આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સુરતના સાવી મિસ્ત્રીની જેઓ છેલ્લા 12 વર્ષથી ફિટનેસ ટ્રેનર તરીકે કામ કરી રહ્યા છે. સાથે-સાથે સાવી છેલ્લા 2 વર્ષથી ટેરેસ ગાર્ડનિંગ કરીને ફળ, ફૂલ,શાકભાજી વગેરેનું ઓર્ગનિક રીતથી ઉત્પાદન પણ મેળવી રહ્યા છે તો ચાલો તેમના આ ગાર્ડનિંગના અનુભવ વિશે થોડું વિસ્તારપૂર્વક જાણીએ.
ઘરમાં ગાર્ડનિંગ શરૂ કરવા પાછળનું કારણ
આ બાબતે વાત કરતાં સાવિએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, નાનપણથી જ તેમને ફૂલો પ્રત્યે ખૂબજ આકર્ષણ રહ્યું છે, એટલે ઘરે અલગ-અલગ ફૂલછોડ તો વાવતા જ હતા. ત્યાં એક દિવાસ કઈંક નવું જાણવા અને શીખવા મળશે એ આશયે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી. ત્યાં તેમને જાણવા મળ્યું કે, અત્યારે આપણે જે પણ કંઈ શાકભાજી તથા ફળો બહારથી લાવીને ખાઈએ છીએ તેમાં ખુબ જ વધારે માત્રામાં રાસાયણિક દવાઓનો છંટકાવ કરેલ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ને પછી આ બધું જાણ્યા બાદ સાવીએ ઘરે જ કિચન ગાર્ડનની શરૂઆત કરી ને આગળ જતા ટેરેસ ગાર્ડનિંગ તરફ આગળ વધ્યા.

શરૂઆતમાં કેવી-કેવી મુશ્કેલીઓ પડી?
સાવી જણાવે છે કે શરૂઆતમાં તેમને ખબર ન હતી કે બીજ ક્યાંથી લાવવા, પોટિંગ મિક્સ કંઈ રીતે બનાવવું અને છોડવાઓની માવજત, સાર સંભાળ કંઈ રીતે રાખવી વગેરે, પરંતુ તે હિંમત ન હારી. પરંતુ ધીરે ધીરે અનુભવ દ્વારા તે બધું જ શીખવા મળ્યું.
આ બાબતે વધુમાં જણાવતાં સાવિએ કહ્યું, “પહેલાં મને સમજાતું નહોંતું કે છત પર ગાર્ડનિંગ કરું કે નીચે પ્લોટ પર પછી મેં નીચે જ ગાર્ડનિંગની શરૂઆત કરી પરંતુ ત્યાં સૂર્યપ્રકાશના અભાવના કારણે તેમ જ છોડવાઓ રોપીને તેમને કેવી રીતે વ્યવસ્થિત દિશામાં ગોઠવવાના હોય તેની જાણકારીના અભાવના કારણે ઝાઝી કંઈ સફળતા ન મળી.”
આગળ તેઓ જણાવે છે “પછી મેં મારી છત પર જ ગાર્ડનિંગ કરવાનું શરુ કર્યું. જેમાં પાછળ થયેલી ભુલોનું પુનરાવર્તન ન કરતાં છોડવાઓને વ્યવસ્થિ સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે તેમજ પૂર્વથી પશ્ચિમ તરફની દિશામાં વિધિવત ગોઠવ્યા. ગાર્ડનિંગમાં દિશા પ્રમાણેની ગોઠવણીનું ખુબ જ મહત્વ હોય છે જે છોડવાઓના ઉત્પાદન પર અસર કરે છે. આમ એક બે નિષ્ફળતા પછી મને અત્યારે હાલ સારું એવું ઉત્પાદન મળી રહ્યું છે.”
આ પણ વાંચો: દાહોદના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકે ઘરમાં બનાવ્યું મીની જંગલ, દેશી-વિદેશી ફળ-શાકભાજી, ફૂલો છે અહીં

પોટિંગ મિક્સ કેવી રીતે તૈયાર કરો છો?
સાવી જણાવે છે કે પોટિંગ મિક્સ માટે તેઓ 40 ટકા માટી, 30 ટકા કોકોપીટ તથા 30 ટકા પાંદડાંમાંથી બનાવેલ ખાતર મિક્સ કરી તૈયાર કરે છે.
પાંદડાંમાંથી ખાતર તેઓ ઘરે જ બનાવે છે જેમાં ગાર્ડનના જૈવિક કચરાને છત પર જ કોઈ છાયાંવાળી એક જગ્યાએ મૂકીને તેના પર માટીનું થર પથારી દે છે તથા રોજ તેમાં થોડું થોડું પાણી છંટાતા રહે છે. તેને કોહવાઈને બનતા 8 થી 9 મહિના જેટલો સમય લાગે છે પણ સાવી કહે છે કે બીજા કોઈ પણ ખાતર કરતાં પાંદડાંમાંથી બનાવેલા ખાતર દ્વારા સારું ઉત્પાદન મળ્યું છે. હું શિયાળા દરમિયાન પોટિંગ મિક્સ બનાવવતી વખતે તેમાં જીવામૃતનો ઉપયોગ પણ કરું છું. તે કહે છે કે આ સિવાય તમે કિચન વેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો ખાતર બનાવવા માટે તે પણ સારું એવું પરિણામ આપે છે.

છત પર વજનના વધે તે માટે તમે શું કરો છો?
તેઓ કહે છે કે તે બાબતે તેઓ કૂંડાઓના બદલે છોડવાઓને થર્મોકોલ બોક્સમાં રોપે છે. સાથે સાથે ઘર માટે લાવેલ ચોખાની નાની નાની થેલીઓનો પણ છોડવાઓ રોપવા માટે ઉપયોગ કરે છે. પાણીના નિકાલ માટે છત પર આ બધાને ધાબાની સપાટીથી થોડા ઉપર રહે તે રીતે ઈંટ કે પછી સ્ટેન્ડની મદદથી ગોઠવે છે જેથી સફાઈમાં પણ સરળતા રહે.
ગાર્ડનિંગ માટેની વસ્તુઓની બહારથી ખરીદી કરો છો?
આ પ્રશ્નનો જવાબ આપતા તેઓ કહે છે કે પહેલા લાવતી હતી પરંતુ હવે ઘણી બાબતમાં આત્મા નિર્ભર છું અને મોટાભાગે ઘરની વસ્તુઓનો જ ઉપયોગ કરું છું. પણ હા શાકભાજી માટેના બીજ હું બહારથી લાવું છું પરંતુ ફૂલો માટે તો હું જાતે જ કટર લઈને ગમતા છોડ મળે તો તેમાંથી કટ કરી ઘરે લાવી તેને રોપુ છું. ક્યારેક ક્યારેક ખાતરની વધારે જરૂર જણાય તો બહારથી પાંદડાંમાંથી બનાવેલ કંપોસ્ટ ખાતર જ લાવું છું. આ સિવાય બહારથી કોઈ જ વસ્તુ લાવવાની જરૂરિયાત હોય તેવું મને નથી લાગતું.

છોડવાઓને રોપીને તેને કંઈ રીતે ઉછેરો છો?
સાવીનું કહેવું છે કે પોટિંગ મિક્સ તૈયાર કર્યા પછી વાવણીથી લઈને છોડવાઓ થોડા મોટા ન થાય ત્યાં સુધી ખુબ જ કાળજી રાખવી પડે છે અને ગાર્ડનમાં વધારે સમય આપવો પડે છે.
પાણી આપવામાં પણ ખુબ જ કાળજી રાખવી પડે છે જેમ કે જો કોકોપીટનો વધારે ઉપયોગ કર્યો હોય તો પાણી દર 3 થી 4 દિવસે આપો તો ચાલે બાકી નોર્મલ પોટિંગ મિક્સમાં શિયાળામાં એક દિવસ છોડીને, ઉનાળામાં દરરોજ અને ચોમાસામાં વરસાદની સ્થિતિના આધારે પાણી આપી શકો છો.
આ પણ વાંચો: પ્રકૃતિના પ્રેમે ફોટોગ્રાફરને બનાવ્યા ઑર્ગેનિક ગાર્ડનર, માતા-પુત્ર ઘરે વાવે છે ફળ-શાકભાજી
વધુમાં તેઓ કહે છે કે જાસુદ અને મોગરાની વૃદ્ધિ માટે હું લીંબુના પાણીનો છંટકાવ કરું છું તેવી જ રીતે કેળાના પાણીનો છંટકાવ પણ અમુક છોડ પર કરું છું પણ આ દરેક માટે અસરકાકરક હોય તેવું નથી ફક્ત કેટલાક છોડને જ આનાથી લાભ થતો હોય છે.
રોગ અને જીવાતના નિયંત્રણ માટે શું કરો છો?
આમ તો દરેક છોડવાઓની છે બે ત્રણ નાના નાના લીમડાના છોડ મૂકી રાખું છું જેથી જીવાત ન આવે. તે સિવાય જરૂર જણાય ત્યારે છોડવાઓને ઘેર જ બનાવેલી જૈવિક જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરું છું.
જૈવિક જંતુનાશક દવા બનાવવા માટે હું લીમડાને ઉકાળી તેમાં વોશિંગ પાવડર તેમ જ ડેટોલ ઉમેરું છું ને છંટકાવ કરું છું. આ સિવાય લસણ અને મરચાની પેસ્ટ બનાવી તેને પાણીમાં ઓગાળીને સ્પ્રે કરું છું. ક્યારેક જરૂર જણાય તો ગૌ મૂત્રનો પણ છંટકાવ કરું છું.
મોટા ભાગે શું વાવો છો?
તેઓ જણાવે છે કે ફળમાં ચેરી,જમરૂખ. શાકભાજીમાં તુવેર, મરચાં, કાકડી, ભીંડા, ફુલાવર, ચોળી, પાપડી, રીંગણ, કારેલા, ટામેટા તથા ફૂલોમાં જાસુદ મોગરો, ચંપો પારિજાત અપરાજિતા મેરીગોલ્ડ વગેરેનો ઉછેર કરું છું. આ ઉપરાંત વિવિધ ઋતુગત શાકભાજી ઉછેરું છું.

ગાર્ડનિંગથી તમને શું ફાયદો થયો?
સાવી જણાવે છે કે ગાર્ડનિંગના કારણે સૌ પ્રથમ તો સારું એવું ઓર્ગેનિક જમવાનું મળતું થયું છે જેના કારણે શારીરિક તંદુરસ્તીમાં સારો એવો સુધારો થયો છે. અત્યારે ઘરની જરૂરિયાતની 50 ટકા શાકભાજી અમે અમારા ગાર્ડનમાંથી જ મેળવીએ છીએ.
બીજું એ કે સુરત જેવા ગીચ્ચ વસ્તીવાળા શહેરમાં મારા ઘરનું વાતાવરણ ગાર્ડનિંગના કારણે ઘણું સુધર્યું છે અને તેમાં હવે ઠંડક પણ રહે છે.
આ સિવાય તેઓ જણાવે છે કે પોતે અત્યારે ફિઝિકલ ફિટનેસના ક્ષેત્રમાં જ છે અને આગળ જતા ગાર્ડનિંગ દ્વારા મેન્ટલ ફિટનેસના ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે.
તેમનાં સંતાનો પણ હવે બહાર કોઈ જગ્યાએ ફરવા જવાની જગ્યાએ ઘરે બનાવેલા ગાર્ડનમાં બેસવાનું વધારે પસંદ કરે છે અને તેઓ પોતાના મિત્રોને પણ ત્યાં જ બોલાવે છે અને વાંચન તથા વિવિધ પ્રવૃતિઓમાં જોતરે છે જે એક સુખદ અનુભવ છે.
છેલ્લે સાવી એટલું જ કહે છે કે ગાર્ડનિંગના કારણે માટીમાં કામ કરવાથી વિટામિન B12 ની જે ઉણપ રહેતી હોય છે લોકોના સ્વાસ્થ્યમાં પણ ઘણો ફાયદો થાય છે. સાથે-સાથે ગાર્ડનિંગથી ખૂબજ માનસિક શાંતિ પણ અનુભવાય છે.
એટલું જ નહીં, સાવીએ તેના ઘરના ધાબામાં સોલર પેનલ પણ લગાવડાવી છે. જેથી બધી જ સુવિધાયુક્ત જીવન જીવતા હોવા છતાં તેમને વિજળીનું બિલ નથી ભરવું પડતું.
તો પછી તમે હવે ઈકો-ફ્રેન્ડલી જીવન જીવવા ક્યારથી તમારા ઘરમાં ગાર્ડનિંગની શરૂઆત કરો છો?
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સિમેન્ટના જંગલ સમા અમદાવાદમાં મીનલબેનનું ઘર છે હરિયાળું,મહેમાનોને પણ ગિફ્ટમાં મળે છે છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.