મચ્છીપટ્ટનમના રહેવાસી અન્ના મણિરત્નમ 2017માં પરિવાર સાથે નવા ઘરમાં શિફ્ટ થયા ત્યારે ખૂબ જ ખુશ હતા. આનંદ માત્ર નવા ઘરનો જ નહોતો, પણ ટેરેસ ગાર્ડન બનાવવાનું પોતાનું સપનું પૂરું કરવામાં પણ હતું. તે એ સપનુ હતુ, જેને તે બાળપણથી જોતા આવી રહ્યા હતા.
27 વર્ષીય મણીએ ધ બેટર ઇન્ડિયાને કહ્યું, “અમારા જૂના ઘરમાં મારા બાગકામનો શોખ પુરો કરવા માટે પૂરતી જગ્યા નહોતી. પણ હવે મારી પાસે 675 ચોરસ ફૂટ ટેરેસ છે. અહીં હું ઘણાં ફળો અને શાકભાજી રોપી શકું છું. ત્યારે મે મારા ટેરેસને નાના જંગલમાં રૂપાંતરિત કરવાનું નક્કી કર્યું. ”
આજે, ચાર વર્ષ પછી, તેના ઘરની આ છત મીની જંગલ જેવી દેખાવા લાગી છે. ત્યાં 100 થી વધુ છોડ છે. ટામેટા, રીંગણ જેવા શાકભાજીની સાથે સાથે લાલ જામફળ અને સફરજનના વૃક્ષો પણ છે. તેના બગીચામાં અમરાંથસ જેવી વનસ્પતિઓ પણ રોપવામાં આવે છે. મણિ પોતાના ટેરેસ ગાર્ડનની જાળવણી પાછળ મહિને માત્ર 500 રૂપિયા ખર્ચ કરે છે. તેમનું એક ફેસબુક ગ્રુપ પણ છે, જેમાં 1000 થી વધુ લોકો જોડાયા છે. આ પેજ પર, તે ઓછા ખર્ચે બાગકામ સંબંધિત ટીપ્સ શેર કરે છે.
ઘરે જ બનાવે છે ખાતર અને બીજ
તેમણે સૌથી પહેલા પોતાના બગીચામાં તુલસીનો છોડ લગાવ્યો, જે શુભ માનવામાં આવે છે. પછી ચમેલીના ફૂલો અને ટામેટાં જેવા શાકભાજીના બીજ ખરીદ્યા અને તેને વાસણમાં રોપ્યા અને પછી ધીમે ધીમે તેનો બાગકામનો શોખ શરૂ થયો. આજે તેમનો આખો પરિવાર ટેરેસનાં કુંડામાં ઉગાડવામાં આવતા તાજા શાકભાજી અને ફળો ખાય છે.

મણિ કહે છે, “હું મારા ટેરેસ ગાર્ડનમાં રોજિંદા વપરાશના શાકભાજી અને ફળો ઉગાડવા માંગતો હતો અને જ્યારે આ બધું ઘરમાં ઉગાડવું અને ખાવાનું હોય ત્યારે, કંઈક અલગ કરવાનો પ્રયાસ કેમ ન કરવો જે સ્વાસ્થ્ય માટે સારું હોય. આ વિચારને ધ્યાનમાં રાખીને, મેં રાસાયણિક ખાતરોને ના કહ્યું. હું શાકભાજી ઓર્ગેનિક રીતે ઉગાડવા માંગતો હતો. મેં રસોડાના કચરાનો ખાતર તરીકે ઉપયોગ કરવાનું અને જીવામૃત અને પંચગવ્ય જેવા જૈવિક ખાતરો બનાવવાનું નક્કી કર્યું.”
ખાતર બનાવવાની લીધી તાલીમ
મણિ કહે છે કે તેણે બધું વિચાર્યું, પણ તે એટલું સરળ પણ નહોતું. ખાતર બનાવવા માટે તેને ઘણું જાણવું અને શીખવું પડ્યું. મણિએ ગુંટૂરમાં બે સપ્તાહના વર્કશોપમાં હાજરી આપી હતી. ત્યાં, તેણે ઘણી બધી મૂળભૂત બાબતો શીખી અને પછી ઘરે ખાતર બનાવવાનું શરૂ કર્યું. ખરીદીનો ખર્ચ શક્ય તેટલો ઓછો થાય તેની ખાતરી કરવા માટે મણીએ તમામ પ્રયત્નો કર્યા. તેણે ઘરની નજીકની ડેરીનો સંપર્ક કર્યો અને ત્યાંથી ગાયનું છાણ અને મૂત્ર લેવાનું શરૂ કર્યું.
મણીએ કહ્યું, “ડેરીના માલિકે બદલામાં મારી પાસેથી કોઈ પૈસા લીધા નથી. મેં ઘરમાં પડેલા કચરાના ડ્રમમાં ખાતર બનાવ્યું અને તેને છત પર ઢાંકીને રાખ્યું. હું પાણી ઉમેરીને આ ખાતરને થોડું પાતળું કરું છું અને દર 14 દિવસમાં એકવાર છોડમાં નાંખુ છું. મણિના જણાવ્યા મુજબ, જ્યારે તે લોકડાઉન દરમિયાન ખાતર ખરીદવામાં અસમર્થ હતો, ત્યારે તેણે રસોડાના કચરામાં પાણીમાં મિક્સ કરીને તેમાંથી ખાતર તૈયાર કર્યું હતુ.
રિસાયકલ કરી બનાવ્યા પ્લાન્ટર્સ
મણીએ કેટલાક ફળ અને શાકભાજીના છોડ સાથે બાગકામ શરૂ કર્યું. પરંતુ ધીરે ધીરે તેણે આ ટેરેસ ગાર્ડનમાં ભૃંગરાજ, સૌરસૂપ, એડેનિયમ, બોંસાઈ અને ઘણા ફૂલોના છોડને સ્થાન આપ્યું અને તેને ઘણું મોટું બનાવ્યું. તેણે છત પર જ સિમેન્ટના કેટલાક વાસણો બનાવ્યા અને તેમાં ફળોના છોડ રોપ્યા. આ ઉપરાંત, પ્લાસ્ટિક અથવા સ્ટીલની ડોલને પણ રિસાયકલ કરી અને પ્લાન્ટર્સમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. તેણે આ બધી સામગ્રી ભંગારમાંથી ખરીદી હતી.
વર્ષ 2019 માં, મણિને સમજાયું કે જેમ જેમ છોડ મોટા થઈ રહ્યા છે, તેને બજારમાંથી વધુ કંઈપણ ખરીદવાની જરૂર નથી. હવે એક મહિનામાં છોડ પર માત્ર 500 રૂપિયા અથવા વધુમાં વધુ 600 રૂપિયા ખર્ચ કરવાનું પુરતૂ છે. આ સિવાય બાગકામ કરવાના આ શોખને કારણે ઘરમાંથી પેદા થતો કચરો પણ ઘણો ઓછો થઈ ગયો હતો.
તે કહે છે, “હું ઘરમાંથી જેટલો પણ ભીનો કચરો નીકળે છે, તેમાંથી ખાતર બનાવું છું અને બગીચા માટે પ્લાસ્ટિકની બોટલ અથવા ડબ્બા જેવા સૂકા કચરાને રિસાયકલ કરું છું.” તેમણે પડોશીઓને બાગકામના આ ફાયદાઓ વિશે પણ જણાવ્યું, જેથી તેઓ પણ આ તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અને પર્યાવરણ બચાવવામાં યોગદાન આપી શકે.

ખાતર બનાવવાનું શીખતા મળી એક સારી મિત્ર
વર્કશોપ દરમિયાન તેમની મુલાકાત ગૌરી કાવ્યા સાથે થઈ. આજે તેઓ બંને ખૂબ સારા મિત્રો છે. ગૌરી સાથે મળીને, મણીએ ફેસબુક પર ‘Bandar Brundavanam’નામનું ફેસબુક પેજ શરૂ કર્યું. જેના પર તે ઓર્ગેનિક ખાતરો, જંતુનાશકો અને બીજ બનાવવાની ટિપ્સ શેર કરે છે.
મણિએ કહ્યું, “મેં મારા પેજ પર બાગકામ સંબંધિત વીડિયો અને કેટલીક પોસ્ટ્સ શેર કરી છે. અમે આ પેજ દ્વારા ત્રણ થી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોને બીજ અને ખાતર પણ આપીએ છીએ અને બદલામાં તેઓ અમને તેમના બગીચાની કેટલીક અનોખી વસ્તુઓ પણ આપે છે.”
તેમણે કહ્યું કે આ અદલા-બદલી મોટે ભાગે મફતમાં થાય છે. પૈસા કોઈ પાસેથી કોઈ વસ્તુ માટે લેવામાં આવતા નથી અથવા આપવામાં આવતા નથી. આ જ કારણ છે કે આજે તેના પેજ સાથે 1000થી વધુ લોકો જોડાયા છે. તેમની પાસે ગ્રુપ સાથે સંબંધિત ઘણી હકારાત્મક વાર્તાઓ છે.
આરોગ્ય સારું રહેશે, કચરો ઓછો થશે
મણિ કહે છે, “રોગચાળાની બીજી લહેર દરમિયાન અમારું આ ગ્રુપ ખૂબ જ મજબૂત બન્યું છે. જ્યારે અમારા એક વૃદ્ધ સભ્યનું નિધન થયું, ત્યારે તેમની પુત્રી ગ્રુપમાં આવી અને તેની માતાની છેલ્લી ઇચ્છા વિશે જણાવ્યું. તેની માતા ઈચ્છતી હતી કે તેના તમામ છોડ દાનમાં આપવામાં આવે અને તે જ તેની સંભાળ લે. ગ્રુપના 10 સભ્યો આગળ આવ્યા અને તેમના બગીચામાં ઘણા છોડને સ્થાન આપ્યું. આ છોડ આજે પણ તેના બગીચાનું ગૌરવ છે.”
મણીને આશા છે કે આવનારા સમયમાં, આ ગ્રુપ વધુને વધુ લોકોને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરિત કરશે. તેઓ કહે છે, “આનાથી લોકોને તંદુરસ્ત રીતે જીવવાની એક રાહ અને ઘરમાંથી નીકળતા કચરાને ઘટાડવામાં મદદ મળશે.”
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: આંગણમાં જૈવિક શાકભાજી વાવી નવસારીનાં બહેન મહિને કમાય છે 12 હજાર, દીકરીને ભણાવવાની મહેનત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.