Search Icon
Nav Arrow
Tree House
Tree House

હર્યા-ભર્યા આંબા પર બનાવ્યું 3 માળનું અદભુત ઘર, દૂર-દૂરથી લોકો આવે છે જોવા

IIT એન્જિનિયરે 40 ફૂટ ઊંચા હર્યા-ભર્યા આંબા પર એક પણ ડાળી કાપ્યા વગર બનાવ્યું રસોડું, ડ્રોઈંગરૂમ, બેડરૂમ, લાઈબ્રેરી સહિતનું ત્રણ માળનું ઘર. દર ઉનાળામાં આવે છે ભરપૂર કેરીઓ. દૂર-દૂરથી લોકો આવે છે જોવા. ઘરને મળ્યું છે લિમ્કા બુકમાં પણ સ્થાન.

ઉદયપુરને ઝીલો(તળાવો)નું શહેર કહેવામાં આવે છે. ટેકરીઓથી ઘેરાયેલું આ શહેર ખૂબ જ સુંદર છે. જૂના સમયના કિલ્લાઓ અને મહેલો ઉપરાંત, આ શહેરમાં કંઈક એવું છે, જે તેની સુંદરતા અને શાનમાં વધારો કરે છે અને તે છે લગભગ 20 વર્ષ જૂનું ‘ટ્રીહાઉસ’.

‘ટ્રીહાઉસ’ એટલે ઝાડ ઉપર બાંધેલું ઘર. દુનિયામાં ઘણા લોકોએ ટ્રીહાઉસ બનાવ્યાં છે. પરંતુ આ ટ્રીહાઉસની વિશેષતા એ છે કે તે ત્રણ માળનું ઘર છે, જેમાં બેડરૂમ, રસોડું, વૉશરૂમ અને લાઇબ્રેરી પણ છે.

આ ઘર આંબા પર બનાવવામાં આવ્યું છે અને આ ઘર બનાવનાર વ્યક્તિનું નામ કુલ પ્રદીપસિંહ (કેપી સિંઘ) છે. અજમેરમાં ઉછરેલા કેપી સિંઘ છેલ્લા ઘણા સમયથી ઉદયપુરમાં રહે છે. વર્ષ 2000 માં, તેમણે આ ‘ટ્રીહાઉસ’ બનાવ્યું હતું અને તેને બનાવવા પાછળનો હેતુ એ હતો કે વૃક્ષોને કાપવાથી બચાવવા અને લોકો સમક્ષ એક મોડેલ રજૂ કરવું. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે પોતાની આખી સફર વિશે વિગતવાર વાત જણાવી.

Eco friendly home

આંબા ઉપર બનાવ્યું ઘર
કેપી સિંઘ કહે છે, “મેં IIT કાનપુરથી ઇજનેરનો અભ્યાસ કર્યો અને તે પછી રાજસ્થાનમાં જ કામ શરૂ કર્યું હતું. લગભગ સાત-આઠ વર્ષ ઇલેક્ટ્રિક વિભાગમાં કામ કર્યા પછી, મેં મારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું. આ પછી, મેં મારી પોતાની કંપની શરૂ કરી, જે આજે ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં કાર્યરત છે.

તેમણે કહ્યું કે 1999 ની આસપાસ તેઓ ઘર બનાવવા માટે ઉદયપુરમાં જમીનની શોધમાં હતા.

કેપી સિંહે કહ્યું, ‘આ વિસ્તારને અગાઉ’ કુંજરો કી બાડી ‘કહેવામાં આવતું. અહીં રહેતા લોકો અગાઉ ફળોના ઝાડ રોપતા અને ફળો વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો અને શહેરની વસ્તી વધવા લાગી, તો અહીં વાવેલા લગભગ 4000 ઝાડ કાપીને પ્લોટ તૈયાર કરવામાં આવ્યા. જ્યારે હું કોઈ પ્રોપર્ટી ડીલરને મળ્યો, ત્યારે મેં તેમને સૂચવ્યું કે ઝાડને કાપી નાખવા ને બદલે અન્ય ખાલી સ્થળોએ રોપવું જોઈએ. પરંતુ તેણે કહ્યું કે તેમાં ઘણો ખર્ચ થશે. આ પછી મેં તેમને કહ્યું કે જો તમે બીજે ક્યાંય પણ ઝાડ વાવી શકતા નથી, તો તમે ઝાડ પર જ ઘર બનાવવી નાખો.”

પ્રોપર્ટી ડીલરે કેપી સિંઘની વાતની અવગણના કરી હતી. પરંતુ કેપી સિંહે નિર્ણય લીધો કે હવે તે ઝાડ પર જ ઘર બનાવશે. તેથી, તેમણે તે જ સ્થળે એક પ્લોટ ખરીદવાનો અને તેમાં વાવેલા કેરીના ઝાડ પર જ એક ઘર બનાવવાનું નક્કી કર્યું.

Sustainable Home

ઈંટ, સિમેન્ટથી નહીં સેલ્યુલોઝ શીટ અને ફાઇબરથી બનેલું છે ઘર
કેપી સિંહે વર્ષ 1999 માં ઘર બનાવવાનું કામ શરૂ કર્યું હતું અને તે 2000 માં પૂર્ણ થયું હતું. તેમણે કહ્યું, “જ્યારે મેં ઘર બનાવવાનું શરૂ કર્યું ત્યારે કેરીનું ઝાડ લગભગ 20 ફૂટ ઊંચું હતું. તેથી તે સમયે મેં ફક્ત બે માળનું જ ઘર બનાવ્યું હતું. મારા સપનાનું આ ઘર બનાવવા માટે મેં આ ઝાડની એક પણ ડાળી કાપી નથી. મારું ઘર જમીનથી લગભગ નવ ફુટ ઉપર છે અને એક ઝાડના થડના ટેકે ઉંભુ છે. આજે આ ઝાડની લંબાઈ 40 ફૂટથી પણ વધુ છે.”

કેપી સિંહે સૌ પહેલા ઝાડની આજુબાજુ ચાર સ્તંભો બનાવ્યા. આ સ્તંભોમાં, એક સ્તંભ ‘ઇલેક્ટ્રિક કંડક્ટર’ તરીકે કામ કરે છે, જેથી વરસાદમાં જો વીજળી પડે, તો તે આ ઝાડ પર ન પડે. તે પછી, તેઓએ સ્ટીલથી બહારનું સંપૂર્ણ માળખું બનાવ્યું અને ઘરની દિવાલો અને ફ્લોર સેલ્યુલોઝ શીટ્સ બનાવી. આ ઘર નવ ફૂટની ઊંચાઇથી શરૂ થાય છે અને કેપી સિંહે તેમાં દાખલ થવા માટે રિમોટ સંચાલિત સીડી સ્થાપિત કરી છે. આ સીડીને ઘરમાં આવતી-જતી વખતે રિમોટથી ખોલી શકાય છે.

તે કહે છે, “થોડા વર્ષો સુધી આ ઘર બે માળનું હતું. જે મેં પછીથી ત્રીજો માળ બનાવ્યો. ઝાડ પર ઘર હોવાને કારણે ઘણી વાર પ્રાણીઓ અને પક્ષીઓ રૂમમાં પણ આવી જાય છે. પરંતુ હવે તેમની સાથે પણ રહેવાની ટેવ પડી ગઈ છે. કારણ કે તેઓએ આપણા સ્થાન પર ઘર નથી બનાવ્યું, પરંતુ આપણે તેમના સ્થાન પર આપણું ઘર બનાવ્યું છે.”

Save Trees

રસોડા-બેડરૂમમાંથી પસાર થાય છે ડાળીઓ
કેપી સિંઘનું કહેવું છે કે તેમણે આ ઝાડમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેના બદલે, મેં મારા ઘરને ઝાડના આકાર પ્રમાણે બનાવવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે તમે તેમના ઘરમાં પ્રવેશ કરશો, ત્યારે તમને રૂમમાં ઝાડની ડાળીઓ દેખાશો. પહેલાં માળે, તેણે એક રસોડું, બાથરૂમ અને ડાઇનિંગ હોલ બનાવ્યો છે. બીજા માળે, તેણે વૉશરૂમ, લાઈબ્રેરી અને એક રૂમ બનાવ્યો છે. ત્રીજા માળે એક રૂમ બનાવવામાં આવ્યો છે, જેની છત ઉપરથી ખુલી શકે છે.

તેમણે કહ્યું કે, લોકો ઘરને સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે ઘણી વાર ડાળી કાપી નાખે છે. પરંતુ આ ઘરમાં એક પણ ડાળી કાપવામાં આવી નથી. તેના બદલે, ઘણી ડાળાઓનો ઉપયોગ ઘરના ફર્નિચર તરીકે કરવામાં આવી રહ્યો છે. ઉદાહરણ તરીકે, એક ડાળીને સોફાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, તો કેટલાકને ટીવી સ્ટેન્ડનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ઝાડ વધવા માટે બધે મોટા છિદ્રો છોડી દેવામાં આવ્યા છે. જેથી ઝાડની ડાળીઓ પણ સૂર્યપ્રકાશ મળે અને તેઓ તેમના કુદરતી સ્વરૂપે મુજબ વિકાસ કરી શકે.

તે કહે છે, “અમે લગભગ સતત આઠ વર્ષથી આ ઘરમાં રહીએ છીએ, પરંતુ જ્યારે મારી માંની તબિયત ઠીક ન રહેવા લાગી ત્યારે અમે આ ઘરની બાજુમાં બીજું ઘર બનાવ્યું જેથી માતાને ખલેલ ન પડે. અમે બધા આ બે ઘરનો આનંદ માણી રહ્યા છીએ. ઉનાળાની સિઝનમાં આ આંબા પર ઘણી કેરીઓ પણ આવે છે.”

Save Nature

અનોખા ‘ટ્રીહાઉસ’ને જોવા આવે છે લોકો
કેપી સિંઘના આ અનોખા ‘ટ્રીહાઉસ’ને લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં પણ શામેલ કરવામાં આવ્યું છે. તે કહે છે, “અત્યારે પણ દૂર-દૂરથી ઘણા લોકો મારા ઘરને જોવા આવે છે અને આશ્ચર્યચકિત થાય છે કે ઝાડ પર ઘર કેવી રીતે બાંધવામાં આવ્યું છે. હું માનું છું કે જો તમારા દિલમાં કંઈ કરવાનું જનૂન છે, તો તમે કંઇ પણ કરી શકો છો.”

તેમનું ઘર જોયા પછી, ઘણા લોકોએ તેમને ઘરની ડિઝાઇન માટે પૂછ્યું. આ અંગે કેપી સિંઘ કહે છે, “લોકોએ કહ્યું કે તમે અમારા માટે ઘર ડિઝાઇન કરો. પરંતુ કોઈપણ પોતાની સુવિધા સાથે સમાધાન કરવા તૈયાર નથી અને બીજી બાજુ, હું ઝાડની બાબતમાં સમાધાન કરતો નથી. કારણ કે મારું માનવું છે કે આપણા લીધે ઝાડના એક પાનને નુકસાન ન થવું જોઈએ નહીં.”

ખરેખર, કેપી સિંહનું આ ઘર પોતામાં એક અજાયબી છે. તેથી, હવે જ્યારે તમે ઉદયપુર જાવ, ત્યારે આ ઘર તમે ચોક્કસ જોવા જજો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ભુજના આ દંપતિના ઘરે નથી પડતી ક્યારેય પાણીની તૂટ કે નથી ભરવું પડતું લાઈટ બિલ, ફળ-શાકભાજી પણ ઘરે વાવેલ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon