સત્ય અને અહિંસા પર મહાત્મા ગાંધીના વિચારો અને સંદેશને માત્ર ભારતીયો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણા લોકો અનુસરે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં મહાત્મા ગાંધી વિશે શીખવવામાં આવે છે. એટલું જ નહીં, તમને ઘણા દેશોમાં તેની પ્રતિમા પણ મળશે.
પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ફ્રાન્સ, ઇટાલી, ઇંગ્લેન્ડ, આર્જેન્ટિના, રશિયા, મલેશિયા સહિત લગભગ 150 દેશોમાં ગાંધીજીની પ્રતિમાઓ માત્ર એક જ શિલ્પકાર દ્વારા નિર્માણ કરવામાં આવી છે – રામ વનજી સુતાર!

મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના ગોંડુર ગામમાં જન્મેલા રામ વનજી સુતાર વિશ્વ વિખ્યાત શિલ્પકાર છે. અત્યાર સુધી તેમણે લગભગ 8,000 નાની-મોટી પ્રતિમાઓ બનાવી છે, જેમાં સંસદમાં મુકાયેલી કેટલાક અગ્રણી રાજકારણીઓની પ્રતિમાઓ, ગંગા-યમુનાની પ્રતિમા, ગાંધી સાગર ડેમ માટે ચંબલ નદીની પ્રતીકાત્મક પ્રતિમા અને તાજેતરમાં જ બનેલી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સરદાર પટેલની પ્રતિમાનો પણ સમાવેશ થાય છે.
96 વર્ષીય સુતાર પોતાના પુત્ર અનિલ સુતાર સાથે ઉત્તર પ્રદેશના નોઈડામાં રહે છે. અનિલ સુતાર પણ તેમના પિતાની જેમ ખ્યાતનામ શિલ્પકાર છે. તે તેમના પિતા સાથે નોઈડામાં તેમના સ્ટુડિયો અને વર્કશોપનું કામ સાંભળે છે.
શિલ્પકલાની કારીગીરી સુતાર પરિવારમાં પેઢી દર પેઢી આગળ ધપે છે અને દર વખતે નવી પેઢી આ કળાને નવો દરજ્જો આપે છે. ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા સુતાર કહ્યું,

“સુતાર એટલે ‘સુતાર’ જેનો અર્થ થાય છે લાકડાનું કામ કરનાર. મારા પિતા એક સામાન્ય સુતાર હતા, પરંતુ તેમની શિલ્પકલા તેમની ખાસિયત હતી . તે પોતાના તમામ કામ ખૂબ જ કલાત્મક રીતે કરતા હતા. ઘરોમાં લાકડાનું કામ કરવા ઉપરાંત, તેઓ ઘણીવાર લાકડામાંથી મૂર્તિઓ વગેરે બનાવતા હતા. તેમની પાસેથી મેં પણ શિલ્પકલાના ગુણો શીખ્યા છે.
તેમની સર્જનાત્મક ક્ષમતાથી પ્રભાવિત તેમના શિક્ષકોએ પણ હંમેશા તેમને આગળ વધવા માટે પ્રેરિત કર્યા. તેમના જીવનમાં તેઓ તેમના એક ગુરુ શ્રી રામકૃષ્ણ જોશીનું મહત્વનું યોગદાન માને છે. તેમણે કહ્યું કે તેમના ગુરુ જોશીએ તેમને હંમેશા કંઈક નવું અને અનોખું કરવા માટે પ્રેરિત કર્યા. તેમની પાસેથી જ સુતાર માટીમાં જીવ નાખવાનું શીખ્યા.
શાળાના દિવસો દરમિયાન, તેમણે તેમના ગુરુના માર્ગદર્શન હેઠળ સિમેન્ટમાંથી ગાંધીજીની પ્રતિમા બનાવી હતી. આ મૂર્તિ તેમના ગામમાં સ્થાપિત કરવામાં આવી હતી. તેઓ હસે છે અને કહે છે,
“મને આ મૂર્તિ માટે 100 રૂપિયા મળ્યા, જે તે સમયે ખૂબ વધારે હતા. પછી બીજા ગામના લોકોએ પણ મૂર્તિ બનાવવાનું કહ્યું અને તેઓએ 300 રૂપિયા આપ્યા. બસ ત્યાંથી જ શિલ્પ બનાવવાનું કામ ચાલુ થયું.

તેમણે વધુમાં જણાવ્યું કે તેમના ગુરુજીના પ્રયાસોને કારણે જ તેમને બોમ્બે (હવે મુંબઈ) ની જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં પ્રવેશ મેળવ્યો. તેમના ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી, પરંતુ તેમના ગુરુ તેમને ખર્ચ માટે દર મહિને 25 રૂપિયા મોકલતા હતા.
રામ વનજી સુતાર વર્ષ 1953 માં પોતાનો આર્ટ ડિપ્લોમા પૂર્ણ કર્યો,તેમના સમયમાં તેઓ તેમની બેચના ટોપર હતા. તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તરત જ વર્ષ 1954 માં તેમને પુરાતત્વ વિભાગમાં નોકરી મળી. અહીં તેમણે અજંતા અને ઇલોરા ગુફાઓના શિલ્પોને સુંદર બનાવવાનું કામ કર્યું. ત્યારબાદ તેઓ ઓડિયો-વિઝ્યુઅલ પબ્લિસિટી, માહિતી અને પ્રસારણ મંત્રાલય, નવી દિલ્હીમાં ટેકનિકલ આસિસ્ટન્ટ (મોડલ) તરીકે જોડાયા અને વર્ષ 1959 સુધી ત્યાં કામ કર્યું.

સુતાર કહે છે કે, “મેં સરકારી નોકરી છોડી દીધી અને મારું પોતાનું કામ શરૂ કર્યું. મને અહીંથી અને ત્યાંથી થોડું કામ મળવાનું શરૂ થયું. પછી મને મધ્યપ્રદેશમાં ગાંધી સાગર ડેમ માટે ચંબલ નદીને સમર્પિત મૂર્તિ બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો. મેં તેના પર કામ કરવાનું શરૂ કર્યું અને ચંબલ નદીને સમર્પિત પ્રતીકાત્મક પ્રતિમા કેવી રીતે બનાવવી તે વિચારવાનું શરૂ કર્યું. પછી મને સમજાયું કે ચંબલ નદી મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંને રાજ્યોને જોડે છે. તેથી, મેં તેની સાથે બે છોકરા બનાવ્યા, જે માતા તરીકે ચંબલ નદીનું પ્રતિનિધિત્વ કરે છે, જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાઈચારાનું પ્રતીક છે, ”
45 ફૂટ પર ચંબલ નદીની આ પ્રતીકાત્મક પ્રતિમા તેમની અત્યાર સુધીની કારકિર્દીનું સૌથી મોટું કામ હતું. આ મૂર્તિ આજે પણ તેમના માટે ખૂબ જ ખાસ છે.
તેના વિષે વાત કરતાં તેમણે કહ્યું, “આ મૂર્તિની વિશેષતા એ છે કે તેને એક જ પથ્થરમાંથી કોતરવામાં આવી છે. જ્યારે આ ડેમના ઉદ્ઘાટન સમયે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, ત્યારે પંડિત નેહરુને આ પ્રતિમા ખૂબ ગમી હતી.
ચંબલ નદીની પ્રતિમા બાદ કારીગરી ક્ષેત્રે સુતારનું નામ પ્રસ્થાપિત થયું. લોકો તેમને ઓળખવા લાગ્યા.
“આ કામ પછી ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું. પછી જ્યારે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે સ્થિત છત્રમાં લાગેલી રાજા જ્યોર્જ પાંચમાની પ્રતિમાને લઈને વિવાદ થયો ત્યારે સરકારે તેને હટાવવા અને અહીં મહાત્મા ગાંધીની પ્રતિમા મુકવાનું કહ્યું. જ્યારે મેં કામ શરૂ કર્યું ત્યારે કોઈએ કહ્યું કે મહાત્મા ગાંધીની પ્રતિમા બેઠક સ્થિતિમાં જોઈતી હતી, તો કોઈને ઉભી મુદ્રામાં જોઈતી હતી, ”સુતારજીએ હસતા હસતા કહ્યું.
તેમણે બંને મુદ્રાઓના શિલ્પોની રચના કરી. તેમણે ગાંધીજીની એક ડિઝાઇન બનાવી હતી જેમાં તેઓ બેસીને ધ્યાન કરી રહ્યા હતા. બીજી મહાત્મા ગાંધીની ‘અસ્પૃશ્યતા વિરોધી’ થીમથી પ્રેરિત હતી. તેમાં મહાત્મા ગાંધી ઉભા છે અને તેમની સાથે બે ‘હરિજન’ બાળકો પણ છે અને તેના પર લખેલું છે, ‘મારું જીવન જ મારો સંદેશ છે’!
બંને ડિઝાઈનો જોઈને તે સમયે સરકારે ગાંધીજીની ધ્યાન મુદ્રા ડિઝાઇનને પ્રાધાન્ય આપ્યું. જ્યારે 16 ફૂટની આ પ્રતિમા તૈયાર થઈ હતી, ત્યારે તેને ફરીથી છત્રમાં મૂકવાનો વિરોધ થયો હતો. “લોકો કહેતા હતા કે આ છત્ર બ્રિટિશ સરકારે બનાવ્યું છે, અહીં ગાંધીજીની પ્રતિમા મૂકવી યોગ્ય નથી. મૂર્તિ તૈયાર હતી, પરંતુ વિવાદ ચાલુ રહ્યો અને આખરે તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવની સરકારે પ્રતિમાને સંસદમાં મૂકવાનો નિર્ણય કર્યો.

જો કે, સુતારની બીજી ડિઝાઇન પણ વ્યર્થ ન ગઈ. વર્ષો પછી, બિહાર સરકારે તેમને આ મૂર્તિ બનાવવાનું કામ કરાવ્યું. વર્ષ 2013 માં પટણાના ગાંધી મેદાનમાં આ 40 ફૂટની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.
રસપ્રદ વાત એ છે કે, પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા સુતાર અત્યાર સુધીમાં વિવિધ ડિઝાઇન, આકાર અને મુદ્રામાં ગાંધીજીની લગભગ 300-350 પ્રતિમાઓ બનાવી છે.
સંસદમાં ગાંધીજીની પ્રતિમા બાદ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઇ વગેરે જેવા અન્ય ઘણા પ્રખ્યાત રાજકારણીઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં તેમના દ્વારા બનાવવામાં આવેલી 16 જેટલી મૂર્તિઓ સંસદમાં સ્થાપિત છે.
સુતારના હાથોથી શિલ્પિત ભવ્ય મૂર્તિઓની યાદીમાં હવે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સરદાર પટેલનું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (182 ફૂટ ઊંચાઈ) નું નામ પણ સમાવિષ્ટ છે. આ ઉંમરે પણ, તેમણે જે ઝીણવટપૂર્વક અને સમર્પણ સાથે આ પ્રતિમા બનાવી છે તે સાબિત કરે છે કે ભારતમાં ભાગ્યે જ કોઈ અન્ય કારીગર આ જગ્યા પર પહોંચી શકે.
આજની પેઢી વિશે વાત કરતાં તેમણે કહ્યું, “કદાચ ભૂતકાળમાં અને હવે મહેનત અને ધીરજ વચ્ચે તફાવત છે. મને લાગે છે કે આજના કલાકારોએ કંઈક અલગ અને અનોખું કરીને ઝડપથી પ્રખ્યાત થવું છે. તેઓ આધુનિક કલા પાછળ દોડી રહ્યા છે. પરંતુ તેમની પાસે સખત મહેનત કરવાનો ઉત્સાહ નથી. ”

શિલ્પ ઉપરાંત, સુતાર દિવાલ-પેઇન્ટિંગ, કોતરણી વગેરેમાં પણ નિપુણ છે.
જો કે, આ મહાન કલાકાર હજુ પણ તેના એક પ્રોજેક્ટ અધૂરા રહી જવાથી દુઃખી છે. હકીકતમાં, ગાંધી સાગર ડેમ પછી, જ્યારે પંડિત નહેરુ ભાકરા-નાંગલ ડેમનું ઉદ્ઘાટન કરવા ગયા, ત્યારે તેમને સમજાયું કે અહીંયા પણ ચંબલ જેવી એક સ્મારક પ્રતિમા હોવી જોઈએ. પંડિત નહેરુ એ તમામ કામદારોની યાદમાં એક પ્રતિમા બનાવવા માંગતા હતા જેમના લોહી અને પરસેવાથી આ બંધનો પ્રોજેક્ટ પૂર્ણ થયો હતો.
“અમારી આ વિશે વાત થઈ. તેમણે મને કામદારોને સમર્પિત કંઈક બનાવવાનું કહ્યું. મેં આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું અને મારી ડિઝાઇન તૈયાર કરી. પરંતુ તે સમયે કેટલાક આર્થિક કારણોસર આ કામ આગળ વધી શક્યું ન હતું. અને નેહરુના ગયા પછી ફરી કોઈએ આ પ્રોજેક્ટની ચર્ચા જ ન કરી. પરંતુ મને લાગે છે કે જો આ પ્રોજેક્ટ આજે પણ આગળ વધે તો ખૂબ જ યાદગાર પ્રતિમા બનાવવામાં આવશે.”

આજે પણ, તે તેમના કાર્ય પ્રત્યે એટલા જ સક્રિય છે જેટલા તે યુવાનીમાં હતા. તેઓ તેમના દરેક પ્રોજેક્ટ પર અત્યંત પ્રામાણિકતા અને સખત મહેનતથી કામ કરે છે, પછી તે નાના હોય કે મોટા.
અંતે તે માત્ર એટલું જ કહે છે, “કલાકારને પોતાનો રસ્તો જાતે બનાવવો પડે છે. તે પોતાની કલા માટે જેટલો ભૂખ્યો, તેટલું વધારે કામ તેને મળે છે. હું હંમેશા કામ માટે ભૂખ્યો હતો અને મને કામ મળતું રહ્યું. બસ મહેનત કરતા રહો. “

રામ વનજી સુતાર દ્વારા બનાવવામાં આવેલી વધુ મૂર્તિઓ જોવા અને તેમના અન્ય પ્રોજેક્ટ્સ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો!
મૂળ લેખ: નિશા ડાગર
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: એક પણ ઝાડ કાપ્યા વગર બનાવ્યો સાસણગીરનો રિસોર્ટ, મળે છે અહીં જ ઉગતું ઑર્ગેનિક ભોજન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.