મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં સારું કામ કરી શકે છે. પછી તે વિમાન ઉડાવવાનું હોય કે ખેતરોમાં કામ કરવાનું હોય. આપણા દેશમાં ઘણી મહિલા ખેડૂતો છે, જે આજે અન્ય લોકો માટે પ્રેરણા બની છે. તેઓ પોતાની મહેનતથી ખેતીમાં ઘણા નવા પ્રયોગો કરીને સારો નફો પણ કમાઈ રહી છે. આજે અમે તમને આવી જ એક મહિલા ખેડૂત સાથે પરિચય કરાવવાના છીએ.
નવસારીના આટ ગામના 61 વર્ષીય લક્ષ્મી પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ખેતી કરે છે. આજે તેઓ ઓર્ગેનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને વાર્ષિક 15 લાખનો નફો કરી રહ્યા છે.
એવું નથી કે તેમના ખેતરમાં કામ કરવા માટે કોઈ મજૂરો નથી. મજૂરો અને તમામ સુવિધાઓ હોવા છતાં, તેઓ માને છે કે આપણે આપણી ખેતીમાં જાતે મહેનત કરવી જોઈએ, તો જ આપણે તેમાંથી સારો નફો મેળવી શકીશું.
આજે તેઓ તેમના ગામની સૌથી વધુ કમાણી કરનાર ખેડૂત બન્યા છે. આ જ કારણ છે કે આજે ગામની ઘણી સ્ત્રીઓ તેમની પાસેથી ઓર્ગેનિક ખેતી શીખવા આવી રહી છે.

કેવી રીતે શરૂઆત થઈ?
આમ તો લક્ષ્મીના પિતા ખેતી કરતા હતા, પરંતુ લગ્ન પહેલા તેમને ક્યારેય ખેતી કરવાની તક મળી ન હતી. તેમના પતિ દુબઈમાં કામ કરતા હતા, તેથી તે લગ્ન બાદ દુબઈ ગયા. પણ લક્ષ્મી સાસુને ટેકો આપવા માટે ખેતરોમાં જતા હતા. તેમણે જોયું કે આ પ્રકારની પરંપરાગત ખેતીથી વધારે ફાયદો મળી રહ્યો નથી.
તે હંમેશા ખેતીમાં પરિવર્તન લાવવા માંગતા હતા. પછી તેમને નવસારી કૃષિ યુનિવર્સિટી વિશે ખબર પડી. તે કહે છે, “તે દિવસોમાં, મને ખબર પણ નહોતી કે કૃષિમાં પણ યુનિવર્સિટી છે, અથવા તે ભણાવી શકાય છે. પરંતુ જલદી મને ખબર પડી, મેં ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ શીખવાનું નક્કી કર્યું. ધીરે ધીરે, મેં મારા ફાર્મમાં ત્યાં શીખેલા તમામ પ્રયોગો કરવાનું શરૂ કર્યું.”
કારણ કે તે જમીન લક્ષ્મીના પતિના પૂર્વજોની જમીન હતી, જેમાં તેમના પતિના તમામ ભાઈઓનો અધિકાર હતો. એટલા માટે લક્ષ્મી પોતાની જમીન લેવા અને નવું કામ કરવા માંગતી હતી. આ વિચાર સાથે તેમણે 10 વર્ષ પહેલા 10 વીઘા જમીન ખરીદી હતી. ત્યાં સુધીમાં તેમના પતિ પણ દુબઈથી પાછા ફર્યા હતા. તેમણે પોતાની જમીન પર કેરીના વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. તેઓ કહે છે, “મેં તે પહેલાં ક્યારેય કેરીની ખેતી કરી ન હતી.”
બંને પતિ-પત્નીએ સાથે મળીને ખેતી કરવાનું શરૂ કર્યું. લક્ષ્મી ખેતી વિશે વધુ જાણતી હોવાથી તે તેમના પતિને પણ શીખવાડતી હતી. આ રીતે બંનેએ સાથે કામ કરવાનું શરૂ કર્યું.

સમયાંતરે કર્યા નવા પ્રયોગો
જેમ જેમ લક્ષ્મી ખેતી શીખતી ગઈ તેમ તેમ તેને તેમાં વધુ રસ પડતો ગયો. તે કહે છે, “હું હંમેશા કૃષિ કેન્દ્રમાં જઈને કંઈને કંઈ શીખતી રહેતી હતી. પોતાની તૈયાર પ્રોડક્ટને કેવી રીતે વેચવી, વેલ્યુ એડિશન કેવી રીતે કરવું? હું આ બધું કૃષિ યુનિવર્સિટીમાંથી જ શીખી છું. ત્યાં ગયા પછી, મને ખબર પડી કે કેરીની કઈ જાતના ફાયદા છે? કોને લગાવવાથી વધારે નફો થઈ શકે?”
ચાર વર્ષ પહેલા તેમણે પોતાના ખેતરમાં રસાયણોનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. તે હવે જંતુનાશકો અને રાસાયણિક ખાતરોને બદલે સ્વદેશી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તે સસ્તી તેમજ ફાયદાકારક છે. ઓર્ગેનિક પદ્ધતિઓ અજમાવ્યા પછી જ તેમની કમાણી સારી થવા લાગી.
તેણીએ હમણાં જ અન્ય જગ્યાએ 10 વીઘા ખેતીની જમીન ભાડે લીધી છે, જેમાં ચણા, જુવાર અને ચોખા વગેરે ઉગાડે છે.

61 વર્ષની ઉંમરે પણ તેઓ દિવસ -રાત ખેતરોમાં કામ કરે છે
હાલમાં, તેણી પોતાના ખેતરમાંથી પોતાનો પાક વેચી રહી છે. તેમના આંબાના બગીચામાં લગભગ 700 વૃક્ષો છે. આ ઉંમરે પણ તે ખેતરમાં મજૂરો સાથે તમામ કામ કરે છે. તેને તેઓ પોતાના સારા સ્વાસ્થ્યનું રહસ્ય કહે છે. લક્ષ્મી, તેમના પતિ અને માત્ર બે મજૂરો ખેતરમાં કામ કરવા માટે છે, જેઓ સાથે મળીને વાવણીથી લઈને લણણી સુધી તમામ કામ સંભાળે છે. હજી પણ, તેઓ યુનિવર્સિટીમાં આયોજિત દરેક વર્કશોપમાં ભાગ લેવાનું ચાલુ રાખે છે તથા ગામની અન્ય મહિલા ખેડૂતોને પણ પોતાની સાથે લઈ જાય છે.
તે કહે છે, “હું હજી પણ મારા ખેતરોમાં સવાર -સાંજ કામ કરું છું. હું મારા બગીચાના દરેક કેરીના વૃક્ષથી વાકેફ છું. જો આપણે ઉગાડતા પાકને પ્રેમ કરીએ, તેના માટે સમય કાઢીએ, તો આપણને ચોક્કસપણે નફો થશે.”
નિવૃત્તિની ઉંમરે પણ તેમની ભાવના જોતાં, એમ કહેવું ખોટું નહીં હોય કે લક્ષ્મી સાચા અર્થમાં એક સફળ અને પ્રેરણાદાયી મહિલા ખેડૂત છે.
સંપાદન: કિશન દવે
આ પણ વાંચો: હળવદના પિતા-પુત્રે ગોવાથી કાજુના રોપા લાવી શરૂ કરી ખેતી, વર્ષે કમાય છે 15-20 લાખ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.