Search Icon
Nav Arrow
Solar Powered City In India
Solar Powered City In India

દુનિયા કોલસાની અછત સામે ઝઝૂમે છે ત્યાં ભારતનું આ શહેર દિવસે ચાલે છે 100% સૌરઉર્જા પર

ભવિષ્યમાં કોલસાની અછતનાં પરિણામ ભોગવવાં ન પડે અને વિજળીનો ખર્ચ ઘટે એ માટે દીવ ચાલે છે સંપૂર્ણપણે સૌર ઉર્જા. અહીં આ માટે બે સોલાર પાર્ક બનાવવામાં આવ્યા છે અને બધી જ સરકારી ઈમારતો પર સોલાર પેનલ્સ લગાવવામાં આવી છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ સ્માર્ટ સિટી ભારતનું પહેલું એવું શહેર બન્યું છે, જેની દિવસ દરમિયાનની વીજળીની જરૂરિયાત 100% નવીનીકરણીય ઉર્જા પર ચાલે છે. દીવ જિલ્લો અત્યારે અન્ય શહેરોને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે એક વ્યવસ્થિત ઉદાહરણ રૂપે ઉભરી આવ્યો છે. દીવ 5 વર્ષ પહેલા   ગુજરાતમાંથી તેની 73% વીજળીની આયાત કરી રહ્યું હતું જે હવે સારા એવા પ્રમાણમાં ઘટી ગયું છે. તેણે હવે દ્વિપક્ષીય અભિગમ અપનાવ્યો છે જેમાં ખડકાળ ઉજ્જડ જમીનમાં સોલાર પાર્ક વિકસાવવામાં આવ્યો છે, ઉપરાંત સરકારી ઇમારતોની છત પર સોલર પેનલ લગાવવાથી જરૂરિયાત ના અડધાથી પણ વધારે પ્રમાણમાં વીજળી ઉત્પન્ન થાય છે. તેની સોલાર ક્ષમતાને વધુ વધારવા માટે, દીવ તેના રહેવાસીઓને 1-5KW છત ઉપરની સોલર પેનલ લગાવવા માટે 10,000-50,000 રૂપિયાની સબસિડી પણ આપે છે. દીવ દર વર્ષે લગભગ 13,000 ટન કાર્બન ઉત્સર્જનની બચત કરી રહ્યું છે. ઓછી કિંમતની સૌર ઉર્જાને કારણે, વીજળીના દરમાં રહેણાંક વર્ગમાં ધરખમ ઘટાડો પણ થયો છે.

સપ્ટેમ્બર 2016 માં, દીવ દિવસ દરમિયાન સૌર ઉર્જા પર સંપૂર્ણપણે ચાલતું ભારતનું પ્રથમ શહેર બન્યું.  આ ઉર્જા તેના બે સોલર પાર્ક જે 0.2 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા છે અને અલગથી 112 સરકારી મથકો પરની છત પર લગાવેલ સૌર પેનલમાંથી મેળવવામાં આવે છે.

કુલ મળીને, બંને પાર્ક 10.27 મેગાવોટની ક્ષમતા ધરાવે છે , અને દિવસમાં લગભગ 12 કલાક કામ કરે છે. 52,074 રહેવાસીઓના આ 42-ચોરસ કિલોમીટર શહેરમાં વીજળીની માંગ 5 મેગાવોટથી 7 મેગાવોટ સુધીની છે.

જેનો અર્થ એ છે કે દિવસ દરમિયાન, સૂર્ય દ્વારા ઉત્પન્ન થતી વીજળી તમામ ઘરોને વ્યવસ્થિત રીતે મળી રહી છે, સેન્ટ્રલ એર-કન્ડીશનીંગ સાથેના રિસોર્ટ્સ, દીવની 60-પથારીની હોસ્પિટલ, સરકારી ઇમારતો, એરકન્ડિશન્ડ ઓફિસની ઇમારતો, અને બરફના કારખાનાઓ અને માછલીના વખારો જે આ ઉર્જાના મુખ્ય વપરાશ કરતા છે.

આમ જયારે સમગ્ર વિશ્વ અને ભારત અત્યારે કોલસાની તંગીના કારણે વીજળીના સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે જો દેશમાં ગામથી લઈને શહેર સુધીના દરેક વિસ્તારને આ રીતે નવીનીકરણીય ઉર્જાના પુનઃ પ્રાપ્ય સ્ત્રોત વડે સજ્જ કરવામાં આવે તો દેશને ક્યારેય વીજ સંકટનો સામનો ન કરવો પડે.

સંપાદન: નિશા જનસારી

કવર ફોટો

આ પણ વાંચો: વનડે પિકનિક માટે ખૂબજ રમણીય સ્થળ છે અમદાવાદની નજીક, રજા ગાળો કુદરતના સાનિધ્યમાં

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon