શિયાળો શરૂ થાય અને લોકોનાં ઘરોમાં ઉંધિયા-જલેબીનાં પ્રોગ્રામ બનવાનાં શરૂ થઈ જાય છે. ત્યારે ઉંધિયામાં પાપડીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અને પાપડી તો સુરતની જ વખણાય છે. ત્યારે સુરતનાં ભાઠા ગામમાં રહેતાં ઉષા બહેન તેમનાં 3 વીઘાનાં ખેતરમાં સુરતી પાપડીની વાવણી કરે છે. તેમની પાપડી એટલી ફેમસ છે કે લોકો દૂર-દૂરથી તેમના ખેતરમાં પાપડી ખરીદવા માટે આવે છે તો ચાલો જાણીએ કોણ છે આ ઉષા બહેન જેમની પાપડી માર્કેટમાં નહીં પરંતુ તેમનાં ખેતરમાં જ મળે છે.

ઉષાબેનનો સંઘર્ષ
તમારી આજુબાજુ ઘણા એવાં લોકોને તમે જોયા હશે, જેઓ જીવનમાં આગળ આવવા માટે સખત મહેનત કરે છે અને સફળતા મેળવે છે. સુરતના ભાઠા ગામમાં રહેતાં ઉષા બહેન પટેલ એવાં જ એક મહિલા છે. ઉષા બહેન છેલ્લાં 30 વર્ષથી આ પાપડીની ખેતી કરે છે. ઉષા બહેન 3 વીઘાનાં ખેતરમાં પાપડી ઉગાડીને ત્રણ મહિનામાં એક લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. પહેલાં ઉષા બહેન નવસારીનાં માર્કેટમાં એક જ જગ્યાએ 25 વર્ષથી બેસીને પાપડીનું વેચાણ કરતા હતા. શિયાળાની ઠંડી હોય કે ચોમાસાનો વરસાદ ઉષા બહેનનાં રૂટીનમાં કોઈ ફેરફાર થતો ન હતો. છેલ્લાં થોડા વર્ષોથી જેમ ટેક્નોલોજી વધતી ગઈ તેમ તેમણે પણ બદલાવ કર્યો છે. ભાઠા ગામમાં ઉષા બહેનની મોનોપોલી છે. જૂના ગ્રાહકો જે વર્ષોથી તેમની પાસેથી પાપડી ખરીદતા હતા, ઉષા બહેન હવે તેમને ઘરે હોમ સર્વિસ પ્રોવાઈડ કરે છે. લોકો પાપડીને આખું વર્ષ ફ્રોઝન કરવા માટે ઉષા બહેન પાસેથી પાપડી લઈ જાય છે. ઓનલાઈન માર્કેટિંગ અને માઉથ ટુ માઉથ માર્કેટિંગનાં કારણે આજે લોકો તેમના ખેતર ઉપર જ દરરોજ પાપડી લેવા માટે આવે છે. દરરોજ સવાર પડે તે તરત જ ઉષાબેન ખેતર તરફ વાટ પકડે છે અને બાળકોની જેમ પાપડીની સંભાળ રાખે છે. સવારે ઉઠે ત્યારથી તો રાત્રે સુવે ત્યાં સુધી ઉષાબહેન તેમનો સમય આ પાપડીઓને આપે છે.

બાળપણથી કરે છે પાપડીની ખેતી
200 રૂપિયાથી શરૂ થતી પાપડી સીઝનમાં વધુ ઉત્પાદન થાય એ વખતે 150 રૂપિયે આસપાસ વેચાતી હોય છે. ઉષાબેન કહે છે, સુરતીઓને પાપડી વગર ચાલતું નથી. સુરતીઓ એક ટાઈમ ભોજનમાં પાપડી ખાવાનું પસંદ કરતા હોય છે. તમામ સુરતીઓ વેજ હોય કે નોન-વેજ બધામાં પાપડીનો ઉપયોગ કરતા હોય છે. અમે આ પાપડીની ખેતી વર્ષોથી કરીએ છીએ. ઉષા બહેન વધુમાં ધ બેટર ઈન્ડિયાને જણાવે છે કે, હું બાળપણથી પાપડીની ખેતી કરતી આવી છું. મારા પિયરમાં પણ પાપડીની ખેતી થતી હતી અને સાસરે આવ્યા બાદ છેલ્લાં 30 વર્ષ કરતાં વધુ સમયથી અમે પાપડીની ખેતી કરીએ છીએ. અમારી પાપડીનું વેચાણ અમે નવસારી બજારથી કરતા હતા અને હવે ઘરેથી કરીએ છીએ, સાથે જ ગ્રાહકોના એડવાન્સ બુકિંગ હોય તો સીધા તેમના ઘર સુધી એની ડિલિવરી પણ કરીએ છીએ. અને એક કિલોથી વધુ પાપડીની ખરીદી કરતા લોકોનાં ઘર સુધી અમે પાપડી પહોંચાડીએ છીએ. 15 ઓગષ્ટ બાદ પાપડીની વાવણી કરવાનું ચાલુ કરીએ છીએ. પાપડીને પાણીની જરૂર ઓછી પડે છે. પાપડી માત્ર ચોમાસાનાં પાણીમાં જ થાય છે. એટલે તે ખાવામાં મીઠી હોય છે. સાથે જ પાપડીનો પાક તૈયાર થાય ત્યારે રોજેરોજ એને ઉતારી લેવો પડે છે. તેથી જે લોકો તેમનાં ખેતરમાં પાપડી લેવા માટે આવે છે, તેમને તેમની જરૂરિયાત મુજબ પાપડી તોડીને આપવામાં આવે છે. આ તાજી તોડેલી પાપડી ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે.
દરરોજ 20 કિલો પાપડી ઉતરે છે
ઉષા બહેન કહે છેકે, તેમનાં 3 વીઘાનાં ખેતરમાંથી દરરોજ 20 કિલો જેટલી પાપડી ઉતરે છે. એટલેકે, દરરોજની 3000 રૂપિયાની પાપડી ઉતરે છે. આ પાપડીનો પાક ટૂંકાગાળાની ખેતીનો છે જેમાં બે મહિનામાં જ પાપડી આવી જાય છે. પાપડી ઉતારવા માટે તેમને દરરોજ તેમનો પરિવાર પણ મદદ કરે છે. દિકરા-દિકરી, જમાઈ-વહુ સહિત પરિવારનાં દરેક સભ્યો પાપડી તોડવાથી લઈને તોલીને ગ્રાહકોને આપવા સુધી ઉષાબહેનની મદદ માટે હાજર રહે છે. શિયાળામાં જેમ ઠંડીનું પ્રમાણ વધે તેમ પાપડીનું ઉત્પાદન પણ વધે છે અને તેનું વેચાણ પણ વધે છે. ઉષા બહેન તેમનાં ખેતરમાં પાપડીની ખેતી ઓર્ગેનિક રીતે કરે છે. તેમાં કોઈ પણ પ્રકારનાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી એટલે જ તેમની પાપડીનો સ્વાદ અન્યોની પાપડીની સરખામણીએ મીઠી હોય છે. ઉષાબહેન કહે છેકે, સામાન્ય રીતે પાપડીનો પાક દરરોજ ઉતારી લેવામાં આવે છે. તેથી કોઈ મુશ્કેલી આવતી નથી પરંતુ જો કોઈ વાર રોગ લાગૂ પડી જાય તો પણ અમે ઓર્ગેનિક દવાનો જ છંટકાવ કરીએ છીએ.

ગ્રાહકોને પીવડાવે છે ઉબાડીયું
ઉષા બહેન કહે છેકે, હવે અમે નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. તેમનાં ખેતરમાંથી જ તોડેલી પાપડીમાંથી ઉંબાડિયું બનાવીને લોકોને વેચે છે. જે લોકો પરિવારની સાથે તેમના ખેતર ઉપર પાપડી ખરીદવા માટે આવે છે તેઓ ગરમાગરમ ઉંબાડિયુ અને છાશ પણ ખાતા જાય છે. ઉષાબહેન ફાર્મ ઉપર 300 રૂપિયા કિલો ઉંબાડિયુ વહેચે છે. ઉષા બહેન કહે છેકે, 2-5 કિલો પાપડી ખરીદવા માટે આવતા લોકો 500 ગ્રામ ઉંબાડિયુ પણ ખાતા જાય છે.
વિદેશમાં પણ જાય છે પાપડી
ઉષા બહેન તેમના ગ્રાહકોને ડાયરેક્ટ ખેતરમાંથી જ પાપડી આપે છે. સુરતમાં પાપડીની માગ લગ્નની સિઝનમાં, 31 ડિસેમ્બર અને ઉત્તરાયણનાં તહેવારોમાં ખૂબ ઉંચી રહે છે. સામાન્ય દિવસોમાં 160 રૂપિયા કિલો વેચાતી પાપડી આ દિવસોમાં કિલોદીઠ 200 રૂપિયાની ઉંચી કિંમતે વેચાય છે. ત્યારે ઉષા બહેનનાં ખેતરની પાપડી ખરીદવા માટે સૂરતીઓ તો આવે જ છે સાથે જ તેમની પાપડી મુંબઈ, કોલકાતા, બરોડા, નવસારી પણ જાય છે. થોડા દિવસ પહેલાં અગાઉ બુકિંગ કરાવીને ઉષાબહેનનાં ખેતરની પાપડીને દુબઈ મોકલવામાં આવી હતી.

તાડપડી વેચીને પણ કરે છે કમાણી
ઉષા બહેન આગળ કહે છેકે, અમે પાપડીની સિઝન પુરી થયા બાદ ખેતરમાં બીજું કશું જ વાવતા નથી. પરંતુ અમારા જ ખેતરમાં ગલેલી એટલેકે તાડપડીનાં થોડા ઝાડ છે. જેમાં એપ્રિલનાં અંતથી જૂન મહિના સુધી ગલેલી આવે છે. તેનું અમે બે મહિના વેચાણ કરીએ છીએ. અમારા ખેતરમાં આ ગલેલીનાં ઝાડ કુદરતી રીતે ઉગેલા છે. ઉષા બહેન પાપડીની જેમ ગલેલીનું વેચાણ પણ ખેતરમાંથી જ કરે છે. તેનું પણ ઓનલાઈન બુકિંગ લોકો કરે છે. અમે ગલેલીનું વેચાણ કરીને બે મહિનામાં એક થી દોઢ લાખ રૂપિયાની કમાણી કરીએ છીએ. તેની સાથે જ અમારા ખેતરમાં સરગવાનાં પણ ઝાડ છે. જેનું વેચાણ અમે ડાયરેક મુંબઈનાં એક વેપારીને કરીએ છીએ,
બીજા લોકોને મળી પ્રેરણા
ઉષા બહેનનો જુસ્સો અને કામ પ્રત્યેની નિષ્ઠા જોઈને તેમની આસાપાસનાં ખેતરવાળા લોકો પણ પ્રેરિત થયા છે. તેઓ પણ ઉષા બહેન પાસે તેમના હુનર શીખવા માટે આવે છે. અને ઉષા બહેનની જેમ તેમના ખેતરમાં પણ પાપડીનું વાવેતર કરે છે. ઉષા બહેન આગળ કહે છેકે, પહેલાં હું લોકોને મારા ખેતરની પાપડીનાં બી બિયારણ માટે વેચતી હતી પરંતુ હવે અચાનક વરસાદ અને કુદરતી આપત્તિને કારણે મારે પણ કોઈવાર બે-બે વાર વાવણી કરવી પડે છે. એટલે હવે હું મારા ઘરેથી બિયારણ વેચતી નથી.

યુવાપેઢીને સંદેશ
અંતે ઉષા બહેન આજની યુવાપેઢીને સંદેશો આપવા માગે છે કે, આજના યુવાનો નોકરી અને સારા જીવનની આશાએ મોટા શહેરો તરફ દોટ લગાવે છે. અને પાછળથી તેમનાં બાપ-દાદાની જમીનોને વેચી દે છે. ત્યારે આજની યુવા પેઢીએ જમીનો વેચવાની જગ્યાએ તેમનાં ખેતરમાં દેશી પદ્ધતિથી ખેતી કરીને સારા પાક લેવા જોઈએ અને લોકોને સારા પાક ખવડાવવા જોઈએ. તેમાં પણ સારી કમાણી થઈ શકે છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ‘આદર્શ ઘર’નો અવૉર્ડ મળ્યો છે અમરેલીના આ ઈકો ફ્રેન્ડલી ઘરને, વિજળી, પાણી, શાક-ફળ બધુ જ મફત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.