“સતત વધતા જતા પ્રદૂષણ અને ગ્લોબલ વૉર્મિંગનાં માઠાં પરિણામ આપણે બધા જ અત્યારે ભોગવી રહ્યા છીએ. જો હવે આમાંથી શીખીને આપણે યોગ્ય પગલાં નહીં લઈએ તો, એ સમય દૂર નથી કે આપણી આગામી પેઢીને સાથે ઑક્સિજન સિલિન્ડર લઈને ફરવું પડશે અને એ પણ કદાચ મળવા મુશ્કેલ હશે. દરિયામાં માછલીઓ કરતાં કચરો વધારે હશે.” આ શબ્દો છે મૂળ ચેન્નઈનાં વતની શ્રેયા સૂરજના, જેઓ અત્યારે દોહામાં રહે છે અને દર શુક્રવારે એકલાં જ બીચની સફાઈ માટે નીકળી પડે છે.
ગોલ્ડ મેડલિસ્ટ શ્રેયા ભારતમાં કોલકાતા, ચેન્નઈ અને બેંગાલુરૂમાં રહી ચૂક્યાં છે. તેઓ ગણિત અને વિજ્ઞાનનાં શિક્ષક છે સાથે-સાથે પર્યાવરણ અને કળા સાથે જોડાયેલ છે. તેઓ છેલ્લાં 8 વર્ષથી કતારમાં રહે છે. આ પહેલાં તેઓ ભારતમાં હતાં ત્યારે પણ વિવિધ સંસ્થાઓ સાથે બીચ ક્લિનિંગમાં જોડાતાં અને ટ્રી પ્લાન્ટેશન અને ટ્રી ટ્રાન્સપ્લાન્ટનાં કાર્યો કરતાં. તેઓ પહેલાંથી એમ માનતાં આવ્યાં છે કે, જેટલો વધારે કચરો આપણા ઘરમાંથી નીકળશે, એટલું જ વધારે નુકસાન પર્યાવરણને થશે. ભારતમાં તો અખબાર વાંચ્યા બાદ તેને પસ્તીમાં આપવામાં આવે છે અને તેનું રિ-સાઈકલિંગ પણ થાય છે, પરંતુ કતારમાં તેમણે જોયું કે, અખબાર વાંચ્યા બાદ તેને કચરામાં જ ફેંકવાનું હોય છે, આ જોઈ તેમણે અખબાર મંગાવવાનું જ બંધ કરી દીધું અને ઓનલાઈન જ ન્યૂઝ વાંચવાનું શરૂ કર્યું.

આ દરમિયાન તેમણે જોયું કે, અહીં ચારેય તરફ રણ છે અને બીચ ઘણા છે, પરંતુ લોકોએ કચરાથી તેને ખૂબજ ગંદા બનાવી દીધા છે. પહેલાં તો બીચ પર પાણીની બોટલ્સ, નાસ્તાનાં ખાલી પેકેટ્સ, માછલી પકડવાની જાળી વગેરે ફેંકતા, પરંતુ હવે તો માસ્ક પણ લોકો અહીં ગમે-ત્યાં ફેંકી દે છે, જે મોટા સંક્રમણનું કારણ બની શકે છે.
જોડાયાં વિવિધ બીચ ક્લિનર ગૃપમાં
છેલ્લા 4 વર્ષથી તેઓ વિવિધ બીચ ક્લીનર ગૃપ્સ સાથે જોડાયેલ છે. આ દરમિયાન તેમણે 150 કરતાં પણ વધારે બીચ ક્લિનિંગમાં ભાગ લીધો.
કોરોનાકાળમાં બન્યાં સોલો બીચ ક્લીનર
આ દરમિયાન કોરોના સંક્રમણ શરૂ થતાં જ ઘણા પ્રતિબંધો શરૂ થઈ ગયા. ગૃપ એક્ટિવિટીઝ બંધ થઈ ગઈ. તો એકલાં જ નીકળી પડ્યાં શ્રેયાબેન. દર શુક્રવારે માસ્ક અને ગ્લવ્સ પહેરીને તેઓ બીચ ક્લિનિંગ માટે નીકળી પડે છે. જેમાં તેમનો પરિવાર પણ તેમને પૂરો સહયોગ આપે છે. રજા મળતાં આરામ કરવાની જગ્યાએ તેમના પતિ સૂરજ અને બાળકો પણ હોંશે-હોંશે સાથે આવે છે. લગભગ 16 બીચ તેમણે આમ એકલા હાથે જ સાફ પણ કર્યા છે. તેઓ દર વર્ષે બે મહિના માટે ભારત વેકેશન માટે આવે છે ત્યારે પણ માત્ર વેકેશન એન્જોય કરવાની જગ્યાએ અહીંના બીચ ક્લિનિંગના કાર્યોમાં પણ જોડાય છે.

કચરામાંથી નવસર્જન
આ દરમિયાન તેમણે જોયું કે, બીચ પર સંખ્યાબંધ બીયર બોટલ્સ પડી હોય છે, તો દરેકના ઘરમાંથી પણ કાચની બોટલ્સ અને બરણીઓ નીકળતી હોય છે, આ બધુ કચરામાં જ જતું હોય છે. આ જોઈ તેમને લાગ્યું કે, આનો પણ કોઈ સારો ઉપયોગ થવો જ જોઈએ અને કળામાં તો પહેલાંથી જ તેમને બહુ રસ હતો. તેમણે બોટલ પેન્ટિંગ કરવાનું શરૂ કર્યું, અને વિવિધ શો પીસ બનાવી તેઓ મિત્રો સંબંધીઓ ગિફ્ટમાં આપવા લાગ્યાં. લોકોને તેમના બનાવેલ આ બધા શોપીસ ખૂબજ ગમવા લાગ્યા આ જોઈ શ્રેયાબેનનો ઉત્સાહ પણ વધવા લાગ્યો. ત્યારબાદ તો તેમણે ફ્રી વર્કશૉપ કરવાના પણ શરૂ કર્યાં.

તેમણે ફેસબુક પર એનીબડી કેન ડ્રો (ANYBODY CAN DRAW) નામનું ગૃપ શરૂ કર્યું. જેમાં તેઓ બાળકો, મહિલાઓ, કેન્સરના દર્દીઓ અને વિકલાંગ બાળકોને મફતમાં વિવિધ પ્રકારનાં પેન્ટિંગ્સ અને ક્રાફ્ટ શીખવાડે છે. કોરોનાકાળ પહેલાં તેઓ અલગ-અલગ પ્રકારની કળા માટે ફ્રી વર્કશૉપ પણ કરતાં હતાં. પરંતુ કોરોનાકાળમાં આ બધી જ પ્રવૃત્તિઓ બંધ થતાં તેઓ ઓનલાઈન વર્કશૉપ કરે છે, જેમાં લગભગ 12 દેશના હજારો લોકો જોડાય છે અને વિવિધ કળા શીખે છે. જેમાં તેઓ મુખ્યત્વે એ વાત પર ખાસ મહત્વ આપે છે કે, કોઈપણ જાતના વધારાના ખર્ચ વગર પણ ઘરમાં પડેલ વસ્તુઓમાંથી પણ તમે ઘણું અવનવું બનાવી શકો છો, તે પછી ખાલી બૉટલ હોય કે, નોટબુકનું પેપર, વધારાનું કાપડ હોય કે પછી વધેલી ટીક્કીઓ બધાના ઉપયોગથી ખૂબજ સુંદર વસ્તુઓ બનાવી શકાય છે અને તેમાંથી રોજગારી પણ ઊભી કરી શકાય છે. આ બધાં કાર્યો માટે ઘણી સંસ્થાઓ દ્વારા શ્રેયાબેનનું સન્માન પણ કરવામાં આવ્યું છે અને ઘણા અવૉર્ડ્સ પણ મળ્યા છે તેમને આ બધાં કાર્યો માટે.

શ્રેયાબેન પોતે ટ્યુશન ટીચર છે એટલે તેમને તો સારી કમાણી મળે જ છે, પરંતુ તેમના આ બધા વર્કશૉપમાંથી શીખીને બીજા લોકો કમાણીનું સાધન ઊભુ કરી શકે છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં શ્રેયાબેને કહ્યું, “જો આપણે પર્યાવરણને બચાવવા ઈચ્છતા હોઈએ તો, રિડ્યૂસ, રિસાયકલ અને રિયૂઝને મહત્વ આપવું જ પડશે. જો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા ઈચ્છતા હોઈએ તો, ઘરેથી બહાર નીકળે ત્યારે પાણીની બે બોટલ લઈને નીકળવું જોઈએ, જેથી બહારથી પ્લાસ્ટિકની બોટલ ખરીદવી ન પડે. ઘરે જ ફળોનો તાજો જ્યૂસ બનાવવો, જેથી ઘરમાં એટલું પ્લાસ્ટિક ઓછું આવે. કોઈપણ કચરો હોય તો તેને ગમે ત્યાં ફેંકવાની જગ્યાએ એક બેગમાં ભરી લો અને કચરાપેટીમાં જ નાખો, નહીંતર 2030 સુધીમાં દરિયામાં માછલીઓ કરતાં કચરો વધારે જોવા મળશે. બીચ પર માણસો કરતાં કચરો વધારે દેખાશે. શ્વાસ માટેના ઑક્સિજન માટે દરેક વ્યક્તિએ તડપવું પડશે.”
તેમની આ ઝુંબેશની સકારાત્મક અસર પણ જોવા મળવા લાગી છે. તેમને એકલા હાથે બીચ પર સફાઈ કરતા જોઈ ઘણા લોકો કચરો ફેંકતાં અચકાય છે તો કેટલાક લોકો તો સફાઈકાર્યમાં તેમની સાથે જોડાય પણ છે, જેની આજે શ્રેયાબેનને ખૂબજ ખુશી છે.
તો મોટાભાગના લોકોની વિચારસણી અંગે વાત કરતાં શ્રેયાબેન કહે છે, “જ્યારે આ અંગે લોકોને જોડાવા કહીએ ત્યારે મોટાભાગના લોકો એમ કહે છે કે, ગંદકી બીજા લોકો ફેલાવે છે તો સફાઈ આપણે શું કામ કરવી જોઈએ? પરંતુ જો આજે આપણે આ કચરો સાફ નહીં કરીએ તો, કાલે તે આપણને સૌને લઈને ડૂબશે. કચરાનો એક ડબ્બો પણ આપણે ઉપાડશું તો, પૃથ્વીને બચાવવામાં એ આપણું બહુ મહત્વનું યોગદાન ગણાશે, એટલે આપણાથી થાય એટલું આપણે કરવું જ જોઈએ.”
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે શ્રેયાબેનનાં આર્ટવર્ક અંગે જાણવા ઈચ્છતાં હોવ તો તેમની વેબસાઈટ જોઈ શકો છો.
આ પણ વાંચો: છેલ્લા 4 વર્ષથી ચોમાસામાં રોજ સવારે 6 વૃક્ષ વાવ્યા બાદ જ પાણી પીવે છે રાજકોટની આ શિક્ષિકા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.