તમિલનાડુના મદુરાઈમાં મેલાક્કલ ગામમાં રહેતા 57 વર્ષિય પીએમ મુરૂગેસન કેળાના ફાઈબરમાંથી દોરીઓ બનાવી તેમાંથી ઘણી વસ્તુઓ બનાવે છે. તેમનાં આ ઈકો ફેન્ડલી ઉત્પાદનો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશી ગ્રાહકો સુધી પણ પહોંચી રહ્યાં છે. આંતરરાષ્ટ્રિય સ્તરે ઓળખ મેળવનાર મુરૂગેસન એક સફળ ઉદ્યોગપતિ હોવાની સાથે-સાથે એક સંશોધક પણ છે. કેળાના ફાઈબરમાંથી દોરી બનાવવાનું કામ વધારે સરળ અને કારગર બનાવવા માટે તેમણે એક મશીનનું સંશોધન પણ કર્યું છે. તેમના આ સંશોધનના કારણે જ તેમણે તેમનો પોતાનો વ્યવસાય તો વધાર્યો જ છે, સાથે-સાથે ગામના અનેક લોકોને પણ રોજગાર આપે છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, “ખેતીમાં પિતાની મદદ કરવા માટે મારે આઠમા ધોરણ બાદ ભણવાનું છોડવું પડ્યું હતું. આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે આગળ ભણી ન શક્યો.” ખેડૂત પરિવારમાં મોટા થયેલ મુરૂગેસને બાળપણથી જ આ ક્ષેત્રમાં બહુ અસફળતાઓ જોઈ હતી. તે કહે છે કે, રાજ્યમાં કૃષિ વિભાગની મદદ છતાં ખેતીમાં કમાણી થતી નહોંતી. એટલે જ બધા આસપાસ કોઈ બીજી તક શોધતા હતા, પરંતુ બધેથી નિરાશા જ મળતી હતી. પરંતુ એક દિવસ તેમણે ગામમાં કોઈને ફૂલની માળા બનાવવામાં દોરાની જગ્યાએ કેળાના ફાઈબરનો ઉપયોગ કરતા જોયા. બસ ત્યારથી તેમને કેળાના કચરામાંથી બનેલ ઉત્પાદનોનો વ્યવસાય કરવાનો વિચાર આવ્યો.

આમ તો કેળના ઝાડનાં પાન, છાલ અને ફળ બધાનો ઉપયોગ થાય છે. પરંતુ થડના ઉપરની છાલ મોટાભાગના લોકો કચરામાં નાખે છે. ખેડૂતો તેને કાંતો બાળી નાખે છે અથવા તો ‘લેન્ડફિલ’ માં મોકલી દે છે. જોકે મુરૂગેસનનને કેળાના આ કચરામાં જ ભવિષ્ય દેખાયું.
કચરામાં શોધ્યો ખજાનો
વર્ષ 2008 માં મુરૂગેસને કેળાના ફાઈબરમાંથી દોરી બનાવવાની શરૂ કરી. તેઓ જણાવે છે કે, તેમણે કેળાના ફાઈબરના દોરામાંથી ફૂલની માળા બનાવવામાં થતો ઉપયોગ તેમણે જોયો હતો. બસ તેમાંથી જ તેમને વિચાર આવ્યો. આ વિશે તેમણે પરિવાર સાથે ચર્ચા કરી કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો આ કામ ખૂબજ મુશ્કેલ હતું. તેઓ બધુ જ પોતાની જાતે જ કરતા હતા. જેમાં બહુ સમય પણ લાગતો હતો અને ઘણીવાર ફાઈબરમાંથી દોરી બનાવતી વખતે તે અલગ પણ પડી જતી હતી.

એટલે તેમણે નારિયેળની છાલમાંથી દોરી બનાવવાની મશીન પર ટ્રાયલ કર્યો. પરંતુ તેમાં સફળતા ન મળી. તેમણે જણાવ્યું, “મેં નારિયેળની છાલને પ્રોસેસ કરતા પશીન પર કેળાના ફાઈબરનું પ્રોસેસિંગ ટ્રાય કર્યું, આનાથી કામ તો ન થયું, પરંતું આઈડિયા મળી ગયો.” મુરૂગેસને કેળાના ફાઈબરના પ્રોસેસિંગ માટે ઘણા ટ્રાયલ કર્યા. અંતે તેમણે એક જૂની સાઈકલની રિમ અને પુલ્લીનો ઉપયોગ કરી એક ‘સ્પિનિંગ ડિવાઈસ.’ બનાવ્યું. આ દરેકને પોષાય એવું સંશોધન હતું.

બનાવ્યું પોતાનું મશીન:
તેમનું કહેવું છે કે, ફાઈબરના પ્રોસિંગ બાદ તેઓ આમાંથી પણ ઉત્પાદન બનાવે તે બઝાર માટે અનુકૂળ હોય તે બહુ જરૂરી છે. એટલે દોરીની ગુણવત્તા પર કામ કરવું ખૂબજ મહત્વનું હતું. આ પ્રક્રિયા માટે ડિવાઈસમાં સતત બદલાવ કરતા રહ્યા અને લગભગ દોઢ લાખના ખર્ચમાં તેમણે તેમનું મશીન બનાવી દીધું. આ મશીન માટે તેમને પેટન્ટ પણ મળી ચૂકી છે. તેઓ જણાવે છે, “મશીન તૈયાર કર્યા બાદ મેં ‘બાયો ટેક્નોલૉજી ઈન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ’ (BIRAC) નો સંપર્ક કર્યો. ત્યાં મેં તેમને મારી ડિઝાઇન બતાવી અને તેમની મદદ માંગી. ત્યારબાદ તેઓ ગામ આવીને મશીન જોઈ ગયા અને તેમને આ આઈડિયા બહુ ગમ્યો. તેમણે આ વિસ્તારના બીજા ખેડૂતોને પણ આ મશીનનો ઉપયોગ કરવાની સલાહ આપી.”
આ મશીનથી તેમનું કામ તો ચાલી રહ્યું હતું, પરંતુ બીજી પણ ઘણી વસ્તુઓ હતી, જેનું નિરાકરણ કરવું બહુ જરૂરી હતું. તેઓ કહે છે કે, ઉત્પાદનોની ગુણવત્તા અને શેલ્ફ લાઈફ વધારવા માટે એ બહુ જરૂરી હતું કે, ફાઈબરમાંથી જે દોરી બનાવવામાં આવે તેમ બહુ મજબૂત હોય. આ માટે તેઓ ફાઈબરમાંથી દોરી બનવ્યા બાદ, બે દોરીઓને સાથે જોડે છે, જેથી તેની મજબૂતી વધી જાય છે. ત્યારબાદ આ દોરીમાંથી ઉત્પાદનો બનાવવામાં આવે છે. તેમના મશીનમાંથી દોરીઓ તો બનતી હતી, પરંતુ તેમને જોડવાનું કામ હાથથી જ કરવામાં આવતું હતું.

ત્યારબાદ 2017 માં તેમણે દોરી બનાવવા માટે એક ઓટોમેટિક મશીન બનાવ્યું. આ મશીનની ખાસિયત એ છે કે, તે દોરીઓ તો બનાવે જ છે, સાથે-સાથે બે દોરીઓને જોડવાનું કામ અપણ કરે છે. આ બાબતે મુરૂગેસન જણાવે છે, “આ મશીન પહેલાં હું જે મશીન પર કામ કરતો હતો, તેમાં ‘હેન્ડ વ્હીલ મિકેનિઝમ’ હતું. તેમાં એક વ્હીલ પર પાંચ લોકોની જરૂર પડતી હતી, જેનાથી 2500 મીટર લાંબી દોરી બનતી હતી. પરંતુ નવાં મશીનથી અને 15,000 મીટર લાંબી દોરી બનાવીએ છીએ અને આ પ્રક્રિયામાં માત્ર ચાર લોકોની જ જરૂર પડે છે.”
શરૂ કર્યો પોતાનો બિઝનેસ
મુરૂગેસને પોતાનું મશીન બનાવવા અને કામ વધારવા માટે રાત-દિવસ મહેનત કરી, પરંતુ આજે તેઓ જે મુકામ પર છે એ જોતાં તેમને પોતાની જાત પર ગર્વ થય છે. આજે પાંચ લોકો સાથે શરૂ થયેલ આ કામમાં 350 કારીગરો કામ કરે છે. તેમના ઉદ્યોગ ‘એમએસ રોપ પ્રોડક્શન સેન્ટર’ દ્વારા તેઓ આ બધાને સારો રોજગાર આપે છે. જેની સૌથી સારી વાત એ છે કે, ઘણી મહિલાઓ પોતાને સમય મળે એ પ્રમાણે ઘરે રહીને જ કામ કરી શાકે છે. આ બધી જ મહિલાઓ તેમની પાસેથી રૉ મટીરિયલ લઈ જાય છે અને પોતાના ઘરે ટોકરી, ચટ્ટાઈ, બેગ જેવી વસ્તુઓ બનાવી આપે છે.
આ ઈકો-ફેન્ડલી અને સસ્ટેનેબલ ઉત્પાદનોની વિદેશોમાં પણ બહુ માંગ છે. રાજ્યનાં સહકારી સમૂહો અને કારીગરોની હાટમાં પણા તેઓ તેમનાં ઉત્પાદનોનું પ્રદર્શન કરે છે. આ સિવાય તેમનાં મોટાભાગનાં ઉત્પાદનોની નિકાસ થાય છે. મુરૂગેસન દર વર્ષે લગભગ 500 ટન કેળાના ‘ફાઈબર વેસ્ટ’ નું પ્રોસેસિંગ કરે છે. તેનાનું તેમનું વાર્ષિક ટર્નઓવર લગભગ ડોઢ કરોડ રૂપિયા છે.
તેમનાં ઉત્પાદનો સિવાય, મુરૂગેસન સ્વારા બનાવેલ મશીનોની પણ બહુ માંગ છે. તેમણે અત્યાર સુધીમાં તમિલનાડુ સિવાય મણિપુર, બિહાર, આંધ્ર પ્રદેશ અને કેરળ જેવાં રાજ્યોમાં લગભગ 40 મશીન વેચ્યાં છે. મશીન વેચવાની સાથે-સાથે તેઓ લોકોને તેના ઉપયોગની ટ્રેનિંગ પણ આપે છે. તેઓ જણાવે છે, “મને ‘નાબાર્ડે’ પણ 50 મશીનોના ઓર્ડર માટે સંપર્ક કર્યો છે, જેને તેઓ આફ્રિકા મોકલશે.”

મળ્યાં છે સન્માન:
પોતાના આવિષ્કાર અને ઉદ્યોગ માટે મુરૂગેસનને અત્યાર સુધીમાં સાથે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરનાં સન્માન મળ્યાં છે, તેમને સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (Ministry of Micro Small and Medium Enterprises Department) અંતર્ગત ખાદી વિકાસ અને ગ્રામોધ્યોગ આયોગ દ્વારા ‘પીએમઈજીપી’ (પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ) અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તેમને કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા ‘રાષ્ટ્રીય કિસાન વૈજ્ઞાનિક પુરસ્કાર’ અને જબલપોરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘સર્વશ્રેષ્ઠ ઉદ્યમી પુરસ્કાર’ થી નવાજવામાં આવ્યા છે.
પુરસ્કારો કરતાં વધારે ખુશી મુરૂગેસનને એ વાતની છે કે, તેઓ તેમના ગામ અને સમાજને બદલાવ લાવવા માટે સક્ષમ કરી રહ્યા છે, તેમની એક પહેલથી આજે સેંકડો લોકોને રોજગાર મળી રહ્યો છે. અંતે મુરૂગેસન માત્ર એટલું જ કહે છે કે, તેમને સંતોષ છે. તેમના પ્રયત્નોથી તેઓ દેશના મંત્રીઓ, વિદેશ પ્રતિનિધીઓ અને બીજાં રાજ્યના લોકોને પણ પોતાના ગામ સુધી ખેંચી લાવ્યા છે અને તેમને શીખવાડી શક્યા છે, આનાથી વધારે બીજું શું જોઈએ! ખરેખર મુરૂગેસન દેશની દરેક પેઢી માટે એક પ્રેરણા છે.
જો તમને પણ આ કહાની ગમી હોય તો તમે તેમને 9360597884 નંબર પર મેસેજ કરી શકો છો.
આ પણ વાંચો: કૉલેજનું પગથિયું નથી ચડ્યો પરંતુ 35 પ્રકારનાં ઓજારો બનાવ્યાં આ યુવાને, દેશ-વિદેશમાં મોકલ્યા 5000+ સેટ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.