વિદેશી કપડાં અને અન્ય પ્રોડક્ટ્સની જેમ,એવાં ઘણા વિદેશી ફળો અને શાકભાજી છે, જે આપણાં દેશના લોકોને ખૂબ પસંદ છે. છેલ્લા કેટલાક વર્ષોથી આપણા દેશના ખેડૂતો કિવિ, ડ્રેગન ફ્રૂટ જેવા નવા પાક ઉગાડીને સારો નફો મેળવી રહ્યા છે. આ સાથે, આપણા રોજિંદા ખોરાકમાં પણ એક નવો સ્વાદ ઉમેરાઈ રહ્યો છે. ખેડૂતો આ ફળો અને શાકભાજી ઉગાડવા માટે પણ ઘણા નવા પ્રયોગો કરી રહ્યા છે.
આવા જ એક ખેડૂત સુરતના ઓલપાડ તાલુકાના 68 વર્ષીય જસવંત પટેલ છે, જે ફળોની વિદેશી જાતો ઉગાડી રહ્યા છે. વ્યવસાયે એન્જિનિયર હોવા છતાં, તેમને ખેતીનો ખૂબ શોખ હતો. જોકે, તેમના પિતા પણ ગુજરાતમાં વર્ષોથી પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા કપાસ, જુવાર અને મગફળી જેવા પાક ઉગાડતા હતા. પણ જશવંત હંમેશા કંઈક અલગ કરવા માંગતા હતા. તેમને ખેતીનો શોખ હોવાથી તેઓ તેના વિશે માહિતી લેતા હતા.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “મને ખેતીમાં પહેલેથી જ રસ હતો અને સાથે સાથે પૂર્વજોની જમીન પણ હતી. મને હંમેશા આશ્ચર્ય થતું કે શું કરવું જે અન્ય ખેડૂતો કરવાથી ડરે છે. આનાથી તેમને પ્રેરણા પણ મળશે અને આપણે સારો નફો પણ કમાઈ શકીશું.”

ફૂલોની ખેતી સાથે થઈ શરૂઆત
નોકરી દરમિયાન, તેમણે તેમના પુત્ર અને એક મિત્ર સાથે 2007માં તેમના ખેતરમાં ગ્રીનહાઉસ બનાવ્યું. જેમાં તેમણે શણગારમાં ઉપયોગમાં લેવાતા જર્બેરાના ફૂલોની ખેતી શરૂ કરી હતી. જોકે તે સમયે તેના મિત્રો જ તેને સંભાળતા હતા. તેમણે ગ્રીનહાઉસ બનાવવા માટે હાઇટેક ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કર્યો હતો. તે કહે છે, “તે સમયે અમારા ફૂલો સુરતથી દિલ્હી અને મુંબઈ પણ જતા હતા. અમે તેને ચાલુ રાખવા માંગતા હતા પરંતુ 2012-13માં ચાઇનીઝ સુશોભન ફૂલો બજારમાં આવવા લાગ્યા અને જર્બેરા ફૂલોની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. અમે ગ્રીન હાઉસ ચલાવવા માટે ઘણો ખર્ચ પણ કરતા હતા. જે બાદ અમે ગ્રીન હાઉસની ખેતી બંધ કરી દીધી.”
જશવંત, જે હંમેશા કંઈક અલગ કરવા માંગતા હતા, તે આ વિચારમાં હતા કે હવે શું નવું કરવું જોઈએ? તેમણે ગુજરાતના તાપમાન અને જમીનને ધ્યાનમાં રાખીને અનેક પાકો પર પ્રયોગો કર્યા. તેમણે જામફળના વૃક્ષો પણ વાવ્યા હતા, પરંતુ તેમને સૌથી વધુ ઉત્પાદન ડ્રેગન ફ્રૂટમાંથી મળ્યું હતું. તે સમયે કોઈએ આ વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટ ઉગાડ્યા ન હતા. તેમ છતાં, તેમણે તેની ખેતી શરૂ કરી, જોકે તેમાં નફાની સાથે સાથે નુકસાનની પણ સંભાવના હતી.

ડ્રેગન ફ્રૂટ પર ઘણા પ્રયોગો કર્યા
સૌથી પહેલાં 2014માં, તે એક નર્સરીમાંથી 15 ડ્રેગન ફ્રૂટનાં રોપાઓ લાવ્યા અને તેને તેમના બગીચામાં રોપ્યા. તેમાં સફળ થયા બાદ અને સારી પ્રોડક્ટ મેળવ્યા બાદ, તેમણે મોટા પાયે તેની ખેતી કરવાની યોજના બનાવી અને 2017માં ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી.
વર્ષ 2019માં, તેમણે એક એકર જમીન પર લગભગ સાતથી આઠ લાખ રૂપિયાનો નફો કર્યો હતો. તેમણે કહ્યું કે ડ્રેગન ફ્રૂટના ઉત્પાદન માટે બે વર્ષનો સમય લાગે છે.
જશવંતના ખેતરમાં તમને ડ્રેગન ફ્રૂટની વિવિધતા મળશે. આ દિવસોમાં તેમના ફાર્મમાં થાઇલેન્ડ રેડના 4000 છોડ, થાઇલેન્ડ વ્હાઇટના 1500 છોડ, જ્યારે ડ્રેગન ફ્રૂટની સૌથી પ્રીમિયમ વેરાયટી ગોલ્ડન યેલોનાં 800 છોડ સહિત કુલ ડ્રેગન ફ્રૂટનાં 8000 છોડ લાગેલાં છે.
તેમના ખેતરમાં થાઇલેન્ડ રેડનું ઉત્પાદન એટલું સારું છે કે એક ફળ લગભગ 250 થી 400 ગ્રામનું હોય છે. તેમણે ત્રણ એકરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી માટે 1700 પોલ બનાવ્યા છે. તે એક પોલ પર ચાર છોડ વાવે છે. તાજેતરમાં જ તેણે વિયેતનામથી લાવીને ડ્રેગન ફ્રૂટની નવી જાત પણ ઉગાડી છે. તેમણે કલમ દ્વારા ઘણી જાતો પણ ઉગાડી છે. જોકે, તેમનું કહેવું છે કે કલમ બનાવવાની જાતો બહુ સફળ રહી નથી.
તેમણે કહ્યું કે ડ્રેગન ફ્રૂટનો પોલ લગાવવા માટે લગભગ 500 રૂપિયાનો ખર્ચ થાય છે. ત્રણ વર્ષ પછી, એક પોલમાંથી 20 કિલો ફળ ઉત્પન્ન થાય છે. આ હિસાબથી, તેઓ આરામથી એક એકરમાં સાતથી આઠ ટન ઉત્પાદન કરી શકે છે.

કિંમતની વાત કરીએ તો તે ડ્રેગન ફ્રૂટ 200 થી 400 રૂપિયા પ્રતિ કિલો વેચે છે.
સુરત અને તેની આસપાસના ઘણા લોકો ડ્રેગન ફ્રૂટને તેના ખેતરમાં ઓર્ગેનિક રીતે ઉગાડતા જોવા આવે છે. ઉત્પાદન થાય તે પહેલા જ તેમની પાસે ડ્રેગન ફ્રૂટનું બુકિંગ શરૂ થઈ જાય છે.
ખેતીમાં નવા પ્રયોગોને કારણે જશવંતભાઈ માત્ર સારો નફો જ નથી મેળવતા પરંતુ તે પોતાના જેવા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની ગયા છે. તેમના ખેતરમાં ઘણા ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી વિશે જાણકારી લેવા માટે આવતા રહે છે.
જશવંતભાઈને કૃષિ ક્ષેત્રે નવા અને અનોખા પ્રયોગો કરવા બદલ ઘણા પુરસ્કારો પણ મળ્યા છે.
તો આજ વર્ષે, તેમને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી ‘ધરતી પુત્ર’ એવોર્ડ પણ મળ્યો છે.
ધ બેટર ઇન્ડિયા જશવંત પટેલના જુસ્સાને સલામ કરે છે અને અમને આશા છે કે આ કહાનીથી તમને બધાને પ્રેરણા મળી હશે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સૂર્યપ્રકાશમાં સૂકવી, દેશી ઘંટીમાં દળેલા ઑર્ગેનિક મસાલાથી દેશ-વિદેશમાં ફેમસ બની વલસાડની મહિલા ખેડૂત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.