આમ તો કનુભાઈ કરકર ક્લાસ વન અધિકારી છે, પણ જેટલો તેમનો સરળ સ્વભાવ છે એટલાં જ અદભુત તેમનાં કામ છે. હંમેશાં તેમના મગજમાં કઈંક એવા જ વિચારો ચાલતા રહેતા હોય છે કે, આ કામને સરળ કેવી રીતે બનાવવું અને તેનાં પરિણામ પણ તેઓ શોધી કાઢે છે. તેમની આ જ ‘માઈન્ડ એક્સરસાઈઝ’ રૂપે તેઓ સતત અવનવા ઈનોવેશન કરતા રહે છે અને તેનાથી ઘણાં કામ સરળ પણ બને છે.
કનુભાઈ 52 અઠવાડિયામાં નિવૃત્ત થવાના છે અને આ સમયે તેઓ લોકો સમક્ષ 52 ઈનોવેશન મૂકી એ પળને યાદગાર બનાવવા ઈચ્છે છે. આ યાદીમાં 15 ઈનોવેશન તો થઈ પણ ગયાં છે.
જેમાંનું એક ઈનોવેશન તો એવું છે, જે શહેરોમાં નાના-નાના ફ્લેટમાં રહેતા લોકો, પેઇંગગેસ્ટ ચલાવતા લોકો કે હોસ્ટેલોમાં ખૂબજ ઉપયોગી નીવડી શકે છે. અને પાછું દરેકને પોસાય તેવું પણ છે.

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા કનુભાઈ તેમના દ્વારા મોંઘી મોંઘી વસ્તુઓના વિકલ્પ તરીકે પોતાના દ્વારા ઇનોવેટ કરેલી વિવિધ ચીજ વસ્તુઓ, રીતો અને ભૂતકાળના પોતાના અનુભવોને સવિસ્તાર જણાવે છે.
ફોલ્ડેબલ ખાટલા
કનુભાઇએ પોતાની બુદ્ધિપ્રતિભા અને કંઈક અલગ જ કરવાના જુનૂનથી એક સાથે ત્રણ એવા ખાટલાઓનું નિર્માણ કર્યું છે જે આજના મધ્યમ વર્ગીય પરિવાર કે જેમાંથી ઘણા લોકો પાસે ઘરમાં જગ્યાનો અભાવ જોવા મળે છે તેમના માટે આ ખટલા વરદાન સમાન છે અને તે પણ ફક્ત 3500 રૂપિયામાં જ ઉપલબ્ધ છે. આ ખાટલા એક જ જગ્યા પર એકબીજા સાથે ઉપરથી નીચે એમ વ્યવસ્થિત વધારે જગ્યા રોક્યા વગર ગોઠવાઈ જાય છે. તમને હશે કે તો તો પછી દરેકની ઊંચાઈમાં તફાવત રહેતો જ હશે પણ જયારે તેને ઉપયોગમાં લઈએ છીએ તો તેમને એવી રીતે બનાવવામાં આવ્યા છે કે દરેકની ઊંચાઈ સમાન રહે છે. વધુમાં આ ખાટલાદેશી પદ્ધથીથી પાટી બાંધી બનાવેલ હોવાથી કમરના દુખાવામાં પણ ફાયદાકારક ગણાય છે. આ ખાટલા વિશે વિગતવાર હજી વધારે માહિતી જોઈતી હોય તો આ લેખના છેડે આપેલ લિંક પર ક્લિક કરી માહિતી મેળવી શકો છો.

કનુભાઈના ઇનોવેશનની ઝાંખી
આમ તો જો વાત કરવા જઈએ તો કનુભાઈ દ્વારા મધ્યમ વર્ગીય પરિવાર માટે શોધવામાં આવેલા વિવિધ જુગાડ આવા એકાદ આર્ટિકલમાં ક્યારેય ના સમાઈ શકે છતાં તેમના અમુક ઇનોવેશનની થોડી ઘણી માહિતી આપવા માટે અહીંયા એક બે ની વાત જરૂર કરીશું. પરંતુ જો તમે તમારી જીજ્ઞાશા જીરવી ન શકતા હોવ તો આર્ટિકલના અંતમાં કનુભાઇની યૂટ્યૂબ ચેનલની લિંક પર ક્લિક કરી અને તેના પર જઈને તમે તેમના આ બધાં જ ઇનોવેશન વિશે વિગત પૂર્વક જાણી શકો છો.
આ સિવાય કનુભાઈએ કસરત કરવા માટે ફક્ત ત્રીસ હાજર રૂપિયામાં જ એક એવું સાધન બનાવ્યું છે જેમાં 25 થી 30 લોકો એકસાથે કસરત કરી શકે છે. આ સાધનને જોવા માટે તો ખુદ આપણા રાજ્યના રાજ્યપાલ પણ જૂનાગઢ ખાતે આવેલા. અને કનુભાઈ કહે છે કે તેમના દ્વારા સંશોધિત દરેક વસ્તુમાં આ સાધન તેમને સૌથી પ્રિય છે.

નાનપણથી જ છે વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા
કનુભાઈના નામે આમ તો 40 ની આસપાસ રિસર્ચ પેપર અને ત્રણસો કરતા પણ વધારે ઇનોવેશન બોલે છે. કનુભાઈ ધ બેટર ઇન્ડિયાને જણાવે છે કે 1986માં સૌરાષ્ટ્રમાં ભારે વાવાઝોડું ફૂંકાયું ત્યારે તેમના તેઓના પોતાના ઘર સિવાય ગામમાં દરેક લોકોના ઘરના નળિયા ઉડી ગયેલા. તે સમયે કનુભાઇએ નળિયા ના ઉડે તે માટે તેમાં કાણાં પાડીને તેને વાંસની સાથે બાંધી દીધેલા.

અવિરત સંઘર્ષ દ્વારા કનુભાઇએ વિવિધ જગ્યાઓ પર પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું અને છેલ્લે 2011માં જીપીએસસી ની પરીક્ષા પાસ કરી અત્યારે ક્લાસ વન અધિકારી તરીકે ફરજ પણ બજાવે છે. જો તમે આ ઇનોવેશન બાબતે વધુ જાણવા અને જોવા ઇચ્છતા હોવ તો અહીંયા નીચે આપેલ વિડીયો પર ક્લિક કરો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: દુનિયા કોલસાની અછત સામે ઝઝૂમે છે ત્યાં ભારતનું આ શહેર દિવસે ચાલે છે 100% સૌરઉર્જા પર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.