Search Icon
Nav Arrow
Grapes Farmer Sangeeta Pingley
Grapes Farmer Sangeeta Pingley

લોકોએ કહ્યુ મહિલાઓનું કામ નથી ખેતી કરવી, સંગીતાએ વર્ષના 30 લાખ કમાઈ લોકોને પાડ્યા ખોટા

કહાની એક એવી સાહસિક મહિલા ખેડૂતની, જેણે પતિ અને બાળકના અવસાન બાદ જાતને સંભાળી 2 બાળકો માટે ખેતીને જ બનાવી પોતાની તાકાત.

“મને કહેવામાં આવતુ હતું કે એકલી સ્ત્રી ખેતર સંભાળી શકતી નથી, તેથી હું ક્યારેય સફળ નહીં થઈ શકું. પરંતુ હું આવી વાતો કરનારાઓને ખોટા સાબિત કરવા માંગતી હતી. આ કહેવું છે નાસિકના માટોરી ગામમાં દ્રાક્ષની ખેતી (Grapes farming)કરતી મહિલા ખેડૂત સંગીતા પિંગલેનું.

જીવને પગલે-પગલે સંગીતાની સખત પરીક્ષા કરી છે. પહેલા તેણે પોતાનું બાળક ગુમાવ્યું અને પછી તેના પતિનું પણ મૃત્યુ થયું. થોડાં વર્ષો પછી સસરા ન રહ્યાં, પણ સંગીતાએ હાર ન માની. તેના બે બાળકોને ઉછેરવા માટે તેણે ખેતરની કેડીઓ તરફ તેના પગલાં માંડ્યા. લોકોએ તેને કમજોર કરવાનો પ્રયાસ કર્યો. પણ તેનો ઈરાદો મક્કમ હતો. આજે તે ટ્રેક્ટર ચલાવે છે, બજારનું કામ સંભાળે છે અને તેની દ્રાક્ષની ખેતી (Grapes farming)માંથી લાખો રૂપિયાની કમાણી પણ કરે છે.

સંગીતાએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “મેં 2004માં મારું બીજું બાળક ગુમાવ્યું. હજી હું તેના આઘાતમાંથી બહાર આવી ન હતી કે 2007માં મારા પતિનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. તે સમયે હું નવ મહિનાની ગર્ભવતી હતી. બધું બરબાદ થઈ ગયું.”

Woman Farmer Sangeeta  Pingley
Sangeeta Pingley

“હું એકલી હતી અને મારી જીવવાની ઈચ્છા ખતમ થઈ ગઈ”
10 વર્ષ સુધી સંગીતા તેના સાસુ-સસરા અને સંબંધીઓ સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. પરંતુ 2017માં તેણે કૌટુંબિક વિવાદને કારણે તેના સાસુ-સસરાથી અલગ થઈ ગઈ હતી.

ખરાબ નસીબે તેનો અહીં પણ પીછો છોડ્યો નહીં. બે મહિના પછી તેના સસરાનું પણ બીમારીથી અવસાન થયું. 39 વર્ષની સંગીતા એ દિવસોને યાદ કરતાં કહે છે, “મેં એવા લોકોને ગુમાવ્યા છે જેમણે મને જીવનમાં હંમેશા સાથ આપ્યો. હવે હું એકલી હતી અને જીવવાની ઈચ્છા ખતમ થઈ ગઈ હતી.”

આ કૌટુંબિક ત્રાસદીનો અર્થ એ પણ હતો કે સંગીતાને હવે એકલા હાથે તેના સસરાએ છોડેલા 13 એકર ખેતરનું સંચાલન કરવું પડશે.

તેમણે કહ્યું, “ખેતી અમારી આવકનો એકમાત્ર સ્ત્રોત હતો. જે સંબંધીઓથી અમે થોડા મહિના પહેલા છૂટા પડ્યા હતા તેઓએ દાવો કર્યો હતો કે હું એકલી ખેતર અને ઘર સંભાળી શકીશ નહીં. તેમના મતે ખેતી કરવી એ સ્ત્રીઓનું કામ નથી.”

પરંતુ સંગીતાએ તે બધાને ખોટા સાબિત કર્યા. આજે તે પોતાની 13 એકર જમીનમાં દ્રાક્ષ અને ટામેટાંની ખેતી કરે છે. ટનોનું ઉત્પાદન થાય છે અને તેમાંથી લાખોની કમાણી થાય છે.

સમસ્યાઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી
પોતાની કહાની કહેતા સંગીતા કહે છે, “તેના ઘરેણાં ગિરવે મૂકીને ખેતી કરવા માટે લોન લીધી. પિતરાઈ ભાઈઓ પાસેથી પણ પૈસા ઉછીના લીધા. મારા ભાઈઓએ મને ખેતીમાં ઘણી મદદ કરી. તેમણે મને દ્રાક્ષની ખેતીના દરેક પાસાઓનો પરિચય કરાવ્યો. કયા રસાયણોનો ઉપયોગ કરવો, ક્યારે ઉપયોગ કરવો, ઉપજ વધારવા માટે કઈ તકનીકો અપનાવવી અને બીજી ઘણી બાબતો. વિજ્ઞાનની વિદ્યાર્થીની હોવાને કારણે મને તેમને શીખવામાં લાંબો સમય લાગ્યો નથી.”

દ્રાક્ષની ખેતી કરતી વખતે સંગીતાને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું, “ક્યારેક પાણીના પંપને નુકસાન થાય છે, તો ક્યારેક કમોસમી વરસાદને કારણે નુકસાન થાય છે. ક્યારેક પાકમાં લાગેલા જીવાતોનો સામનો કરવો પડ્યો તો ક્યારેક મજૂરોની સમસ્યા ખતમ થવાનું નામ લેતી નથી.”

Grapes Farming
Vineyard at Sangita’s farm

આ પણ વાંચો: પિતાના મૃત્યુ બાદ સંભાળી ખેતી, 1 ઓરડામાં મશરૂમ વાવી તેના ખાખરા બનાવી બાળકોને ભણાવ્યાં

તેણી આગળ કહે છે, “મહિલાઓ ખેતીની સંભાળ રાખે છે, પરંતુ અન્ય ઘણા કાર્યો છે જે ફક્ત પુરુષો જ કરે છે – જેમ કે ટ્રેક્ટર ચલાવવું, મશીન રીપેર કરવું, સાધનોનો ઉપયોગ કરવો અને માલ ખરીદવા બજારમાં જવું. મને ટેકો આપનાર કોઈ ન હતું. હવે મારે બંને જવાબદારીઓ સંભાળવાની હતી. હું ટુ વ્હીલર અને ટ્રેક્ટર ચલાવતા શીખી. કેટલાક દિવસો એવા હતા જ્યારે ટ્રેક્ટર રિપેર કરાવવા માટે મારે આખો દિવસ વર્કશોપમાં વિતાવવો પડતો હતો.”

ખેતીએ જુસ્સો અને ધીરજ શીખવાડી
ધીમે ધીમે પણ ચોક્કસ સંગીતાના ખેતરમાં ફળ આવવા લાગ્યા. તેના ખેતરમાં દર વર્ષે 800 થી 1000 ટન દ્રાક્ષનું ઉત્પાદન થાય છે, જેમાંથી તે વાર્ષિક 25 થી 30 લાખ રૂપિયા કમાય છે. તેણીએ જણાવ્યું કે નુકસાનની ભરપાઈ કરવા માટે તે નાના પાયે ટામેટાંની ખેતી પણ કરે છે.

આજે સંગીતાની દીકરી ગ્રેજ્યુએશન કરી રહી છે અને દીકરો પ્રાઈવેટ સ્કૂલમાં ભણે છે. સંગીતાએ તેની આવક વધારવા માટે દ્રાક્ષની (Grapes farming) નિકાસ કરવાનું પણ આયોજન કર્યું છે. તેણે કહ્યું, “આ વખતે કમોસમી વરસાદ અને ખરાબ હવામાને મને મારું લક્ષ્ય હાંસલ કરવા ન દીધુ. પરંતુ હું આગામી સિઝનમાં આ કરી શકીશ, તેની સંપૂર્ણ અપેક્ષા છે.”

સંગીતાના કહેવા પ્રમાણે, ખેતીએ તેને લગન અને ધીરજ રાખવાનું શીખવ્યું છે. તેણીને ગર્વ છે કે તેણીની ક્ષમતા પર શંકા કરનારાઓ સામે તેણી પોતાને સાબિત કરવામાં સક્ષમ હતી. તે કહે છે, “મને લાગે છે કે હું હજી શીખી રહી છું. મારે ઘણી લાંબી મજલ કાપવાની છે. પરંતુ મને ખુશી છે કે હું તમામ અવરોધોને પાર કરીને સફળતા મેળવી શકી. આ મારી મહેનત અને નિશ્ચયનું પરિણામ છે.”

મૂળ લેખ: હિમાંશુ નિત્નાવરે

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: 3 વીઘામાં શિયાળામાં પાપડીથી લાખોની કમાણી કરે છે સુરતની મહિલા, દૂર-દૂરથી આવે છે લોકો

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon