ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી? જાણો અમદાવાદના કાર્ડિયોલોજિસ્ટ અને ખેડૂત ડૉ.દિનેશ પટેલ પાસેથી

અમદાવાદના ડૉ.દિનેશ પટેલે રોગને મટાડવાની, જગ્યાએ જે તે રોગને પાયામાંથી નાબૂદ કરવા પર વધુ ધ્યાન આપ્યું. આ વિચારને ધ્યાનમાં રાખીને, તે છેલ્લા 30 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે.

ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી? જાણો અમદાવાદના કાર્ડિયોલોજિસ્ટ અને ખેડૂત ડૉ.દિનેશ પટેલ પાસેથી

સરદાર પટેલ ફાર્મ અમદાવાદથી લગભગ 40 કિમી દૂર આવેલું છે, જે 125 એકરમાં પથરાયેલું છે અને તેની આસપાસ સાત કિલોમીટર લાંબી, સુંદર બોગનવેલ બાઉન્ડ્રીથી ઘેરાયેલું છે સરદાર પટેલ ફાર્મ.

કાર્ડિયોલોજિસ્ટ ડૉ.દિનેશ પટેલનું આ ફાર્મ સજીવ ખેતીની વિવિધતા અને કુદરતી સૌન્દર્યનું એક સુંદર ઉદાહરણ છે. આ ફાર્મમાં આશરે એક હજાર મોર અને બીજા પક્ષીઓની 50 થી વધુ જાતિઓ રહે છે.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા ડૉ.દિનેશ કહે છે, “આ બધા પક્ષીઓ અને અનેક કરોડો જીવજંતુઓ મારા ખેતરમાં રહે છે અને ખેતીમાં પણ ફાળો આપે છે. તે બધા પોતાનું કામ કરે છે અને શુદ્ધ ખોરાક લે છે. આટલું જ નહિ, તેઓ ઓર્ગેનિક રીતે ખેતી કરવામાં પણ અમને લાભ આપે છે.

ડૉ.દિનેશ પટેલ છેલ્લા 30 વર્ષોથી તબીબી પ્રેક્ટિસ કરવાની સાથે સાથે ખેતી પણ કરી રહ્યા છે. આ ખેતીમાં પોતાની સમજણ ઉમેરીને, 100 થી વધુ બાયો-પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે. તે આ બાયો-પ્રોડક્ટ્સને પોતના ઓર્ગેનિક બ્રાન્ડ નામ, ECOVITALS (ઇકોવિટલ્સ) હેઠળ વેચે છે. ડૉ.દિનેશે જણાવ્યું હતું કે કેટલાય ટન ઘઉં, ચોખા, કઠોળ અને શાકભાજી બજારમાં લઈ ગયા વગર તે પોતે ખેતરમાંથી જાતે નક્કી કરેલા નિશ્ચિત ભાવે વેચે છે.

Sardar Patel Farm

બાળપણમાં વાવેલા કુદરતી ખેતીનાં બીજ
દિનેશના પિતા ડૉક્ટર જી.એ. પટેલ કેન્યાના એક ગામમાં ડૉક્ટર હતા. તેમને ખેતીમાં ખૂબ જ રસ હતો, એટલે તેમના પિતા ઘરની આસપાસ ઘણી બધી વસ્તુઓ ઉગાડતા રહેતા હતા. ડૉ.દિનેશ થોડા મોટા થયા ત્યારે તેમનો આખો પરિવાર ભારત (અમદાવાદ) રહેવા આવી ગયો. તેમના પિતાજીને ખેતીનો એટલો શોખ હતો કે તેમણે જમીન ખરીદી અને ખેતી કરવાનું શરૂ કર્યું, આ માટે તેમણે ડૉકટરનું પ્રોફેશન પણ છોડી દીધું.

ડૉ.દિનેશના કહેવા પ્રમાણે, અગાઉ તેમના પિતાએ વ્યવસાયિક ખેતી શરૂ કરી હતી, જેમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ થતો હતો. પરંતુ, કેન્યામાં તે ઓર્ગેનિક ખેતી કરતા હોવાથી, તે આ પ્રકારની ખેતીમાં ઓછો રસ ધરાવતા હતા.

પછી લગભગ 30 વર્ષ પહેલાં, એક દિવસ તેમણે પોતાની ખેતીની પદ્ધતિમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. તેમણે ખેતરમાં રહેલા બધા જ રાસાયણિક ખાતરોને ખેતરની બહાર મુક્યા અને નજીકના ગામના ખેડુતોને કહ્યું, ‘જે ઇચ્છે છે તે આ ખાતર લઈ શકે છે.’

Benefits of Organic Farming

શરૂઆતમાં દરેક લોકોને આશ્ચર્ય થયું કે આ લોકો શું કરે છે. બધાને લાગ્યું કે તેમણે ખેતી છોડવાનું નક્કી કરી લીધું છે. પરંતુ પાછળથી બધાને ખબર પડી કે તેઓ નવી રીતે ખેતી કરી રહ્યા છે.

ડૉકટરનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, ડૉક્ટર દિનેશે ઘરની નજીક રહીને જ પ્રેક્ટિસ શરુ કરવાનું નક્કી કર્યું. તેઓ કહે છે, “મેં જોયું છે કે દરેક ખાદ્ય પદાર્થો રસાયણોથી બનાવવામાં આવે છે, તેથી લોકોને દવાઓ આપવા કરતાં આરોગ્યપ્રદ ખોરાક આપવાનું વધુ સારું છે.”

ફાર્મમાં માઈક્રો વાતાવરણ બનાવવામાં આવ્યું છે
તેનું આખું ક્ષેત્ર સીમેન્ટ કે લોખંડના તારથી બનેલી બાઉન્ડ્રીથી ઘેરાયેલું નથી, પરંતુ બોગનવેલના સુંદર ફૂલોથી ઘેરાયેલું છે. તે સમજાવે છે કે, “આ પ્રકારની લીલી બાઉન્ડ્રી બનાવીને અમને ઘણો ફાયદો થયો. તેના કારણે પક્ષીઓથી લઇ મધમાખી જેવા અનેક જીવોનું ઘર બન્યું છે. આ પક્ષીઓ મોટાભાગના જંતુઓ ખાય છે. મારા ખેતરમાં હું કોઈપણ પ્રકારની જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતો નથી, તેથી પક્ષીઓને અહીં સરળતાથી પોતાનો ખોરાક મળી રહે છે. સાથે જ પાકને નુકસાન પહોંચાડતા જીવજંતુઓ દવાઓ વિના મરી જાય છે. મધમાખી ખેતીમાંમાં મદદ કરે છે, જેથી ખેતીમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે.

Dr. Dinesh Patel

આ પ્રકારની લીલી દિવાલને લીધે, ક્ષેત્રમાં તાપમાન સમાન રહે છે અને છોડમાં ભેજ રહે છે.

ડૉ.દિનેશ માને છે કે જ્યારે તમે કુદરતી રીતે ખેતી કરો છો, તો પછી પ્રકૃતિમાં રહેલા બધા જ તત્વોનું યોગદાન જરૂરી છે. એક સમયે, જે જમીન પર પ્રાણીઓ, પક્ષીઓ, જંતુઓ સહેજ પણ નહોંતા, તો આજે આ ખેતર એક હજારથી વધુ મોર અને ઘણા બધા જીવજંતુઓનું ઘર બની ગયું છે.

તેઓ કહે છે, “અળસિયા પોતે જ ખેતરોમાં ખાતર બનાવે છે. આપણે કંઈ પણ કરવાની જરૂર નથી. બીજા જીવો અને અળસિયા જમીનમાં છિદ્રો બનાવે છે, જેનાથી વરસાદી પાણી સીધુ જમીનમાં જાય છે. આ તમામ જીવાતો આપણા ખેતરોમાં જમીનની અંદર ભેજ જાળવવામાં મદદ કરે છે.”

ડૉ.દિનેશ કહે છે, “અમે છેલ્લા વીસ વર્ષથી બજારમાંથી કોઈ પાકનાં બીજ ખરીદ્યા નથી. જો તમે વાર્ષિક બીજની કિંમત એક લાખ રૂપિયા ગણો, તો મેં વીસ વર્ષમાં વીસ લાખ રૂપિયા બચાવ્યા છે.”

તેમણે દરેક ખેડૂતને ‘મારું બીજ મારો હક’ નો મંત્ર આપ્યો છે.
ડૉ. દિનેશના ખેતરમાં ચોખા, ચોખાના ટુકડા અને ચોખામાંથી બનાવેલા પૌંઆ અને મમરા પણ બનાવવામાં આવે છે અને વેચવામાં આવે છે. આ સિવાય તે પોતાના ફાર્મમાં નર્સરી પણ ચલાવે છે.

તેમનું કહેવું છે કે ખેડુતોએ તેમના પાકમાં નૈતિક મુલ્યો ઉમેરવા જોઈએ.
તેમણે કહ્યું, “હું મારા ખેતરમાંથી જ કેટલાય ટન અનાજ વેચું છું, જેના માટે મેં કોઈ માર્કેટિંગ પણ કર્યું નથી. લગભગ 20 વર્ષથી હું ખેતરમાં જ પાક વધારું છું અને આજે મારી પાસે 100થી વધુ પાક ઉત્પાદનો છે.

How to do organic Farming

67 વર્ષના ડોક્ટર દિનેશ સવારના 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી, પોતાના ખેતરમાં કામ કરે છે. તે સવારે 10 વાગ્યે પોતના ક્લિનિકમાં જતા હતા. પણ કોરોના પછી, તેમણે ક્લિનિક જવાનું બંધ કરી દીધું છે. ખેતી પ્રત્યેની તેમની લાગણીને કારણે તેઓ પ્રગતિશીલ ખેડૂત બન્યા છે. ગુજરાત સરકાર દ્વારા તેમના ખેતરને મોડેલ ફાર્મ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય તેમને સરદાર પટેલ કૃષિ એવોર્ડ સહિતના અનેક એવોર્ડ મળ્યા છે.

અત્યાર સુધી હજારો ખેડૂત તેમની પાસે ખેતી શીખવા માટે તેમના ખેતરમાં આવ્યા છે. આ સાથે જ IIM,CEPT જેવી કોલેજના વિદ્યાર્થીઓ તેમના ફાર્મ પર પ્રવાસ કરવા આવતા રહે છે. તે બધાને, ડો.દિનેશ ખૂબ જ ઉત્સાહથી પોતાનું ફાર્મ બતાવે છે અને ખેતી વિશે માહિતી આપ છે.

છેલ્લે તેઓ કહે છે, “જો ખેડૂત કુદરતમાંથી શીખીને અને તેની સાથે જોડાઈને ખેતી કરે તો તેનો લાભ ચોક્કસપણે મળશે. આપણી આસપાસના તમામ જીવોની પોતાની ભૂમિકા છે. તેથી જ હું માનું છું કે દરેકને જીવવા દો અને પોતે પણ જીવો.”

સરદાર પટેલ ફાર્મ વિશે વધુ જાણવા અને તેમની પ્રોડકટના ઓર્ડર માટે તમે તેમના ફેસબુક પેજ અને વેબસાઇટ ની મુલાકાત લઈ શકો છો.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: વલસાડના આ ખેડૂત વર્ષો જૂના આંબાને ફરીથી કરે છે કેરીથી હર્યોભર્યો, રીત છે અદભુત

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

ચાલો મિત્રો બનીએ :)