શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરનો કચરો, બીજા જીવ-જંતુઓનાં ઘરોનો નાશ કરી રહ્યો છે. દેશમાં તમે જ્યાં પણ જશો, તમને દરેક શહેરમાં કચરાના ઢગલા જોવા મળશે. આ કચરાના પર્વતોમાંથી પસાર થતાં, આપણે ફક્ત સરકાર અને પ્રશાસનને દોષી ઠેરવીએ છીએ. પરંતુ જાતે ક્યારેય વિચારતા નથી કે આપણે આપણા સ્તરે આ સમસ્યાનો સામનો કેવી રીતે કરી શકીએ. આજનાં સમયની જરૂરિયાત એ છે કે સામાન્ય નાગરિકો સમસ્યાનો નહીં પણ સમાધાનનો ભાગ બને, જેમ કે ભરૂચમાં રહેતા અંજલિ ચૌધરી અને તેના પરિવાર દ્વારા અપનાવવામાં આવ્યું છે.
ગુજરાતના ઐતિહાસિક શહેર ભરૂચમાં રહેતી 29 વર્ષીય અંજલી અને તેનો સંપૂર્ણ પરિવાર તેમની જીવનશૈલીને પર્યાવરણમિત્ર રાખવા માટે પ્રયત્નશીલ છે. તે સાચું છે કે આજના યુગમાં પ્લાસ્ટિક તમારા ઘરે કોઈક રૂપે આવશે. પરંતુ આ પ્લાસ્ટિકના કચરાને તમે કેવી રીતે મેનેજ કરો છો તેનાથી ફરક પડશે. IIM અમદાવાદમાં સંશોધન સહાયક તરીકે કાર્યરત અંજલિએ કહ્યું કે શહેરમાં ડમ્પયાર્ડને જોઈને તેને લાગ્યું કે તેણે પણ તેના સ્તરે કંઇક કરવું જોઈએ.
જો કે, તેમના ઘરમાં રહેવાની ઘણી પર્યાવરણમિત્ર એવી રીત, જેમ કે સૌર ઉર્જા અને વરસાદી પાણીનો સંગ્રહ કરવો પહેલેથી અપનાવવામાં આવી રહ્યો છે. આની સાથે અંજલિ છેલ્લા બે વર્ષથી કચરો-વ્યવસ્થાપન પર પણ ભાર આપી રહી છે. તેમને જોતા, હવે પરિવારના અન્ય સભ્યો જ નહીં પરંતુ તેમના સમાજના લોકો પણ સમુદાય સ્તરે રસોડા અને બગીચાના કાર્બનિક કચરામાંથી ખાતર બનાવવામાં ફાળો આપી રહ્યા છે.

તમામ પ્રકારના કચરાનું યોગ્ય સંચાલન
અંજલિ કહે છે કે તેણે સૌથી પહેલાં તેના રસોડામાંથી કચરાનું સંચાલન કર્યું. તેણે ફળો અને શાકભાજીની છાલ, ઝાડના સૂકા પાંદડા અને અન્ય જૈવિક કચરામાંથી ઘરે ખાતર બનાવવાનું શરૂ કર્યું. “શરૂઆતમાં થોડી મુશ્કેલી હતી, પરંતુ હવે પ્રક્રિયા આદત બની ગઈ છે. પહેલા પરિવારના સભ્યો વિચારતા હતા કે આ રીતે ફળો અને શાકભાજીની છાલ કેમ એકત્રિત કરવી? પરંતુ, જ્યારે ખાતર પ્રથમ વખત તૈયાર થયું, ત્યારે તેઓ પણ ખૂબ ખુશ થયા. મારા પરિવારમાં દરેક વ્યક્તિ પહેલાથી જ પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ છે. તેથી અમારી જીવનશૈલીમાં આ નાના ફેરફારો કરવામાં અમને બહુ મુશ્કેલી આવી નથી.”
આજે જો અંજલિ ઘરે ન હોય તો તેના સાસુ પણ પૂરી કાળજી લે છે કે કોઈ પણ જૈવિક કચરો ઘરની બહાર ન જાય. જૈવિક કચરા પછી, તેણે બીજા પ્રકારનો કચરો જોયો. “મેં પહેલા જુદા જુદા કેટેગરીમાં કચરો એકત્રિત કરવાનું શરૂ કર્યું. પછી, રિસાયકલ પ્લાસ્ટિકના કચરાને કચરાગાડીમાં મૂકવાને બદલે, તે રિસાયકલ માટે આપવાનું શરૂ કર્યુ. તે પછી, મને કાચના કચરા માટે પણ એક રિસાયકલ મળી. હવે જો કોઈ જૂની પ્લાસ્ટિક અથવા કાચની ચીજવસ્તુ છે જેનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી, તો હું તેને રિસાયકલર્સને આપી દઉ છુ,” તેમણે કહ્યું.
આમ, હવે તેઓ મહિનામાં ફક્ત એક કે બે વાર કોઈપણ કચરો કચરાગાડીમાં નાંખે છે. તેના ઘરે કચરા વ્યવસ્થાપનની પ્રક્રિયા સેટ કર્યા પછી, અંજલિએ વિચાર્યું કે સોસાયટી કક્ષાએ પણ કમ્પોસ્ટિંગ શરૂ કરવુ જોઈએ. તેથી તેમણે કેટલાક પરિવારો સાથે વાત કરી અને જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. અંજલિ અને તેના પતિ, મહર્ષિ દવેએ ‘કમ્યુનિટિ કમ્પોસ્ટિંગ’ સ્થાપવાની સંપૂર્ણ જવાબદારી લીધી. હાલમાં, લગભગ 30 જેટલા ઘરોમાંથી ઓર્ગેનિક કચરો બહાર આવવાને બદલે આ યુનિટમાં આવી રહ્યો છે, અને ટૂંક સમયમાં, તેમની પહેલી જૈવિક ખાતરની બેચ તૈયાર થઈ જશે.

જાતે ઉગાડે છે જૈવિક શાકભાજી
તેમણે પોતાના ઘરના આંગણામાં એક નાનકડું કિચન ગાર્ડન બનાવ્યુ છે. આ બગીચામાં તુલસી, કુંવારપાઠુ અને કેટલાક અન્ય ફૂલોવાળા છોડની સાથે તેઓ ટીંડોળા, ટામેટા, મરચા, દૂધી, તુરિયા જેવા શાકભાજી પણ ઉગાડી રહ્યા છે. અંજલિ કહે છે કે તેના બગીચામાં બધુ જૈવિક રીતે ઉગે છે. તેમના ઘરે બનાવેલ ખાતરનો ઉપયોગ ફક્ત શાકભાજી ઉગાડવા માટે થાય છે. આ ઉપરાંત તેઓ વર્ષમાં એકવાર ગાયનું છાણ પણ ખરીદે છે. સાથે જ, અંજલી અને તેના સાસુ, રસોડામાં ફળો, શાકભાજી અને દાળ અને ચોખા ધોયા પછી, તે પાણી ફેંકતા નથી, પરંતુ તેને કન્ટેનરમાં ભેગુ કરીને બગીચામાં નાંખી દે છે.
તેમણે કહ્યું, “કેટલીક વખત પાણીમાં શાકભાજી ધોતી વખતે, તેમના કેટલાક બીજ પાણીમાં રહે છે. અમે આ પાણીને બગીચામાં નાંખીએ છીએ અને તેની સાથે, બગીચામાં જતા શાકભાજીનાં બીજ આપમેળે અંકુરિત થવાનું શરૂ કરે છે. એ જ રીતે, ખાતર બનાવતી વખતે, ઘણાં ફળોના બીજ પણ તેની છાલ સાથે જાય છે. પરંતુ બીજ ગળતા નથી અને જ્યારે અમે બગીચામાં આ ખાતરનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તે બીજ પણ જમીનમાં જાય છે. અમારા બગીચામાં પપૈયાના છોડ આ રીતે રોપવામાં આવ્યા છે.” અંજલિ કહે છે કે તે તેના બગીચામાંથી અઠવાડિયામાં લગભગ ત્રણ દિવસ શાકભાજી લે છે.

સોલાર કૂકરમાં રાંધે છે ખોરાક
પોતે જૈવિક શાકભાજી ઉગાડવા ઉપરાંત, તે રસોઈ માટે અઠવાડિયામાં ચાર-પાંચ વખત સોલાર કૂકરનો ઉપયોગ કરે છે. ગયા વર્ષથી જ તેઓએ સોલાર કૂકરનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમના ઘરે દાળ, ચોખા, હાંડવો, કેક જેવી વાનગીઓ સોલાર કૂકરમાં જ તૈયાર કરવામાં આવે છે. અંજલિ કહે છે, “અમે ઉનાળામાં સોલાર કૂકરનો ઉપયોગ વધારે કરીએ છીએ. તે રાંધવામાં વધુ સમય લે છે, પરંતુ સૌર કૂકરમાં રાંધેલા ખોરાકમાં વધુ સ્વાદ અને પોષણ હોય છે.”

સૂર્યમાંથી વીજળી લે છે અને વરસાદનું પાણી પીવે છે
અંજલિના પતિ મહર્ષિ દવે સૌર ઉર્જા પ્રત્યે ખૂબ ગંભીર છે. તેમણે કહ્યુ“અમે લગભગ ત્રણ-ચાર વર્ષ પહેલાં અમારા ઘર માટે 1.92 કિલોવોટની ક્ષમતાવાળી સોલર સિસ્ટમ લગાવી હતી. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર ‘રૂફટોપ સોલાર‘ પર ભાર આપી રહી છે અને આ એક ખૂબ જ સારી યોજના છે. સોલર પેનલની કિંમતમાં પણ ઘટાડો થયો છે અને સબસિડી હોવાને કારણે તમારા ખિસ્સા પર કોઈ ભાર પડતો નથી. અમે ‘ઓન ગ્રીડ’ સોલાર સિસ્ટમ લગાવી છે અને તેના કારણે અમારું વીજળીનું બિલ હવે શૂન્ય થઈ ગયું છે. મહર્ષિ દવે પેટ્રોલિયમ એન્જિનિયર છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી પોતાનું સાહસ ‘ફાર્મબ્રિજ સોશિયલ સપોર્ટ ફાઉન્ડેશન‘ ચલાવી રહ્યા છે.
તેમની સોલર સિસ્ટમ, જે વીજળી બનાવે છે, તે સીધી ગ્રીડમાં જાય છે. તેમનું કહેવું છે કે તેમના ઘરની ખપત કરતાં વધારે વીજળી ઉત્પન્ન થાય છે. આ રીતે તેમના મકાનમાં વપરાતા વીજળીના એકમો સંતુલિત રહે છે. સૌર ઉર્જા ઉપરાંત, તેઓ વરસાદનું પાણી પણ એકત્રિત કરે છે. આ માટે તેમણે તેમના ઘરના આંગણામાં ‘અંડરગ્રાઉન્ડ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ’ લગાવી છે. આ ટાંકીની ક્ષમતા 15000 લિટર છે અને તે વરસાદની ઋતુમાં લગભગ સંપૂર્ણ ભરાઈ જાય છે. આ ટાંકીમાંથી પાણી લેવા તેમણે એક પમ્પ પણ લગાવ્યો છે.
મહર્ષિ કહે છે કે તેઓ ઘરે રાંધવા અને પીવા માટે માત્ર વરસાદી પાણીનો ઉપયોગ કરે છે. વરસાદનાં પાણીને ફિલ્ટર કરવા માટે તેઓ ‘ગ્રેવીટી બેઝ્ડ ફિલ્ટર’ નો ઉપયોગ કરે છે. તેઓ કહે છે કે ટાંકીમાં જે પાણી એકત્ર કરવામાં આવે છે તે આખા વર્ષ દરમિયાન રહે છે અને વરસાદની ઋતુમાં ટાંકી ફરી ભરવામાં આવે છે. વરસાદનું પાણી એકત્રિત કરવાને કારણે, તેઓને પીવા માટે સારું પાણી મળી રહ્યું છે.
અંજલિ અને મહર્ષિ આસપાસના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા સતત કાર્યરત છે. અંજલિએ પોતાનો ‘બ્લોગ-સુનહરી મીટ્ટી‘ પણ શરૂ કર્યો છે. આના પર, તે વિવિધ સ્થાયી પદ્ધતિઓ વિશે લખે છે, જેથી લોકો તેમના સ્તરે ‘હોમ કમ્પોસ્ટિંગ’ જેવી વસ્તુઓ શરૂ કરી શકે.
જો તમે અંજલિ અને મહર્ષિનો સંપર્ક કરવા માંગતા હો તો તમે તેમને sunehrimitti@gmail.com પર ઇમેઇલ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.