ગુજરાતમાં અમરેલીમાં રહેતાં 40 વર્ષીય ઉપેન્દ્રભાઇ રાઠોડ છેલ્લા 15 વર્ષથી તેમની જરૂરિયાત મુજબ ખેડૂતો માટે સાધનો બનાવી રહ્યા છે. તેમને આ કુશળતા તેમના પિતા પાસેથી વારસામાં મળી. તેમના પિતાની એક વર્કશોપ હતી અને દસમું પાસ કર્યા પછી, તેમણે તેમની મદદ કરવાનું શરૂ કર્યું. તેમણે મશીનોની ભાષા તેમના પિતા પાસેથી શીખી.
ઉપેન્દ્રભાઇએ બેટર ઈન્ડિયાને કહ્યું, “શરૂઆતમાં મને પપ્પાની વર્કશોપમાં કંઈકને કંઈક કરવાનું પસંદ હતું. પછી જ્યારે ખેડૂતો આવતા અને તેમને ખેતરો માટે કોઈ સાધન બનાવવાનું કહેતા, ત્યારે હું તેમની સાથે જોડાતો હતો. બસ આજ રીતે અમારી શરૂઆત થઈ અને પછી અમે ખૂબ જ અલગ-અલગ વસ્તુઓ કરવાનું શરૂ કર્યું.”

જોકે, ઉપેન્દ્રભાઈને પોતાના હુનરને સાચી દિશા આપવાની તક હની બી નેટવર્કના સંપર્કમાં આવ્યા પછી મળી. વાસ્તવમાં, 1994 માં ગુજરાતના મનસુખભાઈ જાગાણીએ બુલેટસાંતીની શોધ કરી હતી. તેમણે બુલેટ મોટરસાયકલોનો ઉપયોગ કરીને ખેડૂતો માટે એક નાનું ટ્રેક્ટર બનાવવાનો પ્રયાસ કર્યો જે ખૂબ જ સફળ રહ્યો હતો.
ઉપેન્દ્રભાઇએ બુલેટસાંતીને વધારે થોડી એડવાન્સ બનાવવા માટે સનેડો ટ્રેક્ટરનું રૂપ આપ્યુ હતુ. તે એક ત્રણ પૈડાનું ટ્રેક્ટર છે જે ખેડૂતો માટે ખાસ કરીને નાના ખેડુતો માટે ખૂબ મદદરૂપ છે. ઉપેન્દ્રભાઇ કહે છે કે આ ટ્રેક્ટરની માંગ ભારતમાં તેમજ આફ્રિકા જેવા દેશોમાં પણ છે.
“શરૂઆતમાં અમે ફક્ત બુલેટ મોટરસાયકલોનો ઉપયોગ કરતા. પરંતુ તે પછી જ્યારે આ બાઇકને થોડા દિવસો માટે પ્રતિબંધિત કરવામાં આવી હતી, ત્યારે અમે બુલેટને અમારા મોડેલથી દૂર કરી દીધુ અને અન્ય મોડેલો સાથે કામ કર્યું. અમારું ટ્રેક્ટર આજે ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય છે. સારી ગુણવત્તાની સાથે તેનું સંચાલન કરવું પણ સરળ છે,” તેમણે કહ્યું.
આની મદદથી, તમે સરળતાથી ખેતરમાં વાવણી અને લણણીનું કામ કરી શકો છો. ઉપરાંત, મોટા બ્રાન્ડના ટ્રેક્ટરની જેમ, તે ખૂબ ખર્ચાળ નથી. તેની કિંમત 1 લાખ 37 હજાર રૂપિયાથી 1 લાખ 60 હજાર રૂપિયાની વચ્ચે છે.

ઉપેન્દ્રભાઇ કહે છે કે આ ટ્રેક્ટર માટે તેમને સૃષ્ટિ સન્માનથી પણ નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત, સૃષ્ટિએ આફ્રિકા અને કેન્યાની કેટલીક યુનિવર્સિટીઓ અને માઈક્રો એન્ટરપ્રાઈઝની સાથે સંપર્ક કરીને, ત્યાનાં દેશોમાં તેને પહોંચાડ્યુ છે. કેન્યાની ટીમે પણ ઉપેન્દ્રભાઇની વર્કશોપની મુલાકાત લીધી હતી અને તેમના ટ્રેક્ટરનો ઉપયોગ કરીને જોયુ હતુ. આજે, આ થ્રી-વ્હીલર ટ્રેક્ટરની આફ્રિકામાં પણ માંગ છે.
“ટ્રેક્ટર સિવાય, અમે ઘણાં નાના અને મોટા ઈનોવેશન કર્યા છે જેથી ખેડૂતોને સતત મદદ કરવામાં આવે. થોડા દિવસો પહેલા, અમે એકવાર ફરી સૃષ્ટિ સાથે એક મશીન પર ફરી કામ કરવાની તક મળી. વાસ્તવમાં, તેઓ કંઈક એવું ઇચ્છતા હતા, જેનાથી શેરડીમાંથી પાંદડા સરળતાથી કાઢી શકાય. આ પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે અને કેટલીકવાર મજુરોને ઈજા થાય છે. તેથી સૃષ્ટિની ટીમ ઇચ્છતી હતી કે અમારે કંઈક એવું બનાવવું જોઈએ જે આ સમસ્યાનું નિરાકરણ લાવે.
ઉપેન્દ્રભાઈએ તેની ઉપર કામ કરતાં થોડા દિવસ પહેલાં જ હાથથી ચાલતુ એક એવું યંત્ર બનાવ્યુ, જેનાંથી સરળતાથી થોડીક જ મિનીટોમાં શેરડીનાં પાંદડા કાઢી શકાય છે. આ ડિવાઇસની કિંમત માંડ 500 રૂપિયા હશે. સૃષ્ટિના પ્રોજેક્ટ મેનેજર ચેતન પટેલ કહે છે કે, અમારો હેતુ ખેડૂત અને મજૂરોને મદદ કરવાનો છે. આવા નાના ઉપકરણો ઘણાં કામ સરળ બનાવે છે જેથી ખેતીને ફાયદાકારક અને સરળ બનાવી શકાય છે.”
ઉપેન્દ્રભાઇએ આ ઉપકરણ બનાવવા માટે લોકડાઉનનો સદ્દપયોગ કર્યો છે. તે જણાવે છે કે એક-બે અસફળ પ્રયત્નો પછી તેને તૈયાર કરવામાં આવ્યુ હતુ. નજીકના ગામમાં શેરડી ઉગાડતા ખેડૂતની પાસે જઈને તેનું ટ્રાયલ કર્યુ હતુ. પહેલા યંત્ર માટે ખેડૂતનો પ્રતિસાદ હતો કે, તે ભારે છે. તેથી ઉપેન્દ્રભાઇએ ફરીથી તેના પર કામ કર્યું અને બીજી વાર યોગ્ય મશીન તૈયાર કર્યું. હાલમાં તે સૃષ્ટિને મોકલવામાં આવ્યુ છે. ચેતન પટેલ કહે છે કે, ઉત્પાદન હજી પણ ટ્રાયલમાં છે અને તેઓ આશા રાખે છે કે તે ટૂંક સમયમાં જ ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

“આજે, 20 વર્ષોમાં, મોબાઈલનાં હજારો મોડેલ્સ બનાવવામાં આવ્યા છે, પરંતુ ખેતરમાં હેન્ડ ઓપરેટેડ ટૂલ્સનો બહુ વિકાસ થયો નથી. અમારો ઉદ્દેશ લોકોનું ધ્યાન આ તરફ લાવવાનું છે જેથી કૃષિ ક્ષેત્ર માટે જરૂરી આવિષ્કારો થાય. ઉપેન્દ્રભાઇ જેવા લોકો આ જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે. આશા છે કે, આ વલણ એ જ રીતે ચાલુ રહેશે,” અંતે ચેતન પટેલે કહ્યું.
જો તમને આ લેખમાંથી પ્રેરણા મળી હોય તો તમે ઉપેન્દ્રભાઇ રાઠોડનો rathodupendra28@gmail.com પર સંપર્ક કરી શકો છો!
આ પણ વાંચો: 12 પાસ ખેડૂતો બનાવી ‘સ્વર્ગારોહણ’ ભઠ્ઠી, માત્ર 70 થી 100 કિલો લાકડાંથી થઈ જશે અગ્નિ સંસ્કાર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.