Search Icon
Nav Arrow
Kanchanben Parmar With Orphan Kids
Kanchanben Parmar With Orphan Kids

હાડકાના કેન્સરને હરાવી 130 નિરાધાર બાળકોની માતા બની હૂંફ અને શિક્ષણ આપે છે અમદાવાદી

મૂળ અમદાવાદનાં, હાલ ઝાલાવાડના મધર ટેરેસા કંચનબેન દિવ્યાંગ હોવા છતાં 130 નિરાધાર બાળકોને આપે છે માતૃત્વની હૂંફ, હાડકાના કેન્સર સામે લડતાં-લડતાં શરૂ કર્યું હતું સેવાનું ભગિરથ કાર્ય. 1062 વિદ્યાર્થીઓને ભાણાવી કર્યા પગભર.

‘સેવા પરમો ધર્મ’ , ખરેખર આ વાતને સાર્થક કરી બતાવી છે કંચનબેન વશરામભાઈ પરમારે. ઝાલાવાડના મધર ટેરેસા કહેવાતા કંચનબેન (મોટા બેન) તરીકે નિરાધાર બાળકોને શિક્ષણની સાથે માતૃત્વની હૂંફ પણ આપી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામમાં કંચનબેન અને તેમના પતિ વશરામભાઈ લોક કલ્યાણ સેવા સંસ્થા નામનું નિશુલ્ક છાત્રાલય ચલાવે છે. જેમાં આજે 130 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને તેમની સારસંભાળ ખુદ કંચનબેન જ કરે છે.

હાડકાના કેન્સરની બીમારીને હરાવનારા કંચનબેન દિવ્યાંગ હોવા છતાં પોતાના સગા બાળકની જેમ છાત્રાલયના તમામ બાળકોની નિયમિત કાળજી રાખે છે. ત્યારે આજે તમને ધ બેટર ઇન્ડિયા કંચનબેનના જીવનની સંઘર્ષગાથા ખુદ તેમના શબ્દમાં તમારી સાથે સાક્ષાત્કાર કરાવી રહ્યું છે.

”મારો જન્મ 1983માં અમદાવાદના ગોમતીપુરમાં આવેલી ખાડાવાલી ચાલીમાં થયો હતો. મેં 10માં ધોરણ પુરું કર્યું તે પછી મને સાથળના ભાગે એક નાની ગાંઠ થઈ હતી. આ ગાંઠનો દુખાવો નહોતો થતો પણ, ગાંઠ ધીમે-ધીમે વધતી જતી હતી. જોતજોતામાં એ ગાંઠ નારિયેળ જેટલી મોટી થઈ ગઈ હતી.”

Orphan Education Foundation

”આ પછી મારા માતા-પિતા મને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મને લઈ ગયાં હતાં. જ્યાં ડૉક્ટરે મારી બાયોપ્સી કરી અને કહ્યું કે, આ હાડકાના કેન્સરની ગાંઠ છે. જેનું ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કર્યા પછી થોડાં સમય પછી સાથળની એક નસ ખેંચાઈ ગઈ હતી. જેને લીધે આજે પણ હું એક જ અંગૂઠે ચાલી શકું છું. જોકે, આ પછી મેં હિંમત કરીને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો.”

આ પણ વાંચો: કલાક વહેલા આવી જાતે જ શાળાની સફાઈથી લઈને બધાં કામ કરે છે સૌરાષ્ટ્રના આ આચાર્ય

”અમદાવાદમાં હું કોલેજનો અભ્યાસ કરી શકી નહીં. કેમ કે, કોલેજ દૂર હોવાને લીધે પબ્લિક ટ્રાન્સપોર્ટનો સહારો લેવો પડતો હતો. એ સમયે બસ અને રિક્ષામાં મુસાફરી કરવી પડતી હતી. જેમાં ઘણી તકલીફનો સામનો કરવો પડતો હતો. જેને લીધે મારે કોલેજનો અભ્યાસ છોડવો પડ્યો હતો.”

”વર્ષ 2007માં મને પાટડીના વડગામમાં આવેલાં લોક કલ્યાણ સેવા સંસ્થા દ્વારા ચાલતાં છાત્રાલય અંગેની માહિતી મળી હતી. હું ત્યાં ગૃહમાતા તરીકે જોડાઈ ગઈ. જોકે, આ છાત્રાલય વશરામભાઈ પરમાર એટલે કે મારા પતિએ વર્ષ 2002માં શરૂ કર્યું હતું. તે સમયે ઓછા બાળકો હતાં. હું ત્યાં રહેતી હોવાને લીધે તે મારા સ્વભાવથી અવગત થયાં હતાં. તે સમયે તેમને મારી દરેક વાત વિશે જાણ હતી, છતાં મારી સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો હતો પણ, તેમના માતા-પિતાએ વિરોધ કર્યો હતો.”

Free Education In Gujarat

”આ પછી હું આનંદીબેન પટેલના દીકરી અનારબેનના પતિ જયેશભાઈ પટેલની મહેસાણા સ્થિત કન્યા છાત્રાલયમાં ગૃહમાતા તરીકે જોડાઈ ગઈ હતી. જ્યાં મારા પતિ મને મળવા માટે ત્યાં આવતાં અને આ સાથે સાથે તેમના પરિવારને સમજાવતાં હતાં. એક-બે વર્ષમાં મારા સાસુ-સસરા માની ગયા પછી વર્ષ 2010માં અમે સાદાઈથી લગ્ન કર્યા હતાં. લગ્નના દોઢ વર્ષ પછી પણ હું કન્યા છાત્રાલયમાં ગૃહમાતા તરીકે કામ કરતી હતી. આ દરમિયાન મહેસાણામાં જ મારા દીકરા અતિથિનો વર્ષ 2011માં જન્મ થયો હતો. મારો દીકરો છ મહિનાનો થયા પછી હું વડગામ પરત આવી ગઈ હતી.”

કંચનબેને એમ પણ જણાવ્યું કે, ”લોક કલ્યાણ સેવા સંસ્થામાં માનવતાનું કાર્ય કરતાં-કરતાં હાડકાના કેન્સરનું દર્દ ક્યાં જતું રહ્યું તેનો ખ્યાલ જ નથી. વર્ષ 2010 સુધી કિમો થેરાપી ચાલતી હતી. આ પછી રિપોર્ટ કરાવતાં કેન્સરનો રિપોર્ટ નીલ આવ્યો હતો.”

કેવા બાળકો છાત્રાલયમાં રહે છે.
કંચનબેને તેમના પતિ દ્વારા ચલાવવામાં આવતી લોક કલ્યાણ સેવા સંસ્થા અંગે જણાવ્યું કે, ”અમારા છાત્રાલયમાં અત્યારે 130 બાળકો છે. જેમને અમે માતા-પિતા બનીને સાચવીએ છીએ. અમારે ત્યાં જેને માતા ના હોય કે, પિતા ના હોય, માતા-પિતા બંને ના હોય અથવા અનાથ હોય તેવા બાળકો છાત્રાલયમાં રહે છે.”

Free Education And Hostel

આ પણ વાંચો: ચાર વાર GPSC પાસ કરવા છતાં જીવનભર શિક્ષણનો યજ્ઞ પ્રજ્વલિત રાખવા બન્યા શિક્ષક

”અમારા છાત્રાલયમાં આવતાં દરેક વિદ્યાર્થી માત્ર બે જોડી કપડાં જ લઈને આવે છે. આ પછી અમે જ તેમને રોજિંદા જીવનની જરૂરી વસ્તુ તેમને આપીએ છીએ. બાળકોને સવારે નાસ્તો, બપોરે દાળ-ભાત, શાક-રોટલી અને સાંજે દરેક બાળકને 200 ગ્રામ દૂધ સાથે ખીચડી, શાક-રોટલી કે ભાખરી દરરોજ આપવામાં આવે છે. આ ઉપરાંત દર 15 દિવસે અલગ અલગ મીઠાઈ પણ આપવામાં આવે છે.”

”અમારા છાત્રાલયમાં અત્યારે 23 રૂમ છે. જેમાં એક રૂમમાં 7-8 વિદ્યાર્થી રહે છે. છાત્રાલય માટે સાડા ત્રણ વીઘા જમની મારા પતિને દાનમાં મળી છે. જેમાં અમે અમારી રીતે છાત્રાલય બનાવ્યું છે. છાત્રાલયના તમામ બાળકોને ભણાવવાનો, જમાડવા સહિતનો તમામ ખર્ચો અમને મળતાં દાન દ્વારા કરીએ છીએ. દાન માટે અમારી સંસ્થાના કાર્યનું પોસ્ટર લોકો સુધી પહોંચાડીએ છીએ. જેના દ્વારા પણ અમને દાન મળી રહે છે. આ ઉપરાંત અમારા તાલુકાના આસપાસના લોકો દ્વારા પણ ઘણી મદદ મળે છે. જેને લીધે અમારું છાત્રાલય ચાલતું રહે છે.”

”અમારે ત્યાં ભણતાં બાળકો રાજકોટ, અમરેલી, સુરતના છે. એટલે અમે બાળકોને સમયે-સમયે પિકનીક પણ કરાવીએ છીએ. બાળકોને શિવરાત્રીમાં પાટડીના રણમાં લઈ જઈએ છીએ. આસપાસના સ્થાનિક મેળામાં પણ તેમને લઈ જઈએ. આ ઉપરાંત છાત્રાલયમાં કોમ્પ્યુટર શીખવાડવામાં આવે છે અને નિયમિત ટ્યૂશન લેવામાં આવે છે. આ ઉપરાંત સવાર સાંજની પ્રાર્થના, સુવિચાર અને સમાચાર વાંચન, ભજન ધૂન દરરોજ પાંચ બાળકો બોલે છે. જેને લીધે બાળકોનો સ્ટેજનો ડર દૂર થાય છે.”

Free Education And Hostel

”સર્વજ્ઞાતી સમૂહ લગ્ન 5 વાર કર્યા છે”
કંચનબેને કહ્યું કે, ”અમે સર્વજ્ઞાતી-સર્વધર્મના સમૂહ લગ્ન 5 વર્ષ કરેલાં છે. સૌપ્રથમ સમૂહ લગ્ન વર્ષ 2007, 2010, 2015, 2017, 2020માં કર્યા છે. આ દરેક સમુહ લગ્ન દ્વારા અમે 102 દીકરીઓના હાથ પીળા કરાવ્યા હતાં. આ દરેક સમૂહ લગ્નનો ખર્ચ દાતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.”

આ પણ વાંચો: જલંધર પટેલ પોતાની ખેતીની કમાણીમાંથી 25 નિ:સહાય વૃદ્ધોને પોતાના ઘરમાં રાખી કરે છે સેવા

અંતમાં કંચનબેને જણાવ્યું કે, ”મારા પતિ વશરામભાઈ પરમારે 22 વર્ષની ઉંમરમાં શરૂ કરેલું આ માનવતાનું કાર્ય શરૂ કર્યું હતું. અત્યારસુધી અમારા છાત્રાલયમાંથી 1062 વિદ્યાર્થીઓ ભણીને પોતાના પગભર થયા છે. 100થી વધુ બહેનો સિવણ ક્લાસ શીખીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. આ ઉપરાંત 100 લોકો અમારી સંસ્થામાંથી કોમ્પ્યુટર શીખીને રોજગારી મેળવી રહ્યા છે.”

”આ ઉપરાંત અમે દર વર્ષે મેડિકલ કેમ્પ કરીએ છીએ. જેમાં અત્યારસુધી 5 હજારથી વધુ દર્દીઓએ વિનામૂલ્યે તપાસ અને દવાનો લાભ લીધો છે. આ સાથે જ આંખની તકલીફવાળા 1000થી વધુ દર્દીને ચશ્મા વિનામૂલ્યે આપ્યા છે. તેમજ 1000થી વધુ દર્દીના મોતિયાનું ઓપરેશન પણ વિનામૂલ્યે કરાવ્યું છે. અમારી સંસ્થાના કાર્યમાં મદદરૂપ થવા લોકો મારા પતિ વશરામભાઈનો સંપર્ક કરી શકે છે. વશરામભાઈ પરમાર, 94264 25037 છે.”

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: કોવિડમાં પતિ ખોયા, પીડિતોની મદદ માટે 87 વર્ષની ઉંમરે અથાણાં બનાવી વેચવા લાગ્યાં

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon