને કેન્સર થવાનું જોખમ રહેલું છે.
આ બધા કારણોને જોતા, આ ત્રણેય મિત્રો કહે છે કે તેમનું એક સ્વપ્ન છે કે દરેક શહેર હવાનું પ્રદૂષણ મુક્ત રહે. શુદ્ધ હવા એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે અને નોવોર્બિસ તેના માટે પ્રતિબદ્ધ છે.
જો તમે પણ આમની સાથે જોડાવા માંગતા હો, તો તમે ફેસબુક અને વેબસાઇટ પર સંપર્ક કરી શકો છો. જો તમે ઇચ્છતા હોવ તો, તમે મોબાઇલ નંબર પર પણ કનેક્ટ કરી શકો છો: હર્ષ નિખરા – 08458922896, ગગન ત્રિપાઠી – 08827527561, દિવ્યાંક ગુપ્તા – 07974278581
આ પણ વાંચો: માત્ર 8 પાસ ખેડૂતે કેળાના ફાઈબર વેસ્ટમાંથી બનાવી બેગ, ચટ્ટાઈ અને ટોપલીઓ, કમાણી પહોંચી કરોડોમાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.