પોતાની મહેનત અને આત્મવિશ્વાસના જોરે, તેમણે ખેતીની યુક્તિઓ શીખી અને આજે દ્રાક્ષના સફળ ખેડુતોમાં પોતાનું નામ નોંધાવ્યું છે. એક સમય હતો જ્યારે તેમની ઉપર આશરે 30 લાખ રૂપિયાનું દેવુ હતુ પરંતુ આજે તે એક વર્ષમાં આના કરતા વધારે કમાણી કરે છે.
મહારાષ્ટ્રના નાસિકમાં નિફાડ તાલુકામાં રહેતી 46 વર્ષીય સંગીતા બોરાસતે દ્રાક્ષની ખેતી કરે છે. આ આખો વિસ્તાર દ્રાક્ષની ખેતી માટે જાણીતો છે. સંગીતાના પાકની લગભગ 50% દ્રાક્ષની નિકાસ બહારના દેશોમાં કરવામાં આવે છે. ભારતમાં પણ તેમને તેમના પાક માટે સારા ભાવ મળે છે. જો કે, તેણીએ આ સફળતા કોઈ એક જ દિવસમાં મેળવી નથી, પરંતુ અનેક પડકારોનો સામનો કરીને તે આ મુકામ સુધી પહોંચી છે.
સંગીતાએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “1990માં મારા લગ્ન અરુણ સાથે થયા અને હું નિફાડ આવી ગઈ. તે સમયે, હું માત્ર 15 વર્ષની હતી. અરુણ એક બેંકમાં કામ કરતો હતો. તે સમયે, ઘરેલું વિવાદને કારણે, ભાગલા પડ્યા, જેમાં અમને 10 એકર જમીન મળી. આ જમીનમાં ખેતી કરવા માટે, અરુણે તેની બેંકની નોકરી છોડી અને ખેતીની શરૂઆત કરી”.
સંગીતા કહે છે કે તેના પતિને ખેતી વિશે વધારે જાણકારી નહોતી. તેથી, તેણે ઘણી વખત ખોટ પણ ગઈ હતી.

“નુકસાનીને કારણે દેવુ વધતુ ગયુ અને તે પછી તે દેવું ચુકવવા માટે અમારે અઢી એકર જમીન વેચવી પડી.” તેમણે આગળ કહ્યુ.
વર્ષો સુધી સંગીતા અને તેના પતિએ ખેતીમાં સંઘર્ષ કર્યો. છેવટે, 2014માં, તેમના ખેતરોમાં ખૂબ સારો પાક થયો હતો. તે વર્ષે તેને આશા હતી કે તેના ખેતરોમાંથી બમ્પર ઉત્પાદન મળશે. તેને લાગ્યું કે હવે તેની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તે દેવાથી મુક્ત થઈ જશે. પરંતુ સંગીતાના પતિ લણણીના થોડા દિવસો પહેલા મૃત્યુ પામ્યા હતા. હવે સંગીતા પર તેની ત્રણ પુત્રી, એક પુત્ર અને તેના પતિના 30 લાખ રૂપિયાનું દેવું ચૂકવવાની જવાબદારી હતી.
સંગીતા કહે છે કે, તે સમયે તે માત્ર જાણતી હતી કે તેણે મજૂરો સાથે કામ કરવું છે પરંતુ ખેતરમાં શું થાય છે અને શું નથી તે અંગે કોઈ માહિતી ન હતી. પરંતુ પરિસ્થિતિ એવી હતી કે તે મજૂરને પણ રાખી શકતી ન હતી અને તેને બધી વસ્તુઓ પોતના હાથમાં લેવી પડી હતી.
પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં સંગીતા કહે છે, “તે દિપાવલીની રાત હતી, રાત્રે 9 વાગ્યા સુધી હું ખેતરમાં જ હતી.”અમારા ખેતરમાં ટ્રેક્ટર અટવાઈ ગયું હતું અને હું તેને બહાર કાઢવામાં વ્યસ્ત હતી.”
સંગીતા કહે છે કે, શરૂઆતમાં તે ખેતી વિશે વધારે જાણતી ન હતી, જેના કારણે તે તેના સબંધીઓ પર આધારિત હતી. પરંતુ એક સમય પછી, તેણે બધું જાતે જ સંભાળવું પડ્યુ હતું.
ખેતીકામ કરતાં સંગીતાએ મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. પછી ભલે તેના પરિવારની પરિસ્થિતી હોય, કે ખરાબ હવામાનને કારણે આવતું તોફાન અને કમોસમી વરસાદ જેને કારણે તેનો પાક ખરાબ થઈ જતો હતો. તે કહે છે,”દર વર્ષે ઘણી બધી મુશ્કેલીઓ આવતી હતી. દ્રાક્ષનાં વેલા ઋતુ પ્રત્યે બહુજ સંવેદનશીલ હોય છે. ઘણીવાર તો રાતોની રાતો જાગી છું અને આખી રાત બૉનફાયર કર્યુ છે. જેથી બગીચાને ગરમ રાખી શકું.”
પરંતુ એવું કહેવામાં આવે છે કે જો તમે સખત મહેનત કરો છો તો કિસ્મત તમને સાથ આપે છે. સંગીતાને આ સાથ સહ્યાદ્રી ફાર્મ્સથી મળ્યો. તેમણે સંગીતાની દ્રાક્ષની ઉપજને બજારોમાં પહોંચાડવામાં ખાસ ભૂમિકા ભજવી હતી.
“મેં મારી દ્રાક્ષની ગુણવત્તા વધારવા પર ભાર મૂક્યો જેથી નિકાસ કરવામાં કોઈ તકલીફ ન પડે. હવે દર વર્ષે અમારી 50% થી વધુ ઉત્પાદન બહાર નિકાસ થાય છે,” તેમણે ઉમેર્યું.

હવે સંગીતાએ માત્ર તેનું દેવું જ ચૂકવ્યું નથી પરંતુ તે દર વર્ષે આશરે 40 લાખ રૂપિયાની કમાણી કરે છે, જેમાંથી તેનો 15 લાખ રૂપિયાનો નફો હોય છે. તે કહે છે, “દ્રાક્ષના છોડની જાળવણી ખૂબ મુશ્કેલ હોય છે અને મોટાભાગની કમાણી તેની જાળવણીમાં જાય છે. ”સંગીતાએ તેની બે પુત્રીઓનાં લગ્ન કરી દીધા છે અને ત્રીજી પુત્રીનાં લગ્ન કરવાની તૈયારી કરી રહી છે.
તેમની સફળતાએ તેમને આત્મવિશ્વાસ અને પોતાના પર ગર્વ કરવાની તક આપી છે. તે કહે છે, “મેં જીવનમાં એક વાત શીખી છે કે, ક્યારેય પણ હાર ન માનો. મને લાગે છે કે જો મારી જગ્યાએ કોઈ બીજું હોત,તો બહુ પહેલાં જ હાર માની લીધી હોય. પરંતુ મારે સફળ થવું હતુ અને આ માટે હું સખત મહેનત કરવા તૈયાર હતી. દરેક ખેડૂતે આ યાદ રાખવું જોઈએ.”
લોકડાઉન દરમિયાન પણ તેણે એક મોટા પડકારનો સામનો કરવો પડ્યો. તેમની પેદાશની બહારની નિકાસ થઈ શકી નહીં અને તેઓએ આશરે 35 લાખ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યુ હતુ. આ વર્ષે તેની કુલ આવક લગભગ 15 લાખ રૂપિયા થઈ છે અને તેમાંથી બધા ખર્ચનું સંચાલન કરવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ તેણે હાર માની નહીં, તેની દ્રાક્ષનું પ્રોસેસિંગ કરી અને કિસમિસ બનાવીને તેને વેચી દીધી.
આજે પણ સંગીતા દરેક મુશ્કેલીનો સામનો કરવા તૈયાર રહે છે. તેમણે અંતે કહ્યું, “મને વિશ્વાસ છે કે હું મારી મહેનતથી આવનારી ઉપજમાં થયેલા તમામ નુકસાનની ભરપાઈ કરી લઈશ.”
મુશ્કેલ સંજોગોમાં પણ હાર ન માનીને સતત મહેનત કરનારી સંગીતાના જુસ્સાને ધ બેટર ઈન્ડિયા સલામ કરે છે.
આ પણ વાંચો: ખેડૂતનું જંગલ મૉડલ: પોણા એકર જમીનમાં ઉગાડ્યા 54 લીંબુ, 133 દાડમ, 170 કેળા અને 420 સરગવાના છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.