આપણા શહેરમાં કેટલાક ઘરો એવા છે, જેને બહારથી જોઈને ઘણીવાર મનમાં વિચાર આવે છે કે ‘ઘર હોય તો આવુ!’ પરંતુ છેલ્લા કેટલાંક સમયમાં સમજાયુ કે ઘરના બહારના વાતાવરણ, સાજ-સજ્જા અને સુંદરતાથી ઉપર જઈને થોડું વધારે ઉંડાણથી પોતાના ઘર વિશે વિચારવું જોઈએ કે, શું આપણે માત્ર દેખાડા માટે ઘર બનાવવું છે કે પછી આપણું ઘર સાચા અર્થમાં એક સારી જીવનશૈલીનું પર્યાય હોય. આજે અમે તમને ભોપાલનાં એક એવાં ઘર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને આજથી લગભગ 20 વર્ષ પહેલાં ડૉ. રાજારામ (સ્વર્ગીય) અને તેમના પત્ની ડૉ. બિનય રાજારામે બનાવ્યુ હતુ.
આ ઘરનું નામ ‘સપ્તવર્ણી’ છે. સ્વર્ગીય રાજારામ જીની પત્ની અને હિન્દીના પ્રોફેસર ડો.બિનયે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું હતું કે, તેમણે આ ઘર પ્રકૃતિની અનુરૂપ બનાવ્યું છે અને તેથી જ પરિસરમાં ઝાડ અને છોડને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે.
ડૉ.બિનય કહે છે કે જ્યારે તેણે ઘર બનાવવાની યોજના બનાવી ત્યારે તેણે પહેલા તેની જમીન પર એક નાનું તળાવ બનાવ્યુ. આ છ ફૂટ ઉંડા તળાવની રચના બિનયના પતિ સ્વ. ડો.રાજારામ અને તેમના પુત્ર કૌસ્તુભ શર્માએ જાતે કરી હતી. ઘરના નિર્માણના સમયથી, આ તળાવનો ઉપયોગ વિવિધ હેતુ માટે કરવામાં આવે છે. તેમના માતાપિતાની જેમ, કૌસ્તુભ શર્મા પણ પર્યાવરણ અને વન્યપ્રાણીસૃષ્ટિ પ્રત્યે સંવેદનશીલ રહ્યા છે. એટલા માટે તેણે આ ક્ષેત્રમાં પોતાની કારકીર્દિ બનાવી હતી. હાલમાં, તે બિશ્કેકમાં ‘સ્નો લેપર્ડ ટ્રસ્ટ’ સાથે ઇકોલોજીસ્ટ તરીકે કાર્યરત છે.

ઘરમાં લગાવ્યા 24 પ્રકારનાં 40થી વધારે ઝાડ-છોડ
કૌસ્તુભ કહે છે કે શરૂઆતથી જ તેના માતાપિતા ઘરમાં રોપાઓ લગાવતા હતા. આજે તેના ઘરે 40 થી વધુ મોટા અને ગીચ છાંયડાવાળા, ફળોના ઝાડ તેમજ ફૂલોના ઝાડ અને 24 પ્રકારના વેલા છે. ઉપરાંત, નીલકમલ અને કુમુદિની જેવા ફૂલો તેમના ઘરના તળાવમાં ખીલે છે. તેમણે કહ્યું, “ઘણી વખત લોકો આખી જગ્યામાં બાંધકામ કરાવે છે. પરંતુ અમારા ઘરની મોટાભાગની જગ્યા કાચી છે અને તેનો ઉપયોગ બગીચા માટે થાય છે. આનાથી અમારા ઘરની લીલોતરી તો વધે જ છે, સાથે ઘણા પક્ષીઓને અન્ન અને આશ્રય પણ મળે છે.”
તેના ઘરમાં મોટાભાગના કાયમી વૃક્ષો અને છોડ છે. ફૂલોની જેમ તેમની પાસે કનેર, ચંપા, બોગેનવિલિયા, ગુલાબ, ક્રોટન, બેગોનીયા, ટિકોમા, બેલા, ચમેલી અને ગરવેરા વગેરે છે. આ સિવાય તેમના ત્યાં નાળિયેર, સીતાફળ, આમળા, દાડમ, દ્રાક્ષની વેલો, અંજીર, જામફળ, લીંબુ, મોસાંબી અને લીચીનાં ઝાડ પણ છે.

ડૉ.બિનયને ઝાડ અને છોડ સાથે એટલો લગાવ છે કે તેઓ જન્મદિવસ, લગ્ન અથવા અન્ય કોઈ કાર્યક્રમમાં લોકોને ફૂલોનો બુકે અથવા કોઈ અન્ય ભેટને બદલે છોડ આપે છે. “અમે મારી પૌત્રીના જન્મ સમયે લીચીનો છોડ રોપ્યો હતો. આ વર્ષે તેના પર ફળ આવ્યા છે. આ સિવાય ગિલોય જેવા ઘણા પ્રકારના ઔષધીય છોડ છે. આજે પણ જો કોઈ મારા ઘરે આવે તો હું તેમને છોડ આપું છું. કારણ કે તમે જેટલી હરિયાળી ફેલાવો તેટલું સારું,”તેમણે કહ્યું.
ઘરની અંદર ઘણાં બધાં ઝાડ અને છોડ હોવાને લીધે, તેમના કેમ્પસમાં પક્ષીઓ વારંવાર આવતા હોય છે, જેમાં કોયલ, બુલબલ્સ, કિંગફિશર્સ, વૉટર હેન અને ગોરેયાનો સમાવેશ થાય છે. તેઓએ તેમના માટે બગીચામાં માળા પણ ગોઠવ્યા છે. પક્ષીઓ સિવાય, તમને ખિસકોલી, દેડકા અને સાપ જેવા જંતુઓ પણ મળશે જેઓ તેમના બગીચામાં ફરતા દેખાય છે.
ડૉ.બિનયને પ્રાણીઓ પ્રત્યે વિશેષ લગાવ છે. તેમણે કહ્યું કે એકવાર તે રસ્તામાં ફરતા નંદી બળદને ખવડાવવા ગઈ અને જોયું કે તેની આંખમાં ઈજા પહોંચી છે. તેમણે તુરંત જ પ્રાણીઓની સારવાર કરતી ટીમનો સંપર્ક કર્યો અને તેમને બોલાવ્યા. તેણીએ તે નંદી બળદનું નામ ‘નંદુ’ રાખ્યું હતું અને નિયમિત તેની સંભાળ લેતા હતા.
“અમુક સમયે તે મારી પાસે આવી જતો અને આંખો બતાવતો. ઘણી વખત, તે અમારા બગીચામાં ઉગતા ઘાસ ચરવા પણ આવ્યો છે. તે સમયે અમને ઘાસ કાપવાની કોઈ જરૂર નહોતી. આવી સ્થિતિમાં, લોકો વારંવાર કહેતા કે તમે બળદોથી ડરતા નથી? પરંતુ હું માનું છું કે, પ્રાણીઓને તમે જેટલો પ્રેમ આપશો, તેનાંથી ઘણો વધારે પ્રેમ તે તમને આપે છે.” તેમણે કહ્યુ.

વરસાદનું પાણી બચાવે છે
લીલોતરીની સાથે, તેણે તેના ઘરમાં અન્ય કુદરતી સંસાધનો પર પણ કામ કર્યું છે. મકાન બનાવતી વખતે તેમણે પોતાના મકાનમાં ‘રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ’ લગાવી હતી. તે એક એવી સિસ્ટમ છે જેના દ્વારા વરસાદનું તમામ પાણી એકઠું થાય છે અને બોરવેલમાં જાય છે અને ભૂગર્ભજળના સ્તરને વધારવામાં મદદ કરે છે. આ પરિવાર દર વર્ષે બે લાખ લિટરથી વધુ વરસાદના પાણીની બચત કરી રહ્યો છે.
ડૉ.બિનયે જણાવ્યુ કે, જ્યારે તેમનો પરિવાર આ ઘરમાં આવ્યો હતો, ત્યારે જો પાણી જમીન ઉપર પડી જાય તો થોડીવારમાં જ તે જગ્યાએ એક સફેદ પરત પડી જતો હતી. કારણ કે તે સમયે પાણીમાં ઘણા બધા ખનીજ હતા. પરંતુ હવે પાણીની ગુણવત્તામાં ઘણો સુધારો થયો છે. અને આ માત્ર વરસાદના પાણીની બચતને કારણે છે. વરસાદી પાણીને બચાવવા ઉપરાંત, તેમના મકાનમાં ઘણાં વર્ષોથી સોલર હીટર લગાવેલું છે. આને કારણે તેમને ગરમ પાણી માટે વીજળી પર નિર્ભર રહેવું પડતું નથી. તેણી ક્યારેય ઘરનો કચરો ડમ્પયાર્ડમાં ફેંકતી નથી.

“ઘણાં વર્ષોથી હું ફક્ત કાપડની થેલીનો જ ઉપયોગ કરું છું. શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિક અથવા પોલિથિનનો ઉપયોગ ઓછો કરવાનો પ્રયાસ કરું છું. જો પોલિથિન ઘરમાં આવે તો પણ કચરો અલગ કરીને મ્યુનિસિપલ કચરાના વાહનમાં આપવામાં આવે છે. આ કચરાના યોગ્ય સંચાલનમાં મદદ કરે છે, ”તેમણે કહ્યું.
થોડા સમય પહેલા તેમણે પોતાના મકાનમાં વીજળી માટે ‘ઓન ગ્રીડ સોલર સિસ્ટમ‘ પણ લગાવી છે. ત્રણ કિલોવોટની ક્ષમતાવાળા આ સોલાર સિસ્ટમથી તેઓને વર્ષમાં છ-સાત મહિના મફત વીજળી મળી રહે છે. કૌસ્તુભ કહે છે કે પહેલાં વીજળીનું બિલ લગભગ સાડા ત્રણથી ચાર હજાર રૂપિયા આવતું હતું, પરંતુ હવે તે આઠથી 10ગણુ નીચે આવી ગયું છે.
જો કોઈ આ ઘરને જુએ છે અને આ પરિવારની જીવનશૈલીને સમજે છે, તો તે ચોક્કસ ‘ઘર હોય તો આવુ!’ કહેશે. સાચું માનો તો તમે અને અમે પણ પોતાના ઘરને આ પ્રકારે વિકસિત કરી શકીએ છીએ, બસ જરૂર છે તો પોતાના ઘરના હિસાબથી કંઈક ઈકો ફ્રેન્ડલી પગલા ભરવાની. જેમકે, પોતાના ઘરમાં ઉપલબ્ધ જગ્યા અને તડકા મુજબ વૃક્ષો અને છોડ રોપણી કરી શકો છો. વરસાદના પાણીને એકત્રિત કરવા માટે આપણે વિવિધ ટેકનિકોનો ઉપયોગ કરી શકીએ છીએ. અને તમારે આ બધું એક સાથે કરવાની જરૂર નથી, તમે એક સમયે એક પગલું આગળ વધશો અને તમને સફળતા મળશે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: વિજળી, પાણી & પર્યાવરણના બચાવવા માટે રાજકોટની આ હોટેલે લીધાં નોંધપાત્ર પગલાં, અનુસરવા જેવાં છે દરેકે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.