આજથી બાર વર્ષ પહેલા જયારે અમિતાભ બચ્ચને ખુશ્બુ ગુજરાતીકી માં ગુજરાતના વિવિધ પ્રવાસીય સ્થળોનું એડ શૂટિંગ કર્યું ત્યારે તેમાં સૌથી વધારે ભારત ભરમાં પ્રખ્યાત થયેલું કોઈ સ્થળ હોય તો તે છે સાસણ ગીર.
તે પહેલા સાસણ ગીરની નામના એશિયાટિક સિંહો માટે તો હતી જ પણ એટલી બધી પણ નહોતી કે ત્યાં ટૂરિઝમ બિઝનેસ એક અલગ જ કક્ષાએ ફૂલી ફાલી શકે. પરંતુ અમિતાભ બચ્ચનની એડ શૂટિંગ દ્વારા આ વિસ્તારને ભારત તેમજ દુનિયાભરમાં ખુબ જ નામના મળી અને તેના કારણે સાસણ ગીર વિસ્તારમાં અત્યારે ટુરિઝમ બિઝનેસ અભૂતપૂર્વ રીતે વિકસ્યો છે.

અત્યારે સાસણગીરમાં પ્રવાસીઓનો એટલો બધો ધસારો રહે છે કે ત્યાં ખુબ જ મોટી સંખ્યામાં થ્રી સ્ટારથી લઈને ફાઈવ સ્ટાર સુધીના રિસોર્ટ તેમજ હોટલો બની ચુકી છે. અને ત્યાંના લોકો માટે આ ટુરિઝમ બિઝનેસ દ્વારા આજીવિકા માટેની અનેક સારી એવી તકો પણ ઉભી કરવામાં છે.

તો ચાલો આજે આપણે એવા જ એક ખેડૂતની વાત કરીએ કે જેઓ પહેલા ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ અચાનક ઉભી થયેલ આ અવસર રૂપી તકને ઝડપી પોતાની પાસે રહેલ 15 વીઘા જમીનમાંથી 5 વીઘામાં એક રિસોર્ટ બનાવી દીધો અને તે પણ સસ્ટેનેબલ એટલે કે પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તે રીતે.

આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં ભોજદે ગામ પાસે આવેલ આરણ્ય રિસોર્ટ વિશે વાત કરી રહ્યા છીએ, જે ખૂબજ જાણીતો છે અને અવ્વ્લ સ્થાન ધરાવે છે. રિસોર્ટના માલિક ધનજીભાઈ પટેલ સાથે થયેલ વાતચીત દ્વારા આ રિસોર્ટ કંઈ રીતે પર્યાવરણ ફ્રેન્ડલી છે અને તેને એવી તો કંઈ રીતથી બનાવવામાં આવેલ છે કે તેને સસ્ટેનેબલ રિસોર્ટનું ટેગ મળેલ છે તે વિશે ધ બેટર ઇન્ડિયાના આ લેખમાં આગળ વિગતવાર ચર્ચા કરી જ છે. તો ચાલો ધનજી ભાઈ સાથે થયેલ વાતચીતના અંશોને માણીએ.

તમે રિસોર્ટને કંઈ પદ્ધતિથી બનાવ્યો છે? અને શા કારણે તેને પર્યાવરણ ફ્રેન્ડલી કહી શકાય?
આ પ્રશ્નનો ઉત્તર આપતા ધનજી ભાઈ કહે છે કે,”અમે બે ભાગીદારો છીએ. જયારે નક્કી થયું કે અહીંયા અમારે એક સારો વ્યવસ્થિત રિસોર્ટ બનાવવો છે તો સૌથી પહેલા એ નિર્ણય લેવામાં આવ્યો કે રિસોર્ટ બનાવવાના બાંધકામ વખતે એકપણ વૃક્ષને કાપવામાં નહીં આવે અને રિસોર્ટનો પ્લાન પણ એ રીતે જ બનવો જોઈએ તેથી અમે તે માટે અમદાવાદ સ્થિત પ્રસિદ્ધ આર્કિટેક્ચર હિમાંશુભાઈ પટેલ કે જેઓ ફક્ત આ પ્રકારના પર્યાવરણ ફ્રેન્ડલી બાંધકામનું કામ જ સાંભળે છે તેમને નીમ્યા.”

આગળ તેઓ જણાવે છે કે, રિસોર્ટ આ વિસ્તારની આસપાસ મળતી લોકલ વસ્તુઓ દ્વારા જ બનાવવામાં આવેલ છે. રિસોર્ટમાં કુલ સાત કોટેજ છે અને દરેક કોટેજમાં છત બનાવવાની જગ્યાએ તેને જુનવાણી પદ્ધતિ પ્રમાણે માટીના નળીયાથી ઢાંકવામાં આવેલ છે અને નળિયાને ઉપર વ્યવસ્થિત ગોઠવવા માટે લાકડાની બનેલ ઈંગલની જગ્યાએ ગેલવેનાઈઝડ સ્ટીલ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બારી અને બારણાં તેમણે લાકડાના જ બનાવેલા છે. પરંતુ સાથે સાથે તેઓ એ પણ જણાવે છે કે, અહીંયા હવે લોકો લાકડાના નહિવત ઉપયોગ તરફ આગળ વધ્યા છે જેથી ગીર જંગલના વૃક્ષોનું જતન થઇ શકે.

કૉટેજનું ચણતર પથ્થર અને સિમેન્ટના ઉપયોગથી કરવામાં આવ્યું છે પરંતુ તેના પર કોટેજની અંદર કે બહારની બંને દીવાલો પર પ્લાસ્ટર ન કરી બસ એમ જ રહેવા દીધું છે જેથી તે એક જુના મકાનોની દીવાલ જેવો ભાસ ઉત્પન્ન કરે છે. આ સિવાય રૂમની અંદર ગોખલાઓ, અટેચ સંડાસ બાથરૂમ, કાચની બોટલોનો ઉપયોગ કરીને બાથરૂમમાં એક દીવાલ પણ બનાવવામાં આવી છે અને તે સિવાય ત્યાં સ્નાન કરવા માટે ઉપરથી ખુલ્લું એવું એક અલગથી બાથરૂમ પણ બનાવેલ છે. કોટેજમાં નીચે તળિયા માટે એવી ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ જુના જમાનામાં લોકો કરતા હતા કે જેના પર પાણી ઢળે તો તે આપોઆપ શોષાઈ જાય તેમજ ભીના પગે અથવા પાણી ઢળેલ હોય તો પણ કોઈ લપસીને ના પડે. અહીંયા દરેક કોટેજ માટે પર્સનલ ગાર્ડન છે તેમાં વિવિધ છોડ અને ઝાડ વાવેલા છે. જેમાં ઉગતા જૈવિક ફળોનો આસ્વાદ પણ મહેમાન માણી શકે છે.

એક કૉટેજ જેમાં બે રૂમ સમાવવામાં આવ્યા છે તે બનાવવાનો ખર્ચો લગભગ 5 લાખ રૂપિયા આસપાસ આવ્યો છે, આવા કુલ 7 કોટેજ છે અને સમગ્ર રિસોર્ટ બનાવવાનો ખર્ચો લગભગ 75 લાખની અસપાસનો થયો છે, વર્ષ 2015 થી 2017 દરમિયાન આ રીસોર્ટનું બાંધકામ થયેલું છે. અહીંયા એક સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવેલ છે અને તેમાં રહેલું પાણી મહેમાન સ્નાન કરી લે તે પછી બાજુમાં નારિયેળીના ખેતરમાં ઠાલવી દેવામાં આવે છે જેથી તેને પિયત પણ મળી રહે અને સાથે સાથે પાણીનો બગાડ પણ ન થાય.

મળે છે એકદમ ગામડા જેવી જ સાત્વિક અનુભૂતિનો અહેસાસ
અહીંયા શહેરની ભાગદોડ ભરી જિંદગીમાંથી થોડો સમય આરામ ફરમાવવા આવતા લોકોને અદ્દલ ગામડાની અનુભૂતિ કરાવવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે રિસોર્ટના માલિક દ્વારા આવતા મહેમાનો માટે ભોજન બનાવવા માટે કોઈપણ પ્રોફેશનલ શેફ અને તેની ટિમ ન રાખતા તેમના પોતાના પરિવાર દ્વારા જ દેશી કાઠિયાવાડી ભોજન બનાવીને પીરસવામાં આવે છે. તે રીઝોર્ટમાં ખાવા પીવાની ચીજ વસ્તુઓ જેમ કે ધાન્યપાકો, કઠોળ, વેગેરેનું ઉત્પાદન રિસોર્ટની સાથે જ જોડાયેલ 10 વીઘા ખેતરમાં એકદમ જૈવિક પદ્ધતિથી કરવામાં આવે છે અને બીજી જરૂરિયાતો ત્યાં તે માલિકના તબેલામાં રાખેલ ગીર ગાયો અને ભેંસોના દૂધ દ્વારા પુરી પાડવામાં આવે છે. આ સિવાય તે જગ્યા પર જ વિવિધ ફળોના વૃક્ષો પણ વાવેલા છે જેમ કે કેસર કેરી, નારિયેળી વગેરે અને તે પણ એકદમ જૈવિક રીતે જ અને જેનો ઉપયોગ પણ આવેલ મહેમાનોની ખાતિરદારી માટે કરવામાં આવે છે. આમ આ રિઝોર્ટમાં 90 ટકા વસ્તુ ખેતરમાં જ ઉપલબ્ધ વાપરવામાં આવે છે અને ઘણી વાર આસપાસની મોટી મોટી હોટલોમાં રોકાયેલા લોકો પણ તેમના ત્યાં જમવા માટે આવે છે.

જો તમારે આ રિસોર્ટની મુલાકાત લેવી હોય તો અમદાવાદ તેમજ ગુજરાતના વિવિધ સ્થળો પરથી સાસણગીર માટે બસો જતી જ હોય છે. સાસણ ગીર પહોંચ્યા પછી તમને ભોજદે ગામની પાસે આ આરણ્ય રિસોર્ટ મળી જશે પરંતુ જતા પહેલા આ રિસોર્ટમાં અગાઉથી જ બુકીંગ કરાવવું હિતાવહ છે. મહત્વની વાત તો એ છે કે આ રિસોર્ટથી સૌરાષ્ટ્રના મહત્વના પ્રવાસીય સ્થળો નજીવા અંતરે છે જેમ કે સોમનાથ 35 કિલોમીટર, દીવ 80 કિલોમીટર, ગિરનાર 65 કિલોમીટર અને આ સિવાય સતાધાર જેવા બીજા ઘણા બધા સ્થળો પણ.

ધનજી ભાઈ બસ છેલ્લે એટલું જ કહે છે કે,” અમે આજ સુધી આ રિસોર્ટ માટે એક રૂપિયાનું માર્કેટિંગ નથી કર્યું પણ લોકોના અહીં રહીને જવાના અનુભવોના મોઢે મોઢ વખાણ સાંભળીને જ અમે પ્રખ્યાત થયા છીએ. જો તમે પણ આ રિસોર્ટની મુલાકાત લેવા ઇચ્છતા હોવ તો 9724262021 નંબર પર સંપર્ક કરી બુકીંગ કરાવી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: અનાથ વૃક્ષોના નાથ છે મહેસાણાના કાનજીબાપા, માથે બેડાં ઉપાડી જાતે પાય છે પાણી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.