મને માટીનાં ચૂલા પર બનેલું ખાવાનું બહુજ પસંદ છે. આજે પણ ક્યારેક-ક્યારેક જ્યારે ઘરમાં મમ્મી ચૂલા પર રોટલીઓ શેકે છે તો અમે બધા જ ભાઈ-બહેન ચૂલાની ફરતે બેસી જઈએ છીએ. પરંતુ થોડી જ વારમાં ધુમાડો આંખોમાં વાગવા લાગે છે અને અમે લોકો ત્યાંથી ભાગી જઈએ છીએ, અમે લોકો થોડીવાર માટે પણ ધુમાડો સહન કરી શકતા નથી.
પરંતુ આજે પણ, ભારતના ઘણા ગામોમાં, અસંખ્ય મહિલાઓ રાંધતી વખતે આ ધુમાડો સહન કરે છે. અને ફક્ત મહિલાઓ જ નહીં પરંતુ ઘરના બાળકો પણ તેનો ભોગ બને છે. ઘણી વખત તેમને ધુમાડાને કારણે કફ અને દમ જેવા રોગો પણ થાય છે. રિપોર્ટ મુજબ, દુનિયામાં દર વર્ષે લગભગ 3.8 મિલિયન લોકોનાં મોત ઘરોમાં ધુમાડાના કારણે થતાં વાયુ પ્રદૂષણથી થતી બિમારીઓ જેવી કે ન્યૂમોનિયા, સ્ટ્રોક, શ્વાસ લેવામાં તકલીફ વગેરેને કારણે થાય છે.
આવી સ્થિતિમાં, સવાલ એ આવે છે કે લાકડાં અને છાણાં સિવાય બીજું શું બળતણમાં વાપરવું જોઈએ? ભલે સરકાર દ્વારા સબસિડી પર એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, પરંતુ ગ્રામીણ મહિલાઓ ચૂલા પર જ રસોઇ બનાવવાનું પસંદ કરે છે.

તેથી, આપણે કોઈ એક એવો વિકલ્પ જોઈએ જે પર્યાવરણને અનુકૂળ પણ હોય અને જેમાં ધૂમાડો પણ ના બરાબર થાય. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે તે ગ્રામીણ વિસ્તારોમાં સરળતાથી મળી શકે છે. આ કિસ્સામાં, અમારી શોધ બાયોમાસ બ્રિકેટ્સ પર સમાપ્ત થાય છે.
બાયોમાસ બ્રિકેટ્સ એ આર્થિક, પર્યાવરણમિત્ર અને ખૂબ જ કાર્યક્ષમ બળતણ વિકલ્પ છે, પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે તેને કેવી રીતે બનાવવો? જોકે બજારોમાં બ્રિકેટ બનાવવા માટે મોટી મશીનરીઓ ઉપલબ્ધ છે, પરંતુ આ મશીનો એટલા ખર્ચાળ છે કે સામાન્ય ગામલોકો તેને ખરીદી શકતા નથી.
ગામલોકોની આ બધી સમસ્યાઓ જાણીને ગુજરાતના એન્જિનિયર દર્શીલ પંચાલે એક હાથથી ચાલતુ બ્રિકેટિંગ મશીન બનાવ્યું છે, જેને બહુજ સરળતાથી આ બ્રિકેટ્સ બનાવી શકાય છે. આ મશીનને ન તો વિજળીની જરૂર છે, ન પેટ્રોલ અને ડીઝલની. આ હાથથી બનાવેલાં મશીનનું વજન ખૂબ ઓછું છે અને જગ્યા પણ ઓછી રોકે છે.
ગુજરાતના વાપીમાં રહેતા દર્શીલે યુ.એસ.થી ઈન્ડસ્ટ્રિયલ એન્જીનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. અમેરિકાથી પરત ફર્યા બાદ, તેણે પોતાનો પારિવારિક વ્યવસાય શરૂ કર્યો, એસ.કે.એન્જિનિયર્સમાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં તેઓ વિવિધ ઉદ્યોગો માટે મશીનરી બનાવે છે. પરંતુ દર્શિલ કંઇક અલગ કરવા માંગતો હતો.
બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “એક સામાજિક ફાઉન્ડેશન સાથે કામ કરવા દરમિયાન મને ખબર પડી કે આજે પણ ગામડાંની મહિલાઓ પરંપરાગત બળતણના કારણે ઘણા રોગોનો ભોગ બને છે. હું ઇચ્છું છું કે તેઓ માટે કોઈ બળતણ ઉપલબ્ધ હોય જે તેમના માટે સસ્તુ અને સારું હોય. જ્યારે હું તેના પર કામ કરતો હતો, ત્યારે મને બાયોમાસ બ્રિકેટ્સ વિશે જાણ થઈ.”
શું છે બાયોમાસ બ્રિકેટ?
ખેતીમાં બચતા જૈવિક કચરો જેવો કે લાકડાનો વહેર, પરાળી, ફૂસ વગેરે અને કિચન વેસ્ટ તેમજ ગોબર વગેરેનો ઉપયોગ કરીને આ બ્રિકેટ બનાવવામાં આવે છે. તે કોલસાનો જૈવિક વિકલ્પ છે. એક બ્રિકેટ લગભગ 15-20 મિનિટ સુધી સળગે છે. અને તે એકંદર પર્યાવરણને અનુકૂળ છે. ઉપરાંત, તેઓ ખૂબ ઓછા વજનવાળા છે અને તેઓ સ્ટોર કરવા પણ સરળ છે.

ખેડૂત ઘણીવાર ખેતરોમાં રહેલો કચરો બાળી નાખે છે, પરંતુ તે ખૂબ કારગર સાબિત થઈ શકે છે, તેઓ જાણતા નથી. બાકીના, જેમની પાસે થોડું ઘણું જ્ઞાન છે, તેઓ ઘણીવાર બ્રિકેટ્સ કેવી રીતે બનાવવા તે વિચારે છે. બીજી બાજુ, આ બ્રિકેટ્સનો ઉપયોગ દેશના મોટાભાગના બોઈલર પ્લાન્ટ્સમાં થાય છે. જેના માટે ઉદ્યોગપતિઓ ગામડામાંથી ખૂબ જ ઓછા ભાવે કાર્બનિક કચરો ખરીદે છે અને ત્યારબાદ ઇલેક્ટ્રિક મશીનોમાંથી બ્રિકેટ્સ બનાવે છે અને ઉદ્યોગમાં તેનો ઉપયોગ કરે છે.
દર્શીલે વિચાર્યું કે, તેઓના ફાયદા માટે ગામના આ માધ્યમોનો ઉપયોગ કેમ ન કરવો જોઈએ.
તેમના વિચાર પર કામ કરતી વખતે, તેમણે મેન્યુઅલ બ્રિકેટિંગ મશીનનો ડ્રાફ્ટ તૈયાર કર્યો, જે ગ્રામીણ ભારત માટે એક સારું ઈનોવેશન સાબિત થયું.

પ્રક્રિયા શું છે?
દર્શિલ સમજાવે છે કે, બ્રિકેટ્સ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. કોઈ પણ તેને તેના રોજિંદા કામમાં સરળતાથી બનાવી શકે છે. સૌ પ્રથમ, તમામ પ્રકારના કચરો, એગ્રી-વેસ્ટ, રસોડાનો કચરો, કાગળ વગેરે નાના ટુકડા કરી દેવામાં આવે છે. ત્યારબાદ તેમાં થોડું પાણી અને ગોબર ભેળવીને સ્લરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે આ મિશ્રણ થોડું ઘટ્ટ થાય છે, ત્યારે તેને મશીનમાં મૂકવામાં આવે છે અને બ્રિકેટ્સનો આકાર આપવામાં આવે છે.
આકાર આપ્યા પછી, બ્રિકેટ્સને બેથી ત્રણ દિવસ સુધી સૂકવવામાં આવે છે. તમે આ બ્રિકેટને ઘરે બળતણ તરીકે વાપરી શકો છો અને સાથે જ, તમે તેને બજારમાં 7 રૂપિયાથી 10 રૂપિયા પ્રતિ કિલોમાં વેચીને સારી આવક મેળવી શકો છો.
દર્શિલ સમજાવે છે કે તેણે બ્રિકેટ્સ બનાવવાની તેમની ક્ષમતા અનુસાર અત્યાર સુધીમાં મેન્યુઅલ બ્રિકેટિંગ મશીનનાં 3 મોડેલ બનાવ્યાં છે. જો બે લોકો આ મશીનો પર દરરોજ 8 કલાક કામ કરે છે, તો પછી બ્રિકેટિંગ લિવર પ્રેસ મોડેલથી એક કલાકમાં 20-25 બ્રિવેટ્સ બનાવી શકાય છે. આ મશીન દિવસમાં આશરે 40 કિલો બ્રિકેટ્સ બનાવવાની ક્ષમતા ધરાવે છે. અને જીએસટી સહિતના આ મશીનની કિંમત તમારા માટે 16,000 રૂપિયા છે.
તો, 22,000 રૂપિયાની કિંમતવાળી બ્રિકેટિંગ જેક મશીન એક દિવસમાં 64 કિલો બ્રિકેટ અને કલાકમાં 35-40 બ્રિકેટ્સ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. ત્રીજું મોડેલ બ્રિકેટિંગ હાઇડ્રોલિક જેક છે, જે તમને દરરોજ 90 કિલો બ્રિકેટ્સ અને કલાક દીઠ 48-56 બ્રિકેટ્સ બનાવવા દે છે. તેની કિંમત 28,000 રૂપિયા છે.
આ મશીનોની વિશેષતા વિશે વાત કરતાં દર્શીલે કહ્યું કે, “અમારા મશીનો ખૂબ ઓછા વજનવાળા છે અને ફોલ્ડેબલ છે. કોઈ પણ તેમને સરળતાથી ઉપાડી શકે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકે છે. આ સિવાય વીજળીની આવશ્યકતા નથી અથવા વિશેષ જાળવણી કરવાની રહેશે નહીં.”

દર્શિલના જણાવ્યા અનુસાર, તેમની કંપનીએ અત્યાર સુધીમાં 200 કરતાં વધારે મશીન વેચ્યા છે. તેમણે મણિપુર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન અને ઝારખંડ જેવા રાજ્યોમાં મશીનો આપ્યા છે. જો કે, તેમણે કહ્યું કે તેઓ ગ્રામીણ સમુદાયોમાં ઘણા ઓછા મશીનો પૂરા પાડવામાં સફળ રહ્યા છે. મોટે ભાગે, આ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત સંસ્થાઓએ તેમની પાસેથી ગ્રામીણ રોજગારને પ્રોત્સાહન આપવા માટે મશીનો ખરીદ્યા છે.
“અમે જે પણ સંગઠનો અથવા તો સ્વયં સંચાલિત ગ્રુપોને મશીનો આપીએ છીએ, તેમની પાસે એકવાર જઈને તેનો ઉપયોગ કરવાની તાલીમ આપીએ છીએ. પ્રક્રિયા ખૂબ જ સરળ છે, તેથી તે ખૂબ જ દુર્લભ એવું થાય છેકે અમારે ફરી જવું પડે,” તેમણે કહ્યું.
બ્રિકેટીંગ મશીન ઉપરાંત, દર્શિલે કચરો-વ્યવસ્થાપન માટે મશીન પણ બનાવ્યું છે. તેઓ કહે છે કે પ્લાસ્ટિક અથવા કૃષિ કચરો રિસાયક્લિંગ અથવા પ્રોસેસિંગ માટે વ્યવસ્થિત રીતે મોકલવો ઘણીવાર મુશ્કેલ હોય છે. કારણ કે તે ઘણી બધી જગ્યા રોકે છે અને વેરવિખેર રહે છે.
તેથી તેઓએ આ કચરાને કોમ્પેક્ટ કરીને વ્યવસ્થિત કરી શકાય એવું મશીન બનાવ્યું છે. આનાથી તે વેસ્ટ મેનેજ પણ થઈ જશે, સ્ટોરેજમાં જગ્યા પણ ઓછી થશે અને ટ્રાન્સપોર્ટેશન ખૂબ સરળતાથી થઈ શકશે.
આખરે દર્શિલ જણાવે છે કે તેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ ભારત માટે ઇકો-ઇનોવેશન કરવાનો છે. જેઓ ઓછા ખર્ચના હોય અને તેમના રોજિંદા જીવનનો એક ભાગ બનીને તેમના માટે રોજગારનું સાધન શોધવામાં મદદ કરે છે. કોઈપણ ગ્રામ પંચાયત આ મશીનો તેમની પાસેથી લઇને તેમના ગામમાં સ્થાપિત કરી શકે છે. આનાથી ગામમાં કચરો વ્યવસ્થાપન પણ થશે અને ગામડાના લોકો માટે બળતણ તેમજ વધારાની આવક થશે.
દર્શિલ પંચાલનો સંપર્ક કરવા માટે 9638780377 પર ડાયલ કરો અથવા તમે તેમને contact.skengineers@gmail.com પર મેઇલ કરી શકો છો!
આ પણ વાંચો: કૉલેજનું પગથિયું નથી ચડ્યો પરંતુ 35 પ્રકારનાં ઓજારો બનાવ્યાં આ યુવાને, દેશ-વિદેશમાં મોકલ્યા 5000+ સેટ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.