આ એક 30 વર્ષના દંપતીની કહાની છે જે પાંચ વર્ષ પહેલા અમેરિકા ગયા હતા. પરંતુ દેશની માટીની સુગંધ અને લગાવે તેમને 5 વર્ષ પછી પોતાના વતન પરત ફરવા માટે મજબુર કર્યા. સંદીપ જોગીપારતિ અને કવિતા ગોપુ, પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હતા. વર્ષ 2018માં, ભારત આવ્યા પછી, તેણે એક અમેરિકન કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે થોડા મહિના કામ કર્યું. પરંતુ ઉદ્યોગસાહસિક બનવાનો વિચાર તેમના મનમાં ફરી રહ્યો હતો.
સંદીપે ધ બેટર ઇન્ડિયાને કહ્યું, “હું સોફ્ટવેર એન્જિનિયર હતો. પરંતુ મારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર હંમેશા મારા મનમાં ચાલતો રહ્યો. હું આ વિશે પરિવાર અને મિત્રો સાથે વાત કરતો હતો. યુ.એસ.માં પાંચ વર્ષ સુધી કામ કર્યા પછી, મેં તેના માટે ઘણા પૈસા ભેગા કર્યા હતા.”
ગળ્યુ ખાવાના શોખથી મળ્યો બિઝનેસ આઈડિયા
તેઓ જાણતા હતા કે તેમને લાંબા સમયથી બિઝનેસ કરવાનો છે, પરંતુ તેઓ કઈ વસ્તુનો બિઝનેસ કરશે તેનો કોઈ ખ્યાલ નહોતો. તે મીઠાઈને લગતા કેટલાક વ્યવસાય કરવા માંગતા હતા. કારણ કે તે પોતે મીઠાઈનો ખૂબ શોખીન છે.
આ પણ વાંચો: ઓછી આવકવાળા લોકો માટે શરૂ કર્યો Cold Drinks Business, માત્ર 10 રૂપિયા કિંમત રાખી અને 35 કરોડ રૂપિયા કમાયા
સંદીપ કહે છે, “મને કંઈક ગળ્યું ખાવાની આદત છે, ખાસ કરીને મારા ભોજન પછી લાડુ. મારા ઘરમાં હંમેશા મીઠાઈનો ડબ્બો હોય છે. પરંતુ પરિવારના સભ્યોએ ઘણી વખત મને શુદ્ધ ખાંડમાંથી બનેલી વસ્તુઓથી દૂર રહેવાની સલાહ આપી. તેઓ કહે છે કે જો તમે તેના બદલે એક ચમચી ગોળ ખાઓ તો સારું રહેશે. અહીંથી જ તેના મનમાં હેલ્ધી લાડુના વ્યવસાયનો વિચાર આવ્યો.

પછી વર્ષ 2019માં, સંદીપ અને કવિતાએ ‘લાડુ બોક્સ’ સાથે બજારમાં પ્રવેશ કર્યો. તેમના આ બોક્સમાં 11 જાતના લાડુ છે, જે ગોળ, બાજરી, રાગી, દાળ વગેરેમાંથી બનાવવામાં આવે છે. એક વર્ષમાં તેના સ્ટાર્ટઅપે 55 લાખનો બિઝનેસ કર્યો છે. દરરોજ કંઇક મીઠી વસ્તુ ખાવાની ચાહતને લઈને, સંદીપ કહે છે કે શુદ્ધ ખાંડની ચિંતા કરનારા એકલા જ નથી, તેમના મિત્રો, પરિવાર અને નજીકમાં રહેતા ઘણા લોકો સમાન સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.
આ રીતે લાડુ બોક્સની યાત્રા શરૂ થઈ
સંદીપ જણાવે છે, “માર્કેટ રિસર્ચ દરમિયાન મેં જેની સાથે વાત કરી હતી તે દરેકને મિઠાઈનો એક એવો વિકલ્પ જોઈતો હતો જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને હોય. જ્યારે મેં તેમને ગોળથી બનેલા પોષક બાર વિશે કહ્યું, ત્યારે તેણે તેમાં કોઈ રસ દાખવ્યો નહીં, લોકોને સ્વદેશી વસ્તુ જોઈતી હતી.” સંદીપ આગળ સમજાવે છે કે લાડુ દરેકની પસંદગી હતી. કારણ કે તે સરળતાથી ખાઈ શકાય છે અને તે સ્વાદિષ્ટ પણ હોય છે.
પછી સંદીપ અને કવિતાએ પરિવારમાં પેઢીઓથી ચાલતી આવી રહેલી મિઠાઈની રેસિપીઓ પર કામ કરવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો: કેરીના રસિયાઓને આખુ વર્ષ રસ ખવડાવે છે, જમીન માત્ર દોઢ વિઘો, છતાં અન્ય મહિલાઓને પણ આપે છે રોજગારી
સંદીપ કહે છે, “અમારા દાદા -દાદી પારિવારિક કાર્યો માટે મીઠાઈ બનાવવા માટે જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. અગાઉ અમે તેમનું મહત્વ જાણતા ન હતા. પરંતુ હવે એવું લાગે છે કે બધું ખૂબ મહત્વનું છે. ઉદાહરણ તરીકે, અડદની દાળમાંથી બનેલા લાડુ આયર્નથી ભરપૂર હોય છે, જ્યારે અળસીમાંથી બનેલા લાડુ પણ ઉર્જાથી ભરપૂર હોય છે.”
આ લાડુમાં ઘણા ગુણો છે.
સંદીપ અને કવિતા આખા અનાજ, બાજરી, ઘી અને ગોળ જેવા દેશી વસ્તુઓમાંથી લાડુ બનાવવા માંગતા હતા અને તેઓએ તે કર્યું. જ્યાં સુધી સંપૂર્ણ તંદુરસ્ત લાડુ તૈયાર ન થાય ત્યાં સુધી તેમણે રસોડામાં આ વાનગીઓ પર કામ કરવાનું ચાલુ રાખ્યું.
તેમણે રાગી, ફોક્સટેલ અને અલગ-અલગ બાજરીમાંથી 11 પ્રકારના લાડુ બનાવ્યા. તમામ પ્રકારની બાજરીમાં ઘણું પોષણ છે. કોડો બાજરી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રાખે છે, જ્યારે રાગી બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. ફોક્સટેઇલ બાજરી એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ છે અને યાદશક્તિમાં સુધારો કરે છે. આ લાડુ ચોખ્ખા ઘીમાંથી બનતા હોવાથી લાંબા સમય સુધી બગડવાનો ભય રહેતો નથી. દરેક લાડુની શેલ્ફ લાઇફ 21 દિવસની હોય છે.
સંદીપ જણાવે છે, “ડિસેમ્બર 2019 માં, અમે અમારી નોકરી છોડી દીધી અને બજારમાં લાડુ બોક્સ લોન્ચ કર્યા. અમે મેળામાં લગાવવામાં આવતા સ્ટોલ દ્વારા અને આઈટી કંપનીઓ દ્વારા ‘લાડુ બોક્સ’ વેચ્યા. આ ઇવેન્ટ્સ સિવાય, અમને ફરીથી ગ્રાહકો તરફથી ઘણા બધા ઓર્ડર મળ્યા જેમને લાડુ ખૂબ ગમ્યા હતા.”
લોકડાઉનમાં પણ હાર ન માની
જો કે, માર્ચ 2020માં, COVID-19રોગચાળાને કારણે લાડુ બોક્સને વિરામ લેવો પડ્યો હતો. ત્યાર બાદ, તેમણે ઓનલાઈન વેચાણની યોજના બનાવી અને એક વેબસાઈટ શરૂ કરી. માર્કેટિંગ માટે સોશિયલ મીડિયા હેન્ડલ્સ બનાવી. સંદીપ કહે છે, “જૂન 2020 માં અમે ઓનલાઈન વેચાણ શરૂ કર્યું. અમને ઓફલાઈન કરતા ઓનલાઈન વધુ પ્રતિસાદ મળ્યો.

અમને યુકે અને યુએસથી પણ દેશના ઘણા શહેરોમાંથી ઓર્ડર મળી રહ્યા છે. કંપનીને અત્યાર સુધીમાં 6000 ઓર્ડર મળ્યા છે અને 55 લાખ કમાયા છે. 28 વર્ષની અનુષા હૈદરાબાદના વુથલુરુમાં ઈન્ટિરિયર ડિઝાઇનર છે અને લાડુ બોક્સની મૂલ્યવાન ગ્રાહક પણ છે. તે પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ સભાન છે. તેમના મતે, આ બેસ્ટ મીઠાઈ છે, જે તેને ખાવાથી કોઈ ‘ગિલ્ટ’ નથી થતી.
તે કહે છે, “લાડુ બોક્સમાં લાડુ સામાન્ય લાડુની જેમ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ તેમને ખાવાથી ખરાબ લાગતું નથી, પરંતુ કંઈક સારું અને સ્વસ્થ ખાવાની લાગણી થાય છે. જ્યારે પણ હું થાક અનુભવું છું, ત્યારે હું એક લાડુ લઉં છું, તેને મારા મોંમાં મુકું છું અને થોડીવારમાં હું ફરી એક્ટિવ થઈ જાઉં છું.”
આ પણ વાંચો: 3 બહેનોનો આઈડિયા, 9 પ્રકારના વાંસમાંથી બનાવી ‘Bamboo Tea’ અને Forbesના લિસ્ટમાં થઈ ગઈ સામેલ
તમામ જરૂરિયાતો માટે માત્ર એક લાડુ
લાડુનું વજન 28 ગ્રામથી વધારે ન હોવું જોઈએ, સંદીપ અને કવિતા તેનું ખાસ ધ્યાન રાખે છે. જ્યારે બજારમાં મળતા સામાન્ય લાડુ 40 ગ્રામથી વધુ હોય છે. કારણ સમજાવતાં કવિતા કહે છે, “મીઠાઈની દુકાનમાંથી ખરીદવામાં આવેલા લાડુ ઘણીવાર એક જ સમયે આખા ખાતા નથી અને અડધો બોક્સમાં બાકી રહે છે. આમ કરવાથી બાકીના લાડુ બગડી શકે છે. તેથી અમે નક્કી કર્યું કે દરેક લાડુ યોગ્ય કદના હોવા જોઈએ, જેથી જો કોઈ વ્યક્તિ તેને બે વખત ખાવા માંગે છે, તો તેને બીજી વખત વધુ ખાવાની જરૂર નથી.”
તેની પાસે ‘ઓન ધ ગો બોક્સ’ પણ છે જેમાં ત્રણ લાડુ છે. આ બોક્સને તમારી બેગમાં રાખીને સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે. જ્યારે પણ તમને દિવસ દરમિયાન કંઇક ખાવાનું મન થાય ત્યારે બેગમાંથી હેલ્ધી નાસ્તો બહાર કાઢો અને ખાઓ.
વેગન લાડુ પણ ઉપલબ્ધ થશે
તાજેતરમાં તેઓએ લાડુઓની નવી શ્રેણી પણ શરૂ કરી છે. તેમાં ફિટનેસ ફ્રીક્સ માટે પ્રોટીનથી ભરપૂર લાડુ, મહિલાઓ માટે આયર્નથી ભરપૂર લાડુ અને બાળકો માટે રાગી લાડુનો સમાવેશ થાય છે. તેઓ પૌષ્ટિક લાડુની રેન્જ પણ લઈને આવ્યા છે, જે ગોળ અને ઘીને બદલે ખજૂરમાંથી બનાવવામાં આવે છે.
હેલ્ધી લડ્ડુ ઓર્ડર કરવા માટે, તેમની વેબસાઇટ ની મુલાકાત લો અને વધુ માહિતી માટે ઇન્સ્ટાગ્રામ પર તેમને ફોલો કરો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: નવસારીની ખેડૂતે વાવાઝોડામાં કેરીઓ પડી જતાં શરૂ કર્યું અથાણાં અને અન્ય ઉત્પાદનો બનાવવાનું
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.