કોરોનાને કારણે દેશભરની શાળાઓ બંધ છે અને લગભગ તમામ શાળાઓ ઓનલાઈન ટીચિંગ મોડ પર છે, જેના કારણે બાળકો તેમનો મોટાભાગનો સમય મોબાઈલ અથવા લેપટોપ પર વિતાવે છે. આજે અમે તમને રાજસ્થાનની એક એવી વિદ્યાર્થીનીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે ક્લાસ પછી મોબાઈલ-લેપટોપ પર સમય વિતાવતી નથી, પરંતુ જૂના દૂધના પેકેટમાં શાકભાજી ઉગાડે (Grow Microgreens At Home)છે.
17 વર્ષની નિશા પાઠક જયપુરની નીરજા મોદી સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. કોમ્પ્યુટર પર વધુ સમય ન વિતાવવા અને પોતાની જાતને સક્રિય રાખવા માટે તેણે ખૂબ જ નાના પાયે ખેતી શરૂ કરી છે.
તે કહે છે, “હું મારી જાતને એવી પ્રવૃત્તિઓમાં જોડવા માંગતી હતી જેમાં સ્ક્રીન પર જોવાની જરૂર ન હોય. તેના સિવાય, હું શાકભાજી ઉગાડવા માગતી હતી અને તેને મારા ઘરની નજીક રહેતા જરૂરિયાતમંદ પરિવારોમાં વહેંચવા માંગતી હતી.”

શાકભાજી ઉગાડીને જરૂરિયાતમંદોમાં વહેંચી દીધી
નિશાએ એક માળી પાસેથી બીજ તૈયાર કરવાનું અને લગાવવાનું શીખ્યું. શરૂઆતમાં, તેણે બટાકા, ડુંગળી અને ટામેટાં જેવા શાકભાજી ઉગાડ્યા. તે શાકભાજી નિશા દ્વારા નજીકના વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને વહેંચવામાં આવ્યા હતા. કારણ કે, તેઓ નિયમિત રીતે તાજા શાકભાજી ખરીદી શકતા ન હતા.
આ દરમિયાન તેને સમજાયું કે શાકભાજી ઉગાડવામાં થોડા મહિના લાગશે. તે એવા પરિવારોને શાકભાજીના પૌષ્ટિક વિકલ્પો પ્રદાન કરવા માંગતી હતી જેઓને નિયમિતપણે શાકભાજી ખરીદવાનું પરવડે નહીં. પછી નિશાએ માઇક્રોગ્રીન્સ (grow microgreens) ઉગાડવાનું નક્કી કર્યું અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે વર્કશોપનું આયોજન કર્યું જેથી તેઓ પણ તેને ઘરે ઉગાડી શકે.
તેણીએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “હું તે મહિલાઓ પર માઇક્રોગ્રીન્સ ઉગાડવા માટે કન્ટેનર અથવા વાસણો ખરીદવાનો બોજ નાખવા માંગતી ન હતી. તેથી કાયમી ઉકેલ તરીકે, મેં આ માટે દૂધના ખાલી પેકેટને રિસાયકલ કરવાનું નક્કી કર્યું.” અત્યાર સુધીમાં તેણે 10 જરૂરિયાતમંદ મહિલાઓ માટે વર્કશોપનું આયોજન કર્યું છે. આ સાથે 35 પડોશીઓ માટે વર્ચ્યુઅલ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કેવી રીતે ઉગાડે છે માઈક્રોગ્રીન્સ ?
તો ચાલો જાણીએ કે તમે દૂધના પેકેટમાં માઇક્રોગ્રીન્સ કેવી રીતે ઉગાડી શકો છો-
તમારે આ વસ્તુઓની જરૂર પડશે:
દૂધનું ખાલી પેકેટ
પોટિંગ મિશ્રણ
મેથી અથવા સરસવના દાણા.
1. એક બાઉલ પાણીમાં મુઠ્ઠીભર મેથી અથવા સરસવના દાણાને રાતભર પલાળી રાખો.
2. જૂના દૂધના પેકેટને સારી રીતે ધોઈને સૂકવી લો.
3. વધારાનું પાણી દૂર કરવા માટે પેકેટના તળિયે કાતરથી એક કાણું બનાવો.
4. દૂધના પેકેટનો 3/4 ભાગ ઓર્ગેનિક પોટીંગ મિશ્રણથી ભરો.
5. પલાળેલા બીજને પેકેટમાં સરખી રીતે ફેલાવો અને તેને માટીના પાતળા પડથી ઢાંકી દો.
છેલ્લે, થોડું પાણી છાંટીને તેને એવી જગ્યાએ રાખો જ્યાં સીધો સૂર્યપ્રકાશ ન પડે. દરરોજ પાણીનો છંટકાવ કરતા રહો અને સાત દિવસમાં માઇક્રોગ્રીન્સ ખાવા માટે તૈયાર થઈ જાય છે.
તે જ પેકેટનો ફરીથી ઉપયોગ કરી શકો છો
એકવાર પાંદડા કાપી નાખવામાં આવે તે પછી, તમે આ પ્રક્રિયાને તે જ દૂધના પેકેટમાં ફરીથી કરી શકો છો. જો કે, તમારે માટીના ઉપરના સ્તરને દૂર કરવાની અને તાજા પોટિંગ મિશ્રણ ઉમેરવાની જરૂર પડશે.
આ નાના પાંદડાઓ પુરી રીતે ઉગાડવામાં આવતી શાકભાજી કરતાં વધુ પોષક તત્વોથી ભરેલા હોય છે અને તેને રાંધવાની પણ જરૂર હોતી નથી.
નિશા કહે છે, આને ગાર્નિશિંગ તરીકે ફૂડ પર સજાવી શકાય છે અને ફ્રેશ પણ ખાઈ શકાય છે.
મૂળ લેખ: રૌશની મુથુકુમાર
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કોણ છે પદ્મશ્રીથી સન્માનિત મહિલા, પગમાં ચપ્પલ નહીં, માત્ર સાડીમાં લપેટાયેલ અમૂલ્ય નારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો