“પૈસા કમાવા કરતાં જીવ બચાવામાં માનું છું”: ડૉક્ટરે 2000+ બાળકીઓની કરાવી મફત પ્રસુતિ

“પૈસા કમાવા કરતાં જીવ બચાવામાં માનું છું”: ડૉક્ટરે 2000+ બાળકીઓની કરાવી મફત પ્રસુતિ

પુણેની મેડિકેર હોસ્પિટલમાં આ ડૉક્ટર છેલ્લાં 9 વર્ષથી બાળકીનો જન્મ થાય તો એક રૂપિયાની પણ ફી નથી લેતા, ઉપરથી ઉત્સવની જેમ ઉજવણી કરે છે.

ઘર મેં લક્ષ્મી આયી હૈ!” પુણેની મેડિકેર હોસ્પિટલ ફાઉન્ડેશનમાં નર્સે હમણાં જ પિતા બનેલા સંતોષ (નામ બદલ્યું છે)ને બૂમ પાડી.

સંતોષે કોવિડ-19 રોગચાળાને કારણે નોકરી ગુમાવ્યા બાદ પત્નીની ડિલિવરી અને અન્ય તબીબી જરૂરિયાતો માટે 1 લાખ રૂપિયાની લોન લીધી હતી. ડિલિવરી પહેલા, તેના મિત્રએ તેને મેડિકેરની છોકરીઓ માટે ફ્રી ડિલિવરી સ્કીમ વિશે જાણ કરી.

ત્યારબાદ સંતોષે મેડિકેર ખાતે જ જવાનું નક્કી કર્યું અને તેની પત્નીને મેડિકેરમાં દાખલ કરી. જો છોકરો જન્મે તો તે બિલ ચૂકવવા માટે તો તૈયાર જ હતો, પરંતુ જ્યારે તેણે જાણ્યું કે તે છોકરી છે ત્યારે તેના આનંદનો પાર  ન રહ્યો. દર્દીનું સી-સેક્શન એકદમ મફત હતું કારણ કે હોસ્પિટલના નિયમ મુજબ તે એક છોકરી હતી.

સંતોષે બાળકને જન્મ આપનાર ગાયનેકોલોજિસ્ટનો આભાર માન્યો અને પોલિસી માટે હોસ્પિટલના માલિક ડૉ. ગણેશ રખને ગળે લગાવ્યા.

ડૉ. ગણેશ ધ બેટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં યાદ કરે છે કે,“15 મિનિટ કે તેથી વધુ સમય માટે, તેણે દેવી લક્ષ્મીની પ્રાર્થના કરી હશે અને તેમના આટલા પૈસા બચાવવા બદલ અમારો આભાર પણ માન્યો હશે. એવું લાગ્યું કે જાણે બાળકીનું મહત્વ શું છે તે તેનામાં અચાનક જ ઉભરાઈ આવ્યું હતું.”

તેઓ કહે છે કે,”છેલ્લા નવ વર્ષથી હું જ્યારે બાળકીનો જન્મ થાય છે ત્યારે ખુશી અને ઉદાસી બંનેનો સાક્ષી રહ્યો છું. કોઈક દર્દીઓ આ પ્રસંગને શ્રાપ આપતા હોય છે તો સામાન્ય રીતે લોકો હર્ષોઉલ્લાસ સાથે દીકરીના જન્મને વધાવતા પણ હોય છે.

તેઓ આગળ કહે છે કે, બાળકીના જન્મ પર હોસ્પિટલનું વાતાવરણ ખૂબ જ સુંદર હોય છે, જે ખરેખર રોમાંચક હોય છે. હૉસ્પિટલની અંદર અને બહાર દરેકને મીઠાઈઓ વહેંચવાથી લઈને ગીતો ગાવા અને ફ્લોરને સજાવવા સુધી જોવા મળે છે. મેડિકેરનો સ્ટાફ જ્યારે પણ દીકરીનો જન્મ થાય છે ત્યારે પોતપોતાનું કામ મૂકી આ પ્રસંગમાં બહાર આવી જાય છે અને આ આનંદમાં હોંશે-હોંશે ભાગ લે છે.

આ 2012 પહેલાના દીકરીના જન્મ વખતેના વાતાવરણથી તદ્દન વિપરીત વસ્તુ છે. જ્યાં પહેલા બાળકી અણગમતી હતી, બાળાઓને જન્મ આપનાર માતાઓનું અપમાન કરવામાં આવતું હતું અને સંબંધીઓ એવું વર્તન કરતા હતા જાણે કોઈનું મૃત્યુ થયું હોય.

સ્ત્રી ભ્રૂણહત્યા અને લિંગ ભેદભાવ સામે લડવા માટે ડૉ. ગણેશના સમર્પિત પ્રયાસોએ આ સ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખી છે.

ગણેશ કહે છે કે,“મારી કોઈ બહેન નથી અને હું બે નાના ભાઈઓ સાથે ઉછર્યો છું, પણ મને ખબર છે કે સોલાપુરમાં મારા ગામમાં છોકરીઓ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હતું. પાડોશીઓ દીકરીઓ પ્રત્યે ખૂબ જ કડક હતા અને છોકરીને એક બોજ માનવામાં આવતી હતી. ખરેખર તો આ વિચારસરણીને તરત જ દૂર કરવાની જરૂર હતી.”

Save Girl Child By Dr Ganesh

લિંગ પરીક્ષણો, મરવાની ઇચ્છા અને લિંગ રેશિયો
મોટા થતાં, ડૉ. ગણેશને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમણે તેમનું બાળપણ એક કાચા ઘરમાં વિતાવ્યું અને તે વખતે તેમના પિતા કુલી હતા. તે સમયે જ્યારે તેઓ કુસ્તીબાજ બનવા માંગતા હતા ત્યારે તે માટે અનુકૂળ ખોરાકની વ્યવસ્થા પણ તેમના ઘરમાં સંભવિત નહોતી તેથી જ તેમને તેમના આ સ્વપ્નને હંમેશા પોતાનાથી દૂર રાખ્યું.

તેઓ કહે છે કે જ્યારે તે 8મા ધોરણમાં હતા ત્યારે તેમને શિક્ષણનું મહત્વ સમજાયું હતું.

ડૉ ગણેશ કહે છે કે,“આ સમયે જ, મેં મારા પિતાને રેલ્વે સ્ટેશન પર કુલીના કામમાં મદદ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે મેં સરસ અભ્યાસ સાથે આગળ જતા સખત મહેનત દ્વારા સારી નોકરી મેળવવાનું અને જિંદગીમાં સારા પૈસા કમાઈને સેટલ થવાનું પોતાની જાતને વચન આપ્યું. મેં 2001 માં મારું MBBS પૂરું કર્યું અને જનરલ પ્રેક્ટિશનર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.”

પ્રથમ હાથે ગરીબી જોયા અને અનુભવ્યા પછી, ડૉ. ગણેશે સમજવાનો પ્રયાસ કર્યો કે સંબંધીઓ પૈસાની સમસ્યાને ટાંકીને બીલ કેમ ચૂકવતા નથી. પરંતુ ટૂંક સમયમાં, તેમને સમજાયું કે મામલો તદ્દન અલગ છે અને તે છે બાળકના લિંગ વિશે.

તેમણે ડિલિવરી માટે બે ગાયનેકોલોજિસ્ટની નિમણૂક કરી હતી અને તે બંનેને દર વખતે એક છોકરીના જન્મના સમાચાર મળવાનો ડર રહેતો કારણ કે ડો. ગણેશ ઉમેરે છે કે,“ઘણી નવી માતાઓ તેમના નવજાત શિશુને પહેલીવાર જોઈને મૃત્યુ પામવાની ઈચ્છા રાખતી અને કેટલીક લિંગ જાણ્યા પછી બાળકને સ્પર્શ પણ ન કરતી. બાળકીને જોઈને સંબંધીઓએ અમને ઠગ કહ્યા છે. તેઓએ અમારા પર બાળકોની અદલાબદલી કરવાનો પણ આરોપ મુકેલો છે. આ બધું પુણે જેવા વિકસિત શહેરમાં થઈ રહ્યું છે ત્યારે હું ગામડાઓની દુર્દશાની કલ્પના પણ કરી શકતો નથી.”

આ પણ વાંચો: 105 ભિખારીઓને નોકરી અને 350 ને ઘર અપાવ્યું છે આ ડૉક્ટરે, પગાર લાખોમાં પણ જીવન સાદુ

ડૉ. ગણેશને ડિલિવરી પહેલાં અનેક પ્રસંગોએ લિંગ પરીક્ષણ માટે પણ વિનંતી કરવામાં આવી છે. દંપતીઓએ ગર્ભધારણ કરતા પહેલા છોકરો જ જન્મે તે માટે શું ફોલો કરવું અને કેવો ડાયટ પ્લાન રાખવો તે વિશે પણ ઘણીવાર પૂછેલું છે.

આ ગંભીર સ્થિતિને ભારતના એકંદર લૈંગિક ગુણોત્તરની વર્તમાન સ્થિતિ દ્વારા સમર્થન મળે છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (એસઆરએસ) સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ (2018) અનુસાર, 2011માં 906થી ઘટીને 2018માં 899 પર 1,000 પુરૂષો પર મહિલાઓની સંખ્યા ઘટી છે. ભારતમાં જન્મ સમયે લિંગ ગુણોત્તર તમામ દેશોમાં સૌથી નીચો છે અને બીજા ક્રમે આ બાબતમાં ચીન છે.

એવો અંદાજ છે કે ભારતમાં દર વર્ષે લિંગ પરિક્ષણના કારણે 4 લાખ દીકરીઓ પોતાના જન્મ ચૂકી જાય છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આ પેટર્ન વધારે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, લિંગ પરિક્ષણ અને સ્ત્રી મૃત્યુદરને કારણે 0 થી 6 વર્ષની વયની 40 લાખ છોકરીઓ ગુમ હતી.

આ બધા વિશે વાંચીને અને તેનો વ્યવસ્થિત અભ્યાસ કરીને, ડૉ. ગણેશે તેમની હોસ્પિટલમાં મુલગી વચ્વા અભિયાન (સેવ ધ ગર્લ ચાઈલ્ડ અભિયાન) શરૂ કર્યું.

Save Girl Child Campaign

માનસિકતામાં પરિવર્તન લાવવું
તેમના પરિવાર અને હોસ્પિટલના સ્ટાફમાંથી કોઈએ શરૂઆતમાં તેમણે ડૉ. ગણેશની આ પહેલને ‘બિન-તર્કસંગત’ અને ‘લોસ મેકિંગ’ ઝુંબેશ ગણાવી ટેકો આપ્યો ન હતો. અભિયાનના પહેલા દિવસે, જ્યારે તેમણે મીઠાઈ વહેંચીને છોકરીના પ્રથમ જન્મની ઉજવણી કરી, ત્યારે લોકોએ તેમને પાગલ કહ્યા.

નાણાકીય મોરચે પણ, તેમને તેમના પરિવાર તરફથી દર વખતે છોકરીના જન્મ સમયે રૂ. 25,000 (નોર્મલ ડિલિવરી) અને રૂ. 50,000 (સી-સેક્શન) ફી માફી આપવા બદલ ઠપકો મળ્યો હતો.

પરંતુ ડૉ. ગણેશે નકારાત્મક પ્રતિભાવો પર ધ્યાન આપ્યું નહીં. “હું મારા જીવનનો મોટાભાગનો સમય ગરીબીમાં જીવ્યો છું, તેથી હું હવે ઓછા પૈસાથી પણ સારું સંચાલન કરી શકું છું. જો હું જીવન બચાવવા કરતાં પૈસા વિશે વિચારું તો હું કેવો ડૉક્ટર બનીશ?

આટલા વર્ષો દરમિયાન, તેમણે 2,000 થી વધુ બાળકીઓની મફતમાં ડિલિવરી કરી આપી છે, તેથી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે ક્યારેય મફત ડિલિવરીની કુલ રકમની ગણતરી કરી છે, ત્યારે તેઓ હસીને કહે છે, “હું આ આંકડો જોઈને મારી જાતને અથવા મારા પરિવારને ડરાવવા માંગતો નથી.”

આ પણ વાંચો: 20 વર્ષથી ડૉક્ટર દંપતિ કરે છે સેવા, રસ્તે ભટકતી 500 અશક્ત મહિલાઓના બચાવ્યા જીવ

તેમની આ ઝુંબેશના પ્રથમ વર્ષમાં, તેમણે 130 બાળકોની ફી માફ કરી દીધી હતી અને ત્યારબાદ કુદરતી રીતે જ પ્રાદેશિક અને કેટલાક રાષ્ટ્રીય પેપર્સની હેડલાઇન્સમાં તેઓ ચમક્યા હતા. ટૂંક સમયમાં, ભારતભરના ડોકટરો તેમની પાસે પહોંચ્યા અને તેમના આ દાવાને અનુસરવાનું વચન આપ્યું. આનાથી તેમને સામૂહિક રીતે શક્ય તેટલા વધુ ડૉક્ટરોને પ્રેરણા આપવાનો વિચાર આવ્યો.

ડૉ. ગણેશ ભારત અને વિદેશમાં 4 લાખથી વધુ ડૉક્ટરો સુધી પહોંચ્યા છે.

ડોક્ટરોને મફત ડિલિવરી આપવાનું કહેવું અયોગ્ય છે પરંતુ જો તેઓ તેમાંથી મુઠ્ઠીભર ડિલિવરી પણ મફત કરી શકે તો પણ આ સંદેશ ઘણા લોકો સુધી પહોંચે છે. કેટલાક ડોકટરો તેમની ક્ષમતાના આધારે ડિસ્કાઉન્ટ આપે છે,” ડૉ ગણેશ કહે છે.

પુણેની મૌલી હોસ્પિટલના ડૉ. સતીશ આંધલે પાટીલ 2017 થી બાળકીઓને મફતમાં જન્મ આપી રહ્યા છે.

ડૉ. પાટિલે સિડની મોર્નિંગ હેરાલ્ડને જણાવ્યું હતું કે,“મેં 15 મહિલાઓની આત્મહત્યા જોઈ છે જેમણે તેમની બીજી પુત્રીને જન્મ આપ્યો હતો અને નિરાશામાં હતી. જ્યારે ડૉ.રખ દ્વારા આ રીતની શરૂઆત થઈ, ત્યારે હું જાણતો હતો કે આ રીતે કામ કરવાની મારી પણ એક સામાજિક જવાબદારી છે,”

ગાયનેકોલોજિસ્ટ ડૉ. સચિન સાનપ પણ ડૉ. ગણેશથી પ્રેરિત હતા અને તેમણે પાંચ વર્ષ પહેલાં ફ્રી ડિલિવરી શરૂ કરી હતી. તે સનપ વિમેન્સ ક્લિનિક અને એપોલો મંજરીમાં સંપૂર્ણ સમય કામ કરે છે અને દસ હોસ્પિટલોમાં ઑન-કોલ ડૉક્ટર છે.

Save The Girl Child Campaign By Dr Ganesh

ડૉ. સચિન ધ બેટર ઈન્ડિયાને કહે છે કે,“મેં અત્યાર સુધીમાં લગભગ 250 બાળકીઓની મફતમાં ડિલિવરી કરી છે, અને તેમાંથી દરેક માટે, અમે કેક કાપીને અને બેબીકેર કીટ આપીને ઉજવણી કરી છે. મેં આ પહેલ વિશે મારા ક્લિનિકની બહાર બેનરો પણ લગાવ્યા છે. જ્યારે માતા-પિતા જન્મ માટે નોંધણી કરાવવા આવે છે, ત્યારે તેઓ વારંવાર કહે છે કે જો છોકરી હોય તો અમને કોઈ ટેન્શન નથી, અને મને લાગે છે કે આ બદલાવ ખરેખર આવકારદાયક છે.”

તેમના નિષ્ઠાવાન પ્રયાસો માટે, ડૉ. ગણેશને બહુવિધ સન્માન મળ્યાં છે. પરંતુ તે કહે છે કે સૌથી વધુ લાભદાયી નવા માતાપિતા, ખાસ કરીને માતાઓની કૃતજ્ઞતા છે. તેમના કેટલાક જૂના દર્દીઓએ તેમનો આભાર પણ માન્યો છે કારણ કે તેમની પુત્રીઓ અભ્યાસમાં સારો દેખાવ કરી રહી છે.

તેમના પોતાના પરિવારની વાત કરીએ તો, તેમની 15 વર્ષની પુત્રી, પત્ની અને માતા-પિતાને તેમના અને તેમના કામ પર ખૂબ ગર્વ છે.

ડૉ ગણેશ છેલ્લે નોંધે છે કે,”સદીઓથી, આપણે ‘ઘર કી લક્ષ્મી’ કહેવતમાં માનતા આવ્યા છીએ અને તે મારા હોસ્પિટલના આ પરિસરમાં જ વાસ્તવિકતામાં રૂપાંતરિત થાય છે તે જોવું ખૂબ જ આહલાદ્ક અને પરિપૂર્ણ લાગે છે.”

મૂળ લેખ: ગોપી કરેલિયા

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: મજૂરને લોહી માટે પડતી તકલીફ જોઈ મોરબીના માજી સૈનિકે શરૂ કરી ફ્રી બ્લડ બેન્ક

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

 • feel inspired icon
  97
 • more aware icon
  121
 • better informative icon
  89
 • do something icon
  167

Tell Us More

 
X