જૂનાગઢ શહેરના MA B.ed હિરલબેન શેઠ એક શિક્ષિકા રહી ચૂક્યા છે. અત્યારે હિરલબેન હોમમેડ ચોકલેટ બનાવી વિવિધ જગ્યાએ તેનું વેચાણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, કોરોના કાળમાં જ્યારે દેશભરમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યુ હતું. જેથી કોઈપણ જગ્યાએ ખાવા-પીવાની વસ્તુ પણ સમયસર મળતી ન હતી. તો હિરલબેનના દીકરાને ચોકલેટ અને ડોનટ્સ બહુ ભાવતા હતા, પરંતુ તે સમયે માર્કેટમાં આ બધી વસ્તુઓ બહુ જ ઓછી મળતી હતી, જેના કારણે તેમણે દીકરા માટે આ બધુ ઘરે જ બનાવવાનું શરૂ કર્યું. જે તેમના દીકરાને તો ભાવતું જ, સાથે-સાથે સગાં-સંબંધીઓને પણ ચખાડતાં, તેમને પણ બહુ ભાવ્યાં.
શોખ બન્યો પ્રોફેશન
આ સમય એવો હતો કે શાળાઓ પણ બંધ હતી. હિરલબેન પાસે સમય પણ બહુ હતો, એટલે તેમણે આ સમયનો સદઉપયોગ કરતાં તેમના આ શોખ અને આવડતમાં આગળ વધવાનું નક્કી કર્યું. તેમણે શરૂઆતમાં તો સગાં-સંબંધીઓને તેમના ઘરે બનાવેલ ચોકલેટ્સ અને ડોનટ્સ મોકલવાના શરૂ કર્યા અને તેમના રિવ્યૂ માંગ્યા. બધાને તેમની બનાવેલ આ બધી વાનગીઓ ખૂબજ ભાવતાં તેમણે હવે ફોન પર લોકોના ઓર્ડર લેવાના શરૂ કર્યા. તેમના આ કામની જાહેરાત માટે તેમણે પૈસા નથી ખર્ચ્યા. જે પણ વ્યક્તિ એકવાર તેમની પાસેથી ખરીદે છે, તે બીજી વાર ચોક્કસથી આવે છે અને સાથે-સાથે બીજા લોકોને પણ જણાવે છે, જેના કારણે, દિવસે-દિવસે તેમની લોકપ્રિયતા વધવા લાગી. આજે તેમનો આ શોખ જ તેમનો પ્રોફેશન બની ગયો છે, જેમાંથી તેમને સારી એવી આવક પણ મળવા લાગી છે.

હિરુસ હોમડેટ ચોકલેટ
હિરલબેન તેમના હિરૂસ હોમમેડ ચોકલેટ સ્ટાર્ટઅપ અંતર્ગત અલગ-અલગ શેપ અને આકારની ચોકલેટ બનાવવા લાગ્યાં છે. તેઓ સિઝન, તહેવાર અને ઈવેન્ટ અનુસાર ચોકલેટ્સ બનાવે છે. જેમકે બાળકનો બર્થડે હોય તો કાર્ટૂન આકારની ચોકલેટ, તો એનિવર્સરી હોય તો દિલ શેપની, ગણેશ ચતુર્થીહોય તો મોદક આકારની ચોકલેટ અને ફજ, જેના કારણે ગ્રાહકોમાં તેમનાં આ ઉત્પાદનો ખૂબજ લોકપ્રિય બન્યાં છે. દિવાળીમાં મિત્રો સંબંધીઓને ગિફ્ટમાં જો આ ખાસ ચોકલેટ બૉક્સ આપીએ તો, તેમના ચહેરા પર એક સ્માઈલ તો ચોક્કસથી આવી જ જાય, કારણકે તેઓ અલગ-અલગ આકારના ફટાકડા, કોઠી અને રૉકેટના આકારની ખાસ ચોકલેટનું પેકેજ બનાવે છે, જે બાળકોમાં તો ખૂબજ પ્રિય છે, સાથે-સાથે મોટેરાંને પણ બહુ ગમે છે.
સૌથી મહત્વની વાત તો એ છે કે, તેઓ તેમનાં બધાં જ ઉત્પાદનો સુગર ફ્રી રાખવાનો જ પ્રયત્ન કરે છે. જેના કારણે માત્ર જૂનાગઢ જ નહીં, હવે તો તેમને સુરત, ભાવનગર, રાજકોટ, અંકલેશ્વર, મુંબઈ જેવાં ઘણાં શહેરોમાંથી ઓર્ડરો મળવા લાગ્યા છે અને હિરલબેન ઓર્ડર અનુસાર તાજી-તાજી પ્રોડક્ટ્સ બનાવી તેમને કૂરિયર મારફતે મોકલે છે.

પ્રથમ ઓર્ડર ક્યારે મળ્યો?
હિરલબેનને પ્રથમ ઓર્ડર તેણીના કઝીન થકી તેમની ઓફિસમાંથી મળ્યો હતો. ત્યારબાદ રક્ષાબંધન પર 200 થી 300 બોક્સનો ઓર્ડર મળ્યો હતો. જોકે, તેણીને બોક્સ અને ચોકલેટ બનાવવાનો સામાન મુંબઈથી મગાવવો પડે છે. કારણ કે, જૂનાગઢમાં આ બધી વસ્તુ મળતી નથી. હિરલબેન જાતે જ ચોકલેટ બનાવી આ બધા બોક્સનું પેકિંગ કરે છે. જેમાં તેમને પરિવરના કોઈ પણ સભ્યની મદદ મળતી નથી, કારણકે બધાં પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે. જેથી તેઓ ખૂબ થાકી પણ જાય છે, પરંતુ કહેવાય છે ને કે, જ્યારે શોખ પ્રોફેશન બને છે ત્યારે તેમાં મજા પણ બહુ આવે છે! સીઝનમાં તો તેઓ સવારે 6 વાગ્યાથી રાત 12 વાગ્યા સુધી તેમાં જ વ્યસ્ત રહે છે.
જણાવી દઈએ કે, હિરલબેન ફેસ્ટીવ સીઝનમાં 700 થી 1000 બોક્સ એકલા હાથે બનાવી તેનુ વહેંચાણ કરી દે છે. જોકે, ઓફ સિઝન એટલે કે, ઉનાળામાં પણ તેમને 15 થી 20 બોક્સ સુધીનો ઓર્ડર મળી રહે છે, પણ તહેવાર પર તેમના હાથની ચોકલેટની માગ ખૂબ જ રહે છે. હિરલબેનને ભાવનગર, જામનગર, સુરત, વાપી, મુંબઈથી સૌથી વધારે ઓર્ડર મળે છે.

કંઈ-કંઈ વસ્તુ બનાવે છે
હિરલબેન ડોનટ્સ, ચોકલેટના મોદક, ફજ, વિવિધ 25 પ્રકારની ચોકલેટ જેમાં મેંગો, પાઈનેપલ વિવિધ પ્રકાર મળી રહે છે. જોકે, સામાન્ય લોકો 3 જ પ્રકારની ચોકલેટ બનાવે છે. હિરલબેન ફ્રેશ ચોકલેટ બનાવતા હોવાથી બજારની ચોકલેટ કરતા તેમને ટેસ્ટ પણ ઘણો અલગ પડે છે. તેમની એક ખાસીયત છે કે, તેઓ કોઈપણ વસ્તુ સ્ટોર કરી રાખતા નથી અને ઓર્ડર મળ્યા બાદ જ સામાન મંગાવી બનાવે છે. જેથી વાસી વસ્તુ કે સામાનનો વપરાશ પણ કરતા નથી. ગ્રાહકોએ ઓર્ડર આપ્યાના 1 થી 2 દિવસમાં માલ તૈયાર થઈ જાય છે અને ગ્રાહકોને હિરલબેન કુરીયરથી તેમનો ઓર્ડર સપ્લાય કરે છે. આ જ કારણ છે કે, આજે ગ્રાહકોને પણ હિરલબેનના હાથની ચોકલેટ ખાધા પછી બજારની ચોકલેટ ભાવતી નથી.

એક બોક્સમાં 6, 9, 16, 25 ફ્લેવર મળી રહે છે. જેમાં ખાસ કરીને 16 ફ્લેવરની ચોકલેટ વધારે ચાલે છે જેનો ભાવ 150 રૂપિયા છે. જેમાં 16 અલગ-અલગ ફ્લેવરની ચોકલેટનો ટેસ્ટ કરવા મળે છે. તો તેમનું દિવાળી સ્પેશિયલ ચોકલેટ બૉક્સ તો ખરેખર ખૂબજ ખાસ હોય છે. બાકી બોક્સની ઉપર આધાર રાખે છે કે, તેની કિંમત કેટલી છે. જણાવી દઈએ કે, હિરલબેન સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટીવ છે જેમાં તેઓ પોતાના બધા વીડિયો અને ફોટો અપલોડ કરતા રહે છે. જેના થકી તેમને ઓર્ડર પણ મળી રહે છે. જોકે, હિરલબેન વોટ્સએપ અને ફોન નંબર થકી જ ઓર્ડર કંફર્મ કરે છે. અને ઓનલાઈન પેમેન્ટ મળ્યા બાદ જ ચોકલેટના બોક્સ કુરીયર કરવામાં આવે છે.

જો તમે પણ હિરલબેનના હાથની ચોકલેટનો સ્વાદ માણવા માગો છો અને સગા-સંબંધીઓને પણ ગીફ્ટ કરવા માગો છો તો, 9925537608 પર વોટ્સએપ મેસેજ અથવા ફોન કરી ઓર્ડર આપી શકો છો. સાથે જ તેમની ચોકલેટના ફોટો અને વિડીયો જોવા માટે ફેસબુક પર વીઝિટ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સૂર્યપ્રકાશમાં સૂકવી, દેશી ઘંટીમાં દળેલા ઑર્ગેનિક મસાલાથી દેશ-વિદેશમાં ફેમસ બની વલસાડની મહિલા ખેડૂત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.